Last Update : 19-November-2012, Monday

 

એક થા ટાઇગર ઃ ૮૬ વર્ષની ઝંઝાવાતી ઇનિંગનું રન-અપ

તીક્ષ્ણ, તેજાબી અને તીખા ભાષણો માટે ચાહના અને આક્રોશનો સામનો કરનારા બાળ ઠાકરે 'મરાઠી માણૂસ'નું સ્વાભિમાન જગાવનારા નેતા તરીકે ભારતીય રાજનીતિમાં હંમેશાં યાદગાર રહેશે

 

'હિન્દુ હૃદય સમ્રાટ' તરીકે જાણીતા થયેલા અને વિચારોને વ્યક્ત કરવામાં કોઈ છોછ ન અનુભવતા નેતા તરીકે પ્રચલિત થયેલા બાળ ઠાકરે ભારતીય રાજનીતિમાં પ્રદેશવાદને લાવવા માટે ઘણેખરે અંશે જવાબદાર ગણી શકાય. 'મરાઠી માણૂસ'ને અવ્વલ સ્થાને મૂકી હિન્દુત્વને ટેકો આપનારા રાજનૈતિક પક્ષ શિવસેનાના સ્થાપક પ્રમુખે મહારાષ્ટ્રના લોકોની સંવેદનશીલતાને પારખી લીધી હતી. આ કારણે જ હિમ્મતવાન અને પ્રજાના માન કે અહોભાવને જીતનારા નેતા તરીકે તેમનું સ્થાન અલગ પ્રસ્થાપિત થઈ ચૂક્યું હતું. વિવાદોને તાબે થયા વિના તેમણે અનેક ક્ષેત્રોમાં મરાઠી નાગરિકોના ઉદ્ધાર માટે કરેલું કાર્ય હરહંમેશ માટે ઇતિહાસના પાનાંમાં અંકિત થઈ ચૂક્યું છે.
૨૩ જાન્યુઆરી, ૧૯૨૬ના દિવસે જન્મેલા બાળાસાહેબ ઠાકરેને ચળવળકારી પિતા કેશવ સિતારામ ઠાકરે (પ્રબોધન ઠાકરેથી પણ પ્રચલિત) દ્વારા ગળથૂંથીમાં જ રાજનૈતિક તત્ત્વજ્ઞાાનનું સિંચન થયું હતું. નાની ઉંમરમાં જ બાળ ઠાકરેની રાજનૈતિક વિચારધારાની દિશા નક્કી થઈ ચૂકી હતી. 'સંયુક્ત મહારાષ્ટ્ર'ની ચળવળ માટે કામ કરનારા પિતા જ્ઞાાતિભેદના વિરોધી હતા. પિતાએ ૧૯૫૦ના દાયકામાં રાજધાની તરીકે મુંબઈ સાથેના અલગ રાજ્ય મહારાષ્ટ્ર માટે કરેલી ચળવળને જોઈ બાળ ઠાકરેમાં પણ મરાઠીઓ પ્રત્યેની અનન્ય સંવેદનશીલતાના બીજ રોપાઈ ગયા હતા. ૧૯૫૦ના દાયકામાં મુંબઈમાં એક દૈનિક અખબાર સાથે કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા હતા. જોકે ૧૯૬૦ની સાલમાં તેમણે દર અઠવાડિયે પ્રકાશિત થતા 'માર્મિક'ની સ્થાપના કરી હતી. આ અઠવાડિક વડે તેમણે મહારાષ્ટ્રમાં ગુજરાતી, મારવાડી અને દક્ષિણ ભારતીયોના વધતા પ્રભાવનો સતત વિરોધ કર્યો હતો. બેરોજગાર અને હતાશ યુવાનોના મનોભાવને આ અખબાર ખૂબ જ સક્રિયતાથી વ્યક્ત કરતું હતું. આ યુવાનોની નાડ બાળ ઠાકરે ખૂબ જ આસાનીથી પારખી શકતા હતા. કહેવામાં આવે છે કે આ અખબાર વડે જ 'શિવસેના'નો પાયો નંખાયો હતો. આ અખબાર વાંચી પ્રેરિત થનારા યુવાનોની સંખ્યા ઘણી મોટી થઈ અને અખબારના કટાક્ષો અને ભાષા લોહીના પ્રવાહને વીજવેગે ફરવા જવાબદાર ગણાતા હતા.
હંમેશાં પોતાને પ્રથમ કાર્ટૂનિસ્ટ અને પછી રાજકારણી કહેનારા બાળ ઠાકરેએ બહારના રાજ્યમાંથી આવનારાથી મરાઠીઓ પરના ખતરાનો સામનો કરવા માટે ૧૯ જૂન, ૧૯૬૬ના દિવસે 'શિવસેના'ની સ્થાપના કરી હતી. માનવામાં આવે છે કે આ પક્ષની સ્થાપના પછી બાળ ઠાકરેએ પક્ષને મજબૂત બનાવવા મહારાષ્ટ્રની લગભગ તમામ રાજનૈતિક પાર્ટીઓ સાથે કામચલાઉ સંધિ કરી હતી. શરૃઆતમાં પક્ષે મહારાષ્ટ્રના લોકોને ગુજરાતી, મારવાડી કે દક્ષિણ ભારતીયોની સરખામણીમાં નોકરીઓમાં કઈ રીતે વધુ મહત્ત્વ આપવામાં આવે એ મુદ્દે કાર્ય કર્યું હતું.
શરૃઆતથી જ શિવસેનાએ લોકોમાં ડર પ્રસ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. ફક્ત સામાન્ય જનતા જ નહીં, પણ રાજનૈતિક પક્ષ સાથે સંકળાયેલા લોકો પણ શિવસેનાનો સામનો કરવાનું ટાળતા હતા. એમાં પણ 'માર્મિક' બાદ ૧૯૮૯માં સ્થાપિત 'સામના' વડે આજ દિન સુધી શિવ સેના સાથે સંકળાયેલા લોકો પોતાના તીખા વિચારો રજુ કરી રહ્યા છે. એમાં પણ બાળ ઠાકરેએ હંમેશાં 'સામના' વડે એક નહીં તો બીજી રીતે વિવાદો ઊભા કર્યા હતા. પક્ષ દ્વારા સંસ્કૃતિના બચાવ માટે પણ અનેક કાર્યો થતા હતા. એમાં વેલેન્ટાઇન્સ ડે અને પાર્ટી કલ્ચરથી યુવાનોને દૂર રાખવા હાથાપાઈ સુધીના પગલાં પણ ભરાતા હતા. એની અસર સ્વરૃપે ઘણા યુવાનો ફક્ત આ કારણોસર જ બંધ બારણે જ પાર્ટી કરવાનું પસંદ કરતા થઈ ગયા હતા. ભારતીય જનતા પક્ષ સાથે ભાગીદારી કરી હિન્દુત્વના મુદ્દાને વધુમાં વધુ જોર મળી રહે એ માટેના પ્રયાસો શરૃ કર્યા હતા. એમાં પણ ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં આ યુતિએ સત્તા મેળવી હતી. આ કાર્યકાળ દરમિયાન બાળ ઠાકરેને સરકારના 'રિમોટ કન્ટ્રોલ' તરીકે ઓળખવામાં આવ્યા હતા. જુદા-જુદા નિર્ણયોમાં અને નીતિઓ બનાવવામાં તેમના નિર્ણયોને શિરમોર રાખવામાં આવતા હતા. ભાષા માટે તો તેઓ હંમેશાં ખબરોમાં રહેનારા રાજનેતા હતા જ. જ્યારે તેઓ બોલવા બેસે ત્યારે જાણે અગનગોળાઓની વ્યાપક વર્ષા થતી હોય એવું જ લાગેે. કોઈ પણ અસરકારક મુદ્દા પર જે-તે વ્યક્તિને મચક ન આપવી એ તો તેમનો પહેલો નિયમ ગણાતો. ઘણી વખત એમ પણ લાગી જતું કે તેઓ વગર વિચાર્યે બોલ્યે જાય છે. જોકે તીખી, તીક્ષ્ણ અને તેજાબી ભાષાના ચાબખાં જે સળ પાડતા એ વર્ષો વર્ષ લોકોના માનસમાં રહેતા. જે કંઈ પણ બોલે એમાં તેમની છટા તો એ જ કહેતી કે આત્મવિશ્વાસ અડગ જ છે. લાંબા રાજનૈતિક કાર્યકાળમાં અનેક મુદ્દે તેમણે એવું-એવું કહ્યું છે જેનું સંકલન કરવામાં આવે તો સુષુપ્ત જ્વાળામુખી સાક્ષાત થાય.
આ કારણે જ કદાચ એક રાજનૈતિક પક્ષના પ્રમુખ માટે સૌથી લાંબો ગણી શકાય એટલા કાર્યકાળ માટે ચૂંટણીપંચે તેમના પર પ્રતિબંધ મૂક્યો હતો. જુલાઈ ૨૮, ૧૯૯૯ના રોજ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ડિસેમ્બર ૧૧, ૧૯૯૯થી ડિસેમ્બર ૧૦, ૨૦૦૫ એમ છ વર્ષ સુધી તેમના પર મતદાન કરવા કે ચૂંટણીમાં ઊભા રહેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે એ સમય દરમિયાન પણ હિન્દુ-મુસ્લીમ સંબંધિત સંવેદનશીલ ભાષણો તેમણે આપ્યા હતા. મહારાષ્ટ્ર સરકારે તેમના પર આ મુદ્દે કેસ કર્યો હતો. જોકે એ સમયે તેમણે પોતાનો બચાવ કર્યો હતો કે દેશમાં રહી નિયમોનો ભંગ કરનારા અને કાનૂન પોતાના હાથમાં લેનારાને તેઓ દગાબાજ ગણે છે અને એવા મુસ્લિમનો પોતે આજીવન વિરોધ કરશે એમ પણ કહ્યું હતું.
જેમ મુસ્લિમો પ્રત્યે તેમણે ગુસ્સો વ્યક્ત કર્યો હતો એ જ રીતે બિહારથી મહારાષ્ટ્રમાં રોજગાર અર્થે આવનારા માટે પણ તેમણે પોતાના વિચારો 'સામના'માં રજૂ કર્યા હતા. 'એક બિહારી, સૌ બીમારી' નામના તંત્રીલેખમાં તેમણે મહારાષ્ટ્રમાંથી બિહારના લોકો પાછા ચાલ્યા જાય એવો આદેશ કર્યો હતો. છઠની પૂજાનો પણ તેમણે વિરોધ કર્યો હતો. આ કારણે બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિરોધ થયા હતા અને તેમના વિરુદ્ધ કેસ પણ થયા હતા. આ મુદ્દો લોકસભા સુધી પહોંચ્યો હતો અને સાથે-સાથે ઉત્તર ભારતમાં શિવ સૈનિકો છંછેડાયા હતા અને પાર્ટીમાં દરાર પડી હતી.
હિટલર પ્રત્યેની વિચારધારા માટે પણ બાળ ઠાકરેનો ઘણો વિરોધ થયો હતો. પહેલાં તેમણે માન્યું હતું કે હિટલરથી પોતે પ્રભાવિત થયા હતા અને એ કહેવામાં તેમને જરા પણ શરમ નહોતી. ભારતમાં તેના જેવા આયોજનમાં માનનારા અને જબરદસ્ત વક્તા હોય એવા નેતાની જરૃરિયાત છે એવું તેમણે સ્વીકાર્યું હતું. જોકે પછી તેમણે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેઓ હિટલરથી પ્રભાવિત નહોતા. આ જ રીતે શ્રીલંકામાં તામિલો માટે ચળવળ કરનારા સંગઠન એલટીટીઈ પ્રત્યે પણ તેમને સહાનુભૂતિ છે એવા નિવેદનનો વિરોધ થયો હતો. મિડિયા સાથેના સંબંધ માટે પણ બાળ ઠાકરે અને શિવ સેના જાણીતા છે. શિવ સૈનિકો દ્વારા મિડિયા કંપનીઓની ઓફિસમાં તોડફોડ અને પત્રકારોને ધાકધમકીના ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. દીપા મહેતાની 'ફાયર' અને ગોવિંદ નિહલાનીની 'તમસ' જેવી ફિલ્મોને થિયેટરમાંથી કઢાવી નાખવા માટે શિવ સૈનિકોના હુમલા જવાબદાર રહ્યા છે. પાકિસ્તાની ગાયકો અને સંગીતકારો ભારતમાં આવીને હક છીનવે છે એ મુદ્દે પણ ઘણા વિવાદ થઈ રહ્યા છે.
જોકે બાળ ઠાકરેની રાજનૈતિક કારકિર્દીની સૌથી મોટી પરીક્ષા તો ત્યારે જ થઈ હતી જ્યારે તેમના ઉત્તરાધિકારીની પસંદગી કરવાની હતી. દીકરા ઉદ્ધવ ઠાકરેને શિવ સેનાનું કમાન સોંપતા ભત્રીજા રાજ ઠાકરેના ગુસ્સાનો સામનો કરવો પડયો હતો. કાકા જેટલા જ તીખા વાક્બાણોનો જથ્થો ધરાવનારા રાજ ઠાકરેએ 'મહારાષ્ટ્ર નવનિર્માણ સેના'ની સ્થાપના કરી અને બીએમસી કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેનાની વોટબેન્ક તોડીને સાબિત કર્યું કે પ્રવાહ કઈ તરફ જઈ રહ્યો છે. જોકે છેલ્લા અમુક સમયથી ખુદ બાળ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની તબિયતને ધ્યાનમાં રાખી રાજ ઠાકરે સાથેની મુલાકાતો બાદ અટકળો રહી જ છે કે બન્ને પક્ષ ફરી ભેગા થઈ શકે.
બાળ ઠાકરેને બિન્દુમાધવ, જયદેવ અને ઉદ્ધવ એમ ત્રણ દીકરાઓ હતા. ૧૯૯૬માં મુંબઈ-પુણે હાઇ-વે પર મોટા દીકરા બિન્દુમાધવ ઠાકરેનું અકસ્માતમાં અવસાન થયું હતું. પત્ની મીના ઠાકરેએ આ અકસ્માતના છ મહિના પહેલાં જ હૃદયરોગના હુમલાને કારણે દુનિયા છોડી હતી. બાળ ઠાકરેએ લાંબા અને વિવાદાસ્પદ રાજનૈતિક કાર્યકાળમાં વિવાદો અને આલોચના સામે બબ્બે હાથ કર્યા જ રાખ્યા હતા. ખરાબ તબિયત હોવા છતાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ, નીતિન ગડકરીની જમીનના કૌભાંડમાં સંડોવણી અને નરેન્દ્ર મોદી વિશેના પોતાના વિચારો રજૂ કરવામાં તેમણે સમય નહોતો બગાડયો. દશેરાએ શિવાજી પાર્કમાં દર વખતની જેમ પક્ષના અનુયાયીઓ માટે ભાષણ આપી શિવાજીના આ આધુનિક સૈનિકે અણસાર તો આપી જ દીધા હતા કે પૂર્ણવિરામ મૂકવાનો હવે સમય દૂર નહોતો.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved