Last Update : 18-November-2012, Sunday

 

વિશ્વની સૌથી દિવ્ય નહી... વિશ્વનો સૌથી મોટો ઉકરડો જ્યાં રોજ ૨.૯ અબજ લીટર ગંદકી અને ઝેરી રસાયણો ઠલવાય છે
રામ તેરી ગંગા મૈલી

હોરાઇઝન - ભવેન કચ્છી
- ભારત જેવો દંભી દેશ કોઈ નથી ઃ વિશ્વમાં નદીને ક્યાંય માતા નથી કહેતા છતાં ત્યાંની પારદર્શક જાળવણી જુઓ
- ગંગા કિનારે વસેલી ૧૧ રાજ્યોની ૪૦ કરોડ પ્રજામાં કેન્સરની ભયજનક ટકાવારી
- અણ્ણા અને રામદેવના આશિર્વાદ લઈને રીફાઈનરી, ખાણો અને કતલખાનાના બગાડના ગંગામાં નિકાલ સામે આમરણાંત ઉપવાસ કરનાર ૩૫ વર્ષના યુવા સંત નિગમાનંદનું નિધન થયું અને કોઈએ નોંધ ના લીધી

આજકાલના રાજકારણીઓ, કેજરીવાલથી માંડી બાબા રામદેવ અને અણ્ણા હઝારે ગમે તેટલા આમરણાંત ઉપવાસની જાહેરાત કરે પણ આપણને અને તેના કરતાં વિશેષ તેઓને ગળા સુધી ખાતરી હોય છે કે તબીબી ટીમ નિર્ણાયક સમયે હાજર થઈ જ જશે. પબ્લીસીટી તમાશામાં જોડાવવા કોઈ સંત કે મહાનુભાવ નારિયેળ પાણી લઈને પારણા માટે આવી જ જશે. જે પણ ઉપવાસ અને આંદોલનો રાષ્ટ્રીય મીડિયાની નજર હેઠળ ચાલતા હોય તેમાં દિવસમાં ચાર-છ વખત ખાનારાઓએ પણ બેધડક જોડાઈ જવું. તમારા પેટને ઉની આંચ પણ નહીં આવે તેની ગેરંટી અમારી!
જેમ કોઈ રાજકિય કે વગદાર વ્યક્તિ સામેનો ખટલો મીડિયાના પ્રભાવ વચ્ચે ચાલે અને ન્યાય પણ મેળવે તો તેને 'મિડિયા ટ્રાયલ' કહેવાય છે તેવી જ રીતે હવે 'મિડિયા ફાસ્ટ' જેવા નવા શબ્દનું પ્રયોજન પ્રચલિત કરવું જોઈએ. મિડિયાને નિમંત્રીને તેના પ્રચાર માટે કોઈ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીને જવાબદારી સોંપીને હવે ચળવળિયાઓ દેશભરમાં ચમકી ઊઠે છે. વીડિયો કેમેરાના લેન્સ સામે થતા આમરણાંત ઉપવાસમાં આંદોલનકારી દેહ ત્યજી શકે તે શક્ય છે ખરૃં? બીજી મહત્ત્વની લાક્ષણિકતા એ કહી શકાય કે રાજકારણીઓ કે સીસ્ટમ સામેના ઉપવાસ-આંદોલનોમાં જ મિડિયાને રસ પડે છે. તંત્ર પણ સાબદું બને છે. પણ માનવ હક્કની જાળવણી, માનવીય હેતુ કે બિનરાજકારણી મુદ્દાઓ પર ચાલતા આંદોલનોની કોઈ નોંધ નથી લેતું. દેશમાં આવા કેટલાયે ઉપવાસીઓ અને આંદોલનકારીઓ છે જેઓએ ઉમદા હેતુ માટે મશાલ તો પ્રગટાવી હતી પણ તે મશાલ જ તેમને અગ્નિદાહ આપવા માટે નિમિત્ત બની હોય.
તમે હિન્દુ સંત સ્વામી નિગમાનંદ સરસ્વતિનું નામ સાંભળ્યું છે? મૂળ દરભંગા, બિહારના આ હોનહાર અને વેદાંન્તી નિગમાનંદનું ગત ૧૪ જૂનના રોજ માત્ર ૩૫ વર્ષની વયે નિધન થયું હતું. શા માટે તે પણ જાણી લો. તેઓ હરદ્વારમાં ૧૬ વર્ષની વયે જ આત્મખોજ માટે આવી ગયા હતા. એક તરફ દિવ્ય ગંગા નદીની ભૂમિ તેને સાધના સમાધિ લગાડી દેતી હતી તો બીજી તરફ તેમાં વર્ષોત્તર જે હદે પ્રદુષણ પ્રસરતુ જતુ હતું તેનાથી તેનું હૃદય દ્રવી ઉઠતું હતું. તેઓ કહેતા કે ભારત જેવો દંભી દેશ કદાચ વિશ્વમાં ક્યાંય નથી. જે નદીને આપણે માતા કહીએ છીએ તે જ ભારતની ગટરો, રસાયણો, બગાડ-નિકાલ, મૃતદેહોનું જાણે અંતિમ સંગમ સ્થળ હોય તેવો આપણે તેની સાથેનો નાતો છે.
તેઓ વર્ષોથી કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ગંગાને પ્રદુષણમુક્ત કરવા માટેની યોજના અમલી બનાવવા, કડક નિયંત્રણો લાવવા દબાણ કરતા રહ્યા હતા. તેઓ ભારતના અન્ય સંતોને પણ તેમના આંદોલનમાં જોડાવવા અપીલ કરતા હતા.
ભારતમાં રામ, શ્રીકૃષ્ણ, શિવ, હિમાલય અને ગંગા પંચ તત્વ કહી શકાય. તેમાં પણ હિમાલય અને ગંગા તો શ્રધ્ધા હોય કે ન હોય, ભૌગોલિક અને સ્થુળ રીતે પણ સાચા અર્થમાં પિતા અને માતાની ભૂમિકા ભજવે છે. અયોધ્યામાં રામ મંદિરનો મુદ્દો બની શક્યો કેમ કે ત્યાં મસ્જીદ હતી પણ ગંગાને પ્રદૂષણ મુક્ત કરવામાં કોઈને રાષ્ટ્રીય આંદોલન છેડવા જેવો પોલિટિકલ વહેણ ના જોઈ શકાયો.
સ્વામી નિગમાનંદે હરદ્વારમાં આજુબાજુના પ્રદેશનો ખાણોના ખોદકામનો ભારે ઝેરી નિકાલ, પથ્થરો અને રસાયણો બેરોકટોક ઠલવાતા હતા તેની સામે ગત ફેબુ્રઆરીમાં આ આંદોલન જાહેર કર્યું હતું જેમાં સંત સમાજના આગેવાનો અમુક દિવસો જોડાતા રહ્યા પણ મીડિયા કે સરકારે તેની નોંધ જ ન લીધી. કદાચ ઈવેન્ટ મેનેજમેન્ટમાં કાચા હતા. બીજુ રાજકારણ એ પણ હોય કે આ લડતની નેતાગીરીનો જશ તો નિગમાનંદને જશે. અણ્ણા હઝારે અને બાબા રામદેવનું આંદોલન જ્યારે જોરમાં હતું, ત્યારે નિગમાનંદ હરદ્વારમાં ગંગા બચાવોના આમરણાંત ઉપવાસમાં બેઠા હતા. આ વર્ષે ફેબુ્રઆરીથી ૧૨ જુન સુધી તેના ઉપવાસ ચાલ્યા. તેઓ રીતસરના અર્ધબેહોશ હતા છતાં સરકાર, સંગઠનો, મિડિયાએ જાણવા છતાં નજરઅંદાજ કર્યા. નિગમાનંદને દહેરાદૂનની હોસ્પિટલમાં શિફ્ટ કરાયા ત્યારે તેમનું નિધન થયું. માત્ર ૩૫ વર્ષના ભેખધારી અને હિન્દુ સંસ્કૃતિના રખેવાળનું ગંગા સમર્પિત મૃત્યુ થયું. બરાબર તે જ વખતે જોગાનુજોગ બાબા રામદેવ દિલ્હીમાં ઉપવાસમાંથી તબિયત કથળતા દહેરાદુનની તે જ હોસ્પિટલમાં હતા જ્યારે નિગમાનંદનું નિધન આમરણાંત ઉપવાસને લીધે થયું હતું.
ગંગાની પવિત્રતા અને સ્વચ્છતા જાળવી રાખવાની જવાબદારીની વાત આવે એટલે તે જાણે સાધુ-સંતોનો જ પ્રશ્ન હોય તે રીતે જોવામાં આવે છે. ખરેખર તો ગંગા સામાજિક અને રાષ્ટ્રીય સંપત્તિ અને ગૌરવ છે. શિક્ષણ કે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ વર્ષોથી પૌરાણિક પાત્રો, દેવ-દેવીઓ, મહાપુરૃષોને આવરતી આઈટમોમાં જ જોવા મળે છે. સ્વ. રાજકપુરે 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મમાં ભારતના દંભી સમાજમાં એક નારી સાથે થતો વ્યવહાર આબાદ રીતે ગંગા નદી અને નાયિકાનું ફિલ્મી નામ ગંગા તરીકે રજુ કરીને થિયેટરમાં બેઠેલા ભારતીય નાગરિકોનું હૃદય ભીંજવી દીધું હતું. ગંગાને કેન્દ્ર સ્થાને રાખીને અગાઉ ફિલ્મોના ગીતો બન્યા છે. ફિલ્મના ટાઈટલમાં પણ તેને સ્થાન રહેતું. આજે? જેમ સૂકા રણમાં વીરડીની કલ્પના જ પ્યાસ બુઝાવી શકે તેવો કાર્યક્રમ ગંગા વિશે લખતા યાદ આવી ગયો. પ્રત્યેક શાળા-કોલેજો, નૃત્ય સંસ્થાઓ, સામાજિક બોધપ્રધાન મનોરંજક કાર્યક્રમો કરતા ગુ્રપને ઉદાહરણીય બની રહે તેમ 'ગંગનમ પોપ'ના જમાનામાં - પોરબંદરની આર્ય કન્યા ગુરૃકુળની વિદ્યાર્થીનીઓએ અમૃતમહોત્સવ નિમિત્તે ગંગાના અવતરણ, ભારતીય વેદો ઉપનિષદોમાં તેના માહિમાથી માંડી તેની વર્તમાન સ્થિતિ, ચિંતાને વણી લઈ અદ્ભૂત ભારતીય શાસ્ત્રીય નૃત્ય આધારિત કોરિયોગ્રાફી, સાઉન્ડ અને વિઝ્યુલ સ્પેશ્યીયલ ઈફેક્ટ્સ સાથેનો ફૂલલેન્થ કાર્યક્રમ ગુજરાતના શહેરોમાં અને તે પછી લંડનમાં દેશ-વિદેશી પ્રેક્ષકો સમક્ષ રજૂ કરીને ભારે દાદ મેેેળવી હતી. નવી પેઢીની જોડે તરત જ કનેક્ટ થઈ શકે તેવી શૈલી હતી. પરીકલ્પના અને નિર્દેશિકા પ્રજ્ઞાા ગજ્જર, હેમા માલિની અને તેમની જ સંસ્થા જૂહી મહેતા (ચાવલા)એ અંગત રસ લીધો હોઈ તેમાં લોકપ્રિય કલાત્મક ટચ પણ હતો. નૃત્ય નાટિકાના આવા વિષયનો વિચાર આવવો જ કાબિલેદાદ છે. આ કાર્યક્રમ અંગે લત્તા મંગેશકર, આમિરખાન, શાહરૃખખાન, પં. હરિપ્રસાદ ચોરસિયાથી માંડીને સંતોએ ગંગાના સંદર્ભમાં જે અપીલ કરી છે તે રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલોમાં પણ વખતોવખત પ્રસારીત કરવા જેવી છે.
ગંગાના પ્રદુષણના ચોંકાવનારા આંકડા પણ જાણી લો. ગંગાના કિનારે ભારતના ૧૧ રાજ્યોનો ૪૦ કરોડ જેટલી વસ્તી રહે છે. પણ આ બધાનું કુલ ૨.૯ અબજ લીટર ટોઈલેટ રોજ ગંગામાં ભળી જાય છે. વારાણસીની ૨૦ કરોડ લીટર ગંદકી રોજ ગંગામાં પધરાવવામાં આવે છે. હજારોની સંખ્યામાં રીફાઈનરી, કેમિકલ ફેક્ટરી, કારખાના, ખાણો, પ્રોસેસ હાઉસ, ડિસ્ટીલીરીસ, હોસ્પિટલો, ટેક્સટાઈલ મિલો અને કતલખાના કાનુની નોટિસ કે કાયદાની પરવા કર્યા વીના તેમના નિકાલ જોઈન્ટ ગંગા અને તેના કુળની નદીઓમાં ઠલવાય તેમ ગોઠવે છે. વર્ષમાં અંદાજે ૭ કરોડ શ્રધ્ધાળુઓ ગંગામાં સ્નાન કરતા હોઈ તેઓ જે રીતે પાણી, કિનારો અને ગામ છોડીને જાય છે તે જોઈને તમે દ્રવી ઉઠો. ખરેખર દિલથી પવિત્ર માનતા હો તેવી નદી કે માતાની જોડે આવો વ્યવહાર થઈ શકે ખરો? વિદેશમાં તો કોઈ નદીને માતા નથી માનતું છતાં કેમ ત્યાંની નદીઓ પોશ ક્લબના સ્વીમિંગ પુલ જેવી લાગે છે? આપણે દંભી અને આંધળા ક્રિયાકાંડી તેમજ પછાત માનસિકતાના પૂજારી હોઈએ તેવું વધુ લાગે.
કોલેરા, ઝાડા, હેપેટાઈટિસ, ટાઈફોઈડ અને પેટના રોગોના ૬૬ ટકા કેસો પ્રદુષિત ગંગાને લીધે કિનારાના પ્રદેશોમાં જોવા મળે છે. હવે ગયા મહિને જ બહાર પડેલા સંશોધનાત્મક રીપોર્ટોમાં એવું તારણ નીકળ્યું છે કે ૧૧ રાજ્યોમાં કેન્સરના જે કેસો જોવા મળ્યા છે તેમાંથી ૭૦ ટકા ગંગાના પ્રદુષણની દેન છે.
કાનપુરમાં ચર્મ ઉદ્યોગના ૪૦૦ એકમો છે. ક્રોમિયમ જેવું ખતરનાક ઝેરી રસાયણ નદીમાં ઠલવાય છે. ઉદ્યોગો અને રીફાઈનરીઓના જે પણ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે તેની ક્ષમતા કરતાં ઘણાખરા કિસ્સામાં ૭૦ ગણો વધુ બગાડ નદીમાં સ્વાહા કરી દેવાય છે.
નિગમાનંદે ગંગા માટે શહાદત વ્હોરી તેમ ગંગાના પર્યાવરણ માટે આંદોલન કરનાર એક સંસ્કૃતિ સંવર્ધક નાગરિક જી.કે. અગરવાલના પ્રદાનની પણ નોંધ લેવી જ પડે. સુંદરલાલ બહુગુણાની જેમ તેઓ ભેખધારી છે. તેમના વખતોવખતના આંદોલન અને ૩૮ દિવસના આમરણાંત ઉપવાસથી કેન્દ્ર સરકારને નેશનલ ગેન્જીસ (ગંગા) રિવર બેસિન ઓથોરિટિની રચના કરીને વેગવંતી બનાવવાની ફરજ પડી હતી. કેન્દ્ર સરકારે ગંગા પરના લોહાટિનંગ પાલા હાઈડ્રો પાવર પ્રોજેક્ટ પડતો મુકવો પડયો હતો.
જી.ડી. અગરવાલ માને છે કે ગંગાની યોગ્ય રીતે જાળવણી નહીં થાય તો ભારત દેશ જ સામાજિક, આર્થિક અને આરોગ્યની રીતે ખતમ થઈ જશે. પર્યાવરણની જેમ અલાયદુ મંત્રાલય ગંગા જાળવણી અને શુધ્ધિકરણ માટે ઉભુ કરી શકાય.
ગંગા માત્ર વહેતુ પાણી નથી, ભારતના દેહની ધોરી નસ અને આત્માની ઉજાશ છે. આટલી હદે અડધા દેશના નાગરિકો અને ઉદ્યોગોનો બગાડ તેમના વિશાળ હૃદયમાં સમાવી લેવા છતાં વિશ્વભરના પ્રવાસીઓને તે કેવી આધ્યાત્મીક અનુભૂતિ અને દિવ્યતાનો પરમ અહેસાસ કરાવતી રહે છે. એટલે જ તો નદીને માતા કહેવાતી હશે. તેની શરૃઆત ગંગાથી થઈ હશે. ગંગાના શુધ્ધિકરણ માટે ફાળવાતા રૃા. ૪૦૦૦ કરોડ પણ વેપાર, ઉદ્યોગ, રાજ્ય સરકારો, પદાધિકારીઓ હજમ કરી નાખે છે.
ગંગાને ઇંતેજાર છે દેશના તેના સંતાનોની જાગૃતિ અને આંદોલનનો.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved