Last Update : 06-December-2012, Thursday

ગુજરાત Election 2012
 

બોલિવૂડમાં મહિલાઓઃ સફળતાની કહાની, સન્માનની તલાશ

મહિલા દિગ્દર્શકો વિચારપ્રેરક ફિલ્મો આપે છતાં ય બોલિવૂડના મગજમાંથી લિંગભેદની ફિલ્મ કેમ ઉતરતી નથી?

વિદ્યા બાલન અત્યંત સુંદર, પ્રતિભાશાળી અને સફળ અભિનેત્રી છે તેમ છતાં સલમાન, શાહરૃખ કે અજય દેવગનને જે મહેનતાણુ મળે છે તેના કરતાં સફળતાની હેટ્રિક પછી ય વિદ્યાને ખાસ્સું ઓછું મહેનતાણું મળે છે.
પૂરપાટ ભાગતી સ્ટોરી, મજબૂત પકડ ધરાવતું ચૂસ્ત દિગ્દર્શન, ભરપૂર થ્રીલ, સીટ પર અધૂકડા ઊભા કરી દે તેવો રોમાંચ હોય તો એ ફિલ્મ પુરુષ લેખકે લખેલી અને પુરુષ દિગ્દર્શકે જ બનાવેલી હોય તેવી (દેખીતા કોઈ કારણ વગર) ઘર કરી ગયેલી માન્યતા હવે ફગાવી દેવી પડશે. રીમા કાગ્તી નામની ૪૦ વર્ષિય દિગ્દર્શકની એ કમાલ છે. પુરુષોનું વર્ચસ્વ ધરાવતા બોલિવૂડમાં પ્રવેશીને તેણે પુરુષોનો ઈજારો ગણાતા દિગ્દર્શનનું ક્ષેત્ર પસંદ કર્યું અને પછી પુરુષોની હથોટી ગણાય તેવા સાયકોથ્રિલર વિષય પર કથા લખી અને અફલાતુન ફિલ્મ બનાવી છે.
સંસદથી માંડીને ગામડાના સરપંચ સુધી મહિલાઓ માટે અનામત વ્યવસ્થા હોય પરંતુ પ્રતિભા દર્શાવવાના ક્ષેત્રમાં તો મહિલાઓએ પુરુષોને મક્કમ હરિફાઈ આપીને જ પોતાની જગા કરવી પડી છે, અને દરેક ક્ષેત્રમાં મહિલાઓએ પોતાની ત્રમતા સાબિત પણ કરી છે. એક જમાનામાં ફોટો જર્નલિસ્ટ તરીકે પુરુષોનો જ ઈજારો હતો ત્યારે સ્વ. હોમાય વ્યારાવાલા જેવા મહિલા તસવીરકાર આશ્ચર્ય સર્જી શકતાં પરંતુ હવે એ સ્થિતિ ય સહજ બની રહી છે. પરંતુ લગભગ દરેક ક્ષેત્રે મહિલાઓએ ક્ષમતા, પ્રતિભા અને આવડત સાબિત કરવા છતાં પ્રગતિશીલ કહેવાતા બોલિવૂડમાં હજુ ય સ્ત્રીઓ બીજા દરજ્જાથી આગળ વધી શકતી નથી.
રિમા કાગતી અને ઝોયા અખ્તર એ બંને નવી પેઢીની એવી તેજતર્રાર મહિલાઓ છે જેમણે સ્ક્રિપ્ટ રાઈટિંગ, એડિટિંગ અને ડિરેક્શન એવા દરેક સ્તરે પોતાની જાતને સાબિત કરી દીધી છે. હનીમૂન ટ્રાવેલ્સ પછી હાલમાં ચર્ચા જગાવી રહેલી તલાશ એ દિગ્દર્શક તરીકે રિમાની બીજી ફિલ્મ છે. જ્યારે કે, તલાશ અને હનીમૂન ટ્રાવેલ્સ ઉપરાંત જિંદગી ના મિલેગી દોબારા, જે ઝોયા અખ્તર દિગ્દર્શિત ફિલ્મ હતી, તેની પટકથા પણ રિમા કાગતીની હતી. ત્રણેય ફિલ્મોમાં વિચારોની તાજગી, માવજતની મૌલિકતા અને વિષયોનું વૈવિધ્ય જોતાં રિમા કાગતી પણ હવે ઝોયા અખ્તર ઉપરાંત અનુરાગ કશ્યપ, દિબાંકર બેનર્જી અને તિગ્માંશુ ધૂલિયા જેવા આશાસ્પદ દિગ્દર્શકની શ્રેણીમાં આવી શકે છે.
આ તો થઈ પ્રતિભાની વાત, જેમાં મહિલાઓ પણ પોતાની કાબેલિયતના જોરે પુરુષોની પંગતમાં અથવા તો તેમનાંથી આગળ જઈ શકે છે એ સાબિત થાય છે. પરંતુ મહિલાઓને તેમની ક્ષમતા મુજબનું મહેનતાણું મળે છે ખરૃં? બોલિવૂડમાં મહિલા દિગ્દર્શકના નામ પર આમિરખાન જેવા પ્રતિભાને પારખી જાણતા અભિનેતા સિવાય બીજા કોઈ બિગ સ્ટાર મહિલા દિગ્દર્શક પર ભરોસો મૂકવા તૈયાર થાય છે ખરાં? આ દરેક સવાલનો જવાબ કમનસીબે ના છે. સ્ક્રિન પર પોતાની આગવી ઓળખ ધરાવતી અભિનેત્રીઓ પણ હજુ ફિલ્મની સેલેબિલિટી માટે હકદાર નથી ગણાતી ત્યારે સ્ક્રિન પાછળ પોતાનો કસબ દર્શાવતી મહિલાઓને ગણતરીમાં ન લેવાય એ આઘાતજનક હોવા છતાં બોલિવૂડની પરંપરામાં હજુ ય સહજ લેખાય છે.
પુરુષ કલાકારો, કસબીઓની સરખામણીએ સ્ત્રી કલાકારોને બીજો-ત્રીજો દરજ્જો આપવાની બોલિવૂડની પરંપરા બહુ જૂની છે. આરંભિક વર્ષોમાં પૃથ્વીરાજ કપુરને જ્યારે સૌથી વધુ, રૃ. ૫૦,૦૦૦ મહેનતાણુ મળતું હતું ત્યારે દુર્ગા ખોટે જેવી ટોચની નાયિકાઓને તેમના કરતાં પાંચમા ભાગનું મહેનતાણું મળતું હતું. કારણ કે, દર્શકો પૃથ્વીરાજના નામથી ખેંચાઈ આવતાં હતાં. પૃથ્વીરાજ ફિલ્મની સફળતાની ગેરંટી મનાતા હતા. બસ, ત્યારથી બોલિવૂડની આ પરંપરા ચાલતી રહી છે.
અલબત્ત, એ જમાનામાં હિરોકેન્દ્રી ફિલ્મો, હિરોની ડિમાન્ડ અને સમાજની માનસિકતા મુજબ તૈયાર થતી વાર્તાઓમાં હિરોઈનના ભાગે બે-ચાર દૃશ્યોમાં પાતળી શિફોન સાડી પહેરીને વરસાદમાં ભીંજાવાનું, ગીતો ગાવાના અને રોના-ધોના કરવા સિવાય ખાસ કામ આવતું ન હતું. અમિતાભ બચ્ચનના સુવર્ણકાળમાં તો ફિલ્મની એક-એક ફ્રેમમાં કેમેરા અમિતાભ પર જ મંડાયેલો હોય ત્યારે પરવીન બાબી કે જિન્નત અમાન જેવી અભિનેત્રીઓનું ખાસ કશું વજૂદ ન હોય તે સમજી શકાય. પરંતુ હવે છેલ્લા એક દાયકાની ફિલ્મો યાદ કરીએ તો સ્થિતિ સમૂળો યુ-ટર્ન લઈ ચૂકી હોવાનું સ્પષ્ટપણે પ્રતિત થશે.
એકવીસમી સદીનો દર્શક ગત સૈકાની બીબાંઢાળ માનસિકતા છોડીને ખાસ્સો બદલાયો છે. મલ્ટિપ્લેક્સ કલ્ચરને લીધે હવે મુખ્યધારાના સિનેમાની સાથે મુખ્યધારામાં રહીને જ પ્રયોગશીલ સિનેમા હવે દર્શકવર્ગને પલોટી ચૂક્યા છે ત્યારે ફિલ્મોની વાર્તા અને માવજતમાં પણ ક્રાંતિકારી પરિવર્તન આવ્યા છે. વિશાલ ભારદ્વાજની સાત ખુન માફ કે ઈશ્કિયાં સંપૂર્ણપણે હિરોઈન પ્રધાન ફિલ્મ હતી અને તેમાં અનુક્રમે પ્રિયંકા તેમજ વિદ્યા બાલને પોતાના ખભા પર ફિલ્મ ઊંચકી હતી. વિદ્યાએ તો એ પછી ડર્ટી પિક્ચર અને કહાની જેવી પોતાના જ બળબૂતા પર સફળ ફિલ્મો આપી ત્યારે તેને 'ઈન્ડસ્ટ્રીઝના ચોથા ખાન'નું બિરુદ પણ મળી ગયું હતું.
આમ છતાં પ્રાઈઝ, ક્રેડિટ, માનપાન અને સંભાળ પુરુષ અભિનેતાઓને મળે છે તેના ચોથા ભાગની પણ હજુ અભિનેત્રીઓને મળતી નથી. વિદ્યા બાલન અત્યંત સુંદર, પ્રતિભાશાળી અને સફળ અભિનેત્રી છે તેમ છતાં સલમાન, શાહરૃખ કે અજય દેવગનને જે મહેનતાણુ મળે છે તેના કરતાં સફળતાની હેટ્રિક પછી ય વિદ્યાને ખાસ્સું ઓછું મહેનતાણું મળે છે. પડદા પર દેખાતી, લોકોમાં ઓળખાતી અને પોતાની એક ચોક્કસ માર્કેટ ડિમાન્ડ ધરાવતી અભિનેત્રીઓ સાથે ફક્ત સ્ત્રી હોવાને કારણે આટલો અન્યાય થતો હોય તો દિગ્દર્શન, સ્ક્રિપ્ટ રાઈટિંગ કે મ્યુઝિક, ગીતકાર જેવા ક્ષેત્રે તો સ્ત્રીઓની કોઈ ગણના જ ન હોય તે સમજી શકાય તેમ છે.
આમ છતાં અત્યારે બોલિવૂડના ઈતિહાસમાં સૌથી વધુ સંખ્યામાં પ્રતિભાશાળી મહિલાઓ અભિનય સિવાયના ક્ષેત્રે પણ એટલી જ પ્રતિબધ્ધતાથી પ્રવૃત છે. તાજેતરમાં આવેલી શ્રીદેવી અભિનિત ફિલ્મ ઈંગ્લિશ વિંગ્લિશની દિગ્દર્શક ગૌરી શિંદે, એકાદ દાયકા પૂર્વે મિસ્ટર એન્ડ મિસિસ ઐયર જેવી સંવેદનશીલ ફિલ્મ આપી ચૂકેલી અપર્ણા સેન, ફરાહ ખાન, કિરણ રાવ, પીપલી લાઈવ જેવી દેશભરમાં ચર્ચા જગાવનારી ફિલ્મની દિગ્દર્શક અનુષા રિઝવી જેવી મહિલાઓએ સતત પોતાની પ્રતિભા બખૂબી સાબિત કરી છે ત્યારે અત્યાર સુધી પુરુષોના એકાધિકાર જેવા ગણાતા આ ક્ષેત્ર પર હવે મોનોપોલી તૂટી ચૂકી છે.
છેલ્લા કેટલાંક સમયથી મુખ્યધારામાં રહીને જ સમાંતર અથવા તો પ્રયોગલક્ષી, અર્થપૂર્ણ ફિલ્મોનો દૌર શરૃ થયો છે. જેમાં અનુરાગ કશ્યપ, તિગ્માંશુ ધુલિયા, દિબાંકર બેનર્જી, પિયુષ મિશ્રા, રિમા કાગતી, ઝોયા અખ્તર, અનુષા રિઝવી જેવા પ્રતિભાશાળી યુવાઓની ટીમ સરસ પરિણામ આપી રહી છે. તિગ્માંશુની ફિલ્મમાં અનુરાગ અભિનય કરે તો અનુરાગની ફિલ્મમાં પિયુષ ગીતો લખે. રિમાની ફિલ્મમાં અનુરાગ ડાયલોગ્સ લખે તો વળી ઝોયાની ફિલ્મમાં રિમા સ્ક્રિપ્ટ લખે. આ પ્રકારે પરસ્પરના સહયોગથી કામ કરતી આ ટીમ મુખ્યધારાના યશરાજ બેનર કે કરણ જૌહર છાપ લાર્જર ધેન લાઈફ ફિલ્મોની સામે જે પરિણામ આપી રહી છે એ દર્શકો માટે દુગના ફાયદા જેવું છે.
નવાઝુદ્દિન સિદ્દિકી જેવો કાળો, ઠિંગણો, દુબળો અભિનેતા લાજવાબ અભિનય કરીને દર્શકોની વાહવાહી મેળવી જતો હોય ત્યારે સ્પષ્ટ સંકેત મળે છે કે નવી પેઢીનો દર્શક હવે ફક્ત નામનો મોહતાજ રહેવાનો નથી. એ સંજોગોમાં પ્રતિભાશાળી મહિલા દિગ્દર્શકો, પટકથા લેખિકાઓ માટે ય સફળતાનું સરનામું આસમાનની ઊંચાઈ સુધી જઈ શકે છે. જરૃર છે ફક્ત તેમનાં સ્ત્રીપણાને સ્વીકારીને સન્માનજનક દૃષ્ટિકોણ કેળવવાની અને તેમની પ્રતિભા પર વિશ્વાસ મૂકીને તેઓ જેને લાયક છે એ દરજ્જો આપવાની. બોલિવૂડની કાયમી છટકબારી સમો તકિયાકલામ છે કે યહાં તો દર્શક હી રાજા હૈ.
આશા રાખીએ દર્શકરાજાની અદાલતમાં આ અરજ બહુ જલદી ધ્યાને લેવાય.

Share |
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved