Last Update : 12-December-2012, Wednesday

 

પચ્ચીસ વર્ષ પહેલાં સદ્દામે આચરેલા પાશવી હત્યાકાંડના ખરા આરોપીને શોધવાની કવાયત ચાલે છે
સદ્દામના કરતૂતોની કબરમાંથી હવે કોનું નામ ખૂલશે?

૧૯૮૮માં સદ્દામે કુર્દ જાતિના કસ્બામાં ઝેરી ગેસ છોડીને દસ હજારથી વધુ નિર્દોષોની લાશ ઢાળી દીધી હતી. હવે ઈરાકી તંત્ર એ ગેસ મોકલનાર દેશને સજા કરવાના દૃઢ નિર્ધારથી સઘન તપાસ હાથ ધરી રહ્યું છે

'બધું અહીંનું અહીં છે' એવો ગ્રામિણ આશાવાદ સૂચવે છે કે, કરેલા કર્મોનું ફળ છેવટે તો અહીં જ, પોતાની હયાતિમાં જ ભોગવવું પડે છે. જોકે ક્યારેક ભોગવી લીધા પછી જાહેર થતાં કર્મોની સજા કોને અને કેવી રીતે આપવી તેની ય વિમાસણ થઈ પડે એવા કુકર્મો હોય છે. જેમ કે બીજા વિશ્વયુદ્ધમાં બર્લિનના પતન પછી મહિનાઓ બાદ હિટલરે યહુદીઓ પર ગુજારેલા અમાનુષી સિતમ અને આચરેલી ભયાનક સંહારલીલા વિશે જગતને ખ્યાલ આવ્યો હતો પરંતુ ત્યારે હિટલર પોતે તો ક્યારનો આત્મહત્યા કરીને 'મુક્ત' થઈ ગયો હતો.
હિટલરના બેરહેમ અને ઘાતકી અત્યાચારોની સજા ભાગ્યે જ કોઈને આપી શકાય એ પછી હિટલર જેવા આપખુદ શાસકો જીવતાં ન ઝડપાયા હોય તો પણ તેમના કુકર્મો સાથે સંકળાયેલા હર કોઈને સજા આપી શકાય એ માટે તપાસ ઝડપી બનાવવાનો ધારો વિશ્વભરમાં પ્રચલિત બન્યો છે. ઈરાકના સદ્દામ હુસૈન, લિબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી તેના લેટેસ્ટ ઉદાહરણો છે. કર્નલ ગદ્દાફી યુધ્ધમાં માર્યા ગયા પછી ફક્ત તેમનો મૃતદેહ જ હાથ લાગ્યો હતો તેમ છતાં ગદ્દાફીના કરતૂતો વિશે એક જ વર્ષમાં શક્ય તેટલી છાનબીન કરીને તેના ત્રણ પુત્રો સહિત અનેક લશ્કરી અધિકારીઓને સજા ફરમાવાઈ રહી છે.
સદ્દામ હુસૈન જોકે જીવિત ઝડપાયો હતો અને તેમને દેહાંતદંડની સજા આપી શકાઈ હતી. આમ છતાં સદ્દામના એક એવા કુકર્મની છાનબીન હજુ ય બાકી હતી, જેના માટે સદ્દામને વખતોવખત ફાંસી આપ્યા કરો તો પણ ગુનાની ગંભીરતાના પ્રમાણમાં એ ફાંસી સજા તરીકે ઓછી જ લાગે. ૧૯૮૮માં સદ્દામ હુસૈને કુર્દ જાતિના બળવાખોરોના ગામો પર હવામાંથી ઝેરી ગેસ વરસાવીને હજારો નિર્દોષ બાળકો, સ્ત્રીઓને બેરહેમ મોતને ઘાટ ઉતાર્યા હતા. દુનિયાભરમાં અરેરાટી ફેલાવી દેનારી એ ઘટના અંગે સદ્દામની આકરી પૂછપરછ છતાં તેણે એ કેમિકલ હથિયારો ક્યાંથી મેળવ્યા હતા, કઈ રીતે તેનો ઉપયોગ કર્યો હતો વગેરે વિગતો જાણવા મળી ન હતી.
હવે જ્યારે ઈરાકમાં લોકતાંત્રિક શાસન છે અને સદ્દામ હુસૈનના સમર્થકો મોં સંતાડતા ફરે છે ત્યારે ૧૮ માર્ચ, ૧૯૮૮ના રોજ અમાનવીય ઢબે થયેલા એ રાસાયણિક હુમલાની પુનઃ તપાસ આરંભી દેવાઈ છે અને કોઈપણ હિસાબે તેની એક-એક કડી મેળવીને હજારો નિર્દોષ નાગરિકોના મોતના તાંડવ પાછળ સંડોવાયેલા હરકોઈને નશ્યત કરવાનો દૃઢ નિર્ધાર ઈરાક સરકારે વ્યક્ત કર્યો છે. સદ્દામ હુસૈન ઉપરાંત તેમની બાથ પાર્ટી અને સેનાના ઉચ્ચ અધિકારીઓને ફાંસી અથવા જનમટીપ સહિતની સજાઓ ફટકારી દેવામાં આવી છે પરંતુ આ કેમિકલ હુમલાના સગડ મળ્યા પછી હાલમાં આજીવન કારાવાસની સજા કાપી રહેલા કોઈ અધિકારીની સંડોવણી જણાશે તો તેને દેહાંતદંડ પણ થઈ શકે છે.
બન્યું હતું એવું કે, એંશીના દાયકામાં સદ્દામ હુસૈનના શાસન હેઠળનું ઈરાક તેના કટ્ટર પ્રતિસ્પર્ધી આયાતોલ્લાહ ખોમૈનીના વડપણ હેઠળના ઈરાન સામે યુદ્ધે ચડયું હતું. એ વખતે એક તબક્કે ઈરાની સૈન્ય ઉત્તરીય ઈરાકના પાદર સુધી પ્રવેશી ચૂક્યું હતું, જેને પુનઃ સરહદ પાર ખદેડવામાં સદ્દામે એડીચોટીનું જોર લગાવવું પડયું હતું અને એ યુધ્ધમાં ઈરાકના ૪૦૦૦ સૈનિકો માર્યા ગયા હતા. ઉત્તરીય પ્રાંતમાં કુર્દ જાતિના મુસ્લિમ કબીલાઓનું વર્ચસ્વ હતું અને કુર્દ જાતિ સદ્દામ કે તેમની બાથ પાર્ટીની કટ્ટર વિરોધી હતી. એટલે સદ્દામને એવી શંકા હતી કે કુર્દ કબીલાઓએ દેશદ્રોહ કરીને ઈરાનને સહાય કરી હોય તો જ ઈરાની સૈન્ય આટલે સુધી પગપેસારો કરી શકે.
ફક્ત આટલી શંકાના આધારે સદ્દામે કુર્દ ઈલાકાના કબીલાઓને દાઢમાં રાખ્યા હતા. ઈરાન સાથેના યુધ્ધના મહિનાઓ પછી તેણે એક ભીષણ યોજના અમલમાં મૂકી હતી. એ યોજના મુજબ, ૧૮ માર્ચ, ૧૯૮૮ની વહેલી સવારે બગદાદ હવાઈ મથકથી બે યુધ્ધવિમાનો ઊડયા. સવારે સાડા પાંચ-છ વાગ્યે ઉત્તરિય પ્રાંત વિસ્તારના હલબ્ઝા નામના કસ્બાના આકાશમાં પહોંચેલા એ યુધ્ધવિમાનોએ ધરતીની શક્ય તેટલા નજીક આવીને આઠ-દસ ચક્કર લગાવ્યા અને પછી ફરીથી ઊંચે ઊડાન ભરી લીધી. બસ, એ પછી ફક્ત અડધી જ કલાકમાં, વહેલી સવારની ગાઢ નિંદર માણી રહેલા લોકો હાંફળા-ફાંફળા થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા અને પછી થોડી જ વારમાં લાશ બનીને ઢળવા લાગ્યા હતા.
એ કારસ્તાન કેમિકલ વેપન તરીકે ઓળખાતા ઝેરી ગેસનું હતું. યુધ્ધવિમાનોએ હલબ્ઝાના આકાશમાં મસ્ટર્ડ નામનો અતિશય ઝેરી ગેસ વહાવીને હવાને પ્રદુષિત કરી નાંખી હતી. એ ઝેરી હવામાં શ્વાસમાં જતાં ડઘાયેલા લોકો શ્વાસ લેવા માટે તરફડિયા મારતાં ખુલ્લી હવામાં દોડી આવ્યા અને વધુ માત્રામાં ઝેરી ગેસનો ભોગ બન્યા. બાળકોને સૌથી પહેલી અસર થઈ અને પંદર-વીશ મિનિટમાં તો હલબ્ઝાના ટેકરીઓથી છવાયેલા આસપાસના વિસ્તારમાં પાંચસોથી વધુ બાળકોની લાશો ઢળી ગઈ. બાળકોના અણધાર્યા, બેરહેમ મોતથી ડઘાયેલા મા-બાપ હજુ કશું સમજે એ પહેલાં તેમને ય ઝેરી ગેસ ભરખી ગયો. સદ્દામ હુસૈનના એ અત્યંત ઘાતકી કેમિકલ હુમલામાં કુલ કેટલાં લોકો માર્યા ગયા તેનો સાચો આંકડો તો કદી જ બહાર ન આવ્યો. કેટલાંક વિદેશી પત્રકારોના અંદાજ મુજબ તેમણે હલબ્ઝાની ટેકરીઓ પર તેમણે પાંચ હજારથી વધારે લાશો ઢળેલી જોઈ હતી. આરંભે બીબીસી અને પછી અન્ય કેટલાંક અમેરિકી માધ્યમોમાં એ પાશવી હુમલાની વિગતો તસવીરો સાથે પ્રસિધ્ધ થઈ એ પછી આખી દુનિયાએ સદ્દામ પર ફિટકાર વરસાવ્યો અને એ પછી સદ્દામને નશ્યત કરવા માટેના અમેરિકી અભિયાનને વૈશ્વિક બળ મળ્યું.
છેવટે બે દાયકા બાદ અમેરિકા સદ્દામની સત્તા નેસ્તનાબુદ કરવામાં સફળ રહ્યું પણ ત્યાં સુધીમાં સદ્દામ એ ભયાનક અને માનવ ઈતિહાસના સૌથી ગોઝારા હુમલાના તમામ સગડ, પૂરાવાનો નાશ કરી નાંખ્યો હતો. એ હુમલા પાછળ માસ્ટરમાઈન્ડ હતો સદ્દામનો નાનો ભાઈ અલી હસન અલ માજિદ. રાસાયણિક શસ્ત્રોમાં માહેર અલીએ જ દુનિયાભરના કેમિકલ વેપન્સ માટે કુખ્યાત દેશોની મુલાકાત લીધા પછી સદ્દામને જૈવરાસાયણિક શસ્ત્રોના રવાડે ચઢાવ્યો હતો. ઈરાકી સૈન્યમાં તેની ઓળખ જ કેમિકલ અલી તરીકેની હતી.
પરંતુ હવે ઈરાકી તંત્રને તલાશ છે એ દેશની, જેણે સદ્દામ હુસૈન જેવા નરરાક્ષસના હાથમાં આવા ઘાતક અને સામૂહિક હિંસાચારના પરવાના જેવા ભયાનક શસ્ત્રો પકડાવ્યા. અઢી દાયકામાં વિજ્ઞાાને કરેલી પ્રગતિનો આધાર લઈને હવે એવો નિર્ણય લેવાયો છે કે જો મસ્ટાર્ડ ગેસની ઝેરી અસરથી મૃત્યુ પામેલા લોકોના દફન કરાયેલા શરીર ફરીથી બહાર કાઢી તેમનાં શરીરમાં ભળેલા ગેસના અણુઓનું વિઘટન કરીને તેનું રાસાયણિક બંધારણ મેળવી શકાય તો એ બનાવનાર દેશ સુધી પહોંચી શકાય. કારણ કે, પચ્ચીસ વર્ષ પહેલાં માસ ડિસ્ટ્રોયર ઝેરી ગેસ બનાવવાની કુશળતા ગણ્યાં-ગાંઠયા દેશો જ ધરાવતા હતા અને એ દરેક દેશોની પધ્ધતિ અલગ અલગ હતી.
એ વખતે ચીન, રશિયા, કોરિયા જેવા સામ્યવાદી શાસન હેઠળના દેશો આવા રાસાયણિક શસ્ત્રોના ઉત્પાદન અને વપરાશ માટે કુખ્યાત હતા. એ સિવાય જર્મની અને ફ્રાન્સમાં ઔદ્યોગિક હેતુસર આવા ગેસ તૈયાર કરવામાં આવતા હતા. હવે જો રાસાયણિક બંધારણ જાણી શકાય તો ગેસના નિર્માતા દેશના સગડ પણ મેળવી શકાય. હાલ ઈરાકી તંત્રને રશિયા પર શંકા છે. એ વખતે અમેરિકા સાથે બાથ ભીડી રહેલા સદ્દામને શીત યુદ્ધને લીધે રશિયાએ ઓથ આપી હતી અને પુષ્કળ શસ્ત્ર સરંજામ પણ પૂરો પાડયો હતો. એ હિસાબે આવા ઘાતક શસ્ત્ર પણ રશિયાએ જ આપ્યા હોવા જોઈએ.
જો ઈરાકની વડી અદાલત કબરમાં પોઢેલા મૃતદેહો સાથે છેડછાડ કરવાની પરવાનગી આપશે તો માનવ ઈતિહાસની એ સૌથી જઘન્ય ઘટનાના ખરા આરોપીની ઓળખ થઈ શકશે. જોકે, રશિયાનું નામ ખૂલે તો પણ રશિયામાં કોને સજા કરવી એ પ્રશ્ન તો ઊભો રહેવાનો જ છે કારણ કે ત્યારના સોવિયેત રશિયાનું તો ક્યારનું ય વિઘટન થઈ ચૂક્યું છે.
જગતમાં દરેક કૃત્યોની સજા આપી શકાતી નથી. કારણ કે કેટલીક વાર કાયદા કરતાં ય નિયતિના હાથ વધુ લાંબા પૂરવાર થઈ જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved