બાળ ઠાકરે પછી શિવસેનાનો સૂર્ય આથમી જશે ?
વેન્ટિલેટર પર ચાલતી શિવસેનાનો હવે વારસદાર કોણ?
ઉદ્ધવની તબિયત ખરાબ રહે છે તો રાજ છેડો ફાડી ચૂક્યા છે

અમદાવાદ, તા.૧૬

શાહબાનો વિવાદ અને બાબરી ધ્વંસ જેવી ઘટનાઓને કારણે શિવ સેનાને તેનો વ્યાપ વિસ્તારવામાં એક યોગ્ય પ્લેટફોર્મ મળી રહ્યું. વિધિની વક્રતા તો જુઓ ઇસ્લામિક આતંકવાદે માથું ઉચક્યું તેની સાથે જ શિવસેનાના ઉદયની પણ શરૃઆત થઇ. તેને ઇસ્લામિક કટ્ટરવાદને ભાંડવાની તક મળી. હિન્દુત્વ રાજકારણ વચ્ચે કોંગ્રેસના હળવા અને ભાજપના કટ્ટર વલણની વચ્ચે શિવસેનાને મહારાષ્ટ્રના રાજકારણમાં વર્ચસ્વ જમાવવાની તક મળી. આતંકવાદીઓને પ્રોત્સાહન આપતાં પાકિસ્તાન સાથે તમામ સંબંધો કાપી નાખવાની માગ સાથે શિવસેના કટ્ટર બનતી ગઇ. તેના સમર્થકોએ ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ન રમાય તે માટે ભૂતકાળમાં મુંબઇની સ્ટેડિયમની પિચો ખોદી નાખ્યાની ઘટના આપણે જોઇ છે.

મહારાષ્ટ્ર માત્ર મરાઠીઓ માટે જ છે તે નીતિથી તેઓ મરાઠા હૃદય સમ્રાટ બન્યા. પરંતુ આ રાજકારણની અસર હવે ઓછી દેખાતી થઇ. તાજેતરમાં સચિને જ્યારે એમ કહેલું કે હું મરાઠી પહેલાં ભારતીય છુ ત્યારે શિવસેનાને બહુ કઠેલું. ભારતના આ સ્ટારની ટીકા કરવામાં તેણે પાછીપાની કરી નહતી.

હવે પરિસ્થિતિ બદલાઇ છે. બાળ ઠાકરે બ્રાંડનું રાજકારણ જેમાં વ્યાપ્ત છે તે પાર્ટી શિવસેનાના અસ્તિત્વ સામે હવે તેમની વિદાય સાથે જ ખતરો ઊભો થયો છે. તે બાબતને હવે પક્ષ નકારી શકે તેમ નથી. રાજ્યમાં ૧૩ વર્ષથી સત્તા પર દૂર રહ્યા બાદ આમેય શિવસેનાની રાજકીય વિચારધારાની અસર રહી નથી. સિનિયર ઠાકરેની સાથે જ પાર્ટીનો ઉદય અને અસ્ત થવાની ચર્ચાઓ શરૃ થઇ ગઇ છે.

આ બાબતનો અંદેશો તેમના પુત્ર ઉદ્ધવને ગત વર્ષે જ આવી ગયો હતો. મુંબઇમાં યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેમણે કહ્યું હતું કે હવે પક્ષનો મુખ્ય એજન્ડા લાગણીશીલ મુદાઓ નહિ પરંતુ વિકાસ છે. ઉદ્ધવની તબિયત પણ સારી રહેતી નથી. રાજ ઠાકરે છેડો ફાડી નવો પક્ષ બનાવી ગયા છે. તો પક્ષનું સુકાન હવે કોના હાથમાં તે બાબત પણ વિચાર માગી લે તેમ છે. રાજનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ પ્રાંતવાદ અને મુસ્લિમ આતંકવાદનો મુદ્દો ઉઠાવીને શિવસેનાનો જ વિકલ્પ બનવાનો પ્રયાસ કર્યો. પરંતુ હવે તેને આમાં કોઇ સફળતા મળી હોય તેમ પણ લાગતું નથી. તાજેતરમાં તેમણે બીમાર બાળસાહેબના બહુ દર્શન કર્યા. શિવસેનામાં આંતરિક ચૂંટણી કે સત્તાના બંધારણીય પરિવર્તનની કોઇ પ્રથા નથી. જેના કારણે અન્ય નેતાઓ સાવ હાંસિયામાં ધકેલાઇ જાય છે. છગન ભૂજબળ, સંજય નિરુપમ અને નારાયણ રાણે તેનાં ઉત્તમ ઉદાહરણ છે. હાલમાં પક્ષનું ભાજપ સાથે પણ પહેલાં જેવું મજબૂત જોડાણ નથી. આરપીઆઇ જેવી પાર્ટી સાથે જોડાણ કરીને દલિતોના દિલ જીતવાનો પણ સેનાએ પ્રયાસ કરેલો.