Last Update : 25-December-2012, Tuesday

 

અદાલતી કાર્યવાહી ઝડપી બને અને સામાજિક માનસિકતામાં તંદુરસ્ત બદલાવ આવે તો જ આવી ઘટનાઓ રોકાશે
દિલ્હી ગેંગરેપ કેસઃ મુદ્દો સાચો, આક્રોશ સાચો, જગ્યા ખોટી

ફેસબુકની વોલ પર સુફિયાણા સ્ટેટસ અપડેટ કરવા અને ખરેખર સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવવી એ બંને વલણ વચ્ચે બહુ મોટો ફરક છે. આપણે ટોળાશાહીના 'હેઈસ્સો હેઈસ્સો'માં પહેલું અને વધુ સહેલું વલણ તો નથી અપનાવી રહ્યા ને? આ સવાલનો જવાબ સરકાર કે ન્યાયતંત્ર પાસે નહિ, આપણી જાત પાસે માગવાનો રહે છે.

દિલ્હી ખાતે ચાલુ બસમાં એક યુવતી પર થયેલા પાશવી બળાત્કાર અને પછી તેની હત્યાના પ્રયાસની ઘટના છેલ્લાં કેટલાંક દિવસથી દેશભરમાં ભારે આક્રોશ જગાવી રહી છે. સોશિયલ મીડિયાથી માંડીને ટીવી ચેનલોના સ્ક્રિન પરથી વહેતો થયેલો જનઆક્રોશ દિલ્હીની સર્દ હવામાં પણ સડકો પર વહીને હવે શાસકોને દઝાડી રહ્યો છે ત્યારે બળાત્કારની આ અત્યંત ઘૃણાસ્પદ ઘટના અનેક સવાલો પણ ઊભા કરે છે.
ઈન્ડિયા ગેટ સામે લાલઘૂમ ચહેરે સૂત્રોચ્ચાર કરી રહેલા, પોલીસ સામે બાથ ભીડી રહેલાં યુવાનો, યુવતીઓના ટોળા બળાત્કારીઓને ફાંસીએ ચડાવી દેવાની માંગ કરી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે બળાત્કારની ઘટના ચોક્કસપણે ધિક્કારને પાત્ર હોવા છતાં અને લોકોનો આક્રોશ બિલકુલ વાજબી હોવા છતાં ફાંસીની સજાની માંગણી અને સરકાર પ્રત્યેનો ફિટકાર તદ્દન ખોટા છે. કારણ કે, બળાત્કાર જેવા ગુનાઓમાં સરકાર કે પોલીસ સામે આંગળી ચિંધાય છે ત્યારે બાકીની ચાર આંગળી આપણાં તરફ એટલે કે સમાજ તરફ તકાયેલી હોય છે.
હાલ આ મુદ્દે ઉમટેલા ટોળાનો આક્રોશ આમ જુઓ તો સરકાર માટે લાંબાગાળે રાહતજનક છે. કારણ કે, અનેક મુદ્દે શાસન વ્યવસ્થા સામે અકળાયેલી જનતાનો ઉશ્કેરાટ આ મુદ્દે થોકબંધ નીકળી રહ્યો છે. દિલ્હી ગેંગરેપના કિસ્સાએ જનતાના એ રોષને બહાર કાઢવા માટે પ્રેશર કૂકરની વ્હિસલ જેવું કામ કર્યું છે. અન્યથા, કૂકરમાં જમા થયેલી આ રોષ, આક્રોશ અને ઉશ્કેરાટની વરાળ સમૂળા કૂકરને જ ફાડીને ફગાવી દે તેમ પણ બન્યું હોત. સમગ્ર મામલો ન્યાયતંત્રની શિથિલતા સંબંધિત હોવા છતાં સરકાર સત્વરે અકારણ તેના ભણી ફંટાયેલા જનઆક્રોશને થાળે પાડે તે પણ જરૃરી છે.
એક બાજુ બળાત્કાર જેવી ઘટના પ્રત્યે વિરોધ દર્શાવતા થોકબંધ ટોળા દિવસોથી જમા થાય અને પોલીસનો ય તીવ્રતાથી પ્રતિકાર કરે બીજી બાજુ એ જ ભારતમાં પોર્નોગ્રાફીની અભિનેત્રી સની લિયોન અને હવે પ્રિયા રાયને ચમકાવતા રિઆલિટી શો હોટ નીવડે અને તેના પગલે એ બંને કન્યાઓને બોલિવૂડની ફિલ્મો ય ઓફર થાય. આ વિરોધાભાસની વચ્ચે જ ક્યાંક દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં થતી બળાત્કારની ઘટનાઓનું કારણ છૂપાયેલું છે. કંઈપણ ઘટના બને એટલે ઈન્ડિયા ગેટ કે જંતરમંતર ખાતે એકઠા થઈને સરકારને ભાંડવાની ફેશન અણ્ણા આંદોલન પછી ચલણી બની ગઈ છે પરંતુ આવા ગુનાઓ સબબ ખરી જરૃર તો અંદર ઝાંકવાની છે. ક્યાંક એવું તો નથી ને કે સમાજનો માંહ્યલો જ એટલો ખોખલો અને વિકૃત થઈ ચૂક્યો હોય? ક્યાંક એવું તો નથી ને કે 'યત્ર નાર્યેષુ પૂજ્યતે...' જેવા સૂત્ર ફક્ત દિવાલ પર લટકતા હોય અને સમાજના મનમાં તો સ્ત્રીઓ પ્રત્યેની હિનભાવના સતત વકરતી જતી હોય?
લોકોના આક્રોશનું ખરૃં કારણ ન્યાયતંત્રની શિથિલતા છે. સરકાર તો ટોળાશાહની આવા દબાણને વશ થઈને મોટરકાર, બસ પરથી કાળા કાચ હટાવી દો, સિટી બસમાં પોલીસને મૂકો જેવા વાહિયાત નિર્ણયો જાહેર કરીને છેવટે તો આક્રોશમાંથી હવા કાઢવાનો પ્રયાસ કરે છે પરંતુ એ કોઈ કાયમી ઉકેલ નથી. જાતીય ગુનાખોરી ફક્ત કાળી ફિલ્મ લગાવેલી ગાડીઓમાં જ થાય અને એ હટાવી લેવાથી કે બસમાં પોલીસને બેસાડી દેવાથી સ્ત્રીઓ સાથેની નિર્લજ્જતા અટકી જશે એવું તો કેમ કહી શકાય?
કાળા કાચ હેઠળ ઘૂમતી ગાડીઓમાં આતંકવાદીઓ ફરે તો પોલીસને ખ્યાલ નથી રહેતો એવી પોલીસની દલીલ ગ્રાહ્ય રાખીને સર્વોચ્ચ અદાલતે ફિલ્મ હટાવી લેવા હુકમ કર્યો હતો એ વખતે પ્રેસ કાઉન્સિલના આખાબોલા અને સાચાબોલા ચેરમેન જસ્ટિસ માર્કંડેય કાત્જુએ કરેલી દલીલ બહુ ચોટડુક હતી. તેમણે કહ્યું હતું કે સંસદ પરના હુમલાના આરોપીઓએ એક હોટેલના બંધ કમરામાં કાવતરૃં ઘડયું હતું તો શું દેશભરની તમામ હોટેલો જમીનદોસ્ત કરી દેશો? અજમલ કસાબ એન્ડ કંપની દરિયાઈ માર્ગે મુંબઈમાં પ્રવેશી હતી તો શું દેશભરના તમામ દરિયાકાંઠે ઊંચી ઊંચી દિવાલો ચણી દેવાશે? આંગળીએ ગૂમડું થાય ત્યારે એ ગૂમડાંનો ઈલાજ કરવાનો હોય અને એ શા કારણે થયું એ જાણીને તેનું કાયમી નિરાકરણ લાવવાનું હોય. પરંતુ ટોળાશાહીથી ભયભીત થયેલી સરકાર તો કરોડરજ્જુમાંથી ઝૂકીને સમૂળી આંગળી જ કાપી નાંખવાની હિમાયત કરી રહી છે.
ખરી જરૃરત ન્યાયતંત્રની શિથિલતા દૂર કરવાની છે. દેશભરની અદાલતોમાં સ્ત્રી અત્યાચાર સંબંધિત ૮૦,૦૦૦થી ય વધારે કેસ દાયકાઓથી પેન્ડિંગ પડયા હોય અને તેમાં પણ નીચલી-ઉપલી-વડી અદાલતોમાં અપીલ પર જવાની સગવડ હોય ત્યારે આરોપીને કાનૂનનો ભય ન રહે એ દલીલ તદ્દન સાચી છે. સામા પક્ષે જાતીય ગુનાનો ભોગ બનેલી સ્ત્રી માટે હજુ હમણાં સુધી પોતાની સાથે જે થયું એ બળાત્કાર જ છે એ સાબિત કરવાની જવાબદારી તેની ગણાતી હતી. ૧૯૯૪ સુધી તો હાલત એવી હતી કે પોલીસ ફરિયાદ નોંધાવતી વખતે સ્ત્રીએ જે ફોર્મ ભરવાનું થતું હતું તેમાં આરોપીના ગુપ્તાંગની વિગતો પણ લખવી પડતી હતી. જો કાયદો આવો જ હોય તો કઈ પીડિતા એકવાર નિર્લજ્જતાનો ભોગ બન્યા પછી ન્યાય મેળવવા માટે જાહેરમાં થતી બીજી નિર્લજ્જતાનો સામનો કરવાની હિંમત દાખવી શકે?
હવે સદ્નસીબે કાયદાએ તેમાં ઘણી સવલતો આપી છે અને પીડિતાઓની ઓળખ છાની રાખવાથી માંડીને ગુનો સાબિત કરવાની તેમના પક્ષની જવાબદારી પણ ઘટાડી છે આમ છતાં હજુ પણ બળાત્કાર થયો છે એવું સાબિત કરવું એ બહુ જ અઘરી અને કડાકૂટભરી બાબત ગણાય છે. સાથોસાથ એ પણ નોંધવું રહ્યું કે બળાત્કારની ફરિયાદો પૈકી અડધોઅડધ કેસમાં ફરિયાદનો હેતુ કંઈક જુદો હોવાનું પણ પોલીસનું તારણ રહ્યું છે. પરંતુ તેનો અર્થ એવો તો હરગિઝ ન થઈ શકે બાકીના અડધોઅડધ કેસના ખરા ગુનેગારોને શંકાનો લાભ આપીને લાંબા સમય સુધી કાયદાની આંટીઘૂંટીમાં કેસને અટકવવાની આઝાદી આપી શકાય.
સૌથી પહેલી આવશ્યકતા સ્ત્રી અત્યાચાર સંબંધિત ફાસ્ટ ટ્રેક કોર્ટને દેશભરમાં અમલી બનાવવા અંગેની જણાય છે. આજે કેન્દ્રિય ગૃહમંત્રી સુશિલકુમાર શિંદેએ છેવટે ૩ જાન્યુઆરીથી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની જાહેરાત કરી છે પરંતુ એ પૂરતું નથી.
દિલ્હી ગેંગરેપનો કિસ્સો દેશભરમાં ચગ્યો છે એટલે ફક્ત આ એક કેસ પૂરતી જાહેર થયેલી આ સુવિધા ક્રમશઃ અને ઝડપભેર સમગ્ર દેશમાં લાગુ થવી જોઈએ. નીચલી અદાલતની સજા સામે ઉપલી અદાલત અને પછી વડી અદાલત, સર્વોચ્ચ અદાલત એમ એક પછી એક અપીલમાં જવાની જોગવાઈ કેટલાંક ખાસ કિસ્સાઓમાં નાબૂદ થવી જોઈએ. કાનૂની આંટીઘૂંટીમાં અટવાયેલા આવા કેસમાં અંતિમ ચૂકાદા પર આવતાં દાયકાઓ વિતી જાય તો પછી સજાનો અર્થ જ ક્યાં રહ્યો?
ડેન્માર્ક, નેધરલેન્ડ, ફ્રાન્સ, ઈટાલી જેવા દેશોમાં જાતીય ગુનાખોરી માટે સમાજના વિવિધ વર્ગોમાંથી પસંદ કરેલા મહાનુભાવોની એક ખાસ જ્યુરી નિમવાની પ્રથા છે. આ જ્યુરીનું કામ ચૂકાદો આપવાનું નહિ પરંતુ કેસનું ગ્રેડિંગ કરવાનું હોય છે. ચોક્કસ ગ્રેડિંગ થયેલા કેસમાં આરોપીને ઉપરની અદાલતમાં અપીલની સુવિધા મળતી નથી. ભારતમાં પણ આ પ્રથા લાગુ કરવી આવશ્યક છે. કારણ કે તો અને તો જ પીડીત સ્ત્રીઓને ઝડપી અને અસરકારક ન્યાય આપી શકાશે.
અંગ્રેજીમાં કહેવાય છે કે, મધર ઈઝ ધ મેટર ઓફ ફેક્ટ બટ ફાધર ઈઝ ધ મેટર ઓફ ફેઈથ. દિલ્હીનો ગેંગરેપ હોય કે થોડાં સમય પહેલાં સુરતની વિદ્યાર્થિની સાથે થયેલો અત્યંત ઘૃણાસ્પદ અત્યાચાર હોય, કેટલાંક કિસ્સામાં ઝાઝી તપાસ કે નિવેદન કે પૂરાવાની આવશ્યકતા નથી હોતી.
આવા કિસ્સામાં પીડિતાની વ્યથાકથા જ ન્યાયતંત્રનો વિશ્વાસ જગાવવા માટે પૂરતી ગણાય. નરી આંખે દેખાય એવા કિસ્સામાં પીડિતાનું બયાન અને ન્યાયતંત્રે નિયત કરેલી જ્યૂરીની જાત-તપાસ પૂરતા ગણાવા જોઈએ. જો અદાલતી કાર્યવાહી ઝડપી બને, આંખે દેખાય એવા ઓપન એન્ડ શટ પ્રકારના કેસમાં ત્વરિતપણે અસરકારક ચૂકાદો આપી દેવાય અને કડકમાં કડક સજા કરવામાં આવે તો કદાચ કાનૂનનો ભય ઊભો થઈ શકે.
બટ વેઈટ, હજુ આટલું કરીએ ત્યારે કદાચ કાનૂનનો ભય ઊભો થાય પરંતુ એટલા માત્રથી સ્ત્રીઓ પ્રત્યેની ગુનાખોરી અટકી જવાની નથી. એ સુધારો તો સામાજિક માનસિકતાના બદલાવ થકી જ આવી શકે. પરંતુ જે રીતે મોબાઈલ, કમ્પ્યૂટર અને ઈન્ટરનેટના માધ્યમથી અશ્લીલતાનો બેફામ મારો થઈ રહ્યો છે ત્યારે એ સામાજિક બદલાવ બહુ જ દુષ્કર છે. આજે બળાત્કારીઓના વિરોધમાં ગળુ ફાડીને ગાંગરી રહેલાં પ્રસાર માધ્યમો આડા દિવસે ફિલ્મી ખબરોના નામે અશ્લીલતાનો ધોધ વહાવતા બંધ થાય તો ય સામાજિક માનસિકતામાં થોડોક ફરક પડી શકે. - બાકી ટીઆરપીનો ખેલ હોય અને લોકલાગણી ભડકાવીને, ઉશ્કેરીને, ચગાવીને સરકારને ભીંસમાં લેવાનો મસ્ત મજાનો દાવ હાથ લાગ્યો હોય ત્યારે પ્રસાર માધ્યમોને તો ફાવતું જડી જાય છે.
આ કિસ્સો પણ તેનાંથી અલગ નથી. ફેસબુકની વોલ પર સુફિયાણા આક્રોશસૂચક સ્ટેટસ અપડેટ કરવા અને ખરેખર સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવના કેળવવી એ બંને વલણ વચ્ચે બહુ મોટો ફરક છે. વેલ, આપણે ક્યાંક ટોળાશાહીના 'હેઈસ્સો હેઈસ્સો'માં પહેલું અને વધુ સહેલું વલણ તો નથી અપનાવી રહ્યા ને?
આ સવાલનો જવાબ સરકાર કે ન્યાયતંત્ર પાસે નહિ, આપણી જાત પાસે માંગવાનો રહે છે.

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved