Last Update : 04-December-2012, Tuesday

 

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં પોન્ટી-નામધારી ગેંગનો રૃ. ૯૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર
સુખદેવ નામધારીઃ પોન્ટી મર્ડર કેસનું વધુ એક ઉખાણું

લિકર માફિયા પોન્ટી ચઢ્ઢા મર્ડર કેસમાં ફૂટી રહેલા ફણગાં લોકશાહીની ક્રૂર મજાક સાબિત થઈ રહ્યા છે. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, લોકદળ અને અકાલીદળ પછી હવે ભાજપને પણ તેના ભરપૂર છાંટા ઊડી રહ્યા છે

હિન્દી બેલ્ટના કુખ્યાત લિકર માફિયા પોન્ટી ચઢ્ઢા અને તેના ભાઈની આપસી ઝગડામાં એકમેકના હાથે થયેલી કહેવાતી હત્યાના પગલે બહાર આવી રહેલી વિગતો ભલભલા કલ્પનાશીલ લેખકને ય અચંબિત કરી દે તેવી છે. સિંગચણાના મામૂલી વેપારીમાંથી ગણતરીના વરસોમાં અબજો રૃપિયામાં આળોટતો થઈ ગયેલો પોન્ટી ચઢ્ઢા કેવી રીતે માતબર સંપત્તિનો માલિક બન્યો તેની વિગતોનો આઘાત હજુ ઓસર્યો નથી ત્યાં આ હત્યાકાંડમાં સંડોવાયેલ સુખદેવસિંઘ નામધારી પણ એવી જ કુખ્યાત શખ્સિયત હોવાનું બહાર આવી રહ્યું છે.
વિશાલ ભારદ્વાજ કે અનુરાગ કશ્યપની ફિલ્મોમાં હિન્દીભાષી રાજ્યોના દેહાતી વિસ્તારમાં પ્રવર્તતા રાજકારણ અને ગુનાખોરીની મિલિભગત બતાવવામાં આવે છે ત્યારે દર્શક તરીકે આપણે તેને વાસ્તવિકતા પર આધારિત ફિલ્મ ગણીને મનોરંજન પૂરતી ગણીએ છીએ પરંતુ પોન્ટી ચઢ્ઢા મર્ડર કેસમાં બહાર આવી રહેલી વિગતો આ બધી ફિલ્મોને અને તેમાં દર્શાવાયેલ આપખુદ ગુનાખોરીને ય ટક્કર મારે તેવી છે. તકવાદી રાજકારણીઓ, લાંચિયા અમલદારો અને મનમાની કરવામાં માહેર બેખૌફ ગુંડાઓની સાંઠગાંઠમાં લોકશાહી ભારતનું ક્યાંય વજૂદ ન હોવાનું વરવું ચિત્ર ઉપસી રહ્યું છે.
ઉત્તરપ્રદેશમાં માફિયા ગેંગ વચ્ચે તાકાતનું સમીકરણ સંતુલિત કરવા માટે એક જૂથ દ્વારા પોન્ટી ચઢ્ઢાને આંગળી આપવામાં આવી એ પછી પહોંચો પકડીને પાવર અને પૈસાની સીડી પર એક પછી એક પગથિયા સડસડાટ ચઢેલો પોન્ટી ચઢ્ઢા ગત ૧૮ નવેમ્બરે આખરે ૫૮ વર્ષની વયે સગા ભાઈના હાથની ગોળીનો ભોગ બન્યો. પરંતુ ત્યાં સુધીમાં તેણે અબજો રૃપિયાનો કારોબાર જમાવી દીધો હતો. શરાબની ઠેકેદારીમાંથી સત્તાકારણ શીખી ગયેલો પોન્ટી મર્યો ત્યાં સુધીમાં શરાબ ઉપરાંત રિઅલ એસ્ટેટ, મલ્ટિપ્લેક્સ, મોલ્સ, પાવર સેક્ટર, સુગર મિલ સહિત અનેક ધંધાઓમાં પોતાનો હાથ પ્રસારી ચૂક્યો હતો. ૨૦,૦૦૦ કરોડ રૃપિયાની સંપત્તિની વહેંચણીના વિવાદમાં ભાઈઓ સાથે તેને ખટરાગ ચાલતો હતો. દરમિયાન, ગત ૧૮ નવેમ્બરે દિલ્હી નજીક છતરપુર ખાતે ૩ એકરમાં ફેલાયેલા પોન્ટીના અત્યંત વૈભવશાળી કિલ્લાનુમા ફાર્મહાઉસમાં પોન્ટી તેના ભાઈ હરદીપના હાથે માર્યો ગયો. જવાબમાં એવું કહેવાતું હતું કે પોન્ટીના બોડીગાર્ડે બાદમાં હરદીપને મોતને ઘાટ ઉતાર્યો હતો.
પંદર દિવસથી હિન્દી બેલ્ટમાં ભારે ઉત્સુકતાથી ચર્ચાઈ રહેલા આ હાઈવોલ્ટેજ ડ્રામામાં અત્યાર સુધીમાં અનેક અંકો ભજવાઈ ચૂક્યા છે. દિલ્હી ઉપરાંત ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ એમ ત્રણ રાજ્યોની પોલીસ આ હત્યાકેસની વિવિધ કડીઓની તપાસમાં જોતરાઈ છે તેમ છતાં હજુ સુધી હત્યાકાંડ અને તેની પાછળના ખરા કારણની કડી હાથ લાગતી નથી અથવા તો એવું પણ કહેવાઈ રહ્યું છે કે કેસ જાણી-જોઈને ગુંચવાઈ રહ્યો છે. તપાસની છેલ્લી વિગતોમાં હવે એવું કહેવાઈ રહ્યું છે કે, પોન્ટીના કહેવાથી તેના રાઈટ હેન્ડ સુખદેવસિંઘ નામધારીએ હરદિપને ગોળીએ દીધો હતો અને એ સમયે થયેલા ધમસાણમાં ખુદ પોન્ટી પણ માર્યો ગયો હતો.
પોન્ટી જેવા અબજોપતિ માફિયાનો રાઈટ હેન્ડ અને મસલમેન ગણાતો સુખદેવસિંઘ નામધારી પોતે પણ એટલો જ કુખ્યાત માફિયા હોવાની વિગતો હવે બહાર આવી રહી છે. નામધારીની પહેલી ઓળખ ઉત્તરાખંડ લઘુમતિ પંચના અધ્યક્ષ તરીકેની છે. ભાજપના સમર્થક તરીકે રાજકારણમાં પ્રવેશેલા નામધારીને ઉત્તરાખંડમાં જ્યારે રમેશચંદ્ર પોખરિયાલના વડપણ હેઠળ ભાજપની સરકાર હતી ત્યારે આ પદ આપવામાં આવ્યું હતું. પરંતુ એ પૂર્વે અને પછી પણ નામધારીનો ઈતિહાસ અનેક પ્રકારના ગુનાઈત કૃત્યોથી ખરડાયેલો રહ્યો છે. પરિણામે, પોન્ટી ચઢ્ઢા હત્યાકેસમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ, અકાલીદળ, લોકદળ પછી હવે ભાજપને પણ ભરપેટ છાંટા ઊડી રહ્યા છે.
તપાસમાં બહાર આવી રહેલી વિગતો અને હિન્દી બેલ્ટના પ્રસાર માધ્યમોની પોતાની છાનબીન મુજબ, સુખદેવસિંઘ નામધારી સોળ વર્ષ પહેલાં ફક્ત સાડા આઠ વીઘા જમીન ખેડી ખાતો મામૂલી ખેડૂત હતો. ઉત્તરાખંડના બાજપુર જિલ્લાના તાલીગાંવનો આ ખેડૂત એ વખતે સીખ સંપ્રદાયની ધાર્મિક પ્રવૃત્તિઓના અગ્રણી તરીકે આસપાસમાં થોડોક જાણીતો થયો એ પછી તેને કોઈ ધર્મ, સંપ્રદાય કે પંથ સાથે નિસ્બત રહી ન હતી અને તેણે યેનકેન પ્રકારે આવતાં પૈસાને જ પરમેશ્વર બનાવી દીધો હતો. ૧૯૯૬માં પોન્ટી ચઢ્ઢાએ તેને બાજપુર જિલ્લાની પોતાની શરાબની ઠેકેદારીમાં આવી શકતી તમામ અડચણો દૂર કરવા માટે મસલમેન તરીકે રાખ્યો એ પછી પોન્ટીની સાથે સાથે નામધારીની પ્રગતિની કહાણી પણ શરૃ થઈ હતી.
પોન્ટીનો કારોબાર જેમ જેમ વધતો ચાલ્યો એમ તેને અન્ય માફિયા ગેંગને દાબમાં રાખવા માટે પોતાની ગેંગની જરૃરિયાત ઊભી થઈ. પોતે બિઝનેસમેન તરીકેનો સફેદપોશ ચહેરો રાખે અને ધંધાની આડમાં માફિયાગીરી ચાલુ રહે એવા આશયથી તેણે નામધારીને આગળ કર્યો અને નામધારીએ પણ રાજકારણનો ઉપયોગ કરીને ખાલસા સેનાની સ્થાપના કરી. ગામડાઓના બેકાર યુવાનોને છત્ર પૂરું પાડીને તેણે સેનામાં જોતર્યા અને એ સેના પાસે મનચાહી દાદાગીરી કરાવીને ધાક જમાવી દીધી. પોલીસ અને કાયદા સામે પોતાને રક્ષણ મળતું રહે એ માટે તેણે ચૂંટણીમાં ભાજપને ય ભરપૂર મદદ કરી અને કેટલીય બેઠકો પર પોતાની ખાલસા સેનાના યુવાનોને ભાજપના પ્રચાર અને ગુંડાગીરી માટે મોકલ્યા. એ મદદનો બદલો છેવટે ભાજપે તેને લઘુમતિ પંચનું અધ્યક્ષપદ ધરીને વાળી આપ્યો.
નામધારીની ધરપકડ પછી ઉત્તરપ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડમાં મધ્યાહ્ન ભોજન યોજનામાં પણ પોન્ટી-નામધારીની ભરચક સંડોવણી અને વ્યાપક ભ્રષ્ટાચાર હોવાની વિગતો બહાર આવી છે. શાળાઓના બાળકોને મફતમાં બપોરનું ભોજન આપવાનો કોન્ટ્રાક્ટ પોન્ટીની કંપનીને ફાળવાયો હતો અને પોન્ટીની કંપનીએ સબ કોન્ટ્રાક્ટ જે કંપનીને આપ્યો હતો એ કંપની નામધારીની હતી. આ કૌભાંડમાં કેટલી મલાઈ હશે તેનો અંદાજ આવી શકે છે? સમગ્ર ઉત્તરપ્રદેશની તમામ સરકારી શાળાઓમાં પોષણક્ષમ ભોજન, દૂધ અને કઠોળ પૂરા પાડવાના બદલામાં રાજ્ય સરકાર પ્રતિ વર્ષ પોન્ટીને રૃ. ૯૦૦૦ કરોડ ચૂકવતી હતી. એ જ રીતે ઉત્તરાખંડમાં તો ખુદ નામધારીની જ કંપનીએ ભાજપ સરકાર પાસેથી મધ્યાહ્ન ભોજન યોજનાનો રૃ. ૩૩૦૦ કરોડનો કોન્ટ્રાક્ટ મેળવ્યો હતો. બંને રાજ્યોની પ્રાથમિક શાળાના બાળકોને પોષણક્ષમ અનાજના નામે ભેળસેળયુક્ત તદ્દન હલકી ગુણવત્તાવાળુ ભોજન પિરસાતું હોવાના અનેક આક્ષેપો થયા હતા. માયાવતી સરકારના સમયમાં તપાસપંચ પણ નિમાયું હતું અને તેમ છતાં એ તપાસનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
નામધારીની ખાલસા સેનાએ ગાઝિયાબાદ, ગુડગાંવ અને નોઈડાના કેટલાંક વિસ્તારોમાં દાદાગીરી કરીને અનેક જમીનો પડાવી લીધી હોવાનું કહેવાય છે. આજે ગાઝિયાબાદમાં જ્યાં પોન્ટીનો વૈભવી મોલ ઊભો છે એ જમીન પણ નામધારીના ગુન્ડાઓએ જ ખાલી કરાવી હોવાની ફરિયાદો પણ થઈ છે. હવે પોલીસ એવો તર્ક વહેતી કરી રહી છે કે પોન્ટી અને તેના ભાઈ હરદિપને સમાધાન માટે બોલાવીને છેવટે નામધારીએ જ બંનેનું કાસળ કાઢ્યું હોય તેમ બની શકે. જોકે હિન્દી બેલ્ટના પ્રસાર માધ્યમોની પોતાની છાનબીન મુજબ, પોલીસની આ દિશામાં આગળ ચાલી રહેલી તપાસ પાછળ રાજકીય દોરીસંચાર હોવાની ભરપૂર શક્યતા છે. આ સમગ્ર હત્યાકાંડમાં કોઈ હાઈપ્રોફાઈલ રાજકારણીની સંડોવણી હોવાની શક્યતા જરાય ઓછી નથી. એ સંજોગોમાં પોન્ટી-હરદિપને પતાવી દીધા પછી હવે નામધારીના ગળે આરોપનો ઢાળિયો કરી છેવટે તેને ય હંમેશને માટે ચૂપ કરી દેવાનો આ કારસો હોવાનું પણ કહેવાય છે.
ભ્રષ્ટ સત્તા અને લેભાગુ માફિયા હાથ મિલાવે ત્યારે લોકશાહી કેવી બિચારી થઈ જાય તેનું વરવું ઉદાહરણ પોન્ટી-નામધારી કેસમાં રોજરોજ સામે આવી રહ્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

ઉંમરને છુપાવવા માટે મેકઅપનો સહારો
ચુસ્તી- સ્ફૂર્તિ માટે કેટલી ચીવટ જરૃરી?
દોસ્તીમાં દીવાર અને દરારનું દર્દ
નખ ખાવાની 'ખતરનાક'કુટેવ
પરફેક્ટ ડ્રેસ કોડ બનાવે બેજોડ
 

Gujarat Samachar glamour

મારે પાતળી થવંુ નથીઃ સોનાક્ષી
અસીનની વહારે આવ્યા 'ખિલાડી ભૈયા'
અલવિદા હોલિવૂડઃ એન્જેલિના જોલી
આમિર ખાનને કરીનાની તલાશ
મારી સફળતા પાછળ માન્યતાઃ સંજય દત્ત
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved