Last Update : 23-December-2012, Sunday

 

મેરા ભારત મહાન ક્યા મોઢે કહેવું? દેશમાં દર ૨૩ મિનિટે એક બળાત્કાર થાય છે

દિલ્હીમાં ગેન્ગરેપનો ભોગ બનેલી યુવતીને ન્યાય અપાવવા સેંકડો લોકો જે રીતે વિરોધ કરી રહ્યા છે એવો વિરોધ દેશમાં ગામેગામ અને પ્રત્યેક રેપકેસ વખતે થવો જોઇએ

દિલ્હીમાં ૨૩ વર્ષની એક યુવતી પર તાજેતરમાં ગેન્ગરેપ થયો એના લીધે રાજધાનીમાં જે પ્રકારની ઝુંબેશ ઉપડી છે એ સરાહનીય છે, પરંતુ એટલું જરૃર કહી શકાય કે આવી ઝુંબેશ દરકે રેપકેસ માટે કેમ નથી થતી? યત્ર નાર્યેસ્તુ પૂજ્યંતે, રમન્તે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે એવી ફુલસુફીનો જે દેશમાં જન્મ થયો છે એવા આપણા ભારતમાં દર ૨૬ મિનિટે એક છોકરી સાથે જાતિય સતામણી થાય છે. દર ૫૧ મિનિટે એક છેડતી થાય છે. આ આંકડા 'ધ સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન'ના અહેવાલમાં જાહેર કરવામાં આવ્યા છે.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી)ના ૨૦૧૧ના આંકડા પ્રમાણે ભારતમાં દર ૨૩ મિનિટે એક બળાત્કાર થાય છે. એનસીઆરબીનો અહેવાલ કહે છે કે ૨૦૦૨માં ભારતમાં દર દર ૫૪ મિનિટે બળાત્કારનો એક બનાવ નોંધાતો હતો. આ આંકડાઓ દેખાડે છે કે છેલ્લા દસ વર્ષમાં દેશે આર્થિક ક્ષેત્રે ભલે વિકાસ કર્યો, પરંતુ સામાજિક ક્ષેત્રે રકાસ થયો છે.
બળાત્કારના જેટલા બનાવો બનતા હોય છે એમાંથી ઘણા ઓછા બનાવો પોલીસના ચોપડે નોંધાતા હોય છે. આબરુ, શાખ, પ્રતિષ્ઠાના ડરથી માતાપિતા જ પુત્રી પર થયેલા રેપની એફઆઇઆર(ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ) નોંધાવવાનો ઇનકાર કરી દે છે. આંકડાઓ એમ દેખાડે છે કે છેલ્લા દસ વર્ષમાં બળાત્કારના બનાવો વધ્યા છે, પરંતુ કદાચ એવું પણ હોય કે છેલ્લા દસ વર્ષમાં બળાત્કાર સામે કરવામાં આવતી પોલીસ ફરિયાદનું પ્રમાણ વધ્યું હોય. કાયદાની એક્સેસિબિલિટી વધી હોય.
એક બળાત્કાર થાય એ પણ શરમની જ વાત છે, પરંતુ વધારે શરમની વાત એ છે કે વિશ્વમાં બળાત્કારના બનાવો જ્યાં સૌથી વધુ બનતા હોય એવા દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે આવે છે. અમેરિકામાં દર ૪૫ સેકન્ડે એક સ્ત્રી જાતિય સતામણીનો ભોગ બને છે. રેપકેસની બાબતમાં અમેરિકાનું ચિત્ર ભારત કરતા પણ વરવું છે. જોકે એમાં કંઈ ગૌરવ લેવાની વાત નથી. વિશ્વમાં રેપના સૌથી વધુ બનાવો દક્ષિણ આફ્રિકામાં બને છે. યુનાઇટેડ નેશન્સે જાહેર કરેલા રિપોર્ટ અનુસાર દક્ષિણ આફ્રીકામાં દર એક લાખની વસ્તીએ ૧૨૦ મહિલાઓ રેપનો શિકાર બને છે. વસ્તીની દ્રષ્ટિએ જો વાત કરીએ તો બીજા ક્રમે સ્વીડન આવે છે. સ્વીડનમાં પ્રતિ એક લાખની વસ્તીએ ૬૦ વામાઓ બળાત્કારનો ભોગ બને છે. અમેરિકામાં એક લાખની વસ્તી દીઠ વર્ષે ૩૦ જેટલા રેપકેસ નોંધાય છે. વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારત ટોપ ટેનમાં આવતું નથી. તોપણ ભારતમાં જ્યાં સુધી બળાત્કારના બનાવોનો આંકડો હિન્દુસ્તાનમાં શૂન્ય પર ન પહોંચે ત્યાં સુધી જંપને બેસી શકાય નહીં.
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના અહેવાલ મુજબ ૨૦૧૧માં ભારતમાં બળાત્કારના ૨૩,૫૮૨ કેસ નોંધાયા હતા. અમેરિકામાં દર વર્ષે સરેરાશ ૮૯,૦૦૦ બળાત્કારના બનાવો નોંધાય છે.
અમેરિકામાં થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે ૬૦ ટકા જેટલા રેપના બનાવો પોલીસના ચોપડે નોંધાતા નથી.
મોટાભાગના બળાત્કારનીઓ મિત્રો, નિકટજનો અથવા પરિવારજનો હોય છે. બળાત્કારીઓમાંથી આવા લોકોનું પ્રમાણ ૩૮ ટકા નોંધાયું છે. આમિર ખાનના ટોક શો 'સત્યમેવ જયતે'માં એક ચોંકાવનારી વાત એક્સપોઝ થઈ હતી. સ્ત્રીઓ માટે સૌથી અસલામત જગ્યા તેમનું ઘર છે. અમેરિકામાં થયેલા સર્વેમાં પણ બહાર આવ્યું છે કે બળાત્કારના ૩૧ ટકા બનાવો ઘરમાં જ બને છે.
પશ્ચિમના લોકો પોતાને બહુ સુધરેલા અને મોડર્ન માનતા હોય છે અને અશ્વેત લોકોને ગંદા, અસભ્ય અને જંગલી ગણીને તેમના પ્રત્યે ઘૃણા સેવતા હોય છે, કિંતું વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ બળાત્કાર થતા હોય એવા રાષ્ટ્રોની યાદીમાં અમેરિકા અને યુનાઇટેડ કિંગડમ બંને ટોપ ટેનમાં આવે છે.
જ્યાં બળાત્કારના બનાવો સૌથી ઓછા બનતા હોય એવા દેશોમાં ઇજીપ્ત સૌથી અવ્વલ છે. ત્યાં દર દસ લાખની વસ્તીએ વર્ષમાં માંડ એક રેપકેસ બને છે. ઇજીપ્ત બાદ અનુક્રમે અઝરબેઇજાન, અર્માનિયા, સિરિયન આરબ રિપબ્લિક, ટર્કી, સિએરા લિયોન, કેનેડા, યુક્રેઇન, કેન્યા અને બેલેરુસનો નંબર આવે છે. બેલેરુસમાં દર દસ લાખની વસ્તીએ વર્ષમાં રેપના ૨૫ બનાવો નોંધાય છે.
આપણા જ દેશની વાત કરીએ તો એનસીઆરબીના ૨૦૧૧ના અહેવાલ પ્રમાણે બળાત્કારના સૌથી વધુ બનાવો મધ્ય પ્રદેશમાં નોંધાયા હતા. એમપીમાં ગયા બળાત્કારના ૩,૪૦૬ બનાવો બન્યા હતા. આ યાદીમાં બીજા ક્રમે આવતા પશ્ચિમ બંગાળમાં ૨,૩૬૩ કેસ નોંધાયા હતા. ત્રીજા ક્રમે આવતા ઉત્તર પ્રદેશમાં ૨,૦૪૨ તથા ચોથા નંબર પર આવતા રાજસ્થાનમાં ૧,૮૦૦ રેપકેસ નોંધાયા હતા. પાંચમાં રેન્ક પર આવેલા મહારાષ્ટ્રમાં ગયા વર્ષે રેપના ૧,૭૦૧ નોંધાયા હતા. છઠ્ઠા ક્રમ પર આવેલા આસામમાં મહારાષ્ટ્ર કરતા માત્ર એક કેસ ઓછો નોંધાયો હતો. ભારતમાં ૨૦૧૧માં સૌથી વધુ બળાત્કાર થયા હોય એવા રાજ્યોની એનસીઆરબીની યાદીમાં સાતમા ક્રમે આવેલા આન્ધ્ર પ્રદેશમાં ૧,૪૪૨ રેપકેસ બન્યા હતા.
આઠમા રેન્ક પર આવેલા કેરળમાં ૧,૧૩૨, નવમા ક્રમ પર આવનારા ઓડિસામાં ૧,૧૧૨ અને ૧૦મા ક્રમ પર રહેનારા બિહારમાં ૯૩૪ બનાવો નોંધાયા હતા. ૧૧મા નંબર પર રહેનારા ઝારખંડમાં બળાત્કારના ૭૮૪ તથા ૧૨મા નંબર પર આવેલા ગુજરાતમાં ૪૩૯ કેસ નોંધાયા હતા. આ આંકડાઓ દર્શાવે છે કે અન્ય રાજ્યોની દ્રષ્ટિએ ગુજરાતમાં આવા બનાવો ઘણા ઓછા બને છે, પરંતુ જ્યાં સુધી ગુજરાતમાં રેપકેસની સંખ્યા ઝીરો પર ન પહોંચે ત્યાં સુધી આપણે લજ્જીત રહેવું ઘટે.
ઉત્તરપૂર્વના રાજ્યોને આપણે પછાત ગણીએ છીએ, પરંતુ ત્યાં બળાત્કારના બનાવો પણ સૌથી ઓછા બને છે, જે ખરેખર પ્રશંસનીય બાબત છે. ભારતમાં સૌથી ઓછા બનાવા(માત્ર ૧૬ કેસ)ે ૨૦૧૧માં સિક્કિમમાં નોંધાયા હતા. નાગાલેન્ડમાં ૨૩, ગોવામાં ૨૯ અને મણિપુરમાં ૫૩ કેસ નોંધાયા હતા.
શહેરોની વાત કરીએ તો દિલ્હી ભારતની રેપ કેપિટલ છે. વક્રતા એ છે કે દેશમાં સૌથી વધુ વીઆઇપીઓ અને રાજકારણીઓ દિલ્હીમાં રહે છે. એનસીઆરબીના રિપોર્ટ અનુસાર ૨૦૧૧માં દિલ્હીમાં બળાત્કારના ૫૬૮ બનાવો નોંધાયા હતા. તેની તુલનાએ મુંબઈમાં અડધાથી પણ ઓછા (૨૧૮ બનાવો) બન્યા હતા. જ્યાં સૌથી વધુ બળાત્કાર થતા હોય એવા શહેરોમાં દિલ્હી બાદ અનુક્રમે મુંબઈ, ભોપાલ, પુણે અને જયપુર આવે છે. મતલબ આ પાંચ શહેરો મહિલાઓ માટે સંપૂર્ણપણે અસલામત છે. મુંબઈમાં થોડા સમય પહેલા એક જર્મન યુવતી પર બિલ્ડિંગના વોચમેને બળાત્કાર ગુજાર્યો હતો. આવા બનાવોને લીધે વિદેશીઓ ભારત આવતા ડરે છે. પશ્ચિમી મહિલાઓ અશ્વેત પુરુષો તરફ ઘૃણાની દ્રષ્ટિથી જૂએ છે એની પાછળ આવા અપરાધો જવાબદાર છે.
દિલ્હીમાં થયેલા રેપના વિરોધમાં સડક પર ઉતરેલી વિરાંગનાઓમાંથી એકના પ્લેકાર્ડ પર ખૂબજ સરસ ક્વોટ લખેલું હતું. તેમાં લખ્યું હતું કે 'આપણે એક એવા સમાજમાં રહીએ છીએ કે જ્યાં મહિલાઓને બળાત્કારથી બચવાનું શીખવવામાં આવે છે, પુરુષોને બળાત્કાર ન કરવાનું શીખવવામાં નથી આવતું.'
આજે રાષ્ટ્રપતિભવન સામે વિરોધ પ્રદર્શન કરીને ન્યાયની માગણી કરી રેહલા હજારો લોકો બસ એક જ રટણ કરી રહ્યા છે કે બળાત્કારીઓને ફાંસીએ ચડાવી દેવા જોઇએ, પરંતુ એમ કરવાથી બળાત્કારના બનાવો ભારતમાં ઘટી જશે એવું માની લેવું ઉતાવળ ભરેલું ગણાશે. મહાભારતમાં કહેલું છે કે કામાતુરાણાં ન ભયં ન લજ્જા. કામલોલુપને ન તો ભય હોય છે ન લજ્જા. ફાંસીના ભયથી બળાત્કાર ઘટી જાય એવી શક્યતાઓ નહિવત્ છે. અને જો આપણે આ જ માર્ગ પસંદ કરીશું તો પછી ભારત અને સાઉદી અરેબિયામાં શો ફરક રહી જશે?
બળાત્કારના બનાવો અટકાવવા માટે સેક્સ એજ્યુકેશન, મુક્ત સમાજ, સ્ત્રીઓને પણ પુરુષ જેટલી જ સમાનતા, જાગૃતિ અભિયાનો વગેરે જેવા પગલાં લેવા જોઇએ. સેક્સની બાબતમાં આપણે જે દંભ કરીએ છીએ એ મૂકી દેવાથી પણ ઘણે અંશે સફળતા હાથ લાગી શકે છે. મોડી રાત્રે પણ સ્ત્રીઓ એકલી ફરી શકશે અને તેમને કોઇપણ પ્રકારનો ખતરો નહીં અનુભવાય, બળાત્કાર કે સતામણીનો ભોગ નહીં બને એવો સમય જ્યારે આવશે એ દિવસે ખરા દિલથી મેરા ભારત મહાન એમ કહી શકાશે.

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસિંગ ટિપ્સ ફૉર કોકટેલ પાર્ટી
થિન્ક 'પિન્ક'
હવે રમકડાંમાંથી રંગભેદ દૂર કરાશે
કમરને બ્યુટીફુલ દેખાડવાની ટ્રિક
ઘરની સજાવટ રોમેન્સ ફ્રેન્ડલી બનાવો
કરિયરમાં સ્ટડી સાથે ઉપયોગી થતાં શોર્ટટર્મ કોર્સ
 

Gujarat Samachar glamour

ઇમરાન-અનુષ્કાની ફિલ્મ રિલીઝમાં વિઘ્ન
ન્યૂયરમાં શાહરૃખ દીપિકાની મસ્તી એક્સપ્રેસ
વિવેક ઓબેરોય પેટર્નીટી લીવ લેશે
પ્રેશરમાં કામ સારું થાય છેઃ અરબાઝ
દબંગ-૨ના ગીત સામે કોપીરાઇટ ભંગ
બિપ્સ ક્રિકેટ ટીમની બ્રાન્ડ એમ્બેસેડર
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved