Last Update : 13-December-2012, Thursday

 

જિનિયસ વાયોલિનવાદક યેહુદી મેન્યુહિને રવિશંકરથી પ્રભાવિત થઈને તેમને 'ઓન્લી જિનિયસ' કહ્યા હતા
પંડિત રવિશંકરઃ સિતારના બે તાર વચ્ચે હવે ફક્ત ખાલીપો

રવિશંકરની બહુમુખી પ્રતિભા પરંપરાના દાયરામાં રહીને ભારતીય સંગીતના મૂળભૂત માળખાને હચમચાવ્યા વગર તેને વૈશ્વિક દરજ્જો આપવામાં ગણાય છે. શુધ્ધ ભારતીયતા જાળવીને વૈશ્વિક દર્શન થકી તેમણે આ વિરાટ અને વિકટ કામ કર્યું હતું

૨૧ ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે પ્રલય થશે અને પૃથ્વીનો અંત આવશે એવી ધડમાથા વગરની માન્યતા ય ઘડીભર સાચી લાગી આવે એટલી હદે વર્ષ ૨૦૧૨ ગોઝારું નીવડી રહ્યું છે. સૂરીલા ગઝલગાયક જગજીતસિંઘ, સુપરસ્ટાર રાજેશ ખન્ના, કુસ્તીકિંગ દારાસિંઘ, એકે હંગલ, યશ ચોપ્રા વગેરે જેવા દિગ્ગજ અને પોતપોતાના ક્ષેત્રના બેહદ લોકપ્રિય મહાનુભાવોએ આ વર્ષે વિદાય લીધી. એ દરેક વિદાયના પરિણામે ઊભરતા ખાલીપાને હજુ કળ વળે એ પહેલાં ૨૦૧૨ના આખરી મહિનાએ આઘાતના વધુ બે કારણ આપી દીધા.
૧૦ ડિસેમ્બરે ગુજરાતી વાચકોની ત્રણ-ત્રણ પેઢીને વાંચતી રાખનાર લોકપ્રિય નવલકથાકાર અશ્વિની ભટ્ટે અમેરિકાના ડલાસ ખાતે અલવિદા કીધી તેનો ગમ હજુ ગળામાં હિબકો બનીને અટવાયેલો છે ત્યાં બુધવારે વહેલી સવારે મશહૂર સિતારવાદક પંડિત રવિશંકરનો જીવનસાઝ હંમેશ માટે વિરમ્યો હોવાના સમાચાર આવ્યા છે.
પંડિત રવિશંકર ભારતીય શાસ્ત્રીય સંગીતનું એક એવું નામ છે જેણે અઢળક લોકપ્રિયતા અને એટલી જ માત્રામાં ટીકા સહી છે. તેમને જેટલા ફૂલડે વધાવવામાં આવ્યા છે એટલા જ લોકચર્ચાના લબડધક્કે પણ ચડયા છે. પ્રશંસા અને પ્રસિધ્ધિની સમાંતરે ટીકા અને અવહેલના પણ સહ્યા પછી પંડિત રવિશંકર સિતારવાદન માટે નિર્વિવાદપણે અવ્વલ ગણાતા રહ્યા છે. ખાસ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતને વૈશ્વિક સ્તરે મળેલી ઓળખનું ઘણું શ્રેય તેમના ફાળે જાય છે.
શાસ્ત્રીય સંગીત એક એવો મહાસાગર છે કે જેમાં કોઈ એક કલાકાર કદી સર્વોત્તમ કે સર્વકાલિન મહાન ન હોઈ શકે. એ હિસાબે, પંડિત રવિશંકર પૂર્વે પણ અનેક કલાકારોએ સિતારવાદન ક્ષેત્રે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે અને પંડિત રવિશંકરના સમકાલીન તરીકે ઉસ્તાદ વિલાયતહુસૈન અને ઉસ્તાદ શુજાતહુસૈન પણ એટલા જ સન્માનનીય નામો છે પરંતુ રવિશંકરની વિશેષતા અથવા તો બહુમુખી પ્રતિભા પરંપરાના દાયરામાં રહીને ભારતીય સંગીતના મૂળભૂત માળખાને હચમચાવ્યા વગર તેને વૈશ્વિક દરજ્જો આપવામાં ગણાય છે. આ એક એવું વિરાટ અને વિકટ કામ હતું જે માત્ર એમનાથી જ થઈ શકે.
હજારો વર્ષ જૂના ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વસ્તરે રજૂ કરવા માટે પંડિત રવિશંકર 'મોસ્ટ એલિજિબલ' શા માટે ગણાય તેના કારણો ખરેખર તો નિયતિને પૂછવા પડે. કારણ કે, પંડિતજી જેટલા ભારતીય હતા એટલાં જ યુરોપિય પણ હતા. તેમના પિતા એ જમાનામાં ઓગણીશમીના સદીના આરંભિક દાયકાઓમાં બાર-એટ-લો તરીકે યુનાઈટેડ પ્રોવિન્સિસમાં વિખ્યાત હતા. પરંતુ એ જમાનામાં જેમ આટલું ભણતર પણ અજાયબ ગણાય તેમ બીજી અજાયબી એ હતી કે તેમના માતા એ જમાનામાં પણ તેમના પિતા સામે કોઈક કારણસર બગાવત કરીને તેમનાથી અલગ રહેતા હતા.
એક બાજુ પિતાની દોમદોમ સાહ્યબી અને બીજી તરફ માતા પ્રત્યેના ભાવનાત્મક લગાવને લીધે ભોગવવાની થતી હાડોહાડ અછત એવા બે અંતિમો વચ્ચે ઉછરેલા પંડિતજીના મોટાભાઈ ઉદયશંકર અચ્છા નૃત્યકાર તરીકે ઓળખ ઊભી કરી શક્યા હતા. અલ્હાબાદના કોઈ એંગ્લો ઈન્ડિયનની મદદથી ફ્રાન્સ પહોંચેલા ઉદયશંકરે ત્યાં નૃત્ય અકાદમી ઊભી કરી અને સમગ્ર યુરોપમાં શો આપવાના શરૃ કર્યા એ પછી માતા અને ભાઈ-બહેનોને પણ પેરિસ તેડાવી લીધા. મોટાભાઈના સાન્નિધ્યમાં કિશોરવયના રવિશંકરનો થયેલો એ ઉછેર કલાકાર તરીકેની તેમની કારકિર્દી ઘડવામાં નિર્ણયાત્મક બની રહ્યો.
આરંભે ઉદયશંકરના પગલે શાસ્ત્રીય નૃત્યકાર તરીકે રવિશંકરે સમગ્ર યુરોપનો પ્રવાસ કર્યો. એ વખતના યુરોપિય સંગીતના અનેક દિગ્ગજ કલાકારોના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા. ભારતીય શાસ્ત્રીય સંગીત અને પાશ્ચાત્ય સંગીત સ્વરભાર અને તાલની ગતિ ઉપરાંત નોટેશનની પધ્ધતિમાં પણ અલગ પડે છે પરંતુ સમ પર આવતા સૂર અને તાલના લયમાં ક્યાંક મેળ પણ ખાય છે એ પારખી ગયા પછી તેમણે યુરોપિયન સંગીતકારો સાથે એ વિશે ઘનિષ્ઠ ચર્ચા કરવાનું રાખ્યું. ખાસ કરીને મશહૂર ગિટારવાદક એન્ડ્રુઝ સેગ્વિયન, બ્રિટનના રિધમિસ્ટ જેફ ડેન્ઝો અને ફ્રાન્સના રિકાર્ડો એલ્નેવ સાથે તેમણે એ વખતે કાચી ઉંમરની કાચી સમજ સાથે પણ જે ખાનગી અને ઘરઘરાઉ બેન્ડ બનાવ્યું હતું એ ઈન્ડો-યુરોપિયન મ્યુઝિકનું ફ્યુઝન જ હતું.
યુરોપિયન સંગીતની સમજ મેળવ્યા પછી તેમણે ભારત પરત ફરીને સિતારવાદનની સઘન તાલીમ મેળવી. બાબા અલાઉદ્દિન ખાઁના સાત વર્ષના સંસર્ગમાં તેમણે યુરોપિય સંગીતની અસરને સદંતર ભૂંસીને પોતાની જાતને સંપૂર્ણપણે ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઢાળી દીધી. ભારતીય સંગીતમાં રાગ મુખ્યત્વે અંતરાલના દાયરામાં જ રહે છે. અંતરાલની મર્યાદા એ ભારતીય સંગીતની વિશેષતા છે પરંતુ યુરોપિય સંગીત સાથેના ઘનિષ્ઠ સંપર્કને લીધે પંડિતજીએ અંતરાલની મર્યાદાને જરાક અમથા તોડ-મરોડ આપીને પાશ્ચાત્ય સંગીતના સીમાડાનો સ્પર્શ કરાવ્યો.
તેમના પોતાના સિતારવાદનમાં જે નજાકત હતી એ પાશ્ચાત્ય સંગીતની હતી અને સૂરોની ધીરગંભીર ગતિ ભારતીય હતી. એમના સિતારવાદનને આંખ બંધ કરીને સાંભળો તો મનને આપોઆપ સમાધિ લાગી જતી હતી. આમ છતાં તેઓ પરંપરાગત ભારતીય સિતારવાદકની માફક સૂરને અંતરાલમાં બાંધીને પકડી રાખવાને બદલે ક્યાંક રમતો મૂકી દેતા હતા, કારણ કે એ તેમને મળેલી પાશ્ચાત્ય શીખ હતી. બસ, અહીં જ શરૃ થતી હતી સંગીતની એક એવી કહાની, જે ઈતિહાસ સર્જવાની હતી. પંડિત રવિશંકરને જેટલા ભારતે પોંખ્યા એટલી જ ઉત્કટતાથી યુરોપિય દેશોએ પણ અપનાવ્યા.
ભારતીય સંગીતપ્રેમીઓને તેમના સિતારવાદનમાં પરંપરાગત ભાવ સાથે પાશ્ચાત્ય તલ્લીનતા સ્પર્શતી હતી જ્યારે યુરોપના સંગીતપ્રેમીઓને તેમના સિતારવાદનમાં સમાધિનો કેફ ચડતો હતો, જે પાશ્ચાત્ય સંગીતની ગતિશિલતા ચૂકી જતી હતી. આ જ રહસ્ય હતું કે પંડિત રવિશંકર અને વિખ્યાત બેન્ડ બિટલ્સ પરસ્પર જોડાયા અને સંગીતના પર્યાય બની રહ્યા. બીટલ્સના જ્યોર્જ હેરિસન તેમના સિતારવાદનથી એટલા મંત્રમુગ્ધ હતા કે પોતે પ્રખર મેધાવી સંગીતકાર હોવા છતાં સિતાર શીખવા માટે તેમણે રવિશંકરને ગુરુપદે સ્થાપ્યા અને બિલકુલ ભારતીય ગુરુ-શિષ્ય પરંપરાને અનુસરીને સિતારવાદન શીખ્યા. જ્યોર્જ હેરિસન સાથે પંડિતજીએ જે કાર્યક્રમો આપ્યા તેણે સમગ્ર વિશ્વને દંગ કર્યું.
વિખ્યાત વાયોલિનવાદક યેહુદી મેન્યુહિનથી આખી દુનિયા પ્રભાવિત હતી ત્યારે સ્વયં મેન્યુહિન રવિશંકરના સિતારવાદનના ચાહક હતા. બંનેએ સાથે મળીને તૈયાર કરેલા ફ્યુઝન 'ઈસ્ટ મીટ વેસ્ટ'ના ત્રણ આલ્બમના નિર્માણ દરમિયાન બંને ગોડ ગિફ્ટેડ કલાકારો સાડા ત્રણ મહિના જેટલો સમય ફ્રાન્સની વિખ્યાત પર્વતમાળા મોં બ્લા નજીકના એક ગામમાં રોકાયા હતા અને પરસ્પરના સાન્નિધ્યમાં પ્રત્યેક ક્ષણને સંગીતમય બનાવતા રહ્યા. એ પછી લગભગ દોઢ દાયકા બાદ યેહુદી મેન્યુહિને કોઈ પ્રસંગે રવિશંકર સાથેના એ વસવાટને યાદ કરીને કહ્યું હતું કે, 'ધેન આઈ કેઈમ ટૂ નો, ધેર ઈઝ ઓન્લી અ જિનિયસ એન્ડ હી ઈઝ રવિશંકર'!
રવિશંકરને યેહુદી મેન્યુહિન ઓન્લી જિનિયસ કહેતા હતા તો બિટલ્સના જ્યોર્જ હેરિસને તેમને ગોડ ફાધર ઓફ વર્લ્ડ મ્યુઝિક કહ્યા હતા એ જ રવિશંકર જોકે અંગત જિંદગીમાં બહુ જ વેરવિખેર રહ્યા હતા. ભારતમાં એક તરફ તેમના સિતારવાદનની ભરચક સરાહના થતી હતી અને પદ્મભૂષણથી માંડીને ભારત રત્ન સહિતના સન્માનો મળતા હતા બીજી તરફ તેમના બબ્બે વારના નિષ્ફળ લગ્નજીવન તેમજ તેમનાથી અડધી વયની યુવતીઓ સાથેના સંબંધોને લીધે વખોડાતા પણ હતા. તેમની એક દીકરી અનુષ્કા શંકર પણ હવે સિતારવાદક અને સંગીતકાર તરીકે વૈશ્વિક ઓળખ પ્રસ્થાપિત કરી ચૂકી છે જ્યારે અમેરિકન શિષ્યા સાથેના રવિશંકરના સંસર્ગથી જન્મેલી બીજી દીકરી નોરા જોન્સ તો પાંચ-પાંચ ગ્રેમી એવોર્ડ જીતીને 'બ્લડ ઈઝ ઓલ્વેઝ થીકર ધેન વોટર' કહેવતને સાચી સાબિત કરી ચૂકી છે.
અંગત જિંદગીના વિખવાદો અને વિવાદોને કોરાણે મૂકીને ફક્ત સિતાર પર ફરતાં તેમના આંગળાની ગતિ અને તારમાંથી ઝંકૃત થતા સૂરને જ જો ધ્યાનમાં રાખીએ તો બંધ આંખે કાનની ભીતર સર્જાતા સૂરવિશ્વમાંથી જે ચહેરો પ્રકટે છે એ નિઃશંકપણે એક મહાન સિતારવાદકનો છે.
જિનિયસ મેન્યુહિનને પણ જે ઓન્લી જિનિયસ લાગ્યા હતા એ પંડિત રવિશંકરને ભાવસ્મરણ સાથે આખરી વંદના.

Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved