Last Update : 08-December-2012, Saturday

 

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે ભારતીય સંઘની માન્યતા રદ કરી તેનાંથી વૈશ્વિક સ્તરે આપણી પ્રતિભા ખરડાઈ છે
ઓલિમ્પિક વિવાદઃ નિંભરતાનો ગોલ્ડ મેડલ આપણા ફાળે

હકાલપટ્ટીને લીધે ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક રમતોમાં હિસ્સેદાર જરૃર બની શકે પરંતુ એ માટે તેમણે ઓલિમ્પિક ધ્વજ અપનાવવો પડશે અને ભારતીય ધ્વજને તેમાં સ્થાન નહિ હોય. આ સ્થિતિ ઓછી શરમજનક ગણાય?

પૂછ્યું કે સાહેબ, તમે સરસ કવિતાઓ લખો છો. વાર્તા પર પણ હાથ અજમાવી ચૂક્યા છો. તો પછી સાહિત્ય પરિષદમાં જોડાઈ જાવ ને? જવાબમાં મોદીએ કહ્યું કે, સોરી દોસ્ત, મને ફૂલ ટાઈમ પોલિટિક્સ નથી ફાવતું!
સાહિત્યના વિકાસ માટેની સંસ્થામાં ય કેટલું હળાહળ રાજકારણ પેસી ગયું છે તેની આ વક્રોક્તિ કમ સે કમ દરેક રમતના સંઘોને તો બરાબર બંધબેસતી છે જ. તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિએ ભારતીય ઓલિમ્પિક સંઘની માન્યતા રદ કરી તેનો આઘાત હજુ પચ્યો નથી ત્યાં આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશને ભારતીય બોક્સિંગ ફેડરેશનને પાણીચું પકડાવી દીધું છે. બંને કિસ્સાઓમાં આંતરરાષ્ટ્રીય કમિટિએ ભારતીય સંઘોમાં સરકારી દખલને કારણભૂત ગણાવી છે. કેટલાંક કારણો વજૂદપૂર્ણ છે તો વળી કેટલાંક કારણો ખોટા છે. સામા પક્ષે ખુદ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ પોતે ય જરાક પણ દૂધે ધોયેલી નથી.
ઘટના સર્જતું કારણ સમજવા માટે બહુ લાંબો અને પેચીદો ઘટનાક્રમ સમજવો પડે તેમ છે એટલે ફટાફટ એક નજર ભૂતકાળ પર. ૨૦૦૮માં ભારતીય ઓલિમ્પિક સંઘના વ્યવસ્થાપકો, પદાધિકારીઓની ચૂંટણી થઈ ત્યારે તેમાં સરકાર નિયુક્ત સભ્યોને કોઈ જ ચૂંટણી વિના અધિકાર આપવાની શરત રાખવામાં આવી હતી. સુરેશ કલમાડીનો અમર્યાદ ભ્રષ્ટાચાર પણ એ પછી જ પ્રકાશમાં આવ્યો હતો. ભારતીય ઓલિમ્પિક સંઘના કેટલાંક પદાધિકારીઓ, જે નિયત પધ્ધતિ વડે ઈન્ટરનેશનલ ઓલિમ્પિક સંઘમાં મતદાનનો અધિકાર ધરાવતા હતા તેમને તગેડીને સરકાર નિયુક્ત અધિકારીઓ ગોઠવાઈ ગયા હતા. આ દરેક કારણો આગળ ધરીને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘે ૨૦૧૦ અને ૨૦૧૧માં નોટિસ મોકલી હતી.
આ વર્ષે ઓલિમ્પિક યોજાવાનો હોવાથી ૨૦૧૧ ડિસેમ્બરમાં સ્ટોકહોમ ખાતે મળેલી ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિની જનરલ મિટિંગમાં ભારત અને ભારત જેવો જ કિસ્સો ધરાવતા બે દેશો કુવૈત તેમજ ઈન્ડોનેશિયાને પ્રતિબંધિત કરવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો, જે આ વર્ષે લેવાયો છે. મતલબ કે, આ નિર્ણય ચાર વર્ષથી તોળાઈ જ રહ્યો હતો અને તેમ છતાં ભારતીય ખેલ મંત્રાલયે એ અંગે ભરપેટ ઉદાસિનતા દાખવી. ગત મહિને ખુલાસા અને સ્પષ્ટિકરણ સંબંધિત ફાઈનલ નોટિસ મળવા છતાં તેનો ય જવાબ વાળવામાં સરકારી ખાતા અને ભારતીય ઓલિમ્પિક સંઘ વચ્ચે ચલકચલાણું રમાયું. પરિણામે, ભારતના લમણે વૈશ્વિક ખેલ મહાકુંભમાંથી હકાલપટ્ટીનું લાંછન લખાયું.
આંતરરાષ્ટ્રીય સંઘ એ દરેક દેશોના ઓલિમ્પિક ખેલ માટે જ રચાયેલા સંગઠનોનું છત્ર છે. એ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજાં હેઠળ દરેક દેશોએ વૈશ્વિક હિતમાં ઓલિમ્પિક ખેલ પૂરતાં તમામ અધિકારો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સંઘને અને તેના છત્ર હેઠળના પોતાના દેશના સંઘને સોંપ્યા છે. દરેક દેશના પોતાના ઓલિમ્પિક એસોસિએશન ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના ધારાધોરણ અને માર્ગદર્શન મુજબ ચાલે અને દેશનું સત્તામંડળ તેમાં કોઈ જ હસ્તક્ષેપ કરે નહિ આ પ્રકારની સમજુતી ભારત સહિતના દરેક દેશે સ્વીકારેલી છે.
ઓલિમ્પિક કમિટિ (આઈઓસી) ભારતીય સંઘની માન્યતા રદ કરી દે તેનાંથી શું ફરક પડી શકે? શું ભારતીય ખેલાડીઓને ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રવેશ ન મળે? આ સવાલનો જવાબ હા પણ છે અને ના પણ છે. આંતરરાષ્ટ્રીય કરાર અનુસાર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ તેના નેજાં હેઠળના દરેક સંઘને વ્યવસ્થા, ગોઠવણ, સંચાલન ઉપરાંત રમતોના વિકાસ માટે આર્થિક મદદ પૂરી પાડતી હોય છે. આ રકમ પ્રતિ વર્ષ રૃપિયા ૨૦ કરોડ જેટલી હોય છે. માન્યતા રદ થવાથી આ રકમ મળશે નહિ. આ ઉપરાંત ભારતીય ખેલ પ્રતિનિધિઓને આઈઓસીમાં હવે કોઈ અધિકાર રહેશે નહિ. ઘરઆંગણે ઓલિમ્પિક યોજવા અંગે ભારત દાવેદારી કરી શકશે નહિ. સૌથી મહત્ત્વની વાત એ કે, ભારતીય ખેલાડીઓ ઓલિમ્પિક રમતોમાં હિસ્સેદાર જરૃર બની શકે પરંતુ એ માટે તેમણે ઓલિમ્પિક ધ્વજ અપનાવવો પડશે અને ભારતીય ધ્વજને તેમાં સ્થાન નહિ હોય.
જો આટલી શરમજનક સ્થિતિમાં મૂકાવું પડતું હોય તો ભારતીય ખેલ મંત્રાલયે અત્યાર સુધી આટલું નિંભર વલણ કેમ દાખવ્યું એ તપાસનો વિષય બને છે. આમ છતાં હાલ લદાયેલો પ્રતિબંધ લાંબા ગાળાનો નહિ હોય એ તો નિશ્ચિત છે. આખરે ભારત એ બાકીની દુનિયા માટે સૌથી વધુ ઝડપથી વિકસતું બજાર છે. દુનિયાભરના તમામ ખેલાડીઓ ભારતમાં જાણીતા થવા તત્પર છે કારણ કે અહીં એક જ ઝાટકે કરોડો દર્શકો મળે છે. ગોલ્ફ કે બેઝબોલ જેવી ભારતમાં ઓછી જાણીતી રમતોના ખેલાડીઓ પણ ભારતીય દર્શકમાં ઓળખીતા થવામાં ફાયદો જુએ છે. સ્પોન્સર કંપનીઓ પણ ભારત ન હોય એવા ઓલિમ્પિકમાં રસ ન દાખવે એ જગજાહેર છે. એ સંજોગોમાં બંને પક્ષે કંઈક સમજૂતી થશે તે નિશ્ચિત છે.
વળી, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટિ પોતે પણ અનેક વખત વિવાદો, ભ્રષ્ટાચાર, આપખુદી દાખવી ચૂકી છે. આઈઓસીના ચેરમેન જેક્સ રોગે તેમના બેફામ વર્તન માટે અનેક વખત ચર્ચા જગાવી ચૂક્યા છે. ઓલિમ્પિક કમિટિના સર્વેસર્વા હોવાના કારણે પોતાને કોઈ દેશના વડા સમકક્ષ માનતા રેગેએ ભૂતકાળમાં કેટલાંય દેશોના વડાઓને પણ મુલાકાત માટે રાહ જોવડાવી હોવાના કિસ્સા બન્યા છે. ઓલિમ્પિક આયોજન માટે સ્થળની પસંદગીથી માંડીને સ્ટેડિયમના નિર્માણ સહિતના દરેક તબક્કે આઈઓસીમાં બેફામ ભ્રષ્ટાચાર વ્યાપેલો હોવાનું પણ જગજાહેર છે. એટલે આઈઓસીનું પ્રમાણપત્ર કોઈપણ સંજોગોમાં આખરી નથી.
આઈઓસી જો ખરેખર ભારતીય ઓલિમ્પિક સંઘમાં સરકારી કે રાજકીય હસ્તક્ષેપને દૂર રાખવા માંગતી હોય તો ભારતના એક-એક રમત સંઘોમાંથી તેણે ખાઈબદેલા રાજકારણીઓની હકાલપટ્ટી કરવી જોઈએ. દિલ્હીના પૂર્વ સાંસદ અને ભાજપના નેતા વી. કે. મલ્હોત્રા ૪૦ વર્ષથી ભારતીય તિરંદાજી સંઘના અધ્યક્ષ છે, જેને પોતાને હજુ ય તીર કોને કહેવાય અને કામઠું એટલે શું તેની ગતાગમ નથી. સાયકલિંગ સંઘના પ્રમુખપદે આંધ્રના કોંગ્રેસી વી. ભૂષણ રેડ્ડી ૩૨ વર્ષથી કબજો જમાવીને બેઠા છે. એવું જ લગભગ દરેક રમતોના એસોસિએશન સાથે બની રહ્યું છે. જો આઈઓસીને ખરેખર રમતમાં પ્રસરતી રાજરમત સામે વાંધો હોય તો આ દરેક સંઘોમાંથી રાજકારણીઓને ઘરભેગા કરીને સાફસૂફી કરવી જોઈએ. પરંતુ એ આઈઓસી કરી શકે તેમ નથી. કારણ કે ખુદ આઈઓસીના વડા તરીકે બિરાજેલા જેક્સ રેગે ૧૧ વર્ષથી ચિપકેલા છે અને તેમના પૂર્વસૂરિ સમારાંચા તો ૨૧ વર્ષ સત્તા ભોગવી ચૂક્યા છે.
વાત જોકે ફક્ત આઈઓસી કે ભારતીય ઓલિમ્પિક સંઘ વચ્ચેના વિખવાદની નથી. સમગ્ર વિવાદમાં દુઃખદ બાબત એ છે કે વૈશ્વિક સ્તરે ભારતીય રાષ્ટ્રધ્વજની શાનને બટ્ટો લાગી રહ્યો છે. સરકાર જો તેને રાષ્ટ્રીય ગૌરવ ગણતી હોય તો એ દિશામાં સત્વરે હકારાત્મક નિવારણ લાવવું રહ્યું.

Share |
 

Gujarat Samachar Plus

મોસમ સુહાની શિયાળાની, રંગોનું વૈવિધ્ય માણવાની
સદાબહાર સૌંદર્ય
અલાર્મ ક્લોક સૌથી વધુ સમય ટકેલા ગેજેટમાં પહેલા ક્રમે
વાસેક્ટોમીની લોકપ્રિયતામાં ઘટાડો
તમારી કાર બેક્ટેરિયાથી ભરેલા ખટારો તો નથીને!
 

Gujarat Samachar glamour

અંગ પ્રદર્શનને નહીં ટેલેન્ટને મહત્ત્વ આપોઃ હુમા કુરેશી
સોનાક્ષી અને કંગના વચ્ચેના શીત યુદ્ધનો અંત
સિલ્વર સ્ક્રીનની આ નવી જોડી પાસે પ્રેમ કરવાનો સમય પણ નથી
મુંબઈની મુલગીઓ માટે દક્ષિણની ફિલ્મો એક માત્ર સીડી
કલાકારો અચાનક જ જર્નાલિસ્ટો પર પ્રેમ વરસાવી રહ્યા છે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved