Last Update : 22-November-2012, Thursday

 

સરકારે દાખવેલી ભેદી ચૂપકીદીને લીધે બુધવારની સવાર દેશભરમાં 'હેં? હોય નહિ?'ના સવાલ સાથે જ ઊઘડી હતી
કસાબને ફાંસી ઃ નિર્ણયનો આઘાત નથી, ઉતાવળનું અચરજ છે

સંસદના શિયાળુ સત્રમાં વિપક્ષી આક્રમણ સામે ભેરવાયેલી સરકારે પાણી પહેલાં કસાબની ફાંસી વડે પાળ બાંધી દીધી છેઃ જીવતો કસાબ પાકિસ્તાનનું પ્યાદું હતો અને મર્યા પછી ભારતીય રાજનીતિનું પ્યાદું બની રહ્યો છે

જીવતો પકડાયેલો જગતનો એ એકમાત્ર ફિદાયિન (આત્મઘાતી) હુમલાખોર હોય તેનો એવો અર્થ તો હરગીઝ ન થઈ શકે કે તેને 'દુર્લભ પ્રજાતિ' (રેર સ્પિસિસ)ના ટેગિંગ સાથે આજીવન સંગ્રહસ્થાનમાં જાળવી રાખવાનો હોય. આમ છતાં મુંબઈ હુમલાના આરોપી અજમલ આમિર કસાબના ગળાને જે ભેદી રીતે ફાંસીના ગાળિયાથી દૂર રાખવામાં આવતું હતું એ જોતાં બુધવારની સવાર દેશભરમાં 'હેં? હોય નહિ?' જેવા આશ્ચર્ય સાથે જ ઊગી હતી.
હજુ હમણાં સુધી કસાબને ફાંસી આડે વિવિધ કાનૂની અડચણો હોવાનું ખુદ સરકારી વકીલ કહી રહ્યા હતા, ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ કસાબને કાયદેસર રીતે મળતા વિકલ્પો પૂરા ન થાય ત્યાં સુધી ફાંસી ન આપી શકાય એવું ગાણું ગાતું હતું અને અચાનક શબ્દશઃ વન ફાઈન મોર્નિંગ અજમલ કસાબને ફાંસી પર લટકાવી દેવાય ત્યારે એક જઘન્ય ગુનાના આરોપીને સજા કરી શકાયાની રાહત થવા ઉપરાંત સરકારની આ ભેદી ઉતાવળ અંગે કેટલાંક સવાલો પણ થાય તે સ્વાભાવિક છે.
બુધવારે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારે અજમલ કસાબને પૂણે નજીક યરવડા જેલમાં સવારે ૭.૩૬ કલાકે ફાંસી અપાયા અંગે પ્રાથમિક માહિતી જાહેર કરી તેમાં ઉત્તર ઓછા અને પ્રશ્નો ઝાઝાં ઉપસતાં હોવાનું પ્રથમ નજરે જણાય છે. સૌથી પહેલી વાત તો એ કસાબે રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી એ અંગે આર્થર રોડ જેલ, સરકારી વકીલ અને ગૃહ મંત્રાલયે જણાવેલી તારીખોમાં વિસંગતતા છે. આર્થર રોડ જેલના સૂત્રો કહે છે કે ૧૧ નવેમ્બરે ફાંસીની સજામાંથી માફી આપવા અંગે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી, જે એ દિવસે રવિવાર હોવાથી પછીના દિવસે મોકલવામાં આવી હતી. જ્યારે કેન્દ્રિય ગૃહ મંત્રાલય કહે છે કે ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિએ કસાબની દયાની અરજી ઠુકરાવી દીધી હતી. જો આર્થર રોડ જેલનો રેકોર્ડ સાચો હોય તો શું કસાબે મોકલ્યા પહેલાં જ ગૃહ મંત્રાલયે તેની અરજી ખારિજ કરી દેવા રાષ્ટ્રપતિને ભલામણ કરી દીધી હતી?
બીજો પ્રશ્ન પહેલા પ્રશ્નના જવાબમાંથી જ ઊભો થાય છે. જો ૫ નવેમ્બરે રાષ્ટ્રપતિભવને કસાબની દયાની અરજી ખારિજ કરવાનો નિર્ણય લીધો હતો તો એ દિવસની કે એ પછીના દિવસની રાષ્ટ્રપતિભવનમાંથી બહાર પડતી પ્રેસ વિજ્ઞાપ્તિમાં ક્યાંય કેમ તેનો ઉલ્લેખ નથી? સ્પેશિયલ કોર્ટ, હાઈકોર્ટ અને સર્વોચ્ચ અદાલત સુધીની ન્યાયિક પ્રક્રિયામાં જેની ફાંસીની સજા બહાલ રહી હોય એવા આરોપીને ફાંસીની સજા આપવામાં સરકારે કશું છાનું રાખવાનું કોઈ કારણ જ દેખાતું નથી.
અજમલ કસાબ એક એવો આરોપી હતો જેના પ્રત્યે દેશભરમાં ખૂણેખૂણે વ્યાપક રોષ પ્રવર્તતો હતો. સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરુ માટે હજુ ય કાશ્મીરમાં ખાસ્સો એવો સહાનુભૂતિનો ઝૌક છે પરંતુ કસાબને ફાંસીએ લટકાવવા માટે દેશભરમાં એકમતી હોય તેવા સંજોગોમાં સરકારે તેને આમ સાવ ઓચિંતા અને બધુ જડબેસલાક છાનું રાખીને ફાંસી આપવાની કોઈ જરૃર ન હતી. આમ છતાં સરકારે દાખવેલી ભેદી વર્તણૂંક અને અસહજ ઉતાવળ અનેક સવાલો ઊભા કરે છે.
ગત પખવાડિયે ૭ નવેમ્બર આસપાસ અજમલ કસાબને ડેંગ્યુ થયો હોવાના અહેવાલો હતા અને તેને જ્યાં રાખવામાં આવ્યો હતો એ આર્થર રોડ જેલના સૂત્રોએ પણ આ હકીકતનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો હતો. એ પછી કસાબના લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ભયજનક રીતે ઘટી રહી હોવાના અહેવાલો પણ જાહેર થયા હતા. આ સંજોગોમાં રાતોરાત રાષ્ટ્રપતિ દયાની અરજી ખારિજ કરી નાંખે, અદાલત ફાંસીની સજાના અમલની તારીખ પણ ખાનગીમાં જાહેર કરી દે, ફાંસી આપવા માટે અત્યાર સુધી દેશભરમાં ક્યાંય ફાંસીગર ન હોવાનું સત્તાવાર કહેવાતું હતું તેની સામે રાતોરાત સરકાર ફાંસીગર પણ શોધી આવે, આર્થર રોડ જેલમાંથી ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ કસાબને મોટરમાર્ગે પૂણે મોકલવામાં આવે અને પછી તરત ફાંસીએ ચડાવી દેવામાં આવે, કસાબને ફાંસી અપાવાની છે એ અંગે કસાબની માને કુરિયરથી જાણ કરવામાં આવે, પાકિસ્તાની દુતાવાસને પણ જાણ કરવામાં આવે અને તેમ છતાં પાકિસ્તાની એસેમ્બ્લીને એ સંદેશ મળે નહિ અને આ સઘળો ઘટનાક્રમ દેશભરના પ્રસાર માધ્યમોના ચબરાક આંખ-કાનથી છાનો પણ રહે. યે બાત કુછ હજમ નહિ હોતી.
હજુ ગયા મહિને સરકારી વકીલ ઉજ્જવલ નિકમે જાહેર કર્યા મુજબ, સર્વોચ્ચ અદાલતે કસાબની ફાંસીની સજા બહાલ રાખ્યા પછી પણ કસાબ પાસે ફાંસીના ગાળિયાને દૂર હડસેલવા માટે ત્રણ વિકલ્પો હતા અને એ દરેક કાનૂની વિકલ્પ પાર પડયા પછી જો ફાંસીગરનો પ્રશ્ન હલ થાય તો પણ કસાબને માર્ચ, ૨૦૧૪ પહેલાં ફાંસી આપી શકાય તેવી શક્યતા બહુ જ પાતળી જણાતી હતી. એ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો પણ કસાબની ફાંસી મુંબઈ હુમલાના ૧૬૬ શહીદોને શ્રધ્ધાંજલિ સમાન પગલું હોવા છતાં સરકારે દાખવેલી ભેદી ઉતાવળ અને ચૂપકીદીને લીધે સંદેહાત્મક તો બન્યું જ છે.
બ્રિટિશરાજમાં ભગતસિંહ અને તેમના સાથીદારોને આવી રીતે રાતોરાત ફાંસી આપીને તેમના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા કારણ કે ભગતસિંહ દેશભરમાં લાડકાં હતા અને તેમને ફાંસી અપાવા સામે દેશભરમાં પ્રચંડ વિરોધ હતો. કસાબ તો એક એવો આરોપી હતો જેના માટે જાન લેવો એ શ્વાસ લેવા જેટલું સહજ હતું.
સરકારે તેને છાતી ઠોકીને ડંકે કી ચોટ પર ફાંસીએ ચડાવ્યો હોત તો દેશ પર હુમલા લઈને આવતાં આતંકી પરિબળોને એક કડક સંદેશ પાઠવી શકાયો હોત.
સરકાર જો ખરેખર મક્કમ હોય જ તો અજમલ કસાબ પછી હજુ ય કેટલાંક એવા ગુનેગારો ફાંસીના ગાળિયાની રાહમાં તૈયાર ઊભા જ છે, જેમાં સંસદ પર હુમલાનો આરોપી અફઝલ ગુરુ મુખ્ય છે. આમ છતાં આવતીકાલથી શરૃ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રના એક દિવસ પહેલાં અને મુંબઈ હુમલાની વરસીના ચાર દિવસ પહેલાં કસાબને ફાંસી આપી દેવા અંગે સરકારની રાજનીતિક ચાલ હોવાનો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે. મમતા બેનર્જીના અવિશ્વાસ પ્રસ્તાવ સામે સરકારને સંખ્યાબળ પૂરું પાડવા માટે મુલાયમ, માયાની અઘરી શરતો ય માનવી પડે છે. ભાજપ હંમેશા સરકાર આતંકવાદીઓ સામે નરમાશ દાખવી રહી હોવાના આક્ષેપો કરે છે એ સંજોગોમાં કસાબને ફાંસીએ લટકાવ્યા પછી આવતીકાલે સંસદના શિયાળુ સત્રમાં ઉપસ્થિત રહેનાર યુપીએ સરકારનો આત્મવિશ્વાસ જોવા જેવો હશે.
અલબત્ત, વિપક્ષો પણ સરકારને કસાબની ફાંસીનો જશ ખાટવા નહિ દે તે નિશ્ચિત છે. અફઝલ ગુરુની સરખામણીએ કસાબ સોફ્ટ ટાર્ગેટ હોવાનું ભારપૂર્વક કહીને તેની ફાંસીને આવકાર્યા પછી હવે વિપક્ષનું નિશાન અફઝલ ગુરુને થયેલી સજાના અમલ સંબંધિત જ હશે.
બુધવારે નરેન્દ્ર મોદીએ આ અંગે ટ્વિટર પર કમેન્ટ આપીને તેનો સંકેત આપી જ દીધો છે. જવાબમાં સલમાન ખુર્શિદે 'અફઝલ ગુરુની વાત છોડો. શું મોદી એમ કહેવા માંગે છે કે કસાબને ફાંસી આપીને સરકારે કશું ખોટું કર્યું છે?' એવો સામો સવાલ કરીને સરકારના વ્યૂહને પણ સ્પષ્ટ કરી દીધો છે. સરકાર હોય કે વિપક્ષ, બંને પક્ષે એક વસ્તુ તો સ્પષ્ટ છે કે તેમના માટે અજમલ કસાબ એ એક મુદ્દો છે. મૃતકને ભાંડવામાં શિષ્ટાચાર નથી જળવાતો પણ કસાબની બેવકુફીને કોસીને કહેવું પડે કે એ જીવતા પાકિસ્તાનનું પ્યાદું હતો તો મર્યા પછી એ ભારતીય રાજનીતિનું પ્યાદું બન્યો છે. કાળજુ ઝાડવે મૂકીને જીવતા અને બીજાને મારતા આવા આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કેવી રીતે થઈ શકે?

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved