Last Update : 18-November-2012, Sunday

 

ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલાએ લિચ્છવી રાજકુંવરી કુમારદેવી સાથેની
લગ્નસ્મૃતિમાં લક્ષ્મી અંકિત સોનાના સિક્કા ઢળાવ્યા હતા

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ
 

ઢોલીડા ધડ્કયા લાડી,
ચાલો આપણે દેશ રે.
પરણ્યા એટલે પ્યારા લાડી,
ચાલો આપણા દેશ રે.
કારતક સુદ અગિયારસે શાલિગ્રામ અને તુલસીના વિવાહ ઉકલી જાય એ પછી લોકજીવનમાં વિવાહડો ઉમટે છે. જાડી જાનું જોડાય. શણગારેલી વેલ્વે બેસીને વરરાજા કન્યા પરણવા જાય. લગ્નગીતો ઝકોળાં લેવા માંડવે. વરકન્યાના અંતરમાં આનંદનો અબિલ-ગુલાલ ઉડે. એમના અંતરના આનંદમોરલા ટહૂકવા માંડે. આ તો વાત થઈ ગઈકાલના ગામડાની વાત. (હવે તો મોટર ખટારા માંડળે ભૂંભૂં કરતાં પોગે છે.) આજે નગરોમાં થતાં લગ્નોની ઝાકઝમાળ કંઈક જુદી જ જોવા મળે છે. નમૂડિયામાંથી તાજા ધનવાન થઈ બેઠેલાઓ વટ પાડવા માટે દીકરા-દીકરીના લગ્નમાં લાખો કરોડો રૃપિયાનો ધૂંમાડો કરે છે. આવનાર મહેમાનો પ્રસંગમાં હળીમળી, જમીકારવીને વિદાય થાય છે. આજે મારે એની વાત નથી કરવી. પણ કેટલાંક લગ્નો એવાં તો યાદગાર બની જાય છે, કે જેનું સંભારણું પેઢીઓ અને સૈકાઓ સુધી અકબંધ રહે છે. અહીં લગ્નના પ્રસંગને કાયમનું રૃડું સંભારણું બનાવી દેનારા બે કલાપ્રેમી રાજવીઓને યાદ કરવા છે.
એક છે ભાવનગર રાજ્યના એ કાળના રાજવી ભાવસિંહજી બીજા (સન ૧૮૯૬થી ૧૯૧૯), જેમણે રાજકુંવરી મનહરબાના તા. ૨ ડિસેમ્બર ૧૯૧૨ના શાહી લગ્નપ્રસંગને યાદગાર બનાવવા માટે શિહોરના દરબારગઢમાં દોરવામાં આવેલાં ભીંતચિત્રોની પ્રતિકૃતિવાળો કલાત્મક ગંજીફો છ દિવસના સમયપત્રક સાથે જર્મનીમાં છપાવીને મહેમાનોને ભેટ આપ્યો હતો. જેમાં તેમના પૂર્વજ ઠા. વખતસિંહજીએ સને ૧૭૯૨માં ચિત્તલના કાઠી દરબાર કુંપાવાળા સાથે લડાઈ કરીને ચિત્તલ જીતી લીધું તે વખતની વિજય સવારીના ઐતિહાસિક ચિત્રો છે. આજે 'એન્ટીક પીસ' ગણાતો આ ગંજીફો મારા જેવા કેટલાક કલાપ્રેમીઓના નીજ સંગ્રહમાં અને સંગ્રહસ્થાનમાં જોવા મળે છે. રજવાડી લગ્નની એ સ્મૃતિ આજે ય યાદગાર બની રહી છે.
બીજી વાત કરવી છે ચંદ્રગુપ્તની. ગુપ્ત રાજવીઓના સુવર્ણકાળમાં થઈ ગયેલા ચંદ્રગુપ્ત (પહેલા)ના લગ્ન લિચ્છવી રાજકન્યા કુમારદેવી સાથે ઉજવાયાં. એ રાજવીના લગ્નની સ્મૃતિમાં વરકન્યાની મુદ્રાવાળા સોનાના ચલણી સિક્કા પડાવવામાં આવ્યા હતા. આ સિક્કા સંગ્રહસ્થાનમાં રહ્યા રહ્યા ગુપ્ત સમયની જાહોજલાલી અને રાજવી લગ્નની યાદ તાજી કરાવે છે. ચંદ્રગુપ્ત પછીના ગુપ્ત સમયમાં અનુગામી રાજવીઓએ પણ પોતાના ચલણી સોનાના સિક્કા પર લક્ષ્મીજીને સન્માનપૂર્વકનું સ્થાન આપ્યું હતું. એની વાત વધુ વિગતે કરીએ.
ઇતિહાસનાં પાનાં ઉથલાવીએ તો જણાય છે કે ગુપ્ત સમ્રાટોનું રાજચિહ્ન ગરુડ હતું. એમની કૂળદેવી લક્ષ્મી હતી. એને કારણે એ યુગના સિક્કા, કલાકૃતિઓ અને સાહિત્યમાં લક્ષ્મીનું ચિત્રણ અને ઉલ્લેખ ખૂબ જ મળે છે. મહાકવિ કાલિદાસે લખ્યું છે કે, 'લક્ષ્મીએ સ્વેચ્છાએ ગુપ્તોને પસંદ કર્યા હતા. એમના સામ્રાજ્ય ઉપર પ્રસન્ન હતી.' લક્ષ્મીનો સંબંધ ધન, ઐશ્વર્ય અને સમૃદ્ધિ સાથે છે, એટલે ગુપ્ત રાજવીઓએ લક્ષ્મીના સિક્કા ચાંદી કે તાંબાના ન બનાવતા સોનાના બનાવ્યા છે. એક સિક્કા પર એવું લખાણ છે કે લક્ષ્મીએ સ્વેચ્છાએ ગુપ્ત સામ્રાજ્ય પર કળશ ઢોળ્યો છે. સિક્કાના અગ્રભાગ ઉપર એકલા રાજાનું કે રાણી સાથેનું ચિત્ર ઉત્કીર્ણ કરાયું છે. પાછળના ભાગે લક્ષ્મીજી છે. આગળ પાછળ 'ગુપ્ત-સંસ્કૃત'માં કોઈ ને કોઈ લખાણ જોવા મળે છે.
ગુપ્ત સામ્રાજ્ય અને કલાના જન્મદાતા ચંદ્રગુપ્ત પહેલાના તમામ સિક્કા એકજ પ્રકારના મળે છે. આ સિક્કા ચંદ્રગુપ્ત અને લિચ્છવી રાજકુમારી કુમારદેવીના લગ્નની યાદમાં બનાવવામાં આવ્યા હતા. તેમાં આગળના ભાગે ચંદ્રગુપ્ત ડાબા હાથમાં ધ્વજ સાથે ઊભો છે અને જમણા હાથે કુમારદેવીને લગ્નની અંગૂઠી પહેરાવે છે. કુમારદેવી, સુંદર વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ છે. ચિત્રની જમણી બાજુ 'ચંદ્રગુપ્ત' અને ડાબી બાજુ 'શ્રી કુમારદેવી' નામો કંડારાયાં છે. એની પાછળના ભાગે સિંહસ્વાર લક્ષ્મીનું ચિત્ર છે. એના પગ નીચે કમળ છે અને 'લિચ્છવયઃ' લખ્યું છે.
ચંદ્રગુપ્ત પ્રથમના પુત્ર સમુદ્રગુપ્તની પાંચ પ્રકારની આવી સુવર્ણ મુદ્રાઓ મળી આવી છે, જેના પર લક્ષ્મીનાં ચિત્રો છે. પ્રથમ પ્રકારના સિક્કા ઉપરના ભાગે સમુદ્રગુપ્તનો ગરુડધ્વજ છે. રાજાના જમણા હાથ નીચે 'સમુદ્રગુપ્તઃ' લખ્યું છે. આ સિક્કા પર ગોળાકારમાં લખાણ ઉત્કીર્ણ કરાયું છે. 'સમરસતબિતતવિજયી જિતરીપુરજિતો દિવં જ્યતિ.' આ સિક્કાની પાછળના ભાગે સિંહાસન પર બેઠેલી લક્ષ્મીની મૂર્તિ જોવા મળે છે. લક્ષ્મીના પગ નીચે 'પરાક્રમ' લખ્યું છે.
જ્યારે બીજા પ્રકારના સિક્કા પર આગળના ભાગે ધનુષ-બાણ ધારણ કરેલા સમુદ્રગુપ્તનું ચિત્ર છે. એના ડાબા હાથ નીચે 'સમુદ્ર' લખ્યું છે. એની પાછળના ભાગે સિંહાસન પર બેઠેલાં લક્ષ્મી છે, અને 'અદ્રતિરથ' એવું લખાણ છે. ત્રીજા પ્રકારના સિક્કા ઉપરના ભાગે સમુદ્રગુપ્ત હાથમાં પરશુ લઈને ઊભો છે. એની જમણી તરફ યુવરાજનું ચિત્ર છે. પાછળના ભાગે સિંહાસન પર બેઠેલાં લક્ષ્મીનું ચિત્ર છે. લક્ષ્મીના પગ નીચે 'કૃતાંતપરશુઃ' એવું લખાણ છે. ચોથા પ્રકારના સિક્કા ઉપર રાજા ધનુષ-બાણથી વાઘનો શિકાર કરે છે. સમુદ્રગુપ્તના ડાબા હાથ નીચે 'વ્યાધ્રપરાક્રમઃ' લખ્યું છે. એની પાછળ ઊભેલાં લક્ષ્મીનું કલાત્મક કંડારણ કરાયું છે. પાંચમાં પ્રકારના સિક્કા બહુજ જાણીતા છે. એમાં સમુદ્રગુપ્ત આસન પર બેસીને વીણા વગાડે છે. એની ફરતે ગોળાકારે 'મહારાજા-ધિરાજ સમુદ્રગુપ્તઃ' લખાણ છે. પાછળ આસન પર બેઠેલાં લક્ષ્મી છે.
સમુદ્રગુપ્ત પછી થોડા વરસ રામગુપ્ત ગાદીએ આવ્યો. એ સમયે હૂણોએ વારંવાર આક્રમણો કર્યા. આથી એનો એક જ સિક્કો મળ્યો છે. એના ઉપરના ભાગે રામગુપ્ત ઊભો રહીને અગ્નિકૂંડમાં આહૂતિ આપે છે. આ સિક્કાની પાછળના ભાગે હાથમાં પુષ્પ ધારણ કરીને ઊભેલાં લક્ષ્મીનું કંડારણ છે.
ંચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્યનું શાસન ઘણાં વર્ષ સુધી ચાલ્યું. એણે પોતાની ટંકશાળમાં પડાવેલા સોનાના સિક્કા પર છ પ્રકારની મુદ્રાઓવાળી લક્ષ્મી કંડારાવી છે. ઇતિહાસકાર એલનના મત અનુસાર 'એનાં સિક્કામાં મૌલિક્તા, સુંદરતા, ભાવભંગી, શોભાસજ્જા તથા એનું રચના-કૌશલ્ય અનુપમ અને કલાપૂર્ણ છે.' આ સિક્કાને ભારતીય કલાના સર્વોત્તમ નમુનારૃપ માનવામાં આવે છે. એના લક્ષ્મીવાળા પ્રથમ પ્રકારના સિક્કામાં ચંદ્રગુપ્ત બીજો ધનુષ્યબાણ લઈને ઊભો છે. બાજુમાં ગરૃડધ્વજ છે. સિક્કાની પાછળના ભાગે પદ્માસનમાં બેઠેલાં લક્ષ્મીનું ચિત્ર છે, અને 'શ્રી વિક્રમઃ' લખ્યું છે.
એના બીજા પ્રકારના સિક્કામાં રાજા યજ્ઞાકુંડમાં આહૂતિ આપે છે. એનો ડાબો હાથ કેડયે બાંધેલી તલવારની મૂઠ ઉપર છે. રાજાની પાછળ નોકર છત્ર લઈને ઊભો છે. પાછળના ભાગે કમળ ઉપર ઊભેલાં લક્ષ્મીનું કંડારણ છે. ત્રીજા પ્રકારના સિક્કામાં આસન ઉપર ડાબો હાથ મૂકીને રાજા ઊભો છે. ફરતા ગોળાકારે 'પરમ ભાગવત મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તઃ' ઉત્કીર્ણ કરાયું છે. પાછળના ભાગે સિંહાસન પર બેઠેલાં લક્ષ્મીનું આલેખન છે. બાજુમાં 'શ્રી વિક્રમઃ' લખાણ છે. જ્યારે ચોથા પ્રકારના સિક્કામાં ઉપરના ભાગે ચંદ્રગુપ્ત બીજો ધનુષ-બાણ વડે સિંહનો શિકાર કરે છે. કેટલાક સિક્કામાં હાથમાં તલવાર લઈને સિંહનો શિકાર કરતો દર્શાવાયો છે. બંને પ્રકારના સિક્કામાં ચોતરફ ગોળાકારમાં 'નરેન્દ્રસિંહ ચંદ્રગુપ્તઃ પૃથિવી વિજયત્વાવં જ્યતિ' લખાણ છે. પાછળના ભાગે સિંહ પર સ્વાર લક્ષ્મીનું ચિત્ર છે. જોડે 'શ્રી સિંહવિક્રમઃ' ઉત્કીર્ણ કરાયું છે. જ્યારે પાંચમાં પ્રકારના સિક્કાના અગ્રભાગે રાજાનું ઘોડેસ્વાર અંકન છે. ફરતે ગોળમાં 'પરમભાગવત મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તઃ' લખ્યું છે. પાછળના સિક્કામાં ઉપરના ભાગે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના શરીરની ચારે તરફ પ્રભામંડળ છે. એમાં રાજા માત્ર ધોતી અને આભૂષણો ધારણ કરીને ઊભા છે. એના એક હાથમાં ગદા છે. અને બીજા હાથ વડે ભેટ સ્વીકારી રહ્યા છે. એમાં કોઈ લખાણ નથી. પાછળના ભાગે સાડી ધારણ કરેલા લક્ષ્મી કમળ ઉપર ઉભાં છે. એમના જમણા હાથમાં શંખ છે. અને માત્ર 'ચક્રવિક્રમ' લખાણ છે.
કુમારગુપ્ત પહેલાના લક્ષ્મીના અંકનવાળી દસ જેટલી સુવર્ણ મુદ્રાઓ મળી આવી છે. એના ઉપરના ભાગે રાજા ક્રમશઃ ધનુષ-બાણ ધારણ કરીને, હાથમાં તલવાર લઈને, બલિયુપની સામે ઘોડેસ્વાર થઈને, સૈનિકવેશે ઘોડેસ્વાર થઈને સિંહનો શિકાર કરતાં, ધનુષ પર બાણ છોડતા, મોરને દાણા ખવરાવતા, હાથી પર સ્વાર, ગેંડાને તલવારથી મારતા તથા હાથમાં વીણા લઈને સંગીત છેડતા અંકિત કરાયા છે. એની પાછળના ભાગે લક્ષ્મી ક્રમશઃ પદ્માસનમાં બેઠેલાં, હાથમાં કમળ લઈને આસન પર બેેઠેલાં. અમર ધારણ કરીને બેેઠેલાં, મોરને ફળ ખવરાવતાં, સિંહ પર સ્વાર, મોર પર સ્વાર, હાથમાં કમળપુષ્પ ધારણ કરીને ઉભેલાં, મગર માથે ઊભેલાં, બંને હાથમાં કમળ લઈને ઊભેલાં, એક હાથમાં કમળ ધારણ કરી બીજા હાથ વડે મોરને ફળ ખવરાવતાં અંકિત કરાયો છે. ફરતાં લખાણો જોવા મળે છે.
કુમારગુપ્તના સિક્કામાં લક્ષ્મીની સાથે મોરનું અંકન એટલા માટે કરવામાં આવ્યું છે કે કુમારગુપ્ત કાર્તિકેયનો પરમ ભક્ત હતો. તે પોતાના નામની સાથે 'મહેન્દ્રકુમાર' લખતો. સિક્કા પર પણ આ જ નામ જોવા મળે છે. કુમારગુપ્તના પુત્ર સ્કંદગુપ્તે લક્ષ્મીના અંકનવાળા બે જાતના સિક્કા પડાવ્યા હતા. પ્રથમ પ્રકારના સિક્કામાં ઉપરના ભાગે સ્કંદગુપ્ત હાથમાં ધનુષ-બાણ લઈને ઊભો છે. બાજુમાં ગરૃઢ-ધ્વજ છે. સિક્કાની ફરતે ગોળાકારે 'જ્યતિ મહતાલાં સુધન્વી' એવું લખાણ છે. પાછળના ભાગે હાથમાં કમળ લઈને પદ્માસનમાં બેઠેલાં લક્ષ્મી છે. 'સ્કંદગુપ્ત' એવું લખાણ ઉત્કીર્ણ કરાયું છે. બીજા પ્રકારના સિક્કામાં ઉપરના ભાગે સ્કંદગુપ્ત રાજા લક્ષ્મીની સાથે ઊભો છે. તેમાં વચ્ચેના ભાગે ગરુડધ્વજ છે. આ પ્રકારના સિક્કાઓ કાલિદાસના આ કથનને પુષ્ટિ આપે છે કે 'લક્ષ્મીએ સ્વેચ્છાએ ગુપ્ત સામ્રાજ્યને વરદાન દીધું હતું. એમના પર પ્રસન્ન હતાં. સિક્કાની ઉપરના ભાગે કોઈ લખાણ નથી. પાછળના ભાગે હાથમાં કમળ ધારણ કરેલાં લક્ષ્મી બેઠાં છે. બાજુમાં 'શ્રીસ્કંદગુપ્ત' એવું લખાણ છે. આ સિક્કાઓ 'રાજલક્ષ્મી' પ્રકારના ગણાય છે.
સ્કંદગુપ્ત પછી ગુપ્ત સામ્રાજ્ય ધીમે ધીમે નબળું પડવા માંડયું. મગઘ સામ્રાજ્યના ભાગલા થવા માંડયા. હૂણોએ જબરજસ્ત હૂમલા શરૃ કર્યા. સ્કંદગુપ્ત પછી નરસિંહગુપ્તે લક્ષ્મીના ચિત્રવાળા એક જ પ્રકારના સુવર્ણ સિક્કા ચલાવ્યા. એના ઉપરના ભાગે રાજા ઊભો છે. પાછળના ભાગ પર લક્ષ્મીની બેઠેલી આકૃતિ અંકિત છે અને 'બાલાદિત્ય' એવું લખાણ છે. નરસિંહગુપ્તના પુત્ર કુમારગુપ્ત બીજાએ પણ લક્ષ્મી ચિત્ર અંકિત કરેલી એક પ્રકારની સુવર્ણ મુદ્રાઓ ચલાવી. એના ઉપરના ભાગે ધનુષ-બાણ ધારણ કરેલા રાજાનું ચિત્ર છે, અને 'મહારાજાધિરાજ શ્રી કુમારગુપ્તો વિક્રમાદિત્યઃ' લખેલું છે. પાછળના ભાગે બેઠેલા લક્ષ્મીની આકૃતિ છે અને 'વિક્રમાદિત્ય' નામ ઉત્કીર્ણ કરેલ છે.
લક્ષ્મીજીના અંકનવાળી આ સુવર્ણમુદ્રાઓ ૧૧૮ ગ્રેનથી લઈને ૧૫૧ ગ્રેન સુધીની છે. કલા અને સૌંદર્યની દૃષ્ટિએ અનુપમ છે. આ સુવર્ણ સિક્કાઓમાં લક્ષ્મીજીની કેટલીક દુર્લભ મુદ્રાઓ મળી આવી છે. મગર-મોર અને સિંહસ્વાર લક્ષ્મીનું અંકન ભારતીય શિલ્પોમાં બીજે ક્યાંય જોવા મળતું નથી. આ શુદ્ધ સોનાના સિક્કા ગુપ્ત સામ્રાજ્યના સુવર્ણકાળની આજે ઝાંખી કરાવે છે. કલાપ્રેમી ગુપ્ત રાજવીઓની જાહોજલાલી ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે અંકિત થઈ છે.
(રેખાંકનો ઃ દીપકુમાર)

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved