Last Update : 31-October-2012, Wednesday

 

વાવાઝોડું પોતે જેટલું વિનાશક છે એટલી જ રસપ્રદ તેના નામકરણની વૈજ્ઞાાનિક પદ્ધતિ છે
કેટરીના, મિચ અને સેન્ડી ઃ વાવાઝોડાંના ફઈબા કોણ છે?

હાલ અમેરિકા પર મંડરાઈ રહેલું સેન્ડી વાવાઝોડું તેના નામના આધારે સ્પષ્ટ ખ્યાલ આપે છે કે તે ચાલુ વર્ષે અમેરિકા ખંડ પર ફૂંકાઈ રહેલું ૧૯મું વાવાઝોડું છે અને તેનું નામ સેન્ડી છે માટે તે બોય શ્રેણીનું છે અને તેનું કેન્દ્ર ૩ મીટરથી વધારે છે

બાળપણમાં જોયેલા મગનદાદાને આજે યાદ કરવા છે. જન્મથી જ અંધ મગનદાદા રોજ સાંજ પડયે હવેલીચોકની બંધ દુકાનના પાટિયે આવીને બેસે અને આવતાં-જતાં લોકોને 'રામ-રામ' કહેતાં જાય. ટાબરિયાંઓ માટે મગનદાદા એટલે એક તાજુબી. ગમે ત્યારે તેમને પૂછો કે, 'દાદા કેટલાં વાગ્યા?' એટલે તરત જ જવાબ વાળે, 'સાડા છને પાંચ... સાતમાં દસ બાકી...' કેટલીક વાર તો પગરવ પરથી જ આવનારાને ઓળખી જાય, 'કોણ, હીરાભાઈનો પિન્ટુડો ને? જલ્દી ઘર ભેગો થા નહિ તો ધોલાઈ થશે... તારો બાપ દસ મિનિટ પહેલાં જ અહીંથી ગયો'
પ્રજ્ઞાાચક્ષુ મગનદાદાની બીજી તાજુબી એવી કે એ પવનના સ્પર્શને કંઈક અજીબ કોઠાસૂઝથી હુબહુ પારખી શકે. પવનને ઓળખવાના તેમની પાસે નામ પણ અનેક. શૂળિયો વા, જંતરિયો વા, ખણિયો વા. પવનની ગંધ પારખીને એ આગાહી કરતાં જાય, 'કોણ, ભીખો? એલાં, કપાસને દવા છાંટજે. આ શૂળિયો ફૂંકાયો છે... તુળશીદાસ, છોકરાંવને કડુ-કરિયાતું પાવાનું શરૃ કરી દો, જંતરિયાના વાયરા ચાલુ થયા છે' શૂળિયો વા કપાસમાં જીવાત ઊભી કરે. જંતરિયો વા એટલે રોગચાળો ફેલાવતો પ્રદુષિત પવન. આપણે જે પવનને ફક્ત ઠંડા, શીતળ સ્પર્શ તરીકે ઓળખીએ એ પવનના અનેક નામ અને કામ બાળપણમાં મગનદાદાના મોંએ સાંભળ્યા હોવાનું સ્મરણ આજે અમેરિકા પર મંડરાતું સેન્ડી નામનું વાવાઝોડું કરાવી રહ્યું છે.
અત્યારે સેન્ડી વાવાઝોડું અમેરિકાની છાતી માથે થઈને દુનિયાભરના પ્રસાર માધ્યમોમાં વહેતું આપણાં દિમાગમાં ઘૂમરાઈ રહ્યું છે. એ પૂર્વે કેટરિના નામનું ય એક તોફાન હતું. આમ તો અભિનેત્રી કેટરિના કેફનું સૌંદર્ય જ કોઈકને તોફાની લાગી શકે પરંતુ અહીં તો સાચેસાચા પવનના તોફાનનું નામ જ કેટરિના હતું. એ પહેલાં એક મિચ નામના વાવાઝોડાંએ ય ભારે કહેર મચાવ્યો હતો. વાવાઝોડું શબ્દ પોતે જ આમ તો ભય, ખૌફ અને નુકસાનીનો પર્યાયવાચી હોવાનું અનુભવાય. તો પછી મિચ, કેટરિના, ઈઝાબેલા, સેન્ડી જેવા ફેન્સી નામો વાવાઝોડાંને કોણ આપતું હોય છે?
આધુનિક વિજ્ઞાાન જેને હરિકેન, ટોર્નેડો, ટાયફૂન કે ટ્વિસ્ટર તરીકે ઓળખે છે એ બધા શબ્દોને સરવાળે તો એક જ અર્થ છે... પવનનું તોફાન. ભારતમાં ચક્રવાત તરીકે ઓળખાતો પવન અમેરિકામાં ટોર્નેડો છે અને ચીન-જાપાનમાં ટાયફૂન છે તો લેટિન અમેરિકન ટાપુઓ તેને હરિકેન તરીકે ઓળખે છે. નામરૃપ જેમ જુજવાં છે તેમ પવનના દરેક તોફાનનો ઘાટ પણ જુદી રીતે ઘડાતો હોય છે. ભારતના પૂર્વ-પશ્ચિમ દરિયાકાંઠે અનુભવાતા ચક્રવાતના કેન્દ્રમાં હળવા દબાણવાળી હવા તરફ ભારે દબાણયુક્ત હવા ધસી આવે છે. વર્તુળાકારે ઘૂમરાતો આ વંટોળ સતત સ્થાનાંતર કરતો રહે છે. વાવાઝોડાંના કેન્દ્રમાં હવાનું દબાણ મહત્તમ હોય છે અને ક્યારેક તો વાવાઝોડાંની આંખ તરીકે ઓળખાતા આ કેન્દ્રમાં સપડાયેલી ગગનચૂંબી ઈમારતો ય ધ્વસ્ત થઈ જતી હોય છે.
સમગ્ર વિશ્વમાં પ્રતિવર્ષ પવનના આવા રૌદ્ર સ્વરૃપના નાના-મોટા પ્રમાણમાં આશરે ૧૦૦ જેટલાં તોફાનો સર્જાતા હોય છે પરંતુ વિકસતા જતા વિજ્ઞાાનને લીધે સેટેલાઈટ દ્વારા મોટાભાગે હવે પવનના તોફાનની સચોટ આગાહી થઈ શકે છે. આમ છતાં પવનનું જોર ક્યારેક એટલું પ્રચંડ હોય છે કે દરેક રાષ્ટ્રનું ડિસાસ્ટર મેનેજમેન્ટ તેમાં ક્યાંય ફંગોળાઈ જાય છે. આથી વાવાઝોડાંને ઓળખવા માટે અને જરાક પણ ગફલત કે ગેરસમજ ન થાય એ રીતે તેની માહિતીના આદાનપ્રદાનમાં ચોક્સાઈ માટે વાવાઝોડાંના નામ પાડવાનું ફઈબા-વિજ્ઞાાન વિકસાવવું પડયું છે.
આદિકાળથી પવનના ઓચિંતા તોફાનોનો ભોગ બની પડતાં માનવીએ તોફાનને આગોતરા ઓળખવાના અને એકમેકને સચેત કરવાના પ્રયાસો કર્યા છે. છેક હરપ્પનકાળમાં પણ ઝાડની ડાળીએ પાતળા દોરા બાંધીને એકમેકને આવી રહેલા વાવાઝોડાં અંગે સચેત કરવાના પ્રયાસો થતા હતા. અઠંગ દરિયાખેડુ ગણાતા પોર્ટુગિઝ વહાણવટીઓએ સત્તરમી સદીમાં વહાણવટાની જુદી જુદી ક્રિયાઓના આધારે પવનના તોફાનને વિવિધ નામો આપવાના શરૃ કર્યા. આ પધ્ધતિ સ્પેન, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોમાં ય પ્રચલિત બની હતી. (સંદર્ભ ઃ હરિકેન્સ, લે. ઈવાન ટેનહિલ)
પરંતુ આ પધ્ધતિમાં સમગ્ર વિશ્વ ઓળખી શકે તેવું સાતત્ય ન હતું વળી માનવીના ચહેરાની માફક પવનનું તોફાન પણ કદી એકસરખું હોય એવું બનતું ન હતું. ઈસ. ૧૭૮૦ પછી હવામાનશાસ્ત્રનો વિકાસ થવા માંડયો અને વિજ્ઞાાને પણ પ્રગતિ સાધી એ પછી દરિયાકાંઠાને સ્પર્શતી સરહદો ધરાવતા દેશોએ પરસ્પર સંગઠન રચીને પવનના તોફાનને ઓળખવા માટે નામકરણ ચાલુ કર્યું. આ નામકરણ ખ્રિસ્તિ સંતો અને પાદરીઓના નામને વાવાઝોડાના દિવસના રોમન દેવતા સાથે સાંકળીને ઓળખવાનો ધારો હતો. જોકે આ પધ્ધતિ પણ સદંતર અવૈજ્ઞાાનિક હતી.
છેવટે બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી થાળે પડેલા વિશ્વે સંયુક્ત રાષ્ટ્રસંઘ ઉપરાંત હવામાનની આગાહી તેમજ માહિતીના આદાનપ્રદાન અંગે વિશ્વસંસ્થાની જરૃરિયાત પર ભાર મૂક્યો તેના પગલે ૧૯૫૪માં વર્લ્ડ મીટિરિયોલોજીકલ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના થઈ. સંપૂર્ણપણે વૈજ્ઞાાનિક અને બિનરાજકીય આ સંસ્થામાં દુનિયાના લગભગ દરેક દેશો સભ્યપદ ધરાવે છે અને હવામાનને લગતી પોતાના વિસ્તારની નિયત થયેલી માહિતી આપતા રહે છે. આ સંસ્થાએ જ પવનના તોફાનને વૈજ્ઞાાનિક ઢબે વ્યાખ્યાયિત કરીને તેને ઓળખવા માટે નામકરણની પણ એવી જ વૈજ્ઞાાનિક, તર્કબધ્ધ અને રસપ્રદ પધ્ધતિ નક્કી કરે છે. નામકરણ માટેની કાયમી સમિતિમાં અઠંગ દરિયાખેડુ તરીકે સ્પેન, પોર્ટુગલ અને ઈંગ્લેન્ડને કાયમી સ્થાન મળ્યું છે જ્યારે બીજા ૮ દેશો દર બે વર્ષ માટે આ સમિતિમાં બદલાતા રહે છે.
જે વંટોળનું કેન્દ્ર ત્રણ મીટરથી વધારે વ્યાસ અને ૧૨૫ કિ.ગ્રા. પ્રતિ ચો. સેમી.થી વધારે દબાણ ધરાવતું હોય તે વાવાઝોડું બોય (છોકરો) અને ૧થી ૩ મીટરનો વ્યાસ તેમજ ૭૫થી ૧૨૫ કિગ્રા. પ્રતિ ચો. સેમી.નું દબાણ ધરાવતું હોય તે ગર્લ (છોકરી) તરીકે ઓળખાય છે. દરેક વર્ષના પ્રથમ તોફાનને આ મુજબ તારવીને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમ અનુસાર છોકરા કે છોકરીનું નામ આપવામાં આવે છે. દા.ત. હાલ અમેરિકા પર મંડરાઈ રહેલું સેન્ડી વાવાઝોડું તેના નામથી જ ખ્યાલ આપે છે કે તે ચાલુ વર્ષે અમેરિકા ખંડ પર ફૂંકાઈ રહેલું ૧૯મું વાવાઝોડું છે અને તેનું નામ સેન્ડી છે માટે તે બોય શ્રેણીનું છે. નામકરણની આ પધ્ધતિમાં ફક્ત સેન્ડી કહેવાથી જ દુનિયાભરના દેશોને તોફાનનું કદ, ક્રમ, તાકાત અને વિનાશક્ષમતાનો અંદાજ મળી જાય છે.
આ પધ્ધતિના કેટલાંક નિયમો અનુસાર, કોઈપણ ધર્મના દેવી-દેવતાના નામ વાવાઝોડા સાથે સાંકળી શકાતા નથી.
આ ઉપરાંત જે વાવાઝોડું વધારે પડતો વિનાશ વેરે તે નામને કાળમુખુ ગણીને તેની ગોઝારી સ્મૃતિ ટાળવા માટે હંમેશને માટે નામકરણની સૂચિમાંથી પડતું મૂકાય છે. ૧૯૯૮માં મિચ, ૯૯માં લેની, ૨૦૦૧માં મિશેલ, ૨૦૦૩માં જુઆન, ૨૦૦૫માં કેટરિના અને રિટા વાવાઝોડાંએ જે-તે વિસ્તારમાં ભારે માત્રામાં સંહાર વેર્યો હોવાથી આ નામો કાયમ માટે રદ કરી દેવાયા છે.
અગાઉ કહ્યું તેમ, દરેક સભ્ય દેશો નામકરણ સમિતિમાં બે વર્ષ માટે જોડાય ત્યારે પોતાના પ્રદેશના પ્રચલિત નામો સૂચવી શકે છે. આપણે ત્યાં ગામેગામ ગાંધી રોડ, નહેરુ માર્ગ, ઈન્દિરા ભવન જેવા નામોની ભરમાર છે એ જોતાં ભારતનો વારો આવે ત્યારે કદીક ગાંધી વાવાઝોડું ફૂંકાઈ જાય એવું બનશે ખરૃં? સોચ લો...

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved