Last Update : 22-December-2012, Saturday

 

પ્રલયના નામે લોકોના ફફડાટમાં બિઝનેસનો રણકાર સાંભળી ગયેલા તકવાદીઓએ હવે પ્રલયની લાંબા ગાળાની હાટડી માંડી દીધી છે
૨૧ ડિસેમ્બરે પ્રલય ન થયો, પણ બિઝનેસ થતો રહેશે

ઈટાલીના એક વેરાન વિસ્તારને એક ભારતીય સાધુના નામે પવિત્રતમ ગણાવીને પ્રલય ઉપરાંત અન્ય અનિષ્ટ આપત્તિઓ સામે રક્ષણનું ક્વચ પહેરાવી દેવાયું છે. પરિણામે અહીં એટલો ધંધો જામ્યો છે કે બંજર વિસ્તારમાં અત્યારે સમૃદ્ધિની હરિયાળી ચાલે છે

માર્કેટિંગની જાણીતી કહેવત છે, જો દિખતા હૈ વો બિકતા હૈ. પરંતુ ૨૧ ડિસેમ્બરની તારીખ અને એ દિવસે થનારો પ્રલય એવી બાબત છે કે ક્યાંય દેખાયા નથી અને તોય તેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. મય સંસ્કૃતિના કેલેન્ડરમાં કાલગણના ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ના દિવસથી આગળ નથી વધતી. ફક્ત આવા એક કારણને લીધે સમગ્ર દુનિયામાં પ્રલય, યાને મહાવિનાશની અફવા જોરશોરથી ચગી હતી. હવે જ્યારે ડુમ્સ-ડે તરીકે ઓળખાયેલો એ દિવસ આજે સમગ્ર દુનિયામાં હેમખેમ, પ્રલયના જરાક અમથા એંધાણ વગર પસાર થઈ રહ્યો છે ત્યારે પણ પ્રલયના નામે દુનિયાભરમાં ખૂલી ગયેલી દુકાન તો કાયમ માટે ધમધમવા લાગી છે.
ઈટાલીના દક્ષિણ વિસ્તારમાં કેસ્ટરનિનો નામના એક કસ્બામાં છેલ્લાં એક વર્ષથી જમીનના ભાવ એટલી હદે વધી રહ્યા છે કે એક સૈકાથી તદ્દન બંજર વગડામાં રહેતાં આ કસ્બાના લોકોની જિંદગીમાં રાતોરાત પરિવર્તન આવી ગયું છે. કારણ છે ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ યાને ડુમ્સ ડે યાને પ્રલયનો દિવસ. બન્યું હતું એવું કે, ભારતીય મૂળના એક વ્યક્તિએ, જેની સ્પષ્ટ કોઈ ઓળખ પ્રાપ્ય નથી પરંતુ સ્થાનિકો તેમજ અનુયાયીઓ તેને વેરેન્ડ્રા તરીકે ઓળખે છે એટલે તેનું મૂળ નામ વિરેન્દ્ર કે એવું કંઈક હશે તેમ ધારી શકાય છે.
એ વિરેન્દ્ર મહાશય ચારેક દાયકા પહેલાં અહીં આવ્યા અને ભારતીય શાસ્ત્રો, યજ્ઞા જેવી વિધિઓ વડે સ્થાનિકોને પ્રભાવિત કર્યા. પોતાનો આશ્રમ પણ અહીં સ્થાપ્યો અને મંદિરો ય બાંધ્યા. એ વિરેન્દ્ર મહાશય તો ૧૨ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા પરંતુ તેઓ એવું કહેતા હતા કે કેસ્ટરનિનોની આ ભૂમિ સમગ્ર દુનિયાની સૌથી પવિત્ર જગા છે. વિરેન્દ્રએ એવો દાવો પણ કર્યો હતો કે જ્યારે આખી દુનિયા પર સમુદ્રના વિનાશક પાણી ફરી વળશે ત્યારે કેસ્ટરનિનોની આ જગ્યા એક ટાપુ બનીને અહીં વસનારાઓનું રક્ષણ કરશે.
બસ, એ પછી જ્યારથી ૨૧ ડિસેમ્બર, ૨૦૧૨ની વાયકાએ જોર પકડયું ત્યારથી કેસ્ટરનિનોમાં તેજીના ઘોડાપુર ઉમટી રહ્યા છે. ૨૧ ડિસેમ્બરે ધારો કે પ્રલય થાય તો? એવું ધારીને દુનિયાભરના કેટલાંય ડરપોકો અહીં વસવા આવી ગયા અને તેમણે લીઝ પર અહીંની જમીન લઈને રહેણાંકો બનાવવા માંડયા. સ્થાનિક રહેવાસીઓને પણ આ વાયકામાં લાંબા ગાળાના ધંધાની ગંધ આવી ગઈ હોય તેમ, હવે પ્રલય નથી થયો તો પણ અહીંનો વસવાટ એ અમરત્વની ગેરટી હોવાના પ્રચાર સાથે લોકોને આકર્ષવામાં આવે છે.
અમરત્વની પણ અહીં કેટેગરી છે. અહીં ચાર અઠવાડિયા રહો છો તો મૃત્યુને ચાર વર્ષ દૂર રાખી શકશો. અહીંના મંદિરોમાં આટલી ભેટ ચડાવશો તો બીજા ય કેટલાંક વર્ષો આયુષ્યમાં ઉમેરાઈ શકે છે વગેરે જેવી પેકેજ ડીલને લીધે અહીં ધમધોકાર બિઝનેસ જામી પડયો છે. પ્રલય થયા પછીની દુનિયા કેવી હશે તેના ધમાકેદાર વર્ણનો કરતા ટુરિસ્ટ ગાઈડ અને તેમને શ્રધ્ધાભેર સાંભળી રહેતાં પ્રવાસીઓને લીધે કેસ્ટરનિનોને ન થયેલો પ્રલય પણ લાંબા ગાળા માટે ફળી ગયો છે.
એવી જ બીજી જગા છે ફ્રાન્સનો વિખ્યાત બુગારાસ પર્વત. આ પર્વત પ્રલયના દિવસે લોકોનું રક્ષણ કરશે એવી માન્યતાના પ્રસાર પાછળની ઘેલછા ય અનોખી છે. ઉનાળામાં પર્વતના આરોહણ માટે જતાં કેટલાંક સાહિસકોને પર્વતની ટોચ પરથી એક ત્રાંબાનો બિલ્લો જડી આવ્યો. એ બિલ્લામાં કેટલીક પ્રાચીન જણાતી ઢંગધડા વગરની આકૃતિઓ જડેલી હતી. ૧૨૩૦ મીટરની ઊંચાઈએ આવો બિલ્લો ક્યાંથી આવ્યો હોય તેની ઉત્સુકતામાં તેમણે એ બિલ્લો સ્થાનિક પૂરાતત્વશાસ્ત્રીઓને આપ્યો. એ પૈકી કોઈકે એવું તારણ કાઢ્યું કે બિલ્લો તો બહુ જૂનો નથી પરંતુ તેમાં કોતરેલી આકૃતિઓ મય સંસ્કૃતિના ચિત્રો સાથે મેળ ખાય છે.
બસ, પછી તો વા વાયોને નળિયું ખસ્યું... આપોઆપ જ એવી ધારણા પ્રવર્તી ગઈ કે મય સંસ્કૃતિનું ચિત્ર કોતરેલો બિલ્લો આટલા ઊંચા પર્વતની ટોચે હતો મતલબ કે પ્રલયના જાણકાર મય લોકોએ બચાવનું સ્થાન પણ શોધી કાઢ્યું હતું. એ માન્યતા જેમ જેમ પ્રસરતી ગઈ તેમ તેમ દુનિયાભરમાંથી લોકો ત્યાં ડેરાતંબુ તાણવા લાગ્યા. શરૃઆતમાં તો સ્થાનિક વહીવટીતંત્રે પર્વતના પર્યાવરણની ચિંતા કરીને લોકોને દૂર રાખ્યા પરંતુ પછી તો સૌૈને તેમાં વ્યાપક ધંધાની તક દેખાવા માંડી. જગતનો પ્રલય થશે ત્યારે આ પર્વત કેવી રીતે માણસનું રક્ષણ કરશે તેની એનિમેટેડ ફિલ્મો ય અહીં પ્રદર્શિત થાય છે અને વહેતી ગંગામાં હાથ ધોવા માટે જાતભાતના સંપ્રદાયો, ફિરકાઓના નામે વિધિ-વિધાનના ગોરખધંધા ય ચાલુ થઈ ગયા છે.
સ્વાભાવિક રીતે જ ભેદી સંપ્રદાયો, મોં-માથા વગરના ધર્મો, ઈતિહાસ પણ જેનો ચહેરો ન ઓળખે એવી સંસ્કૃતિઓ અસ્તિત્વમાં આવી ગઈ છે અને હવે પછીના પ્રલયની આગાહીઓ તેમના નામે થવા લાગી છે. જેમ્સ રોલેન્ડ નામના કોઈ લેખક જાપાનના કાતુન્જા સંપ્રદાયના નામે કહે છે કે ૨૧ ડિસેમ્બર ૨૦૧૨ની તારીખમાં ગણતરી ફેર હતો અને કાતુન્જા સંપ્રદાય જેની પૂજા કરતો હતો એ બુધ્ધની તૂટેલી મૂર્તિના તળિયે છૂપાવાયેલા સંકેત મુજબ પ્રલયનો દિવસ ૧૮ મે, ૨૦૧૫ હોઈ શકે.
આવી ગાંડીઘેલી માન્યતામાં ભારતીય શાસ્ત્રો અને દેવીઓ અને વિધિઓના નામે ય જબરી ફેંકમફેંક ચાલે છે. નોર્વેના એક મહાશય પોતે બનારસમાં અગિયાર વર્ષ રહ્યા હોવાનો દાવો કરે છે. તેઓ કહે છે કે, પ્રલય તો જરૃર અને જરૃર થવાનો જ પરંતુ તેની તારીખ અત્યારથી ન આપી શકાય. આ ધોળિયા સ્વામી એટલા ચાલાક છે કે, તેમણે પ્રલયના નામે લાંબા ગાળાની દુકાન ખોલી રાખવાની સગવડ પણ કરી રાખી છે. તેમના મતે, પ્રલયથી બચવાનો એક મંત્ર તેમને ભારતીય સાધુએ આપ્યો હતો. એ મંત્ર તેઓ પ્રવાસીઓના કાનમાં કહે છે અને બદલામાં ખનખનિયા ગણી લે છે.
આઈન્સ્ટાઈનના નામે ચડાવી દેવાયેલું એક વિધાન એવું છે કે પૃથ્વી પરથી મધમાખીઓ ગુમ થવાની શરૃઆત થાય એ પછીના ચાર વર્ષમાં માનવજાતનો નાશ થઈ શકે છે. ૨૦૦૮થી અમેરિકામાં મધમાખીઓની સંખ્યા ભેદી રીતે ઘટવા માંડી છે એ પણ હકીકત છે. એટલે હવે આગામી ચાર-પાંચ કે છ-સાત વર્ષમાં સૃષ્ટિનો નાશ નક્કી છે, એવી માન્યતાને પણ જંગલ મેં મોર નાચા, કિસને દેખાના ન્યાયે વેગ મળી રહ્યો છે.
વિજ્ઞાાનીઓ ગાંગરી ગાંગરીને કહે છે કે ભ'ઈ, આવું કંઈ ન થાય. પ્રલય કંઈ એમ થઈ જવાનો નથી અને થાય તો ય એની કંઈ તારીખ, વાર નિશ્ચિત ન હોય. આમ છતાં 'વાઘ આવ્યો રે વાઘ'ની બુમરાણમાં આખી દુનિયાના ગાઢ મોકળા થઈ રહ્યા છે ત્યારે કોઈપણ ઘટનાની રોકડી કરનારાને ઘેરબેઠા તક આવી ગઈ છે. વાસ્તવિકતા એ છે કે, પૃથ્વી અજર-અમર છે એવું બિલકુલ નથી.
ખગોેળશાસ્ત્રીઓનો અંદાજ પ્રમાણે પૃથ્વીની હજુ ૭.૫ અબજ વર્ષની ઊંમર બાકી છે. એ દરમિયાન ગમે ત્યારે પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ બન્ને ધુ્રવોનો સ્થાનબદલો થાય એવી શક્યતા છે. જો એવું થાય તો ચોક્કસપણે પૃથ્વીવાસીઓ પ્રલયનો અનુભવ કરે. વિજ્ઞાાનીઓના કહેવા પ્રમાણે હાલના સંજોગોમાં પૃથ્વીના ધુ્રવ પોતપોતાની બેઠક અદલ-બદલ કરે એવી શક્યતા નથી.
આપણે ત્યાં કહેવત છે નામ એનો નાશ, એ પ્રમાણે ધરતીનો પણ કદીક તો નાશ થવાનો છે. પણ હાલ ૪.૫૪ અબજ વર્ષની થયેલી આપણી ધરતીના આયુષ્યમાં હજુ ૭.૫૯ અબજ વર્ષ બાકી છે. એ પછી પૃથ્વીનું શું થશે એ જોવા આપણે કોઈ હયાત નહીં હોઈએ. માટે ડોન્ટ વરી.. હર પલ યહાં જી ભર જીઓ, જો હૈ સમા કલ હો ન હો!

Share |
 

Gujarat Samachar Plus

ફેસબુક વોલ નક્કી કરશે તમારા ઇન્ટરવ્યુનો કોલ
સ્તન-પ્રદર્શનને બદલે પગ-પ્રદર્શનની ફેશન
પગરખાંની પરખમાં સાવચેતી રાખો
'જિમ'વગર ફિટ એન્ડ ફાઇન ફિગર
સૂકી ત્વચાને સુંવાળી રાખતાં પ્રસાધનો
 

Gujarat Samachar glamour

હું બગડેલો નવાબ નથીઃ સૈફ
હું પાક્કી પંજાબી છુંઃ ઈશા
મારી પસંદ શાહરૃખ જઃ અસિન
સલમાને દીપિકાને 'કિક' આપી
અર્જુન-ચિત્રાંગદાની ફિલ્મના પ્રમોશન માટે કોન્ડમ કંપનીની લોભામણી ઓફર
લગ્નનો કોઈ ઈરાદો નથીઃ જેક્લિન
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved