Last Update : 18-November-2012, Sunday

 

આત્મપ્રતીતિ અને ગોખણપટ્ટી વચ્ચે આભ-જમીનનું અંતર છે !

જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- 'બુદ્ધિનો નાશ જ મોહ છે. એ ધર્મ અને અર્થ બંનેને નષ્ટ કરે છે. એનાથી મનુષ્યમાં નાસ્તિકતા આવે છે અને એ દુરાચારમાં પ્રવૃત્ત થાય છે'

જિંદગી પોતાની, પણ જીવવાનું બીજાના વિચારોથી ! આ કેવું પરમ આશ્ચર્ય કે આ ધરતી પર શિશુનો જન્મ થાય છે અને એ જેમ જેમ સમજણો થાય છે, તેમ તેમ એના પર વિચારો, માન્યતાઓ અને ધારણાઓનો વરસાદ વરસે છે. એનું શરીર પોતીકી શક્તિથી વિકસે છે, પરંતુ એનું મન પારકા વિચારોના ભારથી લદાતું જાય છે માતાપિતાના વિચારો, સમાજની માન્યતાઓ અને જડ ધારણાઓ એના મગજને ઘેરી વળે છે. એની મૌલિક સર્જનાત્મકતાને રુંધવા માટે એને પાછું ગોખાવવામાં આવે છે કે 'આમ જ હોય અને આમ જ થવું જોઈએ.'

સમય જતાં એ વ્યક્તિ પારકાની દ્રષ્ટિએ જગત જોશે, કારણ કે એની પોતાની દ્રષ્ટિ તો ખીલી જ નથી. એના શક્તિશાળી ચિત્તના કમળની બધી પાંદડીઓ બિડાયેલી છે. એ જેમ મોટો થશે તેમ તેમ માન્યતાઓ લઈને જીવશે અને પછી સતત પોતાની એ માન્યતાને ખેડૂત બળદનું પૂછડું આંબળે, એ રીતે આંબળ્યા કરશે. એને મળેલી ધારણાઓથી એ એના મનોજગતનો કિલ્લો રચશે. સ્થિતિ એ આવે છે કે માણસ વિચારો, સૂત્રો અને અનુભવોની ગોખણપટ્ટી કરીને જીવતો હોય છે. વખત આવ્યે એ જ ગોખેલાં સૂત્રોનું પોપટિયું ઉચ્ચારણ કરતો હોય છે અને ધીરે ધીરે એની વાણીના ઉચ્ચારણ અને એના હૃદયની ભાવના વચ્ચે વધુ મોટીને મોટી ખાઈ રચાતી જાય છે. એ સૂત્રનું વારંવાર રટણ કરે છે. ધર્મગુરુઓનાં વચનો કે ધર્મગ્રંથોનાં વાક્યોને ચ્યુઈંગમની જેમ ચગળાવ્યા કરે છે, પરંતુ ખરે વખતે એ નિષ્ફળ જાય છે. જીવનની કસોટી પ્રસંગોએ આ ઉછીના લીધેલા વચનો એને માર્ગ બતાવી શકતા નથી.

એણે જે કંઈ જ્ઞાાન સંપાદિત કર્યું છે, એ તો કોઈ બીજાની પાસેથી પ્રાપ્ત કરેલું હોય છે અથવા તો કોઈ ગ્રંથમાંથી વારંવાર રટણ કરીને પામ્યો હોય છે. આનો અર્થ એટલો કે આમાં એની આત્મપ્રતીતિનો કોઈ અંશ હોતો નથી. આત્મપ્રતીતિના રણકાર વિનાનું આત્મજ્ઞાાન અંતે અનર્થ સર્જે છે.

શુભજીવન જીવવા માગતી વ્યક્તિઓ હોય, સદાચારથી પોતાની ગુણસમૃદ્ધિની સમાજમાં સુવાસ ફેલાવવા ચાહતો માણસ હોય કે પછી મોક્ષપ્રાપ્તિના પરમ ધ્યેયને લક્ષ્યમાં લઈને નીકળેલો કોઈ સમર્થ સાધક હોય, પણ બધાને માટે સૌથી મહત્વની બાબત એ આત્મપ્રતીતિ છે. બીજાની ઉછીની લીધેલી પ્રતીતિ એને પોતાને પચતી નથી. કાં તો એ વિચાર સ્થૂળ ભૂમિકાએ રહે છે અથવા તો એ વિચાર માત્ર વિચાર જ રહે છે, પણ આચારમાં પરિવર્તીત થતો નથી. આ આત્મપ્રતીતિ પામવા માટે ત્રણ બાબત મહત્વની છે અને તે છે આત્મદ્રષ્ટિ, આત્મનિરીક્ષણ અને આત્મવિશ્લેષણ.

ભારે સાવધાનીથી આ આત્મદ્રષ્ટિ કકેળવવાની હોય છે. એ સાવધાનીની વાત કરતાં સંત કબીરે એમના બીજકની ૧૮૮મી સાખીમાં કહ્યું છે,

'ફહમ આગે ફહમ પીછે, ફહમ દાહિને ડેરી ।
ફહમ પર જો ફહમ કરે, સો ફહમ હૈ મેરી ।।'

'આગળ સાવધાની, પાછળ સાવધાની, જમણી બાજુ સાવધાની, ડાબી બાજુ સાવધાનીની જરૃર છે અને સાવધાની એ મારી જ સાવધાની છે.'

આનો અર્થ જ એ કે વ્યક્તિએ સાવધાની રાખવી જોઈએ. એણે સતત એ તપાસવું જોઈએ કે હું કોઈ ઊંડી ખીણમાં ગબડી રહ્યો છું કે પછી કોઈ પર્વત પર આરોહણ કરી રહ્યો છું. જીવનની આ સાવધાની એને આત્મદ્રષ્ટિ આપે છે. એ બાહ્યદ્રષ્ટિથી દૂર જઈને પોતાની ભીતરમાં જોવા માટે પ્રયાસ કરે છે. આને માટે વ્યક્તિએ કેટલાંક સ્વપ્નોમાંથી જાગવાનું હોય છે અને એ જાગ્યા પછી અંતરનિરીક્ષણ કરવાનું હોય છે. એના મન સાથે કેટલાંક સ્વપ્નો જડાઈ ગયાં હોય છે. યુવાનીમાં એ સતત મોહનાં કે ધનલાલસાનાં સ્વપ્ના સેવતો હોય છે. વાસ્તવિકતા તો ઠીક, પણ એણે પોતે પોતાના મોહની એક રંગીન દુનિયા ઊભી કરી હોય છે. આવે સમયે એને પોતાના મોહની તપાસ કરવી પડે.

માત્ર એ જ્ઞાાન મોહને દૂર કરવા માટે પૂરતું નથી કે મોહ વિનાશક છે, સુખીજીવનનો નાશક છે. મનમાં વિવેકના અંધાપાનું સર્જન કરે છે. ધૃતરાષ્ટ્ર જેવાના પુત્રમોહને કારણે મહાભારતનો મહાસંહાર થયો અથવા તો રાજા દશરથની કામેચ્છાને પરિણામે રામને ચૌદ વર્ષનો વનવાસ મળ્યો. આથી જ ધર્મગ્રંથોએ મોહને મારક કહ્યો છે, માયાવી કહ્યો છે.

સ્વયં વેદવ્યાસે મહાભારતના શાંતિપર્વમાં કહ્યું છે, 'બુદ્ધિનો નાશ જ મોહ છે. એ ધર્મ અને અર્થ બંનેને નષ્ટ કરે છે. એનાથી મનુષ્યમાં નાસ્તિકતા આવે છે અને એ દુરાચારમાં પ્રવૃત્ત થાય છે.'

મોહ વિશે આપણા મનમાં મહર્ષિ વેદવ્યાસનાં વચનો હોય અને છતાં એ મોહ જાગે ત્યારે માણસ એને શરણે જતો હોય છે. એ મોહનાં ધર્મસૂત્રો જાણે છે, પણ એની પાસે એને જીવનમાં પરોવવાનો સોયદોરો હોતો નથી. આમ માત્ર જાણકારી એ ક્યારેય મોહથી ઊગારનારી બનવાની નથી. ક્રોધ, લોભ, માયા, કષાય આ બધાનું 'જાણપણું' પૂરતું નથી, કારણ કે જીવનની અગ્નિપરીક્ષાના સમયે આ જાણકારી કશાય કામની હોતી નથી.

આ તો જીવા પગીની જાણકારી જેવી જાણકારી છે. આ જીવો પગી રોજ એની ડેલીએ બેસીને એની વીરતાની બડાશ લગાવતો હતો. કાળઝાળ બહારવટિયાનો એક સમયે કઈ રીતે સામનો કર્યો હતો એ મૂછે વળ ચડાવીને સહુને કહેતો હતો. ગામના શેઠ હીરાભાઈને ત્યાં લગ્ન હતા, ત્યારે એમણે જીવા પગીને જાનના ચોકીદાર તરીકે સાથે લીધા. રસ્તામાં એ બહારવટિયા આવ્યા એટલે જીવા પગીએ મૂછે તાવ દઈને કહ્યું, 'એ બિચારાને ખબર નહીં હોય કે જીવા પગી સાથે છે અને જાનનું રખોપું એમનું છે.'

ખભે બંદૂક ચડાવી જીવા પગી લૂંટારાને ધમકી આપવા લાગ્યા, ત્યારે લૂંટારાઓએ કહ્યું, 'મરવાના હઈશું તો મરીશું. માથા સાટે માલ ખવાય. વાત ટૂંકી કરો અને ગાડાં છોડો.'

જીવા પગીએ એક પછી એક ધમકી આપવા માંડી, પણ કશું કર્યું નહીં. એ પછી બહારવટિયાઓએ માલ કાઢવાનું કહ્યું, ત્યારે જીવાપગીએ હીરા શેઠને કહ્યું, 'કંઈ વાંધો નહીં, કાઢી આપો માલ. ભલે એ ય જોઈ લે કે આપણે એમની આંખમાં ધૂળ નાખીને કેટલો બધો માલ લઈ જઈએ છીએ.'

બહારવટિયાઓએ કિંમતી માલ ભેગા કરીને પોટલું બાંધવા માંડયું, ત્યારે હીરા શેઠે કહ્યું, ''પગી ! આ તો માલ બાંધે છે.''

''તે ભલેને બાંધે, આપણે બાંધવો ટળ્યો. બાકી એ લઈને અહીંથી એક ડગલું આગળ ભરી શકે એ વાતમાં માલ શું ? હું જીવો પગી. એક-એકના અઢાર અઢાર કટકા થવાના છે. એકે ઓછો નહીં. ઘણા ભેટયા હશે, પણ જીવો પગી ભેટયો નહીં હોય.''

બહારવાટિયા પોટલું બાંધીને ઘોડે ચડવા માંડયા. શેઠ કહે, ''પગી, આ તો માલ લઈને ઘોડે ચઢવા માંડયા !''

''તે ભલેને ચડે. ભલેને બિચારા બે ઘડી મજો માણે. બાકી એનું ઘોડું એક ડગલુંય આગળ વધે તો એના ચારેચાર ટાંટિયા જુદા સમજો. બાપડા પછી જીવા પગીના પગ ચાટશે. અલ્યા, ટૂંકમાં સમજો. હું જીવો પગી.''

બહારવટિયાઓએ ઘોડા હાંકી મૂક્યા. શેઠ કહે, ''પગી, ઘોડા તો ગયા.''

પગી કહે, ''હા શેઠ. માળા ભારે બહાદુર. હોં. જરાય ડર્યા કે રોકાયા જ નહીં ને ! બાકી હીરા શેઠ ! આપણો સંબંધ આજકાલનો નથી. સાચું કહેજો મેં એમને બિવડાવવામાં કંઈ બાકી રાખી ખરી !''

બીજાનાં વચનો, બોધ કે ગુરુવાણીને ગોખનારા પાસે આત્મપ્રતીતિનો અભાવ હોય છે. કોઈ ખૂનનો ગુનો થયો હોય ત્યારે ગુનો ઉકેલનાર અધિકારી બધાનાં નિવેદનો લે છે, પરંતુ અંતે તો પોતે જાતે તપાસ કરે છે.

આમ જાતતપાસ એ પહેલી વાત છે. માત્ર જાણવું એ પૂરતું નથી. જો જાત તપાસ નહીં કરી હોય, તો મનમાં ભલે એ સૂત્ર ગોખેલું હોય કે 'મોહ એ જીવનનો મારક છે', પરંતુ મોહ જોતાં જ મન એની પાછળ દોડી જશે. આથી આપણા મોહ, દ્વેષ, ક્રોધ, વેર, ઈર્ષ્યા પ્રતિ આત્મદ્રષ્ટિ કરીએ, ત્યારે જ એને ઓળખી શકાય. એ વિના હૃદયમાં પડેલા દોષોની કશી જાણ થાય નહીં. (વધુ આવતા અંકે)

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved