Last Update : 11-December-2012, Monday

 

અમુક નિષ્ફળ ઇનિંગ્સના આધારે
સચીન તેંડુલકરના અદ્વિતીય યોગદાનને ન ભૂલીએ

ક્રિકેટ જે દેશમાં ધર્મ છે એ પાછળનું સૌથી મોટું કારણ સચીન તેન્ડુલકર રમતને અલવિદા કહે એની વાત ચાલે છે, પણ ભારતીય ટીમ તરફ જોતા એક વાત ચોક્કસ છે કે અત્યારે લિટલ માસ્ટરની સૌથી વધુ જરૃર છે

૨૦૧૨ની સૌથી સફળ અને વખાણવામાં આવેલી ફિલ્મોમાંની એક 'ઓહ માય ગોડ'નો ટૂંકો સાર એક જ હતો ઃ ભગવાન પર અંધશ્રદ્ધા ન રાખો, પણ પૂરતો વિશ્વાસ તો રાખવો જ. ક્રિકેટ જો ભારતમાં ધર્મ છે, તો ભગવાન એનો સચિન તેન્ડુલકર જ છે અને એ કારણે જ કદાચ દેશનો દરેક વ્યક્તિ આ રમતમાં ભારતને અભૂતપૂર્વ ઉંચાઈને અવાર-નવાર બતાવનારા આ ખેલાડી વિશે પોતાનો અભિપ્રાય રાખે. છેલ્લા બેે વર્ષમાં આપણા દેશમાં અંગત અભિપ્રાય સાંભળવા મળતા હોય એવા ચર્ચાસ્પદ મુદ્દાઓ તો અસંખ્ય બન્યા છે, પણ બે પ્રશ્નો અચૂક ચર્ચામાં આવ્યા હશે. આ બન્ને પ્રશ્નો સચિન તેન્ડુલકરને લગતા હતા. પહેલાં તે સો સદી ક્યારે પૂરી કરશે એના વિશે ઉકળતી ચા કરતા પણ વધુ ગરમાગરમીભરી ચર્ચા/દલીલ થતી. જ્યારે એ લ્હાવો માણી લીધો પછી તેની નિવૃત્તિ વિશે ક્રિકેટમાં ફક્ત સચિનનું નામ જાણનારા પણ કહેવા લાગ્યા છે કે તેણે હવે પોતાના બેટને આરામ આપવો જોઈએ. આંકડા કે તેની તકનીકના પૃથક્કરણ બાદ ન્યુઝ ચેનલથી માંડી પાનના ગલ્લા પર આ મુદ્દો ગંભીર સ્વરૃપ લેતો રહ્યો છે.
માનવ તવારિખમાં એવા કેટલાય ઉદાહરણો હશે જેમાં પોતાના જ માણસોએ આદર્શસમાન વ્યક્તિના ધજાગરાં ઉડાવ્યા હોય. નરસિંહ મહેતાથી માંડી મોહનદાસ કરમચંદ ગાંધી જેવી વ્યક્તિઓ એના શિકાર થયા છે. કદાચ સચિન તેન્ડુલકર માટેના અત્યારના સંજોગો જોઈને પણ એવું જ કહી શકાય. વિવેચકો, વિશ્લેશકો અને વિવાદપ્રેમીઓ પોતાના ફાયદા અને સંતોષ માટે એવા નિવેદનો આપી રહ્યા છે જે વાણી-વિચાર સ્વાતંત્ર્યનો સાચો દુરુપયોગ છે. જે ખેલાડીએ દેશભરમાં લોકોને મેચ દરમિયાન પાણી પીવા પણ ઊભા નથી થવા દીધા એને જ પાણિચું આપવાની 'સલાહ' બેધડક આપવામાં આવી રહી છે. એક વાત તો હકીકત છે કે કારકિર્દીમાં વિવાદોથી દૂર રહેનારા લિટલ માસ્ટરે પોતાના વિચારો નથી બહાર આવવા દીધા, પણ એ કારણે તેની સાથે આ રમત રમવી કેટલી વ્યવહારિક છે?
આંકડા અને એનલિસિસ અત્યારે સચિનની તરફેણ ન કરી રહ્યા હોય, પણ એક સવાલ જરૃર થાય કે શું ખરેખર આ એ સમય છે જ્યારે ભારતીય ક્રિકેટ ટીમને આટલો મોટો ઝાટકો આપવો? ઇંગ્લેન્ડ સામે કલકત્તામાં નાલેશીભરી હારનો સામનો કરી ૧-૨થી પાછળ રહી ગયેલી આપણી ટીમ (કે સમગ્ર દેશ)માં ક્યો એવો ખેલાડી છે જે સચિનનું સ્થાન ભરી શકશે? દ્રવિડ, લક્ષ્મણ કે ગાંગુલીના સ્થાને પણ હજી સંતોષકારક જવાબ નથી મળ્યા, ત્યારે સચિનની ગેરહાજરી બ્લેક હોલની અસર અપાવી શકે એમ છે. ઘણા જાણકારો આ સમયગાળાને ભારતીય ક્રિકેટ ટીમના 'ટ્રાન્ઝિશન ફેઝ' તરીકે ઓળખાવે છે. દિગ્ગજ ખેલાડીઓની ગેરહાજરી પૂરવામાં સમય લાગે એ ચોક્કસ વાત છે. ચેતેશ્વર પુજારા જેવા પ્લેયરે પ્રતિભા યોગ્ય સમયે બતાવી છે, પણ 'વોલ' બનવાનો હજી પાયો નખાઈ રહ્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટમાં લાંબી મજલ કાપવાની છે એ તેના પર્ફોર્મન્સ પરથી દેખાઈ જ આવે છે. હકીકતમાં ગંભીર અને સેહવાગ જબરદસ્ત શરૃઆત આપે પછી એને ટકાવી રાખવા મિડલ-ઓર્ડરમાં અત્યારે આપણી ટીમ સૌથી વધારે ખુલ્લી પડે છે. ઇંગ્લેન્ડ સામેની બીજી અને ત્રીજી ટેસ્ટમાં એ જોવા મળ્યું છે. સચિન આ બે ટેસ્ટમાં ભલે એક જ વખત સફળ થયો હોય, પણ તેની હાજરી ટીમમાં આવશ્યક છે એ ચોક્કસ છે. હવે ઓસ્ટ્રેલિયા ભારત રમવા આવવાનું છે અને એના બોલરો સામે સચિન જેવા ખેલાડીની હાજરી સૌથી વધુ ભારતીય ટીમને મજબૂત બનાવવા માટે જરૃરી છે.
જાણકારોએ એ મત તો બહુ પહેલાંથી આપી દીધો છે કે સચિને ક્યારે નિવૃત્તિ લેવી જોઈએ એ તો તેને જ નક્કી કરવાનું છે. જો યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ પોતાની ક્ષમતાને પૂરવાર કરી શક્યા હોત તો સચિને ક્યારનું ક્રિકેટને અલવિદા કહી પણ દીધું હોત એવું એક સમયના ટીમના કોચ અંશુમન ગાયકવાડનું કહેવું છે. તેમનું એ પણ માનવું છે કે સચિન એવા ખેલાડીમાંથી નથી જે પોતાના માટે રમતો હોય અને જો આ જ પર્ફોર્મન્સ તે સફળ યુવા ખેલાડીઓની હાજરીમાં આપતો હોત તો તે જ સૌથી વધુ શરમાણો હોત. તેમણે કહ્યું હતું કે હકીકત એ જ છે કે સચિન તેન્ડુલકરની ટીમને જરૃર છે અને એટલે જ હજી તો તેણે નિવૃત્તિ ન જ લેવી જોઈએ. હમણાં જ નિવૃત્તિ જાહેર કરનારા રાહુલ 'વોલ' દ્રવિડે પણ આ જ વાત ફરી-ફરીને ટીવી પર અને ઇન્ટરવ્યુમાં કહી છે. તેણે કહ્યું હતું કે 'પહેલાં કરતા પણ અત્યારે સચિનની ટીમમાં હાજરી જરૃરી છે. ઇંગ્લેન્ડ સામે હાલત જોતા અત્યારે સિનિયર ખેલાડી હોવો જોઈએ જ અને સચિન કરતા શ્રેષ્ઠ વિકલ્પ કોણ હોય?' સચિન માટે એક વાત પણ ઘણી પ્રસિદ્ધ છે. તે યુવા ખેલાડીઓ માટે આદર્શસમાન છે અને તેમના વિકાસમાં અંગત રસ લે છે. આ કારણે જ ડ્રેસિંગ-રૃમમાં પણ તેની હાજરી અલગ જ અસર છોડતી હોય છે. વિરાટ કોહલી અને યુવરાજ સિંહ જેવા ખેલાડીને નેટ-પ્રેક્ટિસમાં ભૂલો સુધારવામાં સચિન જેટલી મદદ કોઈ ન કરી શકે. વારંવાર ક્લીન બોલ્ડ થનારા સચિનની તકનીક વિશે પણ ઘણા સવાલ ઊભા થયા છે. જોકે તેની નજીકની વ્યક્તિઓના કહેવા પ્રમાણે તેની ટેક્નિકમાં કોઈ જ સમસ્યા નથી. ઇંગ્લેન્ડ સામે કલકત્તાની ટેસ્ટમાં પહેલી ઇનિંગ્સમાં ધીમી શરૃઆત કરનારા ખેલાડીએ ઝડપ પકડી હતી અને એ જ સાબિતી આપે છે કે હજી રનના ભંડારનું તળિયું તો ઘણું દૂર છે. ઘણી ઇનિંગ્સથી તેણે કદાચ સદી ન મારી હોય, પણ સેન્ચુરી ફટકારવા માટે એક જ ઇનિંગ્સ જોતી હોય છે.
ઘણાના મતે ખેલાડીએ ત્યારે અલવિદા કહેવું જોઈએ જ્યારે તે રમતમાં ટોચ પર હોય. સચિન માટે આવું કહેનારા ઘણા રહ્યા છે. એમાં પણ રિકી પોન્ટિંગ, લક્ષ્મણ અને દ્રવિડે જે રીતે અલવિદા કહેવું પડયું છે એના કારણે સચિન માટે આવા સંજોગોનો 'ડર' ઘણાને છે. જોકે ૨૩ વર્ષથી લગાતાર જે વ્યક્તિ એક જ કામમાં મહત્તા સાબિત કરતો હોય એને કહેવાની જરૃર પડે કે વીઆરએસ સ્વીકારવાનો સમય આવી ગયો છે? આ 'હાઇટ' પર નિવૃત્તિ લેનારા અનિલ કુંબલેએ થોડા સમય પહેલાં આ બાબતે અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે 'સચિન ભારત તરફથી ક્રિકેટ રમનારો ૧૮૭મો ખેલાડી છે. છેલ્લે ભારત તરફથી પહેલી ટેસ્ટ રમનારો આર. વિનય કુમાર ૨૭૪મો પ્લેયર છે. આ ૮૭માંથી ૬૦ ટકાથી વધુ ખેલાડીઓએ નિવૃત્તિ લઈ લીધી છે. આ જ સાબિત થાય છે કે એ ખેલાડીની રમત માટેની મહત્ત્વાકાંક્ષા, ભૂખ અને સમર્પણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મેચ પછી મેચમાં તે જેટલી વખત નિષ્ફળ ગયો છે એના કરતા સફળ થયો છે. હા, આપણે સચિનને તેના શ્રેષ્ઠ ફોર્મમાં છેલ્લા અમુક સમયથી નથી જોયો, પણ બીજા ક્યા ખેલાડીએ સાતત્ય બતાવ્યું છે? તેને છેલ્લા ૨૩ વર્ષથી જે રીતે રમતા જોયો છે એના પરથી આશા હોય, પણ છેલ્લા દોઢ વર્ષમાં ભારતની આખી ટીમે ટેસ્ટમાં સમસ્યાનો સામનો કરવો પડયો છે. તો એનો મતલબ એમ જ સમજવો કે હજી આપણે 'વન મેન આર્મી' છીએ અને સચિન પર જ નિર્ભર રહીએ છીએ? તેના પરનું દબાણ ઓછું થશે એટલે એ જ લિટલ માસ્ટર બધાને જોવા મળશે.' અનિલ કુંબલેએ એમ પણ કહ્યું હતું કે સચિન જ હજી તમામ હરીફ ટીમ માટે સૌથી મોટી વિકેટ છે અને તેને કઈ રીતે આઉટ કરવો એ ચર્ચા ડ્રેસિંગ-રૃમમાં સૌથી મહત્ત્વપૂર્ણ હશે.
સચિન ખાલી એક ખેલાડી તરીકે જ નહીં, પણ રમત માટે કેટલી મોટી વ્યક્તિ બની ગયો છે એ પણ જોવું જોઈએ. જે ભારતીય ક્રિકેટ ટીમને છૂટક પ્રસંગો માટે યાદ કરવામાં આવતી હતી એને સચિનને કારણે બેટિંગમાં શક્ય એટલા તમામ રેકોર્ડ્સ માટે અંકિત કરી ચૂકવામાં આવી છે. તે રમી નથી શકતો એવું કહેનારા તો કંઈ અત્યારે જ પેદા નથી થઈ ગયા, તેઓ તો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી સક્રિય છે. જોકે હજી તેની સ્ટ્રેટ-ડ્રાઇવની ફોર એ જ સાબિત કરે છે કે અમુક ખેલાડી લેજન્ડ હોય છે અને એનાથી પણ ઉપર સ્થાન ધરાવનારો ખેલાડી સચિન છે. સચિનનું ડિફેન્સ નબળું થઈ ગયું છે એના જવાબમાં પણ તેણે રમેલી ૭૬ રનની ઇનિંગ્સ સૌથી મોટી સાબિતી છે. દરેક ખેલાડીને એવો તબક્કો આવતો જ હોય છે જેમાં તે પ્રતિભા કરતા ખૂબ જ નીચો લાગતો હોય એવો દેખાવ કરતો હોય. ૨૩ વર્ષની કારકિર્દીમાં એવા તબક્કા ખૂબ જ ઓછા રહ્યા છે એટલે જ તે વ્યક્તિને સચિન તેન્ડુલકર કહેવામાં આવે છે.
ખુદ સચિને સપ્ટેમ્બરમાં નિવૃત્તિ વિશે કહ્યું હતું 'નિવૃત્તિ ખૂબ જ અઘરી હશે કારણ કે અત્યાર સુધીમાં મેં રિટાયરમેન્ટના સમયે જે અનુભવ હશે એની નજીકની લાગણીનો પણ સામનો નથી કર્યો. હું મારા જીવનની બીજી કોઈ ક્ષણ સાથે એની સરખામણી કરી શકું એમ નથી. અત્યારે હું ૩૯ વર્ષનો છું અને આજીવન તો નથી જ રમી શકવાનો.' આના પરથી જ કહી શકાય કે આટલા હોબાળા વચ્ચે ખુદ એ વ્યક્તિને તો જાણ છે જ કે તેનો અંતિમ સમય ક્યારે આવી શકે. જ્યારે તેની કારકિર્દીનો અંત આવશે ત્યારે તમામને જાણ તો થઈ જ જશે, પણ એક વાત તો ચોક્કસ છે કે આ અંત પણ એક નવી રેકોર્ડબ્રેકિંગ ઉંચાઈસમાન જ હશે.

Share |
 

Gujarat Samachar Plus

સરખા વ્યવસાયમાં વ્યસ્ત દંપતીઓનું જીવન અલ્પજીવી
કેમ્પસ ઇન્ટરવ્યુમાં ફરી 'સાડી' હૉટ ફેવરિટ
પુરુષોની બેવફાઈ માફ કરવામાં મહિલાઓ વધુ ઉદાર
સિગારેટની ટેવ કેમ જલ્દી છૂટતી નથી?
મિક્સ-મેચ વડે વોર્ડરોબમાં વૈવિધ્ય લાવો
ફિઝીકલ ફિટનેસ સાથે સેલ્ફ ડિફેન્સ પણ જરૃરી છે
શહેરી વિસ્તારોમાં કિચન ગાર્ડનનો વધતો કન્સેપ્ટ
 

Gujarat Samachar glamour

સમીરા રેડ્ડીને નવા વર્ષે ૫૦ લાખની ઑફર
જિયા ખાન ઃ પ્રૌઢ પુરુષો પ્રત્યે વિશેષ અનુરાગ
સ્ટાર્સની લાઈફ સ્ટાઈલ ઘણી અઘરી હોય છેઃ પ્રાચી દેસાઈ
શાહરુખ પ્રિયંકા ચોપરાના દિલની નજીક છે...
પ્રેમના ઘુંટ કડવા હોય છેઃ શાહિદ
હવે કરિયર પર ધ્યાન આપું છુંઃ પ્રતિક
ડેનિયલ જેવી બોડી બનાવવાનો ક્રેઝ
 
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved