Last Update : 17-November-2012, Saturday

 

બાળ ઠાકરે વેન્ટિલેટર પર હોય ત્યારે મુંબઈના શ્વાસ અટકી જાય તેમાં નવાઈ નથી
મુંબઈની આંખોમાં થિજેલો સવાલ ઃ બાળાસાહેબ કસે આહેત?

બાળ ઠાકરેનું રાજકારણ વિવાદી હોય તો પણ એટલું તો સ્વીકારવું જ રહ્યું કે વાણીની ઉગ્રતા, વિચારોની સ્પષ્ટતા અને વર્તનની બેલગામ ધારને લીધે બાળ ઠાકરે સરેરાશ માનસમાં ગોડફાધર તરીકેની છાપ ધરાવે છે

 

બુધવારની મોડી રાતથી શુક્રવારની બપોર સુધી ટીવી ચેનલ પર જોવા મળેલા દ્વશ્યો પૈકીનું એક.
મુંબઈના દાદર વિસ્તારનું કોઈ મંદિર. ઉઘાડાપગે ચાલતા આવતા એંશી વર્ષના કોઈ વૃદ્ધ જેમતેમ રોડ ક્રોસ કરે છે. મંદિરના પગથિયે પહોંચીને ઘડીક હાંફ ખાય છે અને પછી રીતસર થથરતા પગે પગથિયા ચડવાના શરૃ કરે છે. ટીવી ચેનલની પત્રકાર યુવતી તેમને રોકીને પૂછે છે કે, ચાલવાની આટલી તકલીફ છતાં તમે કેમ મંદિરે આવ્યા છો? જવાબમાં એ વૃદ્ધ ઘડીક તો તાકી રહે છે પછી માતોશ્રીની દિશામાં હવામાં હાથ લંબાવીને કહે છે, બાળાસાહેબ આજારી આહેત. ત્યાંચ્યા સાઠી પ્રાર્થના કરૃન... આટલું કહીને તેઓ અટકી જાય છે અને અધુરું રહેલું તેમનું વાક્ય આંખોની ભીનાશમાં વહી જાય છે.
નેવુના દાયકામાં જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાની સરકાર હતી ત્યારે એવું કહેવાતું કે બાળ ઠાકરેને શરદી થાય તો આખા મુંબઈને તાવ આવી જાય. એ આજે બે દાયકા પછી, બાળાસાહેબની ૮૬ વર્ષની ઉંમરે અને શિવસેનાની સરકાર નથી ત્યારે પણ એટલું જ સાચુ ઠરી રહ્યું છે. બાળ ઠાકરેની ગંભીર માંદગીના સમાચાર માત્રથી તેમના નિવાસસ્થાન માતોશ્રી ખાતે મુંડે, ગડકરી, પવાર જેવા રાજકારણી, અમિતાભ, સંજય દત્ત જેવા ફિલ્મસ્ટાર્સ, રાહુલ બજાજ અને વેણુગોપાલ ધૂત જેવા ઉદ્યોગપતિઓ અને અસંખ્ય મુંબઈગરાઓ હાજર થઈ જાય એ બાળ ઠાકરેના નામનો કરિશ્મા સૂચવે છે.
કોઈ દેખીતા કારણ વગર દાદર, માટુંગા, ચેમ્બુર, ઘાટકોપર જેવા સતત ધમધમતા મુંબઈના પરાંઓ સ્તબ્ધ થઈ જાય. વહેલી સવારનો સુરજ ઊગે કે તરત પગમાં પૈડા બાંધીને દોડાદોડ કરતો સરેરાશ મુંબઈગરો દેખીતા કોઈ કારણ વગર એકમેકને ફોન કરીને લોકલ ટ્રેન ચાલુ છે કે નહિ તેની ખાતરી કરી લે અને દિવસ દરમિયાન ગમે ત્યારે ટ્રેન બંધ થઈ જાય તો વૈકલ્પિક વ્યવસ્થા વિચાર્યા પછી જ ઘરની બહાર પગ મૂકે. ટેક્સીવાળા કોઈ વર્ધી વિના કે બંધના કોઈ એલાન વગર ફ્લેગ ડાઉન કરીને સ્વેચ્છાએ જ ક્યાંય જવાની ના પાડી દે. બાળ ઠાકરે હોવું એટલે શું તેનો અર્થ છેલ્લા બે દિવસમાં મુંબઈ સિવાયના ભારતને બરાબર સમજાઈ રહ્યો છે.
તેઓ કદી કોઈ સત્તા પર રહ્યા નથી. સરકારી હોદ્દો કદી લીધો નથી અને તેમ છતાં તેમની ગંભીર માંદગીના સમાચારથી મુંબઈ જેવું મહાનગર થીજી જાય એ ઘટનામાં બાળ ઠાકરે હોવું એટલે શું તેનો સૂચિતાર્થ સ્પષ્ટ સંભળાય છે. તેમાં પ્રચંડ લોકપ્રિયતા પણ વર્તાય છે, મુંબઈ જેવા સવા કરોડની વસ્તી ધરાવતા આર્થિક પાટનગરના જનજીવન પર ઠાકરેનો વ્યાપક અંકુશ પણ દેખાય છે અને શિવસેનાની વાઘ-ગર્જનાની ધાક પણ સંભળાય છે.
સાંઠના દશકથી મહારાષ્ટ્રની રાજનીતિનો પર્યાય બની રહેલા ઠાકરેની વિશેષતા ગણો કે લાક્ષણિકતા, દેશના કાયદાની, બંધારણની કે લોકશાહીની મર્યાદાની તેમણે કદી પરવા કરી નથી. તેઓ હંમેશા પોતાના ઉસુલો પર જ ચાલ્યા છે અને તેમના ઉસુલો પણ સમયાંતરે બદલાતા રહ્યા છે આમ છતાં તેમની વ્યક્તિગત લોકપ્રિયતા અને સરેરાશ મરાઠી માણુસના મનમાં તેમના પ્રત્યેના આદરમાં જરાક પણ ફરક પડયો નથી. આખાબોલા અને અત્યંત સ્ફોટક વિધાનો માટે જાણીતા બાળ ઠાકરે ૮૬ વર્ષની જૈફવયે ગંભીર માંદગીમાં પટકાય એટલે આબાલવૃદ્ધ મુંબઈગરા ભીની આંખે તેમના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા લાગે, છેલ્લા બે દિવસથી ટીવી ચેનલો પર જોવા મળતાં આ દૃશ્યો તેની ગવાહી પૂરે છે.
સાંઠના દાયકામાં આધુનિક મહારાષ્ટ્રના આદ્ય ગણાતા નેતા યશવંતરાવ ચવ્હાણ સામે પ્રચંડ વિરોધ કરીને બાળ ઠાકરેએ રાજકીય કારકિર્દીની શરૃઆત કરી હતી. ૧૯૬૬માં શિવસેનાએ સૌ પ્રથમ વખત ચૂંટણીમાં ઝૂકાવ્યું ત્યારે વસંતરાવ નાઈક મુખ્યપ્રધાન હતા. એ પછી આજે પાંચ દાયકા બાદ પૃથ્વીરાજ ચવ્હાણ મહારાષ્ટ્રના ૨૨મા મુખ્યમંત્રી તરીકે સત્તા પર છે અને એ દરેક મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાળ ઠાકરેના નામનો પ્રભાવ અકબંધ રહ્યો છે.
બાળાસાહેબ છેલ્લા પાંચ દાયકાથી વિરોધાભાસનું પ્રતીક બની રહ્યા છે. યુવાન વયે તેમના વૈચારિક ઘડતરમાં તેમના પિતા પ્રબોધનકાર ઠાકરેનો પ્રચંડ પ્રભાવ રહ્યો. તેમના પિતા સંયુક્ત મહારાષ્ટ્ર ચળવળના પ્રખર સમર્થક હતા. પ્રાંત, જ્ઞાાતિ કે ધર્મ આધારિત સંકૂચિત દૃષ્ટિકોણનો તેમણે હંમેશા વિરોધ કર્યો હતો. બાળાસાહેબ પણ તેમની યુવાવસ્થા સુધી પિતાના આંદોલનોમાં કટ્ટર સમર્થક તરીકે ઉગ્રતાપૂર્વક જોડાયેલા હતા. પરંતુ સાંઠના દશક પછી તેમની વિચારધારાએ એવો યુ-ટર્ન માર્યો કે તેઓ પોતે જ ઉગ્ર પ્રાંતવાદનો ઝંડો ઉપાડી બેઠા. 'આમચી મુંબઈ'ના નામે તેમણે ગુજરાતીઓ, દક્ષિણ ભારતીયોને નિશાન બનાવ્યા અને મરાઠી માણુસ માટે મુંબઈની ઝુંબેશ સફળ બનાવી.
એ પછી એંશીના દાયકામાં તેમણે મરાઠી માણુસનું કાર્ડ પડતું મૂકીને હિન્દુત્વનો ભગવો ઝાલ્યો. એ વખતની તેમની ઉગ્રતાને એટલી વ્યાપક ધાર મળી કે કોઈ જ સત્તા પર ન હોવા છતાં એ જમાનામાં વડાપ્રધાન, રાષ્ટ્રપતિ સિવાય ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા ફક્ત બાળ ઠાકરેને મળતી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટની મેચ મુંબઈમાં ગોઠવવી હોય તો બાળાસાહેબની મંજૂરી લેવી પડે એવી ધાક તેમણે ઊભી કરી દીધી હતી. હમણાં વળી તેમણે ઉત્તર ભારતીયો પ્રત્યે પ્રખર વિરોધ દર્શાવીને ફરીથી પ્રાંતવાદના ડાકલાં ધૂણાવ્યા છે.
વિચારધારાના આવા દરેક પડાવ પર બાળ ઠાકરેની અંગત લોકપ્રિયતા અકબંધ રહી છે. સરેરાશ મુંબઈગરો છેલ્લા પાંચ દાયકાથી અને એ હિસાબે બે પેઢીથી તેમને પોતાના હિતોનો રક્ષક માનતો રહ્યો છે. આ માણસ જે બોલે છે એ કરે છે અને બોલતી વખતે જે લાગે છે એ બોલી નાંખે છે. એ કદી સ્થાપિત હિતોની કે સત્તાની પરવા કરતો નથી એવી બાળ ઠાકરેએ પોતાના માટે ઊભી કરેલી છાપ કેટલી મજબૂત છે એ તેમની આ માંદગીના સમાચારથી ઉમટેલી મેદની દર્શાવી રહી છે.
ઠાકરેએ આખી જિંદગી કોંગ્રેસના વંશવાદને ભરપૂર ભાંડયો છે આમ છતાં તેમણે પોતે શિવસેનામાં વંશવાદને જ ઉત્તેજન આપતાં દીકરા ઉધ્ધવને અને હવે પૌત્ર આદિત્યને રાજકીય વારસો સોંપ્યો છે. ઉત્તર ભારતીયની મુંબઈમાં હાજરી તેમને આંખમાં કણાની જેમ ખૂંચે છે પરંતુ અમિતાભ બચ્ચન તેમને મન મુંબઈગરા છે. નારાયણ રાણે જેવા અગ્રણી એક તબક્કે તેમને ચોથા દીકરા જેવા લાગતા હતા એ જ રાણેને તેઓ ઉધ્ધવ સાથેની નાનકડી તકરારના પગલે ઘડીના છઠ્ઠા ભાગમાં પાણીચું પણ પકડાવી શકે છે. આટઆટલા તીવ્ર વિરોધાભાસો ધરાવવા છતાં બાળ ઠાકરેના વ્યક્તિત્વનું એવું કશુંક પાસું છે જે તેમને લોકપ્રિયતાની પ્રચંડ આભા બક્ષે છે.
સરકાર જ્યારે રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ ત્યારે તેમણે શિવસેના શાખાઓના રોજગાર કાર્યક્રમ દ્વારા સેંકડો યુવકોને નાનકડા વ્યવસાયની તક આપી. અન્ડર વર્લ્ડની ખુનામરકીના દિવસોમાં સરકાર કે પોલીસ જ્યારે મુંબઈગરાને આશ્વસ્ત કરવામાં નિષ્ફળ જઈ રહ્યા હતા ત્યારે ફક્ત બાળ ઠાકરે એક જ એવી રાજકીય હસ્તિ હતા જેમની આણ માથાભારે ડોનલોકો પણ ટાળી શકતા ન હતા. એ માટે બાળ ઠાકરેએ જે કંઈ કર્યું એ નિર્વિવાદપણે ટિકાપાત્ર હતું પરંતુ એ પછી ય એટલું તો સ્વીકારવું જ રહ્યું કે વાણીની ઉગ્રતા, વિચારોની સ્પષ્ટતા અને વર્તનની બેલગામ ધારને લીધે બાળ ઠાકરે સરેરાશ માનસમાં ગોડફાધર તરીકેની છાપ ધરાવે છે.
રાજકીય દૃષ્ટિએ શિવસેનાનો જનાધાર વધે કે ઘટે, વિધાનસભા કે લોકસભામાં શિવસેનાનું સંખ્યાબળ ઓછું હોય કે વધારે, શિવસેનાની વોટબેન્કમાં ભત્રીજા રાજ ઠાકરેની મનસે ભાગ પડાવી જાય કે પૂર્વ શિવસૈનિકો નારાયણ રાણે, છગન ભૂજબળ પક્ષ છોડીને નોંખો ચોકો માંડે... દરેક તબક્કે વ્યક્તિગત રીતે બાળ ઠાકરેની મજબૂતી અકબંધ રહી છે. ઠાકરેને શરદી થાય એથી મુંબઈને તાવ આવી જતો હોય તો ઠાકરે જ્યારે વેન્ટિલેટર પર હોય ત્યારે મુંબઈના શ્વાસ અટકી જાય તેમાં નવાઈ નથી.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved