Last Update : 18-December-2012, Tuesday

 

ચીનના ઘૂરકિયાં સામે ગર્જના કરતા ભારત ક્યારેય શીખી શકશે?

નૌકાદળના ચીફ ડી.કે.જોશીએ દક્ષિણ ચીન સમુદ્રના વિવાદમાં ચીનના પગલાં સામે કડક વલણ બતાવવા કરતા તેમના વિકાસને વખાણતાં 'સોફ્ટ નેશન' તરીકે આપણે ફરી છતા થઈએ છીએ

નૌકાદળ કોઈ પણ દેશના સંરક્ષણનો હુકમનો એક્કો છે એ ઇતિહાસના કોઈ પણ મોટા યુદ્ધ તરફ જોવામાં આવે તો સાબિત થાય. નેપોલિયન, એલેક્ઝાન્ડર જેવા લડવૈયાને ઘૂંટણિયે કરવામાં દુશ્મને નૌકાદળમાં મહત્તા સાબિત કરી હતી. આ જ રીતે બીજા વિશ્વયુદ્ધમાં પોતાને અજેય માનતા હિટલરના કાંડાં કાપવાનું કામ દરિયાઇ યુદ્ધક્ષેત્રની નિષ્ફળતા હતી. તેના 'બિસ્માર્ક' જેવા એ સમયના સૌથી મોટા યુદ્ધજહાજને બ્રિટન અને ફ્રાન્સના અનેક યુદ્ધજહાજોએ દરિયાના તળિયે મોકલી દીધું હતું અને હિટલરનો ગુમાન તૂટવાનો શરૃ થયો હતો. આ તો વાત થઈ વિદેશી ઘટનાઓની. ૧૯૭૧માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સબમરિન છેક કરાંચી પહોંચીને શહેરને તારાજ કરવામાં સફળ રહી હતી. એ જ રીતે વિમાનવાહક જહાજ 'આઇએનએસ વિક્રાન્ત'ના મહત્ત્વપૂર્ણ યોગદાનની મદદથી બાંગલાદેશ (એ સમયે પૂર્વ પાકિસ્તાન) પર કબ્જો મેળવવામાં આવ્યો હતો. ૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં પણ નેવીએ એરફોર્સ અને આર્મી કરતા વધુ ઝડપથી પ્રતિક્રિયા આપીને દરિયાઇ સીમા પર ભારતનું આધિપત્ય જમાવી દીધું હતું.
ઉપરોક્ત તમામ બાબતનો ભાવાર્થ એક જ ગણી શકાય કે કોઈ પણ કટોકટી કે યુદ્ધના સમયે દરિયાઇ સીમા પર પ્રભુત્વ ધરાવનારો પક્ષ જ ઉપર હાથ ધરાવતો હોય છે. ૧૯૬૨માં ચીન સામે નાલેશીભરી હારનો સામનો કર્યા બાદ ભારત પાસેથી ઠંડું વલણ ક્યારેય સ્વીકારી ન શકાય, પણ દક્ષિણ ચીન સમુદ્રના ચાલી રહેલા વિવાદમાં ભારતીય નૌકાદળ એના જ અધિકારીઓના નિવેદનોને લીધે આત્મવિશ્વાસના અભાવનો સામનો કરી રહ્યું છે. ૪૦૦મા 'નેવી ડે'ના પ્રસંગે નૌકાદળના ચીફ ડી.કે.જોશીએ આપેલા નિવેદનને કદાચ 'ડિપ્લોમેટિક' ગણીને પણ ધ્યાનમાં લઈએ તો પણ એ ભારતીય નૌકાદળના ચીન સામેના મજબૂત સ્થાનની જરા પણ સાબિતી નથી આપતું. ભારત માટે પાડોશી રાષ્ટ્રોમાં સૌથી મોટો ખતરો ચીનનો છે એ તો નક્કી જ છે. ચીનનું નૌકાદળ ખૂબ જ ઝડપથી આધુનિકરણ કરી રહ્યું છે અને એ સૌથી મોટી ચિંતાની વાત ગણી શકાય એમ એડમિરલ ડી.કે.જોશીએ સ્વીકાર્યું હતું. તેમણે આ દિવસે કહ્યું હતું કે 'હા, ચાઇનિઝ નેવીનું આધુનિકરણ ખરેખર પ્રભાવશાળી છે. જોકે એ આપણા માટે ખૂબ-ખૂબ મોટો ચિંતાનો વિષય છે.'
આ નિવેદન તેમણે દક્ષિણ ચીનના સમુદ્રમાં ભારતના હિત માટે શું થઈ શકે એ વિશેના પ્રશ્નોના જવાબમાં આપ્યું હતું. ગયા વર્ષે આ દરિયાઇ વિસ્તાર માટે ભારત-ચીનનો વિવાદ શરૃ થયો છે. નેવી ચીફે જોકે એ પણ સ્વીકાર્યું હતું કે ભારતીય નૌકાદળ ખૂબ જ ઓછા સમય માટે આ દરિયાઇ વિસ્તારનો ઉપયોગ કરે છે અને એમાં સૌથી વધુ રસ તો કુદરતી સ્ત્રોતના જથ્થાની જાણકારી લેવાનો હોય છે. જોકે ભારતીય નૌકાદળના જહાજોને આવ-જા કરવા માટે આ દરિયાઇ સીમામાં 'ફ્રી નેવિગેશન'નો નિયમ લાગુ પડે છે, પણ ઓએનજીસી જેવી કંપનીની દરિયાઇ ડ્રિલની સ્થાપના કરવા જો ત્યાં જવું પડે તો કોઈ વાંધો નથી એમ જણાવ્યું હતું.
જોકે ચીને તરત જ કડક પ્રતિક્રિયા આપી હતી. ભારતીય વિદેશ ખાતા સાથે સંકળાયેલા લોકોએ તો મિડિયા પર દોષનો ટોપલો ઢોળી દીધો હતો અને કહ્યું હતું કે નિવેદન સાથે ચેડાં કરવામાં આવ્યા હતા, પણ ચીને તરત જ પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે ચીન આ વિસ્તારમાં કોઈ દેશ સાથે ભાગીદારી કરીને ખનીજતેલ કે કુદરતી ગેસના જથ્થાની શોધખોળ કરવા નથી માગતું. બીજા રાષ્ટ્રોએ ચીનના આ નિર્ણયનેે માન આપવું જોઈએ એવી સલાહ પણ આપી હતી.
આ મુદ્દે ચીનના કડક વલણ પછી ભારતે હજી કોઈ આક્રમક પ્રતિક્રિયા કે સ્પષ્ટ અભિગમ નથી દાખવ્યો. મિડિયાને કારણે મુદ્દાએ જોર પકડયું હતું એવું ભારતીય સરકારે જાહેર કર્યું ત્યારથી જ સાબિત થાય છે કે સરકારે દુકાળમાં જ પાળ બાંધી લીધી છે. પહેલી વાત તો એ જ કે એડમિરલ ડી.કે.જોશીનું નિવેદન ત્રણ બાજુએ સમુદ્રથી ઘેરાયેલા અને વિકાસ તરફ આગેકૂચ કરનારા રાષ્ટ્રના નૌકાદળની ક્ષમતાને પૂરવાર કરવા માટે જરા પણ સક્ષમ નહોતું. આના બદલે એમાં ચીનના નૌકાદળથી આપણે ડરવા જેવું છે એમ તેમણે બોલી લીધું હતું. અગાઉ પણ જણાવવામાં આવ્યું એમ નૌકાદળ સૌથી ઝડપથી પ્રતિક્રિયા આપી શકે એવો સંરક્ષણનો અંગ છે. ચીન સહિતના અન્ય તમામ રાષ્ટ્રો દેશના હિતને હંમેશાં આગળપડતું જ રાખતા હોય છે અને સંભવિત હરીફના વખાણ ક્યારેય થતા નથી હોતા.
ભારતના ઠંડા વલણનો ચીને હંમેશાં દુરુપયોગ કર્યો છે એની સૌથી મોટી સાબિતી ૧૯૬૨નું યુદ્ધ હતું. હકીકતમાં ચીનના આક્રમક વલણને ધ્યાનમાં રાખી ભારતીય નૌકાદળના ચીફના આ નિવેદનને સાંકળવામાં મિડિયા જરા પણ ખોટું નહોતું. મિડિયાને વખોડવા કરતા દેશની સુરક્ષાની જવાબદારી જેમની પાસે છે તેમણે અરિસામાં જોવું જોઈએ અને તેમને એ પ્રશ્ન થવો જોઈએ કે ચીનના ઘુરકિયાં સામે ભારત ક્યારેય ગર્જના કરી શકશે કે નહીં. ચીનનો સામનો કરવામાં એટલો જ આક્રમક અભિગમ શા માટે નથી બતાવી શકતા?
એ વાત તો હકીકત છે કે ૧૯૬૨નું યુદ્ધ હવે ઇતિહાસ છે અને બન્ને રાષ્ટ્રોના સૈન્યના સમીકરણો પણ અલગ છે. એમ છતાં આપણે ચીનની બરોબરી કે સામનો નથી કરી શકતા. આ તાજેતરનો હોબાળો એ જ સાબિત કરે છે કે રાષ્ટ્રની ક્ષમતાને ખુદ આપણા જ સંરક્ષણ અધિકારીઓ ફક્ત જમીનની સીમા પર જ ઓછી નથી આંકતા, પણ દરિયાઇ સીમા પર પણ એ જ હાલ છે. આ બાબત એક રીતે જોઈએ તો અનોખા વિરોધાભાસને છતો કરે છે. જમીન પર ચીનનો હાથ ઉપર છે એ ચોક્કસ, પણ દરિયાઇ સીમા પર ભારતનું પલડું ભારે છે એમાં કોઈ બેમત નહીં હોય. ભારત પાસે જે ભૌગોલિક ફાયદો છે એ ખૂબ જ મોટો ગણી શકાય. જોકે આપણા રાજનેતા અને નીતિ ઘડનારા એ બાબતને સમજી શકે તો જ એનો ફાયદો ઉઠાવી શકીએ. આ કારણે જ તેમણે આ બાબતને તો સૌથી પહેલાં સમજી લેવી જરૃરી છે. સી લેન્સ ઓફ કોમ્યુનિકેશન (એસએલઓસી) હેઠળ હિંદ મહાસાગરમાંથી પસાર થતા ચીનના નવા 'સિલ્ક રૃટ'ને કારણે ભારતીય ઉપખંડનું ભૌગોલિક સ્થાન ભારતનો હાથ ચીન ઉપર રાખે છે. ચીન સુધી પહોંચતા જહાજોને ભારતીય દરિયાઇ સીમામાંથી પસાર થવું જ પડે. જોકે આ સામુદ્રિક લાભ ત્યારે જ મળે જ્યારે એનો ઉપયોગ કરી એકાદ-બે વાર ચીનના હિતના ધજાગરાં ઉડાવવામાં આવે.
આ લાભનો જોકે આપણે ઉપયોગ નથી કરી રહ્યા અને નૌકાદળના પ્રમુખના ઠંડા વલણમાં પણ ચીને આંખ બતાવી છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે હજી આપણે લાઇન ઓફ કન્ટ્રોલ અને મેકમોહન લાઇન પર જ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ, જ્યારે આપણે સાચો ફાયદો દરિયાઇ સીમા પરથી લઈ શકીએ એમ છીએ. જે દેશની ત્રણ બાજુએ દરિયો હોય એણે જમીન પર નહીં, પણ દરિયાઇ સીમાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી એનો ફાયદો ઉઠાવવાનો હોય. હકીકતમાં ઇંદિરા ગાંધીએ ૧૯૭૧માં એ જ હુકમનો એક્કો ખેલ્યો હતો અને પરિણામ આપણી સમક્ષ છે. ચીન જેવા દેશને ભૌગોલિક ફાયદો આપણા કરતા વધુ ઉઠાવતા ્આવડે છે એની આ સૌથી મોટી સાબિતી છે.
ભારતીય નૌકાદળનો સૌથી મોટો ફાયદો એ પણ છે કે હિંદ મહાસાગરમાં આ એક જ નૌકાદળ વિમાનવાહક જહાજોના જૂથ મુજબ કામ કરી શકે છે અને ન્યુક્લિયર સબમરિન ધરાવે છે. નેવીની કામગીરી એરફોર્સ કે આર્મી કરતા વધુ સરળ છે. કારણ કે નેવીનું કાર્યક્ષેત્ર દરિયો છે અને એ 'ફ્રી વે' ગણાય છે. એરફોર્સ અને આર્મીએ જે-તે દેશની સીમાની અંદર રહીને જ સંચાલન કરવું પડે. નૌકાદળ કેટલું મજબૂત કાર્ય કરી શકે છે એનું ૧૯૭૧ બાદ ૧૯૯૯માં કારગિલના યુદ્ધમાં પણ ઉદાહરણ જોવા મળ્યું હતું. જો આ એક ક્ષેત્રની ચિંતા કરવાની ન હોય તો બધું ધ્યાન જમીન અને આકાશ પર જ કેન્દ્રિત કરવું પડે.
જોકે એક હકીકત એ પણ છે કે આ પહેલાં ૨૦૦૦માં જ્યારે ભારતીય સબમરિન અને વિનાશિકાઓના ટાસ્ક ફોર્સને દક્ષિણ ચીનના દરિયામાં તાલિમ માટે મોકલવામાં આવી હતી ત્યારે રાજનૈતિક ગરમાગરમી તો જામી હતી, પણ જ્યારે આ કાફલો શાંઘાઈના નેવલ બેઝ પર પહોંચ્યો ત્યારે સંપૂર્ણ માન-સન્માન આપવામાં આવ્યું હતું.
જોકે છેલ્લા એક-દોઢ વર્ષથી ચીને આ દરિયાઇ સીમાના મુદ્દે વલણ સ્પષ્ટ કર્યું છે. ભારતીય નૌકાદળ તેમના કહેવાથી પીછેહઠ કરી લેશે તો એ હજી એ જ સાબિત કરશે કે ૧૯૬૨ના પાંચ દાયકા પછી પણ આપણે હજી કોઈ બોધપાઠ નથી લીધો.

Share |
 

Gujarat Samachar Plus

તમારા શરીર પ્રમાણે કપડાની પસંદગી કરો
વોટરપ્રૂફ મોબાઇલનો જમાનો હવે જરાય દૂર નથી
ફ્લેશ વિડિયો ફટાફટ ડાઉનલોડ કરો ખૂબ જ આસાનીથી
ખડતલ બાવડા,નાભિ,પગ પછી આવ્યો કોમળ હોઠનો વારો
હવે ટેટૂ નહીં પણ ઇલેક્ટ્રોનિક ડેટૂ
કોલેજ કેમ્પસમાં કૂલ સિઝનની હોટ સ્ટાઇલ
 

Gujarat Samachar glamour

હવે લગ્નનો સમય થઈ ગયો છેઃ રાની
મેગન ફોક્સના સેક્સી ફિગરનું રાઝ
છોકરીઓ માટે હું લકીઃ ઈમરાન ખાન
બર્ફી અને પાનસિંગ તોમર આમને સામને
મારી ફિલ્મની અંતિમ મંજુરી હું જ આપુ છુંઃ સલમાન
માત્ર ફિલ્મની સ્ટોરી જ મહત્વની નથીઃ ટીના દેસાઇ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved