Last Update : 13-November-2012, Tuesday

 

વાત ફિલ્મની છે પણ ફિલ્મી નથી કારણ કે હરીફને ઊગતા જ ડામવાની આવી દાદાગીરી દરેક ક્ષેત્રમાં જારી છે
કિંગ વિ. સરદાર ઃ દિવાળીનો ખરો ધમાકો થિયેટરમાં થશે

કોમ્પિટિશન એક્ટ મુજબ સમાન ક્ષેત્રના ઉત્પાદકોને સમાન બજાર, સમાન સમયનો લાભ મળવો જોઈએ. ગ્રાહકોને પણ પસંદગીનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ મોટાં માથાઓ છટકબારી શોધી લે છે

દિવાળીમાં સ્કૂલોમાં વેકેશન, ઓફિસોમાં ય ચાર-પાંચ દિવસની સામટી રજાઓને લીધે મિનિ વેકેશનનો માહોલ તેમજ પગાર ઉપરાંત બોનસનો લાભ આ બધા કારણો સ્વાભાવિક રીતે જ માર્કેટને ફૂલગુલાબી બનાવતા રહે. ગ્રાહકના ખિસ્સામાં વજન હોય ત્યારે વેચનારની આંખોમાં લાલસા જાગે ત્યારે વજનનો મહત્તમ દલ્લો પોતાના ગલ્લે ઠલવાય તેની સૌને ફિરાક રહે. ફૂલ, ફટાકડા, મીઠાઈથી માંડીને મૂવી સુધી આ મામલો તીવ્રતમ હરીફાઈનો બની રહે છે. આ વર્ષ પણ તેમાંથી બાકાત નથી. મહત્તમ બોક્સ ઓફિસ કલેક્શન મેળવવાની સ્પર્ધા જોકે એક નવો સવાલ ખડો કરી રહી છે કે, સ્પર્ધામાં બેય હરીફોને સરખી તક હોવી જોઈએ એ જ તંદુરસ્ત સ્પર્ધા કહેવાય. તો પછી, ફિલ્મની રજૂઆત માટેની સ્પર્ધામાં એ શર્તનું પાલન થાય છે ખરૃં? જો નથી થતું તો શા માટે નથી થતું?
દિવાળીના દિવસે જ દેશભરના સિનેમાઘરોમાં રજૂ થઈ રહેલી બે મોટી ફિલ્મો જબ તક હૈ જાન અને સન ઓફ સરદાર વચ્ચે દર્શકો મેળવવા માટે કસોકસની સ્પર્ધા જામી છે. જબ તક હૈ જાન ફિલ્મના પ્લસ પોઈન્ટ છે યશરાજનું બેનર, દિગ્ગજ દિગ્દર્શક યશ ચોપ્રાની આખરી ફિલ્મ હોવાનું ટેગિંગ અને રોમાન્સમાં કાયમ ખીલી ઊઠતો શાહરૃખ ખાન. જ્યારે સન ઓફ સરદાર પાસે અજય દેવગન છે, જે લગાતાર ચાર હિટ ફિલ્મો આપી ચૂક્યો છે. હાલ સાઉથ સ્ટાઈલ એક્શનની બોલબાલા છે ત્યારે સન ઓફ સરદારમાં એવી એક્શન્સની ભરમાર પણ દર્શકોને ખેંચી શકે તેમ છે.
બંને ફિલ્મોની રજૂઆત પૂર્વે જ યશરાજ ફિલ્મ્સ એડવાન્સમાં જ દેશભરમાં મહત્તમ થિયેટર્સ બુક કરાવીને અંચઈ કરી રહ્યું છે એવી ફરિયાદ સાથે અજય દેવગને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) સમક્ષ રાવ પણ કરી હતી, જે ખારિજ કરી દેવામાં આવી છે. દેવગનની દલીલ અને સીસીઆઈનો ચૂકાદો એ બંને બાબતો રસપ્રદ હોવા ઉપરાંત અનેક નવા સવાલો ખડા કરે તેવી પણ છે. અજય દેવગનની દલીલ એવી હતી કે, ૧૪ ઓગસ્ટે તેણે જ્યારે મુંબઈ અને નોર્થ ટેરેટરીના વિતરકોનો સંપર્ક સાધ્યો ત્યારે ખબર પડી કે દેશભરના ૯૦ ટકા થિયેટરો જબ તક હૈ જાન માટે બુક થઈ ચૂક્યા છે. આ બુકિંગો તો ઓગસ્ટમાં રજૂ થયેલી યશરાજ બેનરની એક થા ટાઈગરના બુકિંગની સાથે જ થઈ ગયું હતું.
છેલ્લા કેટલાંક સમયથી મોટા બેનર્સની આ યુક્તિ કારગત નીવડી રહી છે. બધા જાણે છે કે દર્શકો પાસે નવી ફિલ્મ જોવા માટે એક અઠવાડિયાથી વધારે સમય હોતો નથી. એટલા સમય દરમિયાન માઉથ પબ્લિસિટીને લીધે પણ આરંભિક એક-બે અઠવાડિયા પછી ખાસ કલેક્શન મળવાનું નથી. આ સંજોગોમાં જે ફિલ્મ વધુમાં વધુ દર્શકો પહેલાં અઠવાડિયે જ ખેંચી લાવે એ નફાની વૈતરણી પાર કરી જાય. એ માટે દરેક ફિલ્મોએ સૌ પ્રથમ તો શાનદાર પ્રોમોની યુક્તિ અજમાવી. પછી તેમાં એવો તાલ થયો કે, ફિલ્મ ગમે તેટલી નબળી હોય પણ પ્રોમોમાં તો દરેક ફિલ્મ અવતાર કે ટાઈટેનિકના દરજ્જાની હાઈ-ફાઈ લાગે. દરેક દિગ્દર્શક તેના પ્રોમોમાં તો સ્પિલબર્ગ અને ટેરેન્ટિનો જેવો જ ભ્રમ ઊભો કરી નાંખે. હવે પ્રોમોમાં ય સ્થિતિ એવી ઊભી થઈ ગઈ છે કે ફિલ્મની માફક ખાસ પ્રોમો સ્પેશિયાલિસ્ટ દિગ્દર્શકો પણ ઊભા થઈ ગયા છે અને કેટલાંક કિસ્સામાં તો પ્રોમો ડિરેક્ટરનો ચાર્જ ફિલ્મના દિગ્દર્શક જેટલો ય વસૂલવામાં આવે છે.
હવે જો પૈસા ફેંકીને કોઈપણ નબળો-સબળો દિગ્દર્શક કે રેંજીપેંજી નિર્માતા ય પ્રોમો જાનદાર બનાવીને દર્શકો ખેંચી લાવતો હોય તો પછી શાહરૃખ જેવા સુપરસ્ટાર અને નવાસવાં રણવીરસિંહ કે યશરાજ ફિલ્મ્સ અને નવાસવાં કોઈ બેનર વચ્ચે ફરક જ ક્યાં રહ્યો? અહીં જે ખેલ શરૃ થાય છે એ સ્પર્ધામાંથી તંદુરસ્તીનું તત્વ ગાયબ કરી દે છે અને અહીંથી જ જોહુકમી યાને મોનોપોલીની દાદાગીરી શરૃ થાય છે. કોઈપણ ફિલ્મનું ભાવિ એક-બે અઠવાડિયા પૂરતું જ હોય તો દર્શકોને આપણે બીજી ફિલ્મની તક જ નહિ આપવાની.
દર્શક પાસે સમય હશે પણ સિનેમાઘરમાં એક જ ફિલ્મ હશે તો એ ક્યાં જવાનો? તેને ફિલ્મ તો જોવી જ છે, આપણી સ્ટારકાસ્ટ સેલેબલ છે અને પ્રોમો ય જક્કાસ છે તો પછી બીજી ફિલ્મને વચ્ચે ઘૂસવા જ ન દઈએ તો આપણા માટે તો વકરો એટલો નફો. આ તર્કના આધારે છેલ્લા કેટલાંક સમયથી મોટા બેનર્સ મહત્તમ થિયેટર્સ એડવાન્સમાં જ બૂક કરીને બીજી ફિલ્મો માટે હરીફાઈના બારણા વાસી દે છે. અજય દેવગને આ દલીલના આધારે, ફિલ્મનિર્માણ અને પ્રદર્શનમાં દરેકને હરીફાઈની સમાન તક ન મળતી હોવાનો મુદ્દો રજૂ કર્યો હતો, જે તેના કમનસીબે સીસીઆઈ દ્વારા ખારિજ કરી દેવાયો છે.
ભારત સરકારે સમાન નાગરિકત્વના બંધારણિય અધિકારને વ્યવસાયિક સજ્જતા અને હરિફાઈમાં પણ લાગુ કરીને ૨૦૦૨માં કોમ્પિટિશન એક્ટ પસાર કર્યો હતો. આ ધારા મુજબ, સમાન ક્ષેત્રમાં સેવા કે ઉત્પાદન આપી રહેલી દરેક કંપનીને સમાન બજાર, સમાન સમયનો લાભ મળવો જોઈએ. એ હિસાબે ગ્રાહકોને પણ પસંદગીનો અધિકાર આપવામાં આવ્યો છે. જનરલ સ્ટોર કે મોલમાં કોઈ એક જ કંપની તેના ઉત્પાદન વેચે અને બીજી કંપની માટે દરવાજા બંધ કરી દે તો એ બીજી કંપની માટે રાઈટ ઓફ કોમ્પિટિશન અને કસ્ટમર માટે રાઈટ ઓફ સિલેક્શનનો ભંગ કહેવાય.
જો કોમ્પિટિશન એક્ટનો અર્થ આવો થતો હોય તો પછી કોઈ એક નિર્માતા મોકાના અઠવાડિયે પોતાની ફિલ્મ માટે બધા જ થિયેટરો સામટા બૂક કરી નાંખે એ ચેષ્ટામાં બીજા નિર્માતાને જે-તે સમયે પોતાની ફિલ્મ રજૂ કરવાની તક ન મળે તેનું શું? આ રીતે બીજા નિર્માતાઓ માટે રાઈટ ઓફ કોમ્પિટિશન અને દર્શકો માટે રાઈટ ઓફ સિલેક્શનનો ભંગ થયો ન ગણાય? છેલ્લાં કેટલાંક સમયથી દબંગ, બોડીગાર્ડ, એક થા ટાઈગર વગેરે ફિલ્મો કમાણીના જે રીતે નવા-નવા આંકડા સર કરી રહી છે તેનું ખરૃં કારણ આ છે.
ઈદ અને જન્માષ્ટમી, સ્વતંત્રતા દિનના મીની વેકેશનમાં એક થા ટાઈગર દેશભરમાં એક સાથે ૩૫૦ થિયેટરમાં રજૂ થઈ હતી અને યશરાજ ફિલ્મ્સનો દબદબો એવો કે, એક થા ટાઈગરને જગ્યા કરી આપવા માટે આગલા અઠવાડિયાથી ચાલી રહેલી નાની ફિલ્મોને ફરજિયાત ઉતારી લેવામાં આવી હતી. સ્વાભાવિક રીતે જ, જબ તક હૈ જાન વખતે પણ એવું જ થવાનું છે. ગ્રાહકને ટૂથપેસ્ટની જરૃર છે જ અને તમે તમારા ઉત્પાદન સિવાયના બીજા કોઈને દુકાનમાં રાખવાના જ નથી તો સ્વાભાવિક છે કે તમારી જ ટૂથપેસ્ટનું વેચાણ વધશે.
યશરાજ ફિલ્મ્સ દ્વારા મહિનાઓ અગાઉ થયેલા એડવાન્સ બૂકિંગ રદ કરવાની અજય દેવગનની અરજી સીસીઆઈએ ખારિજ કરી દીધી છે પરંતુ સમાન સ્થિતિ અને સાનુકૂળતા તેમજ દર્શકના રાઈટ ઓફ સિલેક્શનની દલીલ સ્વીકારીને હવે પછી સિનેમાઘરોના એડવાન્સ બૂકિંગ અંગે સમયમર્યાદા, બૂકિંગ ફી વગેરે બાબતોની નવી ગાઈડ લાઈન્સ તૈયાર કરવાનો પ્રસ્તાવ સ્વીકારાયો છે. પૂર્વે ગદર અને લગાન, ઘાયલ અને દિલ જેવી મોટા બેનર, મોટા સ્ટાર્સની ફિલ્મો પણ દિવાળીના દિવસોમાં સામસામે ટકરાઈ ચૂકી છે અને દરેક ફિલ્મો પોતપોતાની ક્ષમતા મુજબ બોક્સઓફિસ કલેક્શન મેળવી ચૂકી છે કારણ કે એ દિવસોમાં આવો કિમિયો જન્મ્યો ન હતો. પરંતુ હવે જ્યારે સફળતાની જીવાદોરી એક જ અઠવાડિયા પર અવલંબિત હોય ત્યારે આવી તરકીબોથી મોટા બેનર જ સફળ થાય અને નાના નિર્માતાએ તો ડ્રાય ડેઝમાં જ ફિલ્મ રજૂ કરવી પડે એવી સ્થિતિ સર્જાઈ રહી છે.

Share |
 

Gujarat Samachar Plus

તહેવારનો સંગ અને ફેશનો રંગ
રસોડાની બારીમાં બનાવો કિચન ગાર્ડન
પોશાક પહેરો જે કાયાને અનુરૃપ હોય
સેલિબ્રિટી મમ્મીઓને ઉતાવળ નથી હોતી પ્રસૂતિ પછી ઝટપટ પાતળા થવાની
દિવાળીના સમયે જ પસ્તીવાળાની સંતાકૂકડી
 

Gujarat Samachar glamour

કૈટરીના કૈફએ પાંચ કિલો વજન ઉતાર્યું
તબ્બુ સોશ્યલ નેટવર્કીંગથી પ્રસંશકો સાથે જોડાશે
દીપિકા પાદુકોણે 'રામલીલા'ના ગરબાથી પ્રેશરમાં રહે છે
ઈમરાનને 'સીરિયલ-કિસર'ની ઈમેજ બદલવી નથી
છોટી-છોટી બાતેં...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved