Last Update : 16-November-2012, Friday

 

બ્લુ ફિલ્મની અભિનેત્રીઓ અને તેમનાં ભદ્દા ચેનચાળાં હવે ઘરના ડ્રોઈંગરૃમ સુધી પ્રવેશી ચૂક્યા છે
સની લિયોન પછી પ્રિયા?ઃ પડે છે ત્યારે સઘળું પડે છે!

આખાબોલી અને સફળતા માટે કંઈપણ કરવા તત્પર છોકરીઓ સમાજનો 'મનમાં ભાવે પણ મૂંડી હલાવે' જેવો દંભ બરાબર સમજી ચૂકી છે. પરિણામે અંગ પ્રદર્શન કે બેફામ વર્તનના રસ્તે તેમને લોકપ્રિયતા અને સફળતાની ગેરંટી દેખાય છે

ક જમાનામાં જાહેરમાં બ્લ્યુ ફિલ્મ શબ્દ પણ બોલતા સંકોચ થતો અને આવો ગંદવાડ જોવાના શોખીનો પણ વીડિયો કેસેટ લાઈબ્રેરીમાં જઈને 'બ્લ્યુ ફિલ્મ આપો' એવું છડેચોક બોલતાં લજવાતા એટલે પછી સંકેતમાં ભક્ત પ્રહલાદ કે ભાજીપાંઉ માંગતા. આજે બે દાયકા પછી હાલત એવી છે કે એ જ બ્લ્યુ ફિલ્મની હિરોઈન અને તેમના એવા જ ભદ્દા ચેનચાળા છડેચોક આપણાં ઘરના ડ્રોઈંગરૃમમાં પ્રવેશી ચૂક્યા છે. બિગ બોસમાં હાલમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે પોર્નોગ્રાફીની ભારતીય મૂળની અભિનેત્રી (???) પ્રિયા રાયને વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી મળવાની શક્યતા તેનું લેટેસ્ટ ઉદાહરણ છે.
ભારતીય પરંપરા અને સંસ્કારિતાની બધી જ દુહાઈઓ ટીઆરપીના જુવાળમાં ક્યાંય તણાઈ ગઈ છે અને વિરોધ કરનારા ય હવે પબ્લિક ડિમાન્ડના નામે દાંતમાં આંગળી અને આંખમાં લોલૂપતા આંજીને ટીવીની સામે બેસી ગયા છે. ચોંકાવનારૃં કંઈપણ કરો એટલે સફળતાની એંશી ટકા ગેરંટી પાકી એ વર્તમાન સ્પર્ધાત્મક દૌરમાં માર્કેટિંગનો ગુરુમંત્ર છે. સફળતાને જ પૂજવાનો આ નવો ચાલ અફીણ અને બ્રાઉન સુગરના વ્યસનથી ય વધુ ખતરનાક છે. કારણ કે, એકવાર સફળતા મેળવ્યા પછી એ સફળતા કેવી રીતે આવી તેની પડપૂછમાં કોઈ પડતું નથી. પરિણામે, હરહાલમાં સફળતા મેળવવા, લોકપ્રિય થવાના હવાતિયાં જારી રહે છે.
જાતભાતની ચેનલો વચ્ચે ભાતભાતના કાર્યક્રમો રજૂ થતા હોય ત્યારે દરેક કાર્યક્રમ માટે ટોચ પર રહેવાનું દબાણ તીવ્રતમ હોવાનું. હવે એ દરેક ચેનલોને બ્રહ્મજ્ઞાાન લાધી ચૂક્યું છે કે, કશાંક એવા અળવીતરા કરીએ જેનાંથી દેશભરમાં પૂરજોશમાં ચર્ચા થાય અને એ ચર્ચાના પરિણામે વ્યૂઅરશીપ વધે.
વ્યુઅરશીપ વધે એટલે ટીઆરપી વધે અને ટીઆરપી વધે એટલે આપણે સફળ.. પછી તો સફળતાના રૃડાં ગીતડાં જાતે જ ઘડી કાઢતા આપણને ક્યાં નથી આવડતું?
આ મોડસ ઓપરેન્ડી હેઠળ બિગ બોસ રિઆલિટી શોમાં વધુ એક વખત વધુ એક વિવાદાસ્પદ ચહેરાને લાવવાની યોજના આકાર લઈ રહી હોવાના અહેવાલો છે. પૂર્વે પામેલા એન્ડરસન જેવી અંગ પ્રદર્શન માટે મશહુર અભિનેત્રી અને ગત સિઝનમાં પોર્નોગ્રાફીની જાણીતી છોકરી સની લિયોનને વાઈલ્ડ કાર્ડથી એન્ટ્રી આપવામાં આવી હતી. બટકબોલી અને બેફામ વર્તણુંક કરનારી પાકિસ્તાની ગ્લેમર ગર્લ વીણા મલિક પણ બિગ બોસમાં આવી ચૂકી છે. એ જ ક્રમમાં હવે પોર્નોગ્રાફીની બીજી એવી જ જાણીતી ભારતીય મૂળની પ્રિયા રાયને લાવવામાં આવશે તેવા અહેવાલો છે.
સની લિયોનને બિગ બોસમાં મળેલી અપાર લોકપ્રિયતાથી પ્રેરાઈને મહેશ-મુકેશ ભટ્ટ કેમ્પ તેને ફિલ્મમાં લેવા માટે લલચાયો હતો અને જિસ્મ-૨માં તેણે અભિનયના નામે સાવ કઢંગા હાવભાવ દાખવ્યા હતા પણ અંગપ્રદર્શન ભરપૂર કરી દીધું હતું. આ ફિલ્મ સદ્નસીબે સફળ તો ન નીવડી પણ માફકસરનો ધંધો મેળવીને નફો તો કરી જ લીધો. હવે એ જ ક્રમ પ્રિયા રાય માટે પણ જારી રહેશે તેવું માનવું વહેલું છે તો પણ વધારે પડતું જરાય નથી.
પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન જસ્ટિસ માર્કંડેય કાત્જુ તેમના આખાબોલા પણ મર્મવેધક વિધાનો માટે જાણીતા છે. ટીવી ધારાવાહિકોમાં, રિઆલિટી શોમાં સેન્સર બોર્ડની ભૂમિકા લાગુ કરવાની તેમણે ઉગ્ર તરફેણ કરી હતી. આ ઉપરાંત તેમણે ભારતીય દર્શકોને પણ 'દિખાવે મેં નન્ના (નકાર), દેખને મેં હન્ના (હકાર)' જેવો દંભ ધરાવતા હોવાનું કહ્યું હતું. ટીવી ધારાવાહિકોમાં રજૂ થતી મહિલાઓની છબી નકારાત્મક હોવા અંગે તેમણે એ પુરુષ પત્રકારને સામો સવાલ કરતા પૂછ્યું હતું કે, મહિલાઓના સન્માનનો સવાલ ખુદ મહિલાઓ કેમ નથી ઊઠાવતી? તમે જે ધારાવાહિક સામે વાંધો ઊઠાવો છો એ સાચો જ છે પરંતુ એ ધારાવાહિકોની ટીઆરપી વધારવામાં મહિલા દર્શકોનો જ તો સૌથી મોટો ફાળો છે.
આ મુદ્દો પણ એટલો જ સાચો છે. સ્ત્રીઓના બેફામ પ્રદર્શન માટે ઊઠતાં સવાલો સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ દ્વારા વધુ હોય પરંતુ એકાદ વાર, એકાદ ઘટના અંગે ઊઠતો રહેલો આ મુદ્દો કદી નિર્ણયાત્મક કેમ નથી બનતો? કારણ કે તેનાં માટે પુરુષો કરતાં પણ સ્ત્રીઓ વધુ જવાબદાર છે. સ્ત્રીઓ માત્ર વિરોધ કરીને કે બે-ચાર જુલુસ કાઢીને બેસી રહેવાને બદલે પોતાના ઘરમાં જ આવી ધારાવાહિકો જોવા પર પ્રતિબંધ લાદી શકે તોય ફરક પડે.
વિચાર કરો, કેટલી વાર એવું બન્યું કે અંગપ્રદર્શનથી પ્રચુર ફિલ્મો સામે સ્ત્રી સંગઠનોએ નારી ગૌૈરવ જાળવવા ખરાં દિલથી વિરોધ કર્યો અને ફિલ્મોનું પ્રદર્શન રોક્યું? જો સ્ત્રીઓ આ મુદ્દે ખરેખર મક્કમ અને દૃઢ હોય તો કેમ 'રાખી કા સ્વયંવર' જેવો વાહિયાત શો સ્ત્રીઓમાં વધુ લોકપ્રિય હતો? રાત્રે આઠથી દસના પ્રાઈમ સ્લોટમાં કેમ સ્ત્રીઓની હાંસી ઊડાવતી, સ્ત્રીઓનું બૌધ્ધિક સ્તર નિમ્ન કક્ષાનું ચિતરતી અને તેમને કૌટુંબિક કાવાદાવામાં જ રચી-પચી દર્શાવતી સાસ-બહુની શ્રેણીઓ સ્ત્રીઓમાં જ સૌથી વધુ જોવાય છે?
સામા પક્ષે, કેટલીક આખાબોલી અને સફળતા માટે કંઈપણ કરવા તત્પર છોકરીઓ સમાજની આ મનમાં ભાવવાની અને મૂંડી હલાવવાની તાસિર બરાબર સમજી ચૂકી છે. પરિણામે અંગ પ્રદર્શન કર્યા પછી ય તેમને તેનો કોઈ છોછ નથી હોતો. તેમને બરાબર ખબર છે કે આજની સફળતાનું આયુષ્ય બહુ જ ટૂંકું છે માટે આજે થઈ શકે તેટલી રોકડી કરી લો. પૂનમ પાંડે પણ આવી જ વિચારધારાનું ફરજંદ છે. ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટીમનો વ્હાઈટ વોશ થઈ ગયો ત્યારે પુનમ પાંડેને (બિલકુલ આયોજનપૂર્વક જ) પૂછવામાં આવ્યું, 'વર્લ્ડકપ મેં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન હો જાય તો આપને કપડે ઉતારને કા વાદા કિયા થા, અબ જબ ઓસ્ટ્રેલિયા મેં ટીમ ઈન્ડિયા બૂરી તરહ સે હાર ચૂકી હૈ તો આપ ક્યા કરોગી?' પુનમે પણ એ જ જવાબ વાળ્યો, જે અપેક્ષિત હતો, 'ટીમ જીસ તરહ હાર ગઈ યે દેખકર મુજે બહોત શર્મ આતી હૈ. સોચતી હું, ઈસ બાર ભી મૈં કપડે હી ઉતારું. વૈસે ભી વર્લ્ડકપ વાલા વાદા અભી બાકી હી તો હૈ!'
શર્લિન ચોપ્રાએ અમેરિકાના કુખ્યાત મેગેઝિન પ્લેબોય માટે નગ્ન તસવીરો આપ્યા પછી જાણે પ્રચંડ સફળતાનો ઈડરિયો ગઢ જીત્યો હોય તેમ તેની જાહેરાત કરી હતી અને પછી તરત જ એવું વિધાન પણ કર્યું હતું કે હા મેં તો પૈસા માટે પણ સેક્સ કર્યું છે અને મને તેનો કોઈ છોછ નથી. આવું કહેતી વખતે શર્લિનને બરાબર ખબર છે કે બીજા દિવસે એ દરેક અખબારોના ફ્રન્ટ પેજ પર હશે અને આખો દિવસ ટીવી ચેનલો પર તેના નામના છાજિયા લેવાશે. એ છાજિયા લેવાય એમાં જ પૂનમ, રાખી, શર્લિન, વીણાની સફળતા છે અને તેમને એ જ તો જોઈએ છે. જો તેમના આવા ભદ્દા ચેનચાળા, ઉઘાડી તસવીરો અને બટકબોલા વિધાનો પર માધ્યમો ધ્યાન આપવાનું અને દર્શકો ગમાડવાનું બંધ કરી દે તો તેમણે સફળતા માટે ખરા અર્થમાં રચનાત્મકતા દાખવવી પડશે, જે એમનાં બસની વાત નથી. પરિણામે આવા દરેક ભાદરવાના ભીંડા બે-ચાર સફળતાનો ભાદરવો ઓસરે એટલે વિલાઈ જશે.
- પણ એ બધું તો ત્યારે જ શક્ય બનશે જો આપણે દર્શક તરીકે તેનો પ્રતિકાર કરીએ અને આપણી નામરજી સ્પષ્ટરીતે વ્યક્ત કરીએ. અન્યથા, વેઈટ એન્ડ વોચ ફોર વન મોર હોટ સેન્સેશન પ્રિયા રાય!

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

રાશિ ભવિષ્ય

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive
સંવત 2069નું રાશિ ભવિષ્ય PDF Format
 

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved