એકતાની ફિલ્મ માટે ચાર પ્રશિક્ષકો સન્ની લિઓનને તાલીમ આપશે

થ્રિલર-હોરર ફિલ્મમાં શક્તિશાળી અભિનયની જરૃર હોવાથી આ નિર્ણય લેવાયો
મુંબઇ તા.૧૬
સન્ની લિઓને 'જિસ્મ-ટુ' દ્વારા તેની બોલીવૂડની કારકિર્દી શરૃ કરી હતી હવે તે તેની બીજી ફિલ્મ 'રાગિની એમ.એમ.એસ.-ટુ'ની તૈયારી શરૃ કરવાની છે. ડિસેમ્બર મહિનાના અંતથી અભિનેત્રી એકતા કપૂરની આ હોરર ફિલ્મ માટે એક મહિનાની તાલીમ લેવાની છે.
'આ ફિલ્મ એક થ્રિલર-હોરર હોવાને કારણે તેમાં શક્તિશાળી અભિનય કરવાની જરૃર છે. આ કારણે બાલાજીનો ક્રિએટિવ સ્ટાફ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માગતો નથી. આથી સન્નીને અભિનયના વિવિધ પ્રકાર શીખવવા માટે ચાર પ્રશિક્ષકની નિમણૂક થઇ રહી છે. આમાનાં બે તેને અભિનય અને ઉચ્ચારો શીખવશે. કેબલ અને હાર્નેસનો સન્નીએ ઉપયોગ કરવાનો હોવાથી એક પ્રશિક્ષક તેને શારીરિક તાલીમ આપશે અને ચોથા પ્રશિક્ષક વિશે હમણાં હું કાંઇ પણ જણાવી શકું તેમ નથી,' એમ એક આંતરિક સૂત્રે જણાવ્યું હતું. એકતાએ જણાવ્યા પ્રમાણે, 'બાલાજીમાં અમે પર્ફેકશનનો આગ્રહ રાખતા હોવાથી પ્રશિક્ષકોની નિમણૂક કરવાના છીએ. ગયા વર્ષની હિટ ફિલ્મ 'રાગિની એમ.એમ.એસ.'ની આ સિકવલ છે. આ ફિલ્મના વિસ્તારપૂર્વકના નેરેશનમાં સન્ની ભાગ લઇ ચૂકી છે. 'તેને કેટલીક અમેરિકન હોરર ફિલ્મો અને ટીવી શો જોવાની સૂચના આપવામાં આવી હતી.
તેને હોરર ફિલ્મોનો ડર લાગતો હોવાથી તેનો આ ડર દૂર કરવા તેને આ સૂચના અપાઇ હતી. બાલાજીના ક્રિએટિવ પોઇન્ટ તરીકે વાપરવાની અભિનેત્રીને સલાહ આપી હતી,' એમ સૂત્રે વધુમાં કહ્યું હતું.
અત્યારે સન્ની અમેરિકામાં છે તે ડિસેમ્બરની મધ્યમાં ભારત પાછી આવવાની છે. 'આ પછી તેની તાલીમ શરૃ થશે. નવા વર્ષ માટે તે એક નાનો બ્રેક લેશે એ પછી જાન્યુઆરીની ૧૫મીથી શૂટિંગ શરૃ થશે ત્યાં સુધી તેની તાલીમ ચાલુ રહેશે,' એમ સૂત્રે ઉમેર્યું હતું.