Last Update : 02-November-2012, Friday

 

અમેરિકી પ્રમુખપદની ચૂંટણી ઢૂંકડી છે ત્યારે વાવાઝોડાની અસર ક્યા ઉમેદવારને કેવી થશે તેના લેખાંજોખાં મંડાઈ રહ્યા છે
સેન્ડીનો સપાટોઃ કોને થપ્પડ મારશે, કોના ગાલ પંપાળશે?

પૂર્વ અને ઉત્તરના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પૈકી ઘણાખરાં બરાક ઓબામાના સમર્થક છેઃ બંને પક્ષોએ કુદરતી આફતને અંગત ફાયદો રળવાનો અવસર ન બનાવીને નેતૃત્વની પુખ્તતાનું ઉદાહરણ આપ્યું છે

 

કહેવાય છે કે ભાગ્યશાળીને ભૂત રળે. કહેવત ભલે ગુજરાતીમાં હોય પણ તેનું અર્થઘટન અમેરિકામાં ય સાચું પડે તેમ છે. ગળે ન ઉતરતું હોય તો પ્રમુખપદની બીજી ટર્મ માટે ઉમેદવારી કરી રહેલા બરાક ઓબામાને જ પૂછવું. માર્ગમાં જે આવે તે બધું જ ફંગોળી દેતું વાવાઝોડું ઓબામાને ફળશે તેવી ધારણા હાલના તબક્કે અમેરિકી ચૂંટણી નિરિક્ષકો વ્યક્ત કરી રહ્યા છે. પૂર્વ અને ઉત્તર અમેરિકાને ગંભીર અસર કરી ગયેલા વાવાઝોડાનું જોર એટલું પ્રબળ હતું કે જાનહાનિ ઓછી થઈ હોવા છતાં નુકસાનીનો આંકડો ૪૦ અબજ ડોલરને પાર કરી ગયો છે. આમ છતાં બરાક ઓબામાના વડપણ હેઠળના વહીવટીતંત્રે કુદરતી આફતના આ સમયમાં જે ત્વરિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ દાખવ્યું છે તે આગામી ચૂંટણીમાં ઓબામાને ફળી શકે તેમ છે.
ચૂંટણી હોય કે ન હોય, કારણ-અકારણ ભારત અને અમેરિકાની સરખામણી કરવાનો ટ્રેન્ડ જોતાં સેન્ડી વાવાઝોડાંની ભયાવહતા વખતે પણ એ સરખામણી આખો વખત સોશિયલ મીડિયામાં થતી રહી. વાવાઝોડાંની તબાહીની તસવીરો અને અહેવાલો બાજુ પર મૂકીએ તો પણ એક વાત સ્વીકારવી જ રહી કે, સમગ્ર દેશ જ્યારે આટલી વિકરાળ કુદરતી આપત્તિમાં ફસાયો હતો ત્યારે પ્રમુખપદની ચૂંટણીને ફક્ત એક અઠવાડિયાનો સમય જ બાકી હોવા છતાં બરાક ઓબામા અને મીટ રોમ્નીએ વાવાઝોડાને રાજકીય મુદ્દો બનાવવાનું ટાળ્યું છે.
ભારતમાં જો આવી ઘટના બની હોય તો વિરોધપક્ષ અકારણ વિરોધ જ કરતાં રહે અને બેબુનિયાદ બુમરાણ મચાવતા રહે જ્યારે શાસક પક્ષ વગર ફોકટની સફળતાની ગુલબાંગો હાંકીને આફતને અવસરમાં પલટવાની ફિરાકમાં રહે. આપણે ત્યાં આફતને અવસરમાં પલોટી જાણતા નેતા પાછા મુત્સદ્દી પણ કહેવાય. તેની સામે અમેરિકાએ વાવાઝોડાના આગમન પૂર્વે અને તબાહી પછી બૌધ્ધિક રીતે જવાબદારીભર્યું વર્તન કરી જાણ્યું છે. બરાક ઓબામાએ 'સેન્ડી કે સામને હમ ઝૂકે નહિ' પ્રકારની ઠાલી ફાંકા-ફોજદારી ટાળી છે. અમે તો આમ કરી નાંખ્યું પ્રકારના નિવેદનો વડે જાતે જ સર્ટિફિકેટ ફાડીને પોતાની છાતીએ ચોંટાડી દેવાનો પ્રયાસ કરવાને બદલે તેમણે એક જ વાક્યમાં કહી દીધું, 'લેટ ધ પીપલ ડિસાઈડ!'
એ જ રીતે રિપબ્લિકન ઉમેદવાર મીટ રોમ્નીએ 'નઘરોળ તંત્રની પોલ ખૂલી ગઈ', 'લોકો વાવાઝોડામાં અટવાતા હતા ત્યારે પ્રમુખ વ્હાઈટ હાઉસમાં ટીવી જોતા હતા' પ્રકારની વિરોધ ખાતર વિરોધ જેવી દલીલો, તર્કો કરવાને બદલે વહીવટીતંત્રને હકારાત્મક સમર્થન જાહેર કર્યું છે. આફતને અંગત ફાયદાનો અવસર બનાવવાની ટૂંકું અને સ્વાર્થી નિશાન તાકવાને બદલે બંને પક્ષોએ આફતનો સામનો કરવામાં અને પછી પરિસ્થિતિને પૂર્વવત્ત બનાવવામાં નેતૃત્વની જે પુખ્તતા દાખવી છે એ આપણા નેતાલોગ માટે ધડો લેવા જેવી છે.
હવે જ્યારે સેન્ડીને ફૂંકાઈ ગયે ૪૮ કલાક વીતી ગયા છે અને અમેરિકી જિંદગી પર વાઈ ગયેલા તબાહીના સૂસવાટા ઓછા થઈ રહ્યા છે ત્યારે અમેરિકી રાજકીય નિરીક્ષકો વાવાઝોડાની કામગીરીના આધારે ઓબામા અને રોમ્નીનું મૂલ્યાંકન કરવામાં લાગ્યા છે. કેટલાંકનો મત એવો છે કે, વાવાઝોડું ઓબામાને નડશે જ્યારે બીજો અને વધુ મોટો મત એવો છે કે સેન્ડીની કામગીરીમાં ઓબામાએ દાખવેલા સજ્જડ નેતૃત્વથી આ આફત ઓબામાને બીજી ટર્મ આપવાનું નિમિત્ત બનશે. બેય મતની પોતપોતાની દલીલો પણ એટલી જ રસપ્રદ જણાય છે.
સેન્ડીના સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો પૈકી ન્યૂયોર્ક (૨૯ ઈલેક્ટોરલ વોટ), મેરિલેન્ડ, ન્યૂજર્સી, વરમોન્ટ (૩ ઈલેક્ટોરલ વોટ), મેન (૪ ઈલેક્ટોરલ વોટ), મેસાચુસેટ્સ (૧૧ ઈલેક્ટોરલ વોટ), કનેક્ટિકટ (૭ ઈલેક્ટોરલ વોટ) અને રોડ આઈલેન્ડ (૪ ઈલેક્ટોરલ વોટ) બરાક ઓબામાના ચુસ્ત સમર્થકો છે. આ રાજ્યો પૈકી ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં હજુ પણ વીજળી, જાહેર પરિવહન જેવી સેવાઓ પૂર્વવત્ત નથી થઈ શકી. તબાહની અસર સપાટી પર દેખાય છે તેના કરતાં ય ગંભીર હોઈ શકે. વળી, આ હાલતમાંથી બહાર આવતાં સુધીમાં મતદાનનો દિવસ આવી જશે. એ સંજોગોમાં આ રાજ્યો બરાક ઓબામા તરફનો ઝૂકાવ યથાવત રાખે છે કે તેમના ડિઝાસ્ટર મેનેજમેન્ટને નાપાસ કરે છે એ જોવું રસપ્રદ રહેશે.
સામા પક્ષે, બરાક ઓબામાની તરફેણમાં આવી શકે તેવા મુદ્દા એ છે કે, તેમણે મિનિટ ટૂ મિનિટનું કો-ઓર્ડિનેશન જાળવીને વાવાઝોડના વ્યાપ દરમિયાન પૂર્વોત્તર રાજ્યો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. સ્પેશિયલ ડિસ્ટાસ્ટર ફોર્સના તાલીમબધ્ધ જવાનો ઉપરાંત તેમણે નેવલ ફોર્સને પણ પૂર્વીય કાંઠા પર સતત સાબદા રાખ્યા હતા. વાવાઝોડાની અસર તત્ક્ષણે જાણી શકાય એ માટે આઠ-આઠ સેટેલાઈટના કેમેરા ફક્ત પૂર્વિય વિસ્તાર પર ફોકસ કરાવીને સતત માહિતી મેળવી હતી તેમજ વહીવટીતંત્રને ત્વરિત પગલાં લેવાનું બળ પણ પૂરું પાડયું હતું.
ઓબામાની તરફેણમાં સૌથી વધુ અસર કરતી બાબત એ છે કે સેન્ડી વાવાઝોડાની આગાહી થઈ એ સાથે જ તેમણે તરત પોતાનું ચૂંટણી પ્રચાર અભિયાન અટકાવીને વહીવટી દેખરેખમાં લાગી જવાની જાહેરાત કરી હતી. વાવાઝોડા પછીના ત્રીજા દિવસે તેમણે પોતાના ગુણગાન ગાવાને બદલે 'વોટએવર વી હેવ ડન વોઝ અવર ડયુટી, નાવ લેટ ધ પીપલ ડિસાઈડ' એવું નમ્ર નિવેદન કરીને મતદારોના મનમાં પોતાના પુખ્ત નેતૃત્વની છબી દૃઢ કરી છે.
આ પૂર્વે મીટ રોમ્ની સામેની ત્રીજી ડિબેટમાં પણ તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા સાથે ડિસાસ્ટર મેનેજમેન્ટને પણ સાંકળીને કુદરીત આપત્તિઓ સામેના તંત્રને વધુ અદ્યતન અને કાર્યક્ષમ બનાવવા માટે બજેટ વધારવાની હિમાયત કરી હતી. તાજેતરના તોફાનમાં એ સંસ્થાઓએ દાખવેલી કાર્યક્ષમતાએ ઓબામાના સદ્નસીબે તેમને સાચા પાડયા છે એ અસરગ્રસ્ત વિસ્તારના મતદારોએ અનુભવ્યું જ હોય.
મીટ રોમ્નીએ સેન્ડીની આગાહી પછી પણ પોતે ચૂંટણી પ્રચાર જારી રાખશે એવું નિવેદન કર્યું ત્યારે જ અમેરિકી માધ્યમોમાં તેમની ટીકા થવા લાગી હતી. એ પછી રોમ્નીએ પ્રચારકાર્ય અટકાવ્યું હતું અને સરકારને સાથ આપવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઓબામા સાથેની ત્રીજી ડિબેટમાં તેમણે ડિસાસ્ટર મેનેજમેન્ટને રાષ્ટ્રીય સુરક્ષા સાથે સાંકળવાનો ઈનકાર કરતાં એવી દલીલ કરી હતી કે એ આંતરિક બાબત છે તેને સુરક્ષા જેવા શબ્દ સાથે જોડીને વ્યાપક મહત્વ આપવાની જરૃર નથી. તેનું બજેટ હાલ છે એ પણ વધારે પડતું છે એવો મત વ્યક્ત કર્યો હતો. એ પછી તરત જ ડિસાસ્ટર મેનેજમેન્ટની અહમિયત સામે આવી ગઈ છે. એ સંજોગોમાં મતદારોના મન પર તેમના આ વલણની નકારાત્મક અસર પડી શકે છે.
રોમ્ની માટે સેન્ડી આફત બને તેવો બીજો મુદ્દો એ છે કે ભૂતકાળમાં સેન્ડી જેવી જ તબાહી સર્જી ગયેલું કેટરિના વાવાઝોડું ફૂંકાયું ત્યારે સત્તા પર રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ બુશ હતા અને એ વખતે ટાંચા સાધનો, સંકલનનો અભાવ વગેરે કારણોને લીધે વહીવટીતંત્ર ડિસાસ્ટરનો સામનો કરવામાં ઉણું ઉતર્યું હતું. રોમની માટે આ મુદ્દો અઘરો બની શકે છે. એ સિવાય, રોમ્ની જ્યારે મેસાચુસેટ્સના ગવર્નર હતા ત્યારે કુદરતી આપત્તિ સામે એકઠાં કરાયેલા રાષ્ટ્રીય ભંડોળમાં તેમણે ફક્ત ૩ લાખ ડોલર આપ્યા હતા, જ્યારે કે તેના આગલા વર્ષે તેમની આવક ૨૫ કરોડ ડોલર હતી. એ વખતે વોશિંગ્ટન પોસ્ટ અખબારોએ રાષ્ટ્રીય નેતાઓ અને સત્તાધારીઓએ ડિસાસ્ટર મેનેજમેન્ટ ફંડમાં આપેલા યોગદાન અને તેમની આવકના આંકડા સાંકળીને 'ધે ડિઝર્વ?' શીર્ષકથી અણિયાળી લેખમાળા કરી હતી. હાલમાં લોકો સેન્ડીથી ત્રસ્ત છે ત્યારે આ મુદ્દો ફરીથી ઉખળાવાથી રોમ્ની માટે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

Share |
 

Gujarat Samachar Plus

ઘરને તમારી માંદગીનું મૂળ ન બનાવો
હોટ લૂક માટે સ્કીન ફીટ જીન્સ
ઝટપટ મેકઅપ
'પિરિયડ' અગાઉ કરેલી કસરતથી ઘૂંટણ-પીડા થઈ શકે
કિંગ ખાનનું પડદા પાછળનું રહસ્ય
 

Gujarat Samachar glamour

મિનિષા લાંબાએ વજન ઘટાડવા કિક-બોક્સિંગ અપનાવ્યું
'અજબ ગજબ લવ', 'ચક્રવ્યૂહ','રશ' એ 'ત્રણ' ત્યાં 'ત્રેખડ' સાબિત કર્યું
'બિગ-બોસ'ની ગોલમાલ પકડાઈ-કોમનમેન કાશિફ સલ્લુનો ફ્રેન્ડ છે
સોનાક્ષી અને તનુજા વચ્ચે 'રિડીંગ' અને 'રાયમા'એ દોસ્તી વધારી
આપકી હી બાત આપકે સાથ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved