Last Update : 01-November-2012, Thursday

 

સંરક્ષણ ખર્ચમાં ૧૧ ટકાનો વધારો કર્યા પછી ચીન હવે મિસાઈલ પ્રોજેક્ટ માટે વધુ ૩૦ અબજ ડોલર ફાળવી રહ્યું છે
ચીન મિસાઈલ તાકે છે અને આપણે કંકોત્રી લખીએ છીએ!

બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા સદ્ધર યુરોપિય દેશો પણ છેલ્લાં ત્રણ વર્ષથી લગાતાર સૈન્ય ખર્ચ ઘટાડી રહ્યા છે ત્યારે ચીનની આ જાહેરાતના અનેક સુચિતાર્થો નીકળે છે. કમભાગ્યે એ દરેક સુચિતાર્થો ભારત માટે જોખમ ભણી આંગળી ચિંધી રહ્યા છે

વ્યક્તિગત સુખાકારી માટે જાણીતી કહેવત છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા' પરંતુ સમગ્ર દેશની માનસિક શાંતિ માટે એ જ કહેવત જરા બદલાવીને કહી શકાય કે, 'પહેલું સુખ તે ડાહ્યો પાડોશી'! એવું પણ કહેવાય છે કે પાંચેય આંગળીએ ગોરમાને પૂજ્યા હોય તો સારો વર મળે અને દશેય આંગળીએ પૂજ્યા હોય તો સારો પાડોશી મળે. આઝાદી વખતે કોની કંજુસાઈને કારણે આંગળા ઓછા પડયા એ તો ગોરમા જાણે પણ એ હકિકત તો સ્વીકારવી જ રહી કે પાડોશીની બાબતમાં ભારતના ભાગે કાયમી ભમરો આવ્યો છે.
કઠણાઈ એ છે કે ભમરો એક હોય તો હજુ ય પહોંચાય, અહીંથી બે દિશાએ બે ભમરા કરડતાં રહે છે. પરિણામે વિકાસની દિશામાં ગાડીનો ગિયર જરાક બદલાય, થોડીક સ્પિડ માંડ પકડાય ત્યાં એકાદ પાડોશી આર ભોંકે એટલે બ્રેક મારવી પડે. પાકિસ્તાન અને ચીન દ્વારા છેલ્લા ૬૫ વર્ષથી ચાલતા આ અળવિતરામાં હવે ઉમેરો એ થયો છે કે ચીનને મહાસત્તા બનવાના કોડ જાગ્યા છે. હજુ વર્ષના આરંભે ચીને પોતાના સંરક્ષણ બજેટમાં ૧૧.૨ ટકાનો વધારો કર્યો એથી ભારતના લમણે પડેલા ફટકાની કળ વળી નથી ત્યાં તાજેતરમાં ચીને વધુ ૩૦ અબજ ડોલર ખાસ પ્રકારના મિસાઈલ વિકસાવવા પાછળ ફાળવવાની જાહેરાત કરી છે.
ચીનની આ હરકત જોતાં, અત્યાર સુધી ભારત માટે માથાનો દુઃખાવો રહેલું ચીન હવે હૃદયરોગનો હુમલો બનવા માંડે તો નવાઈ લગાડવાને બદલે સત્વરે વિદેશનીતિની એન્જિયોગ્રાફી પર ધ્યાન આપવાની હવે તાકિદની જરૃર છે. કારણ કે, સોમવારે બેજિંગે સત્તાવાર રીતે કરેલી જાહેરાત મુજબ, ચીન હવે ૨૦૦૦થી ૩૦૦૦ કિલોમીટરની રેન્જના સરફેસ ટૂ એર તેમજ એર ટૂ સરફેસ પ્રકારના મિસાઈલ્સ વિકસાવવા માટે વધુ ૩૦ અબજ ડોલરનું બજેટ ફાળવશે. આ જાહેરાતથી ચીનના સંરક્ષણ બજેટનો આંકડો ૧૩૮ અબજ ડોલર સુધી પહોંચી રહ્યો છે. પ્રસ્તાવિત મિસાઈલ પ્રોજેક્ટની રેન્જ અને મારક ક્ષમતા જોતાં ચીનની આ જાહેરાતથી ભારતના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે.
અત્યાર સુધીનો વૈશ્વિક ઈતિહાસ રહ્યો છે કે જ્યારે કોઈ માથાફરેલા કે મોટા માથાના દેશે પોતાના સંરક્ષણ બજેટમાં બે આંકડાની ટકાવારીમાં વધારો કર્યો છે ત્યારે ત્યારે જગતે વધુ એક યુદ્ધ જોયું છે. ઈરાકે ઈરાન સાથે લોહિયાળ સંઘર્ષ શરૃ કર્યો ત્યારથી લઈને કુવૈત હડપ કર્યું ત્યાં સુધી તેનું સંરક્ષણ બજેટ ૧૦થી ૧૭ ટકાના દરે વધ્યું હતું. ઉ.કોરિયાએ અણુબોમ્બ બનાવવાની જાહેરાત કરી અને દ.કોરિયા પર હુમલા કરવા માંડયા તેના આગલા સળંગ ત્રણ વર્ષ સુધી તેના સંરક્ષણ બજેટમાં ૧૧થી ૧૪ ટકાનો વધારો થયો હતો.
અમેરિકાને એમાં અપવાદરૃપ એટલાં માટે ગણવું પડે કે જગફોજદારની પોતાની ધાક જાળવી રાખવા માટે અમેરિકાએ વિશ્વભરમાં ચોતરફ ધીખતી ધરામાં ઝઝૂમવું પડે છે. પરંતુ હાલના મંદીના માહોલમાં સ્વયં અમેરિકાએ ગત ફેબુ્રઆરીમાં પોતાનું સંરક્ષણ બજેટ ઘટાડવા ઉપરાંત સંખ્યાબળ પણ ઘટાડવાની જાહેરાત કરી છે અને બ્રિટન, ફ્રાન્સ, જર્મની જેવા સદ્ધર યુરોપિય દેશો પણ છેલ્લાં ત્રણ વર્ષથી લગાતાર સૈન્ય ખર્ચ ઘટાડી રહ્યા છે ત્યારે ચીનની આ જાહેરાતના અનેક સુચિતાર્થો નીકળે છે. કમભાગ્યે એ દરેક સુચિતાર્થો ભારત માટે જોખમ ભણી આંગળી ચિંધી રહ્યા છે.
ચીનનો વ્યૂહ સમજવા માટે થોડાં મહિના પહેલાં ટાઈમ મેગેઝિનમાં છપાયેલ એક અહેવાલ મદદરૃપ થાય તેમ છે. એ અહેવાલ અનુસાર, દક્ષિણ ચીન સમુદ્રમાં ચીને તાઈવાન તરફ મોટાપાયે સૈન્ય જમાવટ કરી રાખી છે. આ ઉપરાંત અહીં કોઈપણ સમયે ૧૦ લાખ સૈનિકો માટે શસ્ત્રો, દારૃગોળો અને ખાદ્યસામગ્રીની હેરફેર ચંદ કલાકોમાં શક્ય બને તે માટે ૮૦૦૦ કિલોમીટરનું રેલવે નેટવર્ક પણ કાર્યરત કરી દીધું છે. ચીનની આ તૈયારીથી સૌથી વધુ ફડકો જાપાનને પડી રહ્યો છે. ચીને જ્યારે સંરક્ષણ બજેટમાં વધારાની જાહેરાત કરી ત્યારે સૌથી સઘન વિરોધ જાપાને જ નોંધાવ્યો હતો. કારણ કે, જાપાનને એવો ભય છે કે, તાઈવાન નજીક સૈન્યની ત્રણેય પાંખોની જમાવટ કરવા પાછળ ચીનનો હેતુ જાપાનને ગળી જવાનો છે.
ચીનની બીજી સૈનિક જમાવટ પૂર્વે લ્હાસાથી ૨૫૦ કિલોમીટર દૂર ઉમાહિયા, લેંગાદ અને તેંગ્ઝિ ત્સાંગ ખાતે થઈ રહી છે. આ આખો વિસ્તાર હિમાલયની પહાડીઓથી છવાયેલો છે અને ચીને અહીં તોસ્તાન હવાઈદળ ખડકી દીધું છે. અત્યાર સુધી હિમાલયની પર્વતમાળા એ ભારતને ચીન સામે રક્ષણ આપતું બફર ગણાતી હતી પરંતુ આધુનિક શસ્ત્રો અને વિમાનો સામે હિમાલયની આસમાની ઊંચાઈ પણ હવે વામણી થઈ ચૂકી છે. ચીન હવે જે પ્રકારના મિસાઈલ્સ વિકસાવી રહ્યું છે તે તેંગ્ઝિ ત્સાંગથી સીધા કલકત્તાનું નિશાન તાકી શકે તેમ છે. આ ઉપરાંત છેલ્લાં અગિયાર વર્ષથી આખો હિમાલય વિંધીને પાકિસ્તાન સુધીનો રેલમાર્ગ વિકસાવાનો ચીનનો પ્રોજેક્ટ ભારત માટે સૌથી વધુ ખતરનાક હોવાનો મત લશ્કરી નિષ્ણાતો હંમેશા વ્યક્ત કરતા રહ્યા છે.
આ રેલમાર્ગ દ્વારા ચીન પાકિસ્તાનની ભૂમિ પર પોતાના લશ્કરી મથકો સ્થાપવાથી માંડીને પાકિસ્તાને કરેલા લશ્કરી અટકચાળા વખતે મદદે દોડી જવા સુધીના હરકોઈ પેંતરા રચીને ભારતની ઊંઘ હરામ કરી શકે છે. ચીન સામે લડવામાં આપણે ઉત્તર-પશ્ચિમ સીમા તરફ તાકાત કેન્દ્રિત કરી રહ્યા હોઈએ ત્યારે આ રેલમાર્ગ એક એવી શક્યતા છે જે ચીનને ભારતના પશ્ચિમી (અને વધુ સંપન્ન) એવા પંજાબ, મહારાષ્ટ્રથી માંડીને ગુજરાત સુધીના વિસ્તારો પર હુમલાનો રસ્તો ખોલી શકે છે.
ચીન આટલી હદે ભારતને દાટી મારી રહ્યું છે ત્યારે ભારતની સૈન્ય તૈયારીની હાલત કેવી છે? ગત માર્ચ મહિનામાં કેન્દ્રિય અંદાજપત્રની જાહેરાત પૂર્વે જ ભારતીય લશ્કરના નવનિર્વાચિત વડા જનરલ વી.કે.સિંહે લશ્કરની હાલત વિશે જે ચિત્ર રજૂ કર્યું એ ખરેખર દયાજનક હતું. તેમણે કહ્યું હતું કે, ભારતીય લશ્કર પાસે દુર્ગમ જગ્યાઓએ પહેરો ભરવા માટે જરૃરી આવાસ છે જ નહિ. અરૃણાચલ પ્રદેશના રોગિષ્ઠ હવામાનનો સામનો ન કરી શકતાં સૈનિકોને માંદગીના કારણોસર લાંબી રજાઓ આપવી પડે છે કારણ કે તેમને ઝેરી જીવજંતુથી બચાવ મળે તે પ્રકારના રહેઠાણો બજેટના અભાવને આપી શકાતા નથી. આ ઉપરાંત પહાડી વિસ્તારોમાં તો ખુશ્કીદળના જવાનોને યોગ્ય ગુણવત્તા ધરાવતા જૂતાં સુદ્ધાં આપી શકાતા નથી.
જનરલ વી.કે.સિંહે તો એવી પણ ફરિયાદ કરી છે કે, દેશમાં એવા ૧૧ મથકો છે જ્યાં તોપખાના પાસે તોપ છે તો તોપગોળા નથી, જ્યાં તોપગોળા છે ત્યાં તોપ નથી અને જ્યાં બંને છે ત્યાં નિષ્ણાત તોપચીની ભરતી થતી નથી. જનરલે પ્રેક્ટિસ માટે અપાતા એમ્યુનિશનનની સંખ્યા અંગે પણ ભારોભાર અસંતોષ વ્યક્ત કર્યો છે. આ દરેક કારણો પાછળ જવાબદાર જે બાબત છે એ સૈન્યનું બજેટ છે. વિકાસના રસ્તે આગેકૂચ કરવા ધારતા કોઈપણ દેશ માટે સૈન્ય બજેટ શક્ય તેટલું ઓછું રહે તે ઈચ્છનીય જરૃર છે પરંતુ ચીન અને પાકિસ્તાન જેવા ભારાડી પાડોશી નસકોરા ફૂલાવીને માથું ઝૂકાવી રહ્યા હોય ત્યારે આપણે પાડાના હુમલા પહેલાં આગોતરી તૈયારી કરવી આવશ્યક બની જાય છે.
હાલ ભારતનું સંરક્ષણ બજેટ ૩૨ અબજ ડોલર જેટલું છે. ચીન સાથે ભારત કદાચ શસ્ત્રદોડની હરિફાઈમાં ન ઉતરે તે સમજી શકાય પરંતુ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રે બજેટ વધારવાની તાતી આવશ્યકતા હોવાનું સંરક્ષણ નિષ્ણાતો કહી રહ્યા છે. ડ્રેગનનો ફૂંફાડો હજુ દિલ્હીના બહેરા કાનો સુધી સંભળાયો નથી તો હવે ગાલ પર લપડાક પડે ત્યારે સંભળાશે.
- પણ ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હશે.

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved