Last Update : 28-November-2012, Wednesday

 

સ્પિનરને રમવાની ભારતીય બેટ્સમેનોની પરંપરાગત હથોટી ક્રિકેટના અતિરેકમાં વિસરાઈ ગઈ છે
ટીમ ઈન્ડિયા ઃ હાર સે નહિ સાહેબ, બેપરવાઈ સે ડર લગતા હૈ!

હાર કે જીત એ રમતનો હિસ્સો છે પરંતુ ભારતીય સ્પિનરો ઘરઆંગણાની વિકેટ પર ધાર્યો ટર્ન ન લઈ શકે અને ભારતીય બેટ્સમેનો પ્રવાસી ટીમના સ્પિનરો સામે ટાંટિયા થરથર ધુ્રજાવે એ ભારતીય ક્રિકેટ માટે ગંભીર નિશાની છે

દાયકાઓનો એ રેકોર્ડ છે. જરા સ્મૃતિને સ્લો મોશનમાં ફ્લેશબેક કરી જુઓ. ઓસ્ટ્રેલિયા હોય કે ઈંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ કે વેસ્ટ ઈન્ડિઝ, ભારતની યજમાન બનેલી ભલભલી ટીમના સ્ટાર ખેલાડીઓને આપણા ધુંવાધાર સ્પિનર ભારતની પીચ પર પચાસ-સાંઠ અંશના ખૂણે ગરિયા ફેરવતા હોય તેવા સ્પિન આપીને થથર-ભમર કરીને ડાંડિયા ઊડાડી દે. અને એ જ આપણી ટીમ પરદેશમાં રમવા જાય ત્યારે ત્યાંની ઉછાળ લેતી લીલીછમ પીચ પર નાકની દાંડી સુધી ઉછળતા આવતા બોલથી ટાંટિયા ધુ્રજાવીને વિકેટ ધરી દે.
થેન્કયુ સો મચ ધોની. આખરે ધોનીના ધુરંધરોએ દાયકાઓનું આ મ્હેણું ભાંગી નાંખ્યું છે. પરદેશની પીચ પર જીતનું સાતત્ય તો બતાવવાનું બાકી છે પણ હોમ ગ્રાઉન્ડની મોં-માંગી પીચ પર ત્રણ-ત્રણ સ્પેશિયાલિસ્ટ સ્પિનર હોવા છતાં આપણે ઈંગ્લેન્ડ સામે જે રીતે મુંબઈ ટેસ્ટ હાર્યા એ પછી હવે એ જૂનું મ્હેણું સુધારવું પડે તેમ છે. કારણ કે, બાઉન્સી વિકેટમાં ધરબાઈ જતાં આપણા સલામી બલ્લેબાજ હવે તો ઘરઆંગણાની સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર પણ એટલી જ આસાનીથી ઝબ્બે થઈ જાય છે. શરણાગતિ સ્વીકારવા માટે હવે આપણે પરદેશી પીચની જરૃર જ નથી.
મુંબઈ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમેચની ભારતીય ટીમની બંને ઈનિંગની એક-એક વિકેટને યાદ કરી જુઓ. ચેતેશ્વર પુજારાને બાદ કરતાં એક પણ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનના ફૂટવર્કના સ્હેજપણ ઠેકાણા જોવા મળતા ન હતા. ગંભીરે બીજી ઈનિંગમાં ઉપયોગી ૬૫ રન નોંધાવ્યા અને એ આંકડો ટીમ સ્કોર માટે મોટો હોવા છતાં તેની ઇનિંગમાં કુલ ૧૪ વખત એલબીડબલ્યુની શાર્પ અપીલ થઈ અને સ્લિપમાં ત્રણ વખત બેટ એન્ડ પેડ કેચમાં શંકાનો લાભ મળ્યો. એ સિવાયના બેટ્સમેનની તો વાત જ કરવા જેવી નથી.
બીજી ઈનિંગનું ભારતીય ટીમના સ્કોરકાર્ડમાં ગંભીરના ૬૫ અને અશ્વિનના ૧૧ રનને બાદ કરો તો એકપણ ખેલાડીનો સ્કોર બે આંકડામાં નથી. ૧૦૦મી ટેસ્ટ રમી રહેલો મુલતાન કા સુલતાન સહેવાગ ૯, પુજારા ૬, ભવ્યતમ મહાનતમ સચીન તેંડુલકર ૮, ટી-૨૦ની જેમ રમવું કે ટેસ્ટની માફક તેની ગડમથલમાં અટવાતો કોહલી ૭, મક્કમતાની મિસાલ યુવરાજ ૮ અને ખુદ કપ્તાન ધોની ધ ધુરંધર ૬. આખી ટીમનો સ્કોર સળંગ ૯,૬,૮,૭,૮,૬... એમ વાંચો તો સ્કોરકાર્ડને બદલે કોઈનો મોબાઈલ નંબર હોય તેમ લાગે.
હાર અને જીત રમતના બે પાસા છે એ કબૂલ. કાયમ કોઈ જીતે નહિ. જીવનની માફક રમતમાં પણ એકસરખા દિવસ સુખના કોઈના ન જાય. એ જ તો જિંદગીની અને રમતની મજા હોય છે. પરંતુ ધોનીએ અમદાવાદ ટેસ્ટ પત્યા પછી યજમાન ટીમ હોવાના નાતે પોતે માંગે તેવી પીચનો હઠાગ્રહ રાખ્યો અને પહેલા દિવસના પ્રથમ કલાકમાં જ ટર્ન લેવા માંડે એવી પીચ માંગી અને મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેની માંગણી મુજબની પીચ મળી પણ ખરી ત્યારે ન તો ધોનીના સ્પિનર મોં-માંગી પીચ પર સ્પિન કરી શક્યા કે ન તો સ્પિન સ્પેશિયાલિસ્ટ ગણાતા ભારતીય બેટ્સમેન ઈંગ્લેન્ડના સ્પિનર સામે ઝઝૂમી શક્યા.
અમદાવાદ ટેસ્ટમાં પ્રવાસી ટીમને બોલિંગ, બેટિંગના બંને મોરચે બરાબર ભીડવ્યા પછી અપેક્ષા તો એવી હતી કે ભારતીય ટીમ મુંબઈ ટેસ્ટમાં પણ તેનું પુનરાવર્તન કરશે અને ટીમ ધોનીના તેવર એવા હતા કે રમીઝ રાજા સહિતના સમીક્ષકો ઈંગ્લેન્ડનો બ્રાઉન વોશ થવાની આગાહી કરવા માંડયા હતા. પહેલી ટેસ્ટમાં ધોનીનો મોટો મદાર ટોસ પર રહ્યો છે. પહેલા દિવસથી જ ભરપૂર ટર્ન આપતી વિકેટ પર જો ટોસ જીતાય તો પહેલી બેટિંગ લઈને મસમોટો ટાર્ગેટ આપીને દબાણ ઊભું કરવું અને જો ટોસ હારીએ તો ગરિયા ફેરવીને પ્રવાસી ટીમને સસ્તામાં આઉટ કરી દેવી. પરંતુ આ ગણતરી પાછળ ધોની પોતાના બેટ્સમેન સ્પિનને રમવામાં કેવા ઐતિહાસિક ઠોઠ સાબિત થશે તેનું પદ માંડવામાં ભૂલ કરી જેનું પરિણામ મુંબઈ ટેસ્ટમાં ભરપેટ ભોગવવું પડયું.
ગાવસ્કરથી માંડીને લેટેસ્ટ ચેતેશ્વર પુજારા સુધીના સ્પિન સ્પેશિયાલિસ્ટ બેટ્સમેનની અત્યાર સુધીની અકસિર ગણાતી ટેક્નિક એવી રહી છે કે આ ખેલાડીઓ સ્પિનરનો દડો ટપ્પી ખાય કે તરત આબાદ ફૂટવર્ક વડે કમરમાંથી ઝૂકીને ટપ્પીની જગ્યાએ જ દડાને પૂશ કરી દે અને વિકેટની બહાર જતા નબળા કે ઓછી લેંગ્થના દડાને ફટકારીને સ્કોરબોર્ડ ફરતું રાખે. ટર્ન લેતી પીચ પર સ્પિનરને રમવાની આ નીવડેલી ટેક્નિક ગણાય, જેમાં સાબદું ફૂટવર્ક, શાર્પ વિઝન અને બોડી રિફ્લેક્સિસ ત્વરિત અને કહ્યાગરા હોવા જોઈએ.
તેની સામે મુંબઈ ટેસ્ટમાં શું થયું? પહેલી ઈનિંગમાં મોન્ટી પાનેસરના લેગ સ્ટમ્પની દિશામાં આવતાં દડાને નિરાંતે જોયા કર્યો અને ટપ્પી ખાધા પછી દડો જ્યારે મીડલ અને ઓફ સ્ટમ્પ ભણી ફંટાયો ત્યારે વાંકા વળવાની આળસે ઊભા-ઊભા જ બેટ વિંઝ્યું. પરિણામ ક્લિન બોલ્ડ. મહાન સચિન તેંડુલકરના પણ એવા જ હાલ થયા. દડાની ગતિ અને ટર્ન પારખ્યા પછી પણ એ કમરમાંથી ઝૂકી જ ન શક્યો અને બેટ ટપ્પીની જગ્યાએ તેણે ધર્યું એટલી વારમાં ત્રણેય ચકલા ઊડી ગયા હતા. ઊડઝુડિયું રમવા ટેવાયેલો યુવરાજ પણ એવા જ ટેમ્પરામેન્ટમાં બોલ્ડ થાય તે સ્વાભાવિક હતું. અને બાકી બેટ્સમેન દડાને પુશ કરવામાં તાલમેલ ન સાધી શક્યા જેથી ટપ્પી ખાધા પછી તીવ્ર ઝડપે ટર્ન મારતો દડો બેટની ધાર કે ગ્લોવ્ઝને અણધાર્યો સ્પર્શીને ક્લોઝ ફિલ્ડિંગમાં કેચ બની ગયો.
બેટ્સમેનોની સરિયામ નિષ્ફળતા સામે કપ્તાન તરીકે ધોનીની કહેવાતી ચબરાકી પણ મુંબઈ ટેસ્ટમાં ધોવાઈ ગઈ. હરભજન સામે ધોનીને કશોક અંગત વાંધો હોવાની અફવાને ફરીથી વેગ મળે તે પ્રકારે ધોનીનું વર્તન જણાય છે. અમદાવાદ ટેસ્ટમાં પીચ સ્પિનરને યારી આપશે તેવી ખાતરી હોવા છતાં તેણે અનુભવી હરભજનને બહાર બેસાડી રાખ્યો. એ વખતે તો ખેર, ઓઝા અને અશ્વિન ચાલી ગયા. મુંબઈ ટેસ્ટમાં તેણે હરભજનને સ્થાન આપ્યું પરંતુ પૂરતી ઓવર ન આપી. પહેલી ઈનિંગમાં અશ્વિનને ૪૨ ઓવર અને પ્રજ્ઞાાન ઓઝાને ૪૦ ઓવર ફેંકવા મળી. કૂક અને પિટરસન એ બંનેને બરાબર પારખીને ધોકવતા હતા તેમ છતાં હરભજનને પાર્ટટાઈમ બોલર હોય તેમ ફક્ત અડધી, ૨૧ ઓવર આપી.
ધોનીનો બીજો ફિયાસ્કો એ કે કૂક, પિટરસન, કોમ્પટન અને પ્રાયર રેગ્યુલર સ્પિનરને આરામથી રમી રહ્યા હતા ત્યારે પણ પાર્ટટાઈમ બોલરને લાવવાને બદલે બોલિંગમાં ફાસ્ટ-સ્પિન, સ્પિન-સ્પિનના જ કોમ્બિનેશન જારી રાખ્યા. મેચ હાર્યા પછી અજીત વાડેકર, ગાવસ્કર જેવા પૂર્વ કપ્તાનોએ પણ પાર્ટ ટાઈમ બોલર તરીકે આવા વખતે યુવરાજ, સહેવાગ અને કોહલીના અન-ઈવન સ્પિનને અજમાવવાની તરફેણ કરી હતી અને ભૂતકાળમાં ખુદ ધોનીએ પણ આવી અજમાયેશ સફળતાપૂર્વક કરી જ છે. તેમ છતાં મુંબઈ ટેસ્ટમાં કેપ્ટન કૂલની કૂલનેસ કામ ન લાગી.
હજુ બે ટેસ્ટ બાકી છે. નાગપુરની ટેસ્ટ ધીમો ઉછાળ આપે તેવી ધારણા જો સાચી ઠરે તો એ અંગ્રેજ ટીમ માટે વધુ એક ફાયદો બની રહેશે. અગેઈન, હાર કે જીત એ રમતનો હિસ્સો છે પરંતુ ભારતીય સ્પિનરો ઘરઆંગણાની વિકેટ પર ધાર્યો ટર્ન ન લઈ શકે અને ભારતીય બેટ્સમેનો ઘરઆંગણાની પીચ પર પ્રવાસી ટીમના સ્પિનરો સામે ટાંટિયા થરથર ધુ્રજાવે એ ભારતીય ક્રિકેટ માટે પડતીની બહુ જ ગંભીર નિશાની છે. કેપ્ટન કૂલ હજુ ય અગાઉની સફળતાની આપખુદીમાં રાચતા હોય તો હવે બીસીસીઆઈએ ગંભીર થવું રહ્યું.

Share |
 

Gujarat Samachar Plus

લોન્ગ લાઇફ માટે દરરોજ ૧૧ મિનિટ ઝડપથી ચાલો
યોગ્ય ડ્રેસીંગ સાથે પહેરો હાઇ હિલ્સ
ભારતીય સાડીને મળ્યો નવો લૂક
હાઉ ટુ મેઇન્ટેઇન યોર ગેઝેટ્સ બેટરી
પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો ફણગાવેલા કઠોળ
રાજાશાહી મેરેજ તરફ યંગસ્ટર્સનો વળાંક
રેલવેનું રીઝર્વેશન સર્વર ડાઉન, પ્રવાસીઓનું મીટર અપ
 

Gujarat Samachar glamour

નરગીસનો દિવાનો બન્યો ઉદય
મારા ડાન્સ સ્ટેપ કરોડોના છેઃ કેટ
મારા બાળકો તેમના ગમતા જ ફિલ્ડમાં જશેઃ શાહરૃખ
'બોન્ડ' પાસે કારનું લાયસન્સ જ નથી
ઈલિયાના ગૂડ લૂકિંગ ગર્લ છેઃ શાહિદ કપૂર
'દબંગ-૨'નો ૨૦૦ કરોડનો ટાર્ગેટઃ અરબાઝ
મારે તો વિવિદોથી દૂર રહેવું છેઃ સોનમ કપૂર
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved