Last Update : 21-November-2012, Wednesday

 

રાહુલને ચૂંટણીલક્ષી સમન્વય સમિતિનું સુકાન સોંપીને કોંગ્રેસ પણ ભરી પીવાનો સંકેત આપે છે
મમતા-મુલાયમના તેવરમાં સંભળાય છે મધ્યસત્રના પડઘમ?

ફક્ત ફાયદાનો કાયદો સમજતા મુલાયમ, યેનકેન પ્રકારે સરકારને પાણી બતાવી દેવા ઉત્સુક મમતા અને સરકારને કૌભાંડી ઠરાવવા એડી ચેટીનું જોર અજમાવી રહેલ એનડીએના તેવર જોતાં સંસદનું શિયાળુ સત્ર રાજકીય ગતિવિધિ માટે રસપ્રદ બનશે

હજુ ડિસેમ્બરમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ કે કોંગ્રેસ ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં મથામણ કરી રહ્યા છે ત્યાં મુલાયમસિંહ યાદવે ૫૫ બેઠકો પર સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની યાદી જાહેર કરીને પહેલો ઘા રાણાનો ફટકારી દીધો છે. ૨૦૧૪માં યોજાનાર લોકસભાની ચૂંટણી માટે મુલાયમે અત્યારથી આદરેલી પૂર્વતૈયારી ઉતાવળ ગણાય કે રાજકીય ચાલબાજી તેની હજુ ચર્ચા જારી હતી ત્યાં જ કોંગ્રેસે રાહુલને દિવાળીની બોણી આપીને શુકન કરાવી દીધા.
ચૂંટણીલક્ષી સમન્વય સમિતિના અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની નિમણૂંક કરીને આગામી લોકસભાની ચૂંટણી સંબંધિત તમામ સત્તાઓ તેમને આપવામાં આવી. મુલાયમ પછી કોંગ્રેસની આ ચેષ્ટાએ દિવાળીની રજામાં આળસાઈ રહેલા રાજકીય ગલિયારામાં શિયાળાના આરંભે ગરમાવો લાવી દીધો છે. સપા અને કોંગ્રેસની આ જાહેરાતનો મતલબ શું એવો થઈ રહ્યો છે કે મધ્યસત્ર ચૂંટણી આવી રહી છે? એક તરફ વડાપ્રધાન સંસદના શિયાળુ સત્રના આરંભ પૂર્વે યુપીએ ગઠબંધનના સાથી પક્ષો સાથે બેઠકો યોજીને વ્યૂહ ઘડે તેમજ વિપક્ષોને પણ સહકાર માટે અપીલ કરે જ્યારે બીજી તરફ નિયત સમય કરતાં પોણા બે વરસ વહેલા ચૂંટણીની તૈયારીઓ પણ થાય તેનો સીધો અર્થ એવો થાય છે કે શિયાળુ સત્ર પછી સરકારે સામે ચાલીને મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવા માટે મન મનાવી લીધું છે.
રાહુલ ગાંધી માટે હવે 'અભી નહિ તો કભી નહિ' જેવો ઘાટ ક્યારનો સર્જાઈ ચૂક્યો હતો. અત્યાર સુધી મહત્ત્વના પદ કે જવાબદારીથી દૂર રહેલા રાહુલ સમજદારીપૂર્વક આવું કરી રહ્યા છે એવી ધારણા ક્રમશઃ તેઓ જવાબદારીથી ભાગી રહ્યા હોવાની દૃઢ ધારણામાં પરિવર્તિત થઈ રહી હતી. એ સંજોગોમાં નવા વરસના પ્રારંભે રાહુલ સરકાર અથવા સંગઠનમાં ક્યાંક કશીક નોંધપાત્ર ભૂમિકામાં આવશે જ એ નિશ્ચિત હતું. બટ વેઈટ, એ આ ન હતું.
દિવાળી પૂર્વે કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણમાં રાહુલ કેબિનેટમાં જોડાશે એવી ધારણા મૂકાતી હતી પરંતુ રાહુલ-બ્રિગેડના કેટલાંક માથાઓના સમાવેશ છતાં ખુદ રાહુલે સરકારમાં જોડાવાનું ટાળ્યું. એ પછી એવી હવાને વેગ મળ્યો કે રાહુલની કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી થશે અને સોનિયા ફક્ત યુપીએ ગઠબંધનનું અધ્યક્ષપદ સંભાળે. રાહુલને ભવિષ્યમાં મળનારી તક અને હાલ મળી રહેલા મહત્વ જોતાં તેમના માટે કોંગ્રેસના અધ્યક્ષપદ સિવાયની તમામ જવાબદારી વામણી જ ઠરે. એ સંજોગોમાં રાહુલે સમન્વય સમિતિનું અધ્યક્ષપદ સ્વીકારીને ૪૨ વર્ષની ઉંમરે પણ પોતે હજુ કાચા હોવાનું ફરી એકવાર આડકતરી રીતે સ્વીકારી લીધું ગણાય.
અગાઉ બિહાર અને પછી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ બંને રાજ્યોમાં પક્ષનું સુકાન સંભાળ્યું હતું અને બંને રાજ્યોમાં કોંગ્રેસને ધોબીપછાડ મળી હતી. આમ છતાં ફક્ત એ બે મિશનના આધારે રાહુલના નેતૃત્વને સફળ કે નિષ્ફળનું લેબલ મારી શકાય નહિ. કારણ કે, એ બંને પ્રાદેશિક ચૂંટણીઓ હતી, જ્યાં રાહુલ ન હતા ત્યારે પણ કોંગ્રેસના સૂપડાં સાફસૂથરાં જ હતા. ફરક એટલો જ કે રાહુલની હાજરી પછી પણ એ સૂપડાંમાં મતોનું વજન મૂકી શકાયું નહિ. જ્યારે લોકસભાની ચૂંટણી તદ્દન અલગ બાબત છે. એમાં કોંગ્રેસના વર્ચસ્વવાળા દિલ્હી, મહારાષ્ટ્ર, આંધ્ર, રાજસ્થાન પણ હોઈ શકે અને તેની સફળતાનું સઘળું શ્રેય સ્વાભાવિક રીતે જ જો રાહુલને ન આપી શકાય તો બિહાર, ઉત્તરપ્રદેશની નિષ્ફળતાનું કલંક પણ રાહુલ ઉપરાંત સ્થાનિક સંગઠનના ફાળે જવું જોઈએ.
સમન્વય સમિતિના અધ્યક્ષ તરીકે રાહુલના ફાળે આગામી લોકસભાની ચૂંટણીલક્ષી ઘણી જવાબદારીઓ આવશે. ઉમેદવારોની પસંદગીથી માંડીને ચૂંટણીપ્રચારની તરકીબો સહિતના મામલે રાહુલની કસોટી થશે તે નિશ્ચિત છે. જોકે, કોંગ્રેસની પરંપરાગત જૂથબંધી અને ભારતમાં જ્ઞાાતિ, જાતિ અને ધર્મ આધારિત રાજકારણ જોતાં રાહુલ ઉમેદવારોની પસંદગીમાં ખાસ મોર ટાંકી શકે તે વાતમાં માલ નથી અને ચૂંટણીપ્રચાર માટે ગુજરાતના નરેન્દ્ર મોદી, કાશ્મીરના ઓમર અબ્દુલ્લા અને બિહારના નીતિશકુમાર જે રીતે હાઈટેક બની ચૂક્યા છે એ જોતાં રાહુલ માટે પ્રચારનો નવો અને અસરકારક કિમિયો આપવો પણ મુશ્કેલ છે.
ખરી વાત તો એ છે કે, કોંગ્રેસ માટે ચૂંટણી ઉપરાંત પણ બીજા અનેક પડકારો છે. રાજસ્થાન અને આંધ્ર સિવાય હાલ ક્યાંય કોંગ્રેસ સુવાંગ સત્તા પર નથી. ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓરિસ્સામાં કોંગ્રેસનો ગજ વાગતો નથી. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસ માટે સત્તા પર પરત આવવું એ પ્રચંડ મોટો પડકાર છે. એ સંજોગોમાં રાહુલ પાસેથી સંગઠનક્ષેત્રે કાર્યકારી અધ્યક્ષ તરીકે નોંધપાત્ર જવાબદારીની અપેક્ષા રાખવામાં આવતી હતી. પરંતુ ચૂંટણીની વૈતરણી પાર કરવા માટે ગાંધી-નહેરુ વંશ પરંપરાને શરણે ગયા વિના આરો નથી એવું પૂર્વે સીતારામ કેસરી અને નરસિંહરાવના કાર્યકાળમાં સાબિત થઈ ચૂક્યું છે. પરિણામે કોંગ્રેસે રાહુલને પ્રધાનમંડળ કે સંગઠનની અસરકારક જવાબદારી સોંપવાને બદલે વધુ એકવાર ચૂંટણીની વૈતરણીમાં પોતાની નાવ ગાંધી પરિવારના અંગત કરિશ્માના સહારે તરતી મૂકવાનું પસંદ કર્યું હોવાનું જણાય છે.
ચૂંટણીલક્ષી સમન્વય સમિતિના અધ્યક્ષપદે રાહુલની વરણીની ઉતાવળ ઉપરાંત મધ્યસત્ર ચૂંટણીના વાવડ સંભળાતા હોવાનો વર્તારો મમતા બેનર્જીના અવિશ્વાસ પ્રસ્તાવથી પણ મળી શકે છે. સંસદના આગામી શિયાળુ સત્રમાં સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા મમતા પોતાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરી ચૂક્યા છે અને જો એનડીએનું મમતાને સમર્થન મળે તો યુપીએ સરકાર માટે વિશ્વાસનો મત મેળવવો મુશ્કેલ પણ બની જાય. હાલ જોકે, મુલાયમ અને માયાવતીના મતલબી સહકારને લીધે લોકસભામાં સંખ્યાબળના મામલે યુપીએ સરકારને વાંધો આવે તેમ નથી પરંતુ ઢાળ જોઈને ગબડવાની મુલાયમની ફિતરત જોતાં જો યુપીએ સરકાર સામેના વિરોધનું પલડું જરાક નમતું દેખાય તો પણ મુલાયમ વાડ કૂદી શકે છે.
હાલમાં લોકસભાની ૫૫ બેઠકો માટે ઉમેદવારો જાહેર કરીને મુલાયમે વધુ એકવાર કોંગ્રેસ પર મનોવૈજ્ઞાાનિક દબાણ વધાર્યું છે. ૨૨ ડિસેમ્બરથી શરૃ થઈ રહેલા શિયાળુ સત્ર પૂર્વે હાલ મમતા દીદીએ ડાબેરીઓ અને ભાજપ સાથે દેશહિતમાં સંવાદ સાધવાની પહેલ કરી છે ત્યારે તકવાદી મુલાયમ આવો મોકો છોડે એ વાતમાં માલ નથી. ફાયદાનો કાયદો બરાબર સમજતા મુલાયમ મધ્યસત્ર ચૂંટણીના નામે યુપીએ સરકાર પાસેથી શક્યતમ લાભ ખાટવાની કોશિશ કરશે અને એ પછી પણ જો સરકાર ગબડતી લાગશે તો છેલ્લો ધક્કો મારવામાં પણ મુલાયમનો જ હાથ હોય તો તેમનો રાજકીય પૂર્વાર્ધ જોતાં નવાઈ ન લાગવી જોઈએ.
કોંગ્રેસે પણ ડેમેજ કન્ટ્રોલની તમામ ચેનલ્સ ખુલ્લી મૂકી દીધી છે. ભાજપના સાંસદો સાથે વડાપ્રધાને યોજેલ ડીનર બાળાસાહેબ ઠાકરેના અવસાનના કારણે રદ કરવું પડયું પરંતુ મંગળ કે બુધવારે રાત્રે વડાપ્રધાન ભાજપને કાબૂમાં રાખવાની કોશિષ જરૃર કરી લેશે. દરમિયાન, શરદ પવારના માધ્યમથી નવિન પટનાયક અને દિગ્વિજય સિંહની મધ્યસ્થીથી નીતિશકુમારને પીગળાવીને પાંખમાં લેવાની કોશિષ પણ જારી હોવાનું કહેવાય છે. જો કોંગ્રેસને આમ કરવામાં સફળતા મળી તો એનડીએના ગઢમાં મસમોટું ગાબડું પડી જશે.
હાલના સંજોગો જોતાં એકપણ રાજકીય પક્ષ મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર નથી. કારમી મોંઘવારી વચ્ચે આર્થિક બોજનો સવાલ તો ઊભો જ છે. એ સિવાય મુદ્દાનો પણ અભાવ દરેક પક્ષને સરખો નડે છે. કોંગ્રેસની સામે જેટલાં મુદ્દા છે એ વિપક્ષોને ય એટલા જ અસર કરે તે સંજોગોમાં સંસદના શિયાળુ સત્રમાં યુપીએ તડજોડનું રાજકારણ રમશે, પ્રાદેશિક પક્ષો અંગત ફાયદો અંકે કરશે અને એનડીએ ઘટક સરકારને શક્ય તેટલી બદનામ કરવા પ્રયત્ન કરશે. આ ત્રણ વિકલ્પોમાં જો ક્યાંક અડચણ આવી તો અને તો જ મધ્યસત્ર ચૂંટણી આવે તેવી શક્યતા છે. ત્યા સુધી, શિયાળુ સત્રનું તેલ જોઈએ અને રાજકીય પક્ષોના તેવરની ધાર જોઈએ.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતની અસ્મિતાને જાણવા હેરિટેજ વોક
અમને રાંધણ ગેસ ૩૫ પૈસા કિલો મળે છે
પેકેજ ટુરના ટટ્ટુ નહીં પણ અમે મનના મોજીલા છીએ
સાડીની શોભા વધારતી સમકાલીન કમાલ
કબાટમાં કપડાંની સુંદર ગોઠવણી કરતા શીખો
'ખુશમિજાજ' રાખતી ખાન-પાનની ખાસ ટેવો
'મોડયુલર' કિચન પહેલા આટલી કાળજી રાખો
 

Gujarat Samachar glamour

ડિસેમ્બરમાં મારી એક નવી કહાની શરૃ થશે - વિદ્યા
કેટરીના કૈફને છોડેલી ફિલ્મોની ચર્ચામાં જરાય રસ નથી !
સલમાન અને શાહરૃખ વચ્ચે સમાધાન થઈ ગયું !
'સન ઓફ સરદાર' પર 'જબ તક હૈ જાન' ભારે પડી
સન્નીએ જાહેરમાં રોહિતને 'કિસ' કરવા આમંત્ર્યો !
જો દિખતા હૈ વો બિકતા હૈ...!
બીગ બીએ કરી બિહાર પોલીસ પર તવાઈ
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved