Last Update : 03-December-2012, Monday

 

મુંબઈ હુમલાના ચાર વર્ષ પછી આજે પણ સુરક્ષાના નામે મીંડુ

આમ આદમી જરાય સલામત નથીઃ આતંકવાદીઓ માટે મોકળું મેદાનઃ ૨૬/૧૧ હુમલા બાદ સુરક્ષા વધારવા માટેના ફુંકવામાં આવેલાં બણગાં હજી સુધી માત્ર કાગળ પર જ

૨૬/૧૧ હુમલાને ચાર વર્ષ પૂરા થઈ ચૂક્યા છે ત્યારે એક સવાલ આમ મુંબઈકરના મનમાં ઊભો થાય છે. શું હું સલામત છું? શું મુંબઈ સલામત છે? રાજકારણીઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ મુંબઈ સલામત હોવાના બણગા ફુંકી ચૂક્યા છે, પણ બધી જ વાતો હવાઈ છે.
ગૃહ પ્રધાન આર. આર. પાટિલે ૨૬/૧૧ની ચોથી વરસીએ છાપેલા કાટલા જેવું બયાન આપ્યું હતું કે '૨૬/૧૧/૨૦૦૮ના રોજ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘુસનારા ૧૦ આતંકવાદીઓને રોકવા માટે આપણી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સજ્જ નહોતી. છેલ્લા ચાર વર્ષમાં અમે અમારો સબક શીખ્યા છીએ. અમે મુંબઈમાં જ નહીં, પરંતુ સમગ્ર મહારાષ્ટ્રમાં સુરક્ષા વધારી છે. અમારી પાસે અવે અત્યાધુનિક શસ્ત્રો અને પર્યાપ્ત માનવશક્તિ છે. મને વિશ્વાસ છે કે હવે આપણે કોઇપણ પ્રકારનો આતંકવાદી હુમલો નિષ્ફળ બનાવવા માટે સક્ષમ છીએ.' પાટિલ કહે છે કે '૨૬/૧૧ હુમલા બાદ પોલીસની સજ્જતાની સમીક્ષા કરવા માટે નિમવામાં આવેલી રામ પ્રધાન સમિતિના ભલામણોનો લોકતાંત્રિક આધાડી સરકારે અક્ષરસઃ અમલ કર્યો છે.'
એન્ટિ ટેરરીઝમ સ્ક્વોડના વડા રાકેશ મારિયાએ પાટિલના જ શબ્દોનું પુનરાવર્તન કરતા કહ્યું હતું કે 'નવેમ્બર ૨૦૦૮માં થયેલા આતંકવાદી હુમલાને અમે પહોંચી શક્યા નહોતા. અમે કોઇપણ પ્રકારે સજ્જ નહોતા. છેલ્લા ચાર વર્ષમાં અમે અમારી વ્યુહરચનાનું ફરીથી ઘડતર કર્યું છે. અમારી પાસે હવે પ્રમાણીત ઓપરેશન પ્રોસિજર છે. કોન્સ્ટેબલથી માંડીને ડિજી(ડિરેક્ટર જનરલ) સુધીના તમામ પોલીસ કર્મચારીઓ આતંકવાદી હુમલા વખતે શું કરવું એ વિશે સજ્જ છે.' મુંબઈના પોલીસ કમિશનર સત્યપાલ સિંહે પણ એ જ પીપુળી વગાડી હતી કે 'હું એવું નથી કહેતો કે આતંકવાદી હુમલાનું કોઇ જોખમ નથી, પરંતુ અમે આવા હુમલાઓને પહોંચી વળવા માટે સજ્જ છીએ.'
ભૂતપૂર્વ ડીજીપીએ આ વાતને વખોડી કાઢી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે ૨૬/૧૧ જેવા આતંકવાદી હુમલાઓને પહોંચી વળવા માટે મુંબઈ પોલીસ કોઇ પણ રીતે સજ્જ નથી. એક ભૂતપૂર્વ ડીજીપી(ડિરેક્ટર જનરલ ઓફ પુલીસ- પોલીસ મહાનિર્દેશક)એ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે 'અત્યારે પોલીસ કર્મચારીઓને તાલિમ આપવા માટે તથા પ્રેક્ટિસ કરાવવા માટે પણ પુરતા શસ્ત્રો અને દારુગોળો પ્રાપ્ય નથી.'
ભૂતપૂર્વ ડીજીપી તથા ભૂતપૂર્વ પોલીસ જવાનોએ કરેલો દાવો અક્ષરસઃ સાચો પડયો છે.
મુંબઈમાં ૬,૦૦૦ સીસીટીવી (ક્લોઝ સર્કિટ ટીવી) કેમેરા ગોઠવવાનો રાજ્ય સરકારનો રૃા.૮,૦૦ કરોડનો પ્લાન હજી પા પા પગલી કરી રહ્યો છે. જળસીમા રક્ષણ માટે વધુ પેટ્રોલિંગ બોટ્સ, જમીન અને પાણી બંને પર ચાલી શકે એવા વાહનોની જરૃરીયાત છે, પરંતુ આવા વાહનો કાં તો ખોટવાઈ ગયા છે અથવા બળતણ વિનાના સડી રહ્યા છે. જળસીમા રક્ષણ માટે આવશ્યક પોલીસ જવાનોને તરતા પણ આવડતું નથી.
નેશનલ સિક્યોરિટી ગાર્ડની સમકક્ષ તૈયાર કરવામાં આવેલી ફોર્સ વન નામના ઉચ્ચ-દરજ્જાના સુરક્ષા દળને તાલિમ માટે મુંબઈમાં કોઇ તાલિમગૃહ આપવામાં આવ્યું નથી.
જોકે આર. આર. પાટિલ કહે છે કે સીસીટીવી કેમેરાનું નેટવર્ક તૈયાર કરવામાં થઈ રહેલું મોડું થઈ રહ્યું છે એક જ માત્ર ચિંતાનો વિષય છે.
પાટિલે કહ્યું હતું કે 'અમે કોન્ટ્રેક્ટ આપવાની તૈયારીમાં જ હતા, પરંતુ અમે જે કંપનીઓને કોન્ટ્રેક્ટ આપવાના હતા એ કંપનીઓનું નામ બ્લેક લીસ્ટમાં મૂકી દેવામાં આવ્યું હતું. આથી અમારે ટેન્ડરની પ્રક્રિયા ફરીથી શરૃ કરવી પડી. મને ખાતરી છે કે આગામી વર્ષ સુધીમાં મુંબઈમાં સીસીટીવીનું નેટવર્ક વિસ્તરી ચૂક્યું હશે.'
બાતમીની આપ-લે અને સંકલન
૨૦૦૮માં ૧૦ પાકિસ્તાની આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે અનેક સુરક્ષા એજન્સીઓએ સાથે મળીને ટીમ તરીકે કામ કર્યું હતું. પરિણામે નવ આતંકવાદીઓ માર્યા ગયા અને કસાબ જિવીત પકડાયો. ત્યાર બાદ રાષ્ટ્ર હીતને અવગણીને સુરક્ષા એજન્સીઓ આતંકવાદી જૂથો સામે મળેલી જીતનો જશ ખાટવા માટે અરસ-પરસ લડી રહી છે. બાતમીની આપ-લે તથા સંકલનના અભાવને કારણે આતંકવાદીઓનો સરદાર યાસિન ભટકલ આ વર્ષની શરૃઆતમાં છટકી જવામાં સફળ નિવડયો. દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલને આ વાતની જાણ હતી, પણ તેમણે મહારાષ્ટ્ર એટીએસને આ વિશે બાતમી આપી નહીં. ૨૬/૧૧ હુમલાના ષડયંત્રકાર અબુ જુંદાલ જુંદાલનું જ્યારે સાઉદી અરેબિયા દ્વારા ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવ્યું ત્યારે સ્પેશ્યલ સેલે મહારાષ્ટ્ર એટીએસને આ વિશે જાણ કરી નહોતી. મહારાષ્ટ્ર સરકારે પોતાનું અલગ ગુપ્તચર તંત્ર ઊભું કરવા માટે ઇન્ટેલિજન્સ એકેડમી સ્થાપીને તેમાં ૨૦૦ જવાનોની નિમણૂક કરી હતી, પરંતુ તેમાંથી ૭૫ જવાનો બહેતર તક માટે ખાનગી ક્ષેત્રમાં જતા રહ્યા હતા.
બુલેટપ્રુફ જેકેટ્સ
જોઇન્ટ પોલીસ કમિશનર હેમન્ત કરકરેના ૨૬/૧૧ની લડત દરમિયાન થયેલા મોતે અનેક સવાલો ઊભા કર્યા હતા. તેમણે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હોવા છતાંતેમનું શરીર આતંકવાદીઓની ગોળીઓથી વિંધાઈ ગયું હતું. ત્યારે અનેક પોલીસ જવાનોએ દાવો કર્યો હતો કે જો કરકરેનું બખ્તર વધારે સારું હોત તો તેમને કઇ ન થયું હોત. આ હુમલા બાદ સરકાર તરત જ ઉચ્ચ ગુણવત્તાના બુલેટપ્રુફ જેકેટ મેળવવા માટેના કામમાં જોતરાઈ ગઈ. પ્રાથમીક તબક્કાની કાર્યવાહી બાદ આગળ કશું જ ન થયું. ત્રણ વર્ષ પછી નેશનલ સિક્યોરિટી ગાર્ડ(એનએસજી) અને સીઆરપીએફ(સેન્ટ્રલ રિઝર્વ પુલીસ ફોર્સ)ના જવાનો જે કંપનીઓ પાસેથી બુલેટપ્રુફ જેક્ટ્સ મેળવતા હતા એની પાસેથી જ મુંબઈ પોલીસ માટે મેળવવાનું શરૃ કર્યું. અત્યાર સુધીમાં માત્ર ૩,૦૦૦ બુલેટપ્રુફ જેકેટ્સ મેળવવામાં આવ્યાં છે.
ડિઝેસ્ટર મેનેજમેન્ટ
વિવિધ એજન્સી વચ્ચે સંકલનના અભાવને કારણે ડિઝેસ્ટર(આફત)નું નિવારણ કરવા માટે યોગ્ય પગલાં લઈ શકાતા નથી. મહાપાલિકા તમામ ડિઝેસ્ટર મેનેજમેન્ટ પ્લાન્સની નોડલ એજન્સી છે અને વિકટ સ્થિતિઓમાં મદદ મેળવવા માટે ઇમરજન્સી ઓપરેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે, પરંતુ તેનો પૂરી ક્ષમતાથી ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. થોડા દિવસો પહેલા સેન્ટ્રલ અને હાર્બર લાઇન ખોરવાઈ ગઈ હતી ત્યારે રેલવેએ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરને ફોન કરવાની તસ્દી લીધી નહોતી. તેના બદલે કોઇ આમ આદમીએ તેમને જાણ કરી હતી.
બોમ્બ સ્યુટ
છેલ્લા કેટલાક વર્ષોથી બોમ્બ વિશે માહિતી આપનારા જાગૃત નાગરિકોની કોઇ ઊણપ રહી નથી, પરંતુ સ્નિફર ડોગ્ઝ અને બોમ્બ ડિસ્પોઝલ સ્યુટ્સની અછત વર્તાઈ રહી છે.બોમ્બ સ્ક્વોડ્સને તાત્કાલીક વધુ બોમ્બ સ્યુટ્સની જરૃર છે. નબળી ગુણવત્તાવાળા બોમ્બ ડિસ્પોઝલ સ્યુટ્સ આપની સરકારને આ વર્ષે રૃા.૬.૨૫ કરોડનો ચુનો લગાડનારા એક બિઝનેસમેનની તાજેતરમાં જ ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
રેલવે સિક્યોરિટી
૨૬/૧૧ બાદ રેલવે સ્ટેશનોની સુરક્ષા માટે ઇલેકટ્રોનિક સર્વેલન્સને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ગવર્નમેન્ટ રેલવે પુલીસ(આરપીએફ) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈના ૧૩૬માંથી ૯૦ સબર્બ્સ પર સીસીટીવી(ક્લોઝ સર્કિટ ટેલીવિઝન) કેમેરા આવેલા છે. સેન્ટ્રલ રેલવેમાં અમલી બનનારી ઇન્ટિગ્રેટેડ સિક્યોરિટી સિસ્ટમમાં અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ ઉપરાંત વાહનોની ચકાસણી કરવા માટે વેહિકલ સ્કેનરો અને સામાનની ચકાસણી કરવા માટે બેગેજ સ્કેનર લગાવવામાં આવશે.આ ઉપરાંત સ્ટેશનો પર જીઆરપીના જવાનોની સંખ્યા વધારી દેવામાં આવી છે અને અમુક લોકોના થેલા-થેલી ઓનું ચેકિંગ પણ કરવામાં આવે છે.
એનએસજી અને ફોર્સ વન
૨૬/૧૧ હુમલાનો અંત લાવવા બદલ એનએસજી(નેશનલ સિક્યોરિટી ગાર્ડ્સ)ના કમાન્ડોની પુષ્કળ પ્રશંસા કરવામાં આવી હતી. તેમનું એક માત્ર ટિકાત્મક પાસું એ હતું કે એનએસજીને તેના મુખ્યાલય હરિયાણાથી મુંબઈ લાવવામાં ખાસ્સો સમય લાગ્યો હતો. આથી કેન્દ્ર સરકારે ભારતના તમામ મોટા શહેરોમાં એનએસજીની એક મોટી ટુકડી સજ્જ રાખવાનું નક્કી કર્યું, પરંતુ છેક ફેબુ્રઆરી ૨૦૧૨ સુધી આ નિર્ણયનો અમલ થયો નહોતો. ત્યાર બાદ તેમને મુંબઈમાં નેરોલમાં મુખ્યાલય આપવામાં આવ્યું, પરંતુ તે બિસ્માર હાલતમાં હતું. જોકે હવે તેમને યોગ્ય સ્થળ ફાળવી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એનએસજીની સમકક્ષ ફોર્સ વન નામની ટુકડી તૈયાર કરવામાં આવી છે, પરંતુ તેમને બેસવા માટે હજી સુધી અલગ બેઇઝ મળ્યો નથી. તેમને કલિનામાં પોલીસ બિલ્ડિંગમાં બેસીને કામ કરવું પડે છે.
જળસીમા સુરક્ષા
૨૬ય૧૧ હુમલાના આતંકવાદીઓ જે રીતે દરિયાઈ માર્ગે મુંબઈમાં ઘુસ્યા એ દર્શાવે છે કે આપણી જળસીમા સુરક્ષામાં કોઇ ભલીવાર નથી. હુમલા બાદ સરકારે જળસીમા સુરક્ષા સઘન બનાવવાની ડિંગો હાકી હતી, પરંતુ અમલીકરણના નામે મીંડું છે. સગારી પોલીસ સ્ટેશન આજે પણ માહિમના ગવર્નમેન્ટ ક્વાર્ટરમાંથી ચલાવવામાં આવે છે. તેમાં એફઆઇઆર પણ નોંધી શકાતી નથી. એફઆઇઆર નોંધાવવા માટે તેમને યેલો ગેટ પોલીસ સ્ટેશન પર આધારિત રહેવું પડે છે.બંને પોલીસ સ્ટેશનના મળીને કુલ ૧,૧૮૦ પોલીસ જવાનો છે. તેમની પાસે જમીન અને પાણી બંનેમાં ચાલી શકે એવા ૧૪ વાહનો છે. તેમાંથી પાંચ રિપેરિંગમાં છે. ૨૭ પેટ્રોલ બોટમાંથી ૧૩ રિપેરિંગમાં પડી છે. સગારી પોલીસ સ્ટેશનની બોટ્સ મલાડ અથવા ગેટ વે ઓફ ઇન્ડિયા પાસે પડી હોય છે. બંને સ્ટેશનના મોટા ભાગના જવાનોને ન તો પેટ્રોલ બોટ ચલાવતા આવડે છે કે ન તરતા આવડે છે.

Share |
 

Gujarat Samachar Plus

અંધ વ્યક્તિની આંખો સમાન અનોખુ સેન્સર ડિવાઇસ
આદિવાસી લોકવાદ્ય પાવરીના સૂરોની અંતિમ પેઢી તુલસીદાસ
ડિટેચેબલ-એટેચેબલ જ્વેલરી બનાવે એકમાંથી અનેક ઘરેણાં
વોટ ઇઝ લેટેસ્ટ ઇન ફેશન?
'લાઇફસ્ટાઇલ'ને લગતાં મંતવ્યોની મૂંઝવણ
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved