Last Update : 03-November-2012, Saturday

 

હાલ '૫૦ કરોડની ગર્લફ્રેન્ડ' ચર્ચામાં છે તો એ પહેલાં જયસ્વાલ, ચૌટાલા ય આવો જ વાણીવિલાસ કરી ચૂક્યા છે
નેતાલોગ મહિલાઓ વિશે નિમ્ન વિધાનો કરે છે કારણ કે...

ભારતીય પ્રજા તરીકે આપણી માનસિકતા જ એવી રોગિષ્ઠ છે કે સ્ત્રીઓ વિશે ઘસાતું, ઉતરતી કોટિનું બોલાય ત્યારે આપણને મનમાં ગલગલિયા અને તનમાં તનમનિયા થાય છે. પરિણામે નેતાલોગની જીભ ઓર લપસતી રહે છે

 

ચૂંટણી આવે એટલા શોરબકોર વધી જાય. તેમાં ક્યારેક ન બોલવાનું ય બોલાઈ જાય. તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશની એક પ્રચાર સભામાં કોંગ્રેસી કલ્ચરને આડે હાથે લેવાની તેમની લોકરંજક શૈલીમાં કેન્દ્રીય મંત્રી શશી થરૃર પર નિશાન તાક્યું. હરીફ પક્ષ અને તેના પ્રધાનને ભીંસમાં લેવાય એ રાજનીતિ થઈ પરંતુ મોદીએ એ માટે શશી થરૃરના પત્ની સુનંદા માટે '૫૦ કરોડની ગર્લફ્રેન્ડ' જેવો શબ્દપ્રયોગ કર્યો અને દેશભરમાં વિવાદ સર્જાઈ ગયો.
મામલો ફક્ત રાજકારણનો જ હોત તો 'અભિ બોલા, અભિ ફોક' કહીને પતલી ગલીમાંથી નીકળી શકાયું હોત પરંતુ આ વિવાદમાં પાયાનો પ્રશ્ન એ છે કે, રાજકીય નેતાઓ છાશવારે મહિલાવિરોધી બયાનો કેમ કરતાં રહે છે? હાલના વિવાદમાં નરેન્દ્ર મોદી સંકળાયેલા છે અને મોદી હોય ત્યાં સમાચારની પહોંચ રાષ્ટ્રીય હોય જ. પરંતુ એ પહેલાં નજીકના ભૂતકાળમાં પણ અનેક રાજનેતાઓએ મહિલાઓ માટે અરૃચિકર અને ઘસાતા શબ્દો કહ્યાં જ છે.
ખાપ પંચાયતો છાશવારે જાતભાતના ફતવાઓ બહાર પાડતી રહે છે. વોટબેંકના રાજકારણમાં ખાપ પંચાયતોનું વર્ચસ્વ અને જરૃરિયાત જોતાં રાજકીય પક્ષોમાં તેમને નારાજ કરવાની હિંમત નથી. પરિણામે ખાપ પંચાયતો મધ્યયુગની સામંતશાહીને ય સારી કહેવડાવે તેવા પ્રતિબંધો લાદતી રહે તેની સામે આજ સુધી એકપણ રાજકીય પક્ષે ખોંખારીને કે નામ આપીને સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો નથી. સોનેપતની એક ખાપ પંચાયતે છોકરીઓને જિન્સ પહેરવા પર પ્રતિબંધ લાદ્યો એ મુદ્દે લોકસભા વિરોધપક્ષના નેતા સુષ્મા સ્વરાજનો અભિગમ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે 'ઐસા નહિ હોના ચાહિએ' જેવો ગોળગોળ જવાબ આપીને ચાલતી પકડી હતી.
પરંતુ હરિયાણાના દિગ્ગજ જાટ નેતા ઓમપ્રકાશ ચૌટાલાએ તો ખાપના બેવકૂફીભર્યા ફતવાનું સરાજાહેર સમર્થન કરી નાંખ્યું હતું. હરિયાણામાં મોટા પ્રમાણમાં થતાં જાતિય અત્યાચારોના નિરાકરણ તરીકે ખાપ પંચાયતે છોકરીઓના લગ્ન ૧૬ વર્ષે જ કરી નાંખવાનું ફરમાન બહાર પાડયું તેને ચૌટાલાએ સમર્થન આપી દીધું. બીજા દિવસે જ્યારે ચૌટાલા પર વ્યાપક પસ્તાળ પડી ત્યારે તેમણે એમ કહીને ફેરવી તોળ્યું કે, મેં તો ફક્ત છોકરીઓના જિન્સ પહેરવા સામે એક વડીલ તરીકે નારાજગી જતાવી હતી. લગ્નની વય ૧૬ વર્ષની કરી દેવા અંગે મેં કશું કહ્યું નથી. ચૌટાલાનું આ ફેરવી તોળેલું કાટલું ય એટલું જ વિરોધને પાત્ર છે.
ઓમપ્રકાશ ચૌટાલાને તેમના આવા સંકુચિત અને મહિલાઓ પ્રત્યેના નાદુરસ્ત વલણ માટે ભાંડતાં પહેલાં એ જાણવું જોઈએ કે એ ચૌધરી દેવીલાલના પુત્ર છે. નેવુના દાયકામાં જ્યારે દેવીલાલનો સુરજ રાષ્ટ્રીય રાજકારણમાં સોળે કળાએ ખિલેલો હતો ત્યારે પોતે નાયબ વડાપ્રધાનપદે હોવા છતાં જાહેર સ્થળે મહિલાઓની હાજરીમાં લઘુશંકા કરતી તેમની તસવીરો માધ્યમોમાં ચમકી હતી. એ વખતે લાજવાને બદલે ચૌધરી ગાજ્યા હતા કે, ઉ તો દેહાત મેં હોતઈ હૈ! વડ એવા ટેટા વાળી કહેવત કંઈ એમ ને એમ તો નહિ જ પડતી હોય ને એવો કોઈકને વિચાર આવે તો નવાઈ નહિ!
કોલસા કૌભાંડમાં ખરડાયેલા કેન્દ્રીય મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે પણ હજુ ગત મહિને જ મહિલાઓ વિશે અત્યંત ભદ્દી કમેન્ટ કરી નાંખી હતી. ટી-૨૦માં હાર-જીતના મુદ્દે વગર કારણે ફિલોસોફી ઝાડવા બેસી ગયેલા જયસ્વાલે રમતના વિજયને લગ્ન સાથે સરખાવી દીધો અને કહ્યું કે, બીવી પૂરાની હો જાતી હૈ ફિર ઉસ મેં વો મજા નહિ રહેતા! એ પછી જોકે, સ્વયં કોંગ્રેસના જ મહિલા મોરચાએ વિરોધ નોંધાવતા છેવટે કાચુ કપાઈ ગયાની જાણીને જયસ્વાલે માફી માંગી લીધી હતી.
એવું નથી કે માત્ર પુરુષ નેતાઓએ જ મહિલાઓ માટે આવા નિમ્ન કોટિના વિધાનો કર્યા હોય. ભૂતકાળમાં મમતા બેનર્જી, પૂર્વ મંત્રી અંબિકા સોની અને પવારપુત્રી સુપ્રિયા સૂલે પણ મહિલાઓ માટે શરમજનક બને તેવા વિધાનો કરીને વિવાદ જગાવી ચૂક્યા છે. મમતા દીદીએ જાહેરમાં હાથ પકડીને ચાલતા પ્રેમીઓ માટે એવું વિધાન કર્યું હતું કે, છોકરા માટે તો ઠીક છે પરંતુ આવા કિસ્સામાં છોકરી તો બજારૃ હોય તેવી જ છાપ પડે. માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન હોવાની રૃએ અંબિકા સોનીએ ટીવી ચેનલો પર મહિલાઓના કઢંગા ચિત્રણ માટે એવું કહ્યું હતું કે, મોટાભાગની મહિલાઓ કૂથલીખોર હોય તો પછી ધારાવાહિકમાં ય એવું જ ચિત્રણ થાય ને! મહારાષ્ટ્રમાં અજીત પવારના ભ્રષ્ટાચાર પછી તેમણે નાયબ મુખ્યમંત્રીપદ ગુમાવ્યું એ પછી તેમની જગ્યાએ શરદ પવારની દીકરી સુપ્રિયા સૂલે ગોઠવાશે તેવી હવા વચ્ચે સુપ્રિયાએ એવું વિધાન કર્યું કે, અજીત પવાર કોઈ મોડેલિંગ કરતી છોકરી નથી કે ગમે ત્યાં શિયળ વેચી આવે.
આ દરેક વિધાનોના જરાક વિરોધ થયા, માફીનામા પણ લખાયા, ક્યાંક ફેરવી તોળાયું તો ક્યાંક વળી કોઈએ નોંધ જ ન લીધી. પરંતુ માત્ર માફી માગવાથી વાત પૂરી નથી થતી. મુદ્દાની વાત એ છે કે, મહિલાઓ વિશે આટલું નિમ્ન સ્તરનું બોલવાની જરૃર કેમ પડે છે? આવા ભદ્દા, શરમજનક વિધાનો કરનારા લોકો ખેપાની રાજકારણીઓ છે. એક-એક શબ્દ જોખી-તોળીને બોલવાની ફિતરત તેમના લોહીમાં વણાઈ ગઈ હોય છે. કેમ અંબાણીઓ વિશે, ટાટા વિશે કંઈપણ બોલતી વખતે રાજનેતાઓ સતર્ક થઈ જાય છે? કેમ ધાર્મિક બાબતોમાં કે જાતિગત બાબતોમાં વોટબેન્કનો વિચાર કર્યા પછી જ હરફ કાઢે છે? મજાકમાં પણ કેમ કદી પુરુષો વિશે ઘસાતું નથી બોલાતું? હંમેશા સ્ત્રીઓની વાતમાં જ કેમ જીભ લપસી જાય છે?
તેનું કારણ એ જ છે કે મહિલાઓ વિશે મજાક કરવી એ પૂરા ભારતીય સમાજને લાગેલો રોગ છે.
પ્રજા તરીકે આપણને જ એવી ભદ્દી કુથલીઓમાં મજા પડે છે માટે લોકોના દિલ જીતવા કંઈપણ કરી શકતાં નેતાલોગ મહિલાઓ વિશે ચટપટું, લોકરંજક બોલવા પ્રેરાય છે અને પછી તેમાં ક્યારેક મર્યાદા ય ચાતરી જાય છે. આપણે ત્યાં હાસ્ય કલાકારો પોતાના વાણીવિલાસમાં હાસ્ય ઉપજાવવા સૌથી પહેલાં તો પત્નીને જ નિશાન બનાવે છે. દર્શકો એ વખતે કલાકારની પત્નીના ભોપાળા પર તાળીઓ પાડી નાંખે છે પરંતુ એ જ મુદ્દો પોતાની પત્ની, માતા કે બહેન, દીકરીને ય એટલો જ સ્પર્શે છે એ ભૂલાઈ જાય.
ફિલ્મના પડદે હિરોઈન અંગપ્રદર્શન ન કરે ત્યાં સુધી ફિલ્મ અધૂરી લાગે. નવલકથામાં સ્ત્રીના અંગોનું બિનજરૃરી અને અકારણ ફક્ત વાચકને ગલગલિયા કરાવવા માટે જ અશોભનીય વર્ણન ન આવે ત્યાં સુધી એ નવલકથા ન ઊંચકાય એ ભારતીય માનસિકતા છે. વાસ્તવિકતા એ છે કે, મહાન ભારત વર્ષની પ્રાચીન સંસ્કૃતિની દુહાઈ દેતા હતા ત્યારે પણ અને આજે સુપરપાવર બનવાના ખયાલી પુલાવ આપણે રાંધવા માંડયા છીએ ત્યારે પણ, આપણે એકપણ તબક્કે એક પ્રજા તરીકે સામુહિક રીતે કદી જ સ્ત્રીઓ પ્રત્યે સન્માનજનક અને સ્વસ્થ દૃષ્ટિ વિકસાવી શક્યા નથી.
યત્ર નાર્યેષુ... વાળું સુભાષિત આપણે શોભાની ફ્રેમમાં મઢીને વ્યવહારની દિવાલ પર ઊંચે લટકાવી દીધું છે પરંતુ મનમાં તો ભરપૂર ગંદવાડ જ ભર્યો છે.
જ્યાં સુધી સ્ત્રી વિશે નિમ્નસ્તરના વિચારો કરીને, કૂથલી સાંભળીને મનમાં ગલગલિયા અને તનમાં તનમનિયા ફૂટતાં રહેશે ત્યાં સુધી નેતાલોગ તો બોલવાના જ કારણ કે તેમને તો તમારા મત મેળવવાના છે.
ફક્ત એકવાર એક અવાજે એમની સાન ઠેકાણે લાવી જુઓ... જિંદગીમાં કદી આવી ભૂલ નહિ કરે. કારણ એ જ... એમને તમારા મત મેળવવાના છે.

Share |
 

Gujarat Samachar Plus

ક્લાસિક ઇઝ બેટર ધેન મોડર્ન
ઠંડીમાં રૃક્ષ થતી ત્વચાની તકેદારી
મહિલાઓ અને ડ્રાઇવિંગ-ક્ષમતા વચ્ચેનો સંબંધ રાહુ-કેતુ જેવો શા માટે?
લવશીપમાં આઇ લવ યુને કહો બાય બાય...
કમ્પિટીટિવ એક્ઝામ યાદ અપાવે છે, સ્કૂલના દિવસો
 

Gujarat Samachar glamour

સલમાન હજી પણ સ્ત્રીઓને મારપીટ કરવાનો આદી છે
પ્રિયંકા ચોપરાએ ૧૮ લાખનો ચેક બોકડીયાને પાછો આપ્યો
રાની હવે કાજોલની પડોસણ બનશે
હેમા માલિની ફિટનેસ ઉપર એક પુસ્તક લખશે
પૂનમ પાંડેએ પહેલી ફિલ્મનો હોટ-ફોટો શૂટ કરાવ્યું
 
 

નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનનો વિડીયો

 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved