Last Update : 30-October-2012, Tuesday

 

૬૫ની સરેરાશ વય ધરાવતી કેબિનેટ યુવા પણ નથી અને સ્વચ્છ છબી પણ ધરાવતી નથી
પ્રધાનમંડળનો નવો ચહેરોઃ દેખત સુરત આવત લાજ

કોર્પોરેટ લોબીના ઈશારે જયરામ રમેશ જેવા આખાબોલા પણ કાર્યક્ષમ પ્રધાન કપાય અને કેમેરાની સામે ઉધ્ધત વર્તન કરનાર સલમાન ખુર્શીદને પ્રમોશન મળે ત્યારે મનમોહન અર્થશાસ્ત્ર પછી હવે પોલિટિકલ સાયન્સમાં પણ નાપાસ થયેલા જણાય છે

કેન્દ્રિય મંત્રીમંડળનું વિસ્તરણ આમ તો સરકારનો વહીવટી મામલો ગણાય પરંતુ તેની પસંદગીમાં રાજકીય દૃષ્ટિકોણ ભારોભાર હોય ત્યારે નવા નામો અને ખાતાની ફેરબદલ પણ લાંબા ગાળાની રાજકીય ગણતરીઓ સમજવા માટે ઉપયોગી થઈ પડે. મનમોહનના વડપણ હેઠળની યુપીએ સરકારે પણ ચહેરો માંજવાની આ કવાયત કરી છે. વડાપ્રધાને જાહેર કર્યા મુજબ, આગામી ચૂંટણી સુધીનું આ આખરી પરિવર્તન છે. પ્રધાનમંડળમાં ફેરફારથી સરકારના વિવિધ વિભાગોમાં આવી ગયેલી સુસ્તી હટાવવી અને નિષ્ક્રિયતાના આરોપને ખારિજ કરવો એ ફેરબદલનું પ્રાથમિક કારણ હોવા ઉપરાંત તેમાં રાજકીય સમીકરણો સંતુલિત કરવાનો વ્યાયામ પણ નકારી શકાય તેમ નથી.
સૌથી પહેલાં તો મનમોહન સરકારની મુસીબતોના સંદર્ભે પ્રધાનમંડળના ફેરફારને ચકાસીએ. સરકાર તદ્દન નિષ્ક્રિય અને મહત્વના મુદ્દાઓ પ્રત્યે ઉદાસિન હોવાનો મત વ્યાપક બનતો જાય છે. ટીમ અણ્ણાના આંદોલન વખતે સરકારના ધીટ, ખડ્ડુસ પ્રધાનો નવી લહેરને સમજી ન શક્યા એમાં માર ખાઈ ગયા એવો પણ યુપીએનો આંતરિક અભિપ્રાય છે. આ બંને કારણોસર પ્રધાનમંડળમાં યુવાનોને સ્થાન આપીને તાજગી લાવવી અનિવાર્ય બનતી હતી. જોકે પરિવર્તન પછીનું દૃશ્ય જોતાં આ મુદ્દે મનમોહને ખાસ કંઈ મોર ટાંકી દીધા હોય તેવું જણાતું નથી.
નવા ઉમેરાયેલા કેબિનટ પ્રધાન પૈકી જોધપુરના સાંસદ ચંદ્રેશ કુમારી ૭૧ વર્ષના જ્યારે લઘુમતિ સંબંધિત ખાતું જેમને સોંપાયું છે એ કર્ણાટકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે. રહેમાનખાન ૭૪ વર્ષિય છે. કેબિનેટમાં હાલ પદોન્નત (પ્રમોટ) કરાયેલા અજય માકન સૌથી કમઉમ્ર છે અને તેમની ઉંમર ૪૯ વર્ષ છે. પ્રધાનમંડળના ફેરફાર પૂર્વે કેબિનેટની સરેરાશ વય ૬૫ વર્ષ હતી, જે આ ફેરફાર પછી પણ એટલી જ રહી છે. તો પછી પ્રધાનમંડળને યુવા ઓપ આપવાની વાત ક્યાં રહી? સરેરાશ ઘટાડીને ૬૦ સુધી લાવી શકાઈ હોત તો પણ સિનિયર સિટિઝનની સત્તાવાર ઉંમરની બોર્ડર પર કેબિનેટ હોવાનો સંતોષ લઈ શકાયો હોત પરંતુ એ માટે કેટલાંક જૈફ પ્રધાનોને પાણીચું પકડાવીને બિનઅનુભવી પરંતુ લાયક યુવાઓને તક આપવી પડે, જે હિંમત દાખવવામાં મનમોહન નિષ્ફળ રહ્યા.
પ્રધાનમંડળમાં પરિવર્તનનો બીજો મુદ્દો સરકારની ભ્રષ્ટાચારી હોવાની છબી ઉજાળીને ચકચકતી કરવાનો હતો. છેલ્લે ૨-જી સ્પેક્ટ્રમ વખતે અદાલતની ટિપ્પણી પછી એ. રાજા સામે કેસ દાખલ થયો અને તેમની ધરપકડ છેક ઉંબરે આવીને ઊભી રહી ત્યારે તેમને પ્રધાનમંડળમાંથી પાણીચું પકડાવાયું. એ મુદ્દે મનમોહન સરકારની ભારે ટિકા થઈ હોવાથી આ વખતે એવી ધારણા હતી કે કોલસા કૌભાંડમાં જેમના નામ સંડોવાયેલા છે (અને અદાલત પણ આરંભિક ચૂકાદાઓમાં કેટલીક ફાળવણી રદ કરી રહી છે) ત્યારે સરકાર એવા પ્રધાનોછી છૂટકારો મેળવીને સ્વચ્છ અને પ્રામાણિક છબી ઉપસાવવાનો છેલ્લો પ્રયત્ન કરશે એવું લાગતું હતું. તેને બદલે સલમાન ખુર્શિદનું ખાતું બદલાયું પણ તેના બદલામાં વિદેશપ્રધાન જેવું દમદાર ખાતું આપીને તેમને સાચવી લેવાયા અને શ્રીપ્રકાશ જયસ્વાલ યથાવત રહ્યા.
આ હિસાબે, પ્રધાનમંડળના રિશફલિંગનો, છબી ઉજાળવાનો ઉદ્યમ પણ બર આવતો નથી. તેની સામે, જયરામ રમેશ જેવા નીડર, સ્પષ્ટવક્તા અને સાફ તેમજ કાર્યક્ષમ છબી ધરાવતા પ્રધાનની પાંખો કાપી લેવાઈ અને તેમની પાસેથી પેયજળ અને સ્વચ્છતા સંબંધિત મંત્રાલય છીનવી લેવાયું. હકિકત એ છે કે, જો નક્કર અને તટસ્થ હકિકતોના આધારે યુપીએ પ્રધાનમંડળનું રેટ કાર્ડ બને તો જયરામ રમેશ તેમાં ટોચ પર હોઈ શકે એટલી હદે તેમણે પોતાના વિભાગને પ્રાથમિકતા આપી છે. તેઓ આખાબોલા અને કડવા વિધાનો માટે જાણીતા છે પરંતુ તેમના વિધાનોની જમીની સચ્ચાઈને પડકારી શકાય તેમ નથી. મનમોહન આવા કાર્યક્ષમ પ્રધાનને વેતરી નાંખે અને કેમેરાની સામે જ ઉધ્ધત વર્તણૂંક કરનાર સલમાન ખુર્શીદને શિરપાવ મળે એ સંકેત સરકારની માનસિકતા વ્યક્ત કરવા માટે પૂરતો છે.
પ્રધાનમંડળના વિસ્તરણ માટે ત્રીજો મુદ્દો રાજકીય છે. ગુજરાત અને હિમાચલમાં વર્ષાંતે ચૂંટણી આવી રહી છે. બંગાળમાં આવતા વર્ષે પંચાયતી રાજની ચૂંટણીઓ આવશે. એ જોતાં કેન્દ્રિય મંત્રીમંડળમાં ગુજરાતને પ્રતિનિધિત્વ વધશે તેવી આશા સેવાઈ રહી હતી. ખાસ તો હાલ પ્રધાનમંડળમાં સ્થાન ધરાવતા બંને સાંસદો મધ્ય ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે સૌરાષ્ટ્રમાંથી કોઈને પ્રતિનિધિત્વ મળે તેવી ધારણા હતી. તેને બદલે દિનશા તેમજ ભરતસિંહને પ્રમોશન આપીને મનમોહને ગુજરાતનું પ્રકરણ પૂરું કરી દીધું.
સામા પક્ષે આંધ્રપ્રદેશ અને રાજસ્થાનને આઝાદી પછીના ઇતિહાસનું સૌથી વધુ પ્રતિનિધિત્વ મળી ગયું. આંધ્રના વતની પી.વી. નરસિંહરાવ વડાપ્રધાન હતા ત્યારે પણ આંધ્રના સાત સાંસદોને કેન્દ્રિય પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું હતું તેની સામે હવે મનમોહન પ્રધાનમંડળમાં હાલ આંધ્રના જ ૧૦ પ્રધાનો થઈ ચૂક્યા છે. જગન રેડ્ડી ફેક્ટરને ખાળવા માટે આ ડેમેજ કન્ટ્રોલ હોવાનું અનુમાન છે પરંતુ આ ઉપાય કેટલો કારગત નીવડે એ અત્યારથી કહેવું વધારે પડતું ગણાય. એ જ રીતે રાજસ્થાનના ૭ સાંસદો પ્રધાનની ગાડી પકડી ચૂક્યા છે અને બંગાળના ત્રણ નવા ચહેરા પ્રધાનમંડળમાં સ્થાન પામ્યા. યુપીએ ગઠબંધનથી આડા ફાટેલા મમતા બેનર્જીનું કદ કાપવા માટે બંગાળી સાંસદોને વજન આપવાનો ક્રમ યોગ્ય હોવાનું જણાય છે.
આંધ્રને આટલા લાડ લડાવવાનું ખરું કારણ એ છે કે ૨૦૦૯ની ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાંથી કોંગ્રેસને ૩૩ બેઠકો પર વિજય મળ્યો હતો અને યુપીએ સરકારના ગઠનમાં કોંગ્રેસને આ માતબર આંકડાએ જ મોટી મદદ કરી હતી. એ વખતે રાજ્યમાં વાય. એસ. રાજશેખર રેડ્ડીનો દબદબો હતો. હવે વાયએસઆરના અવસાન પછી તેમના પુત્ર જગન રેડ્ડી કોંગ્રેસની સામે પડયા છે ત્યારે રાજ્યમાં કોંગ્રેસને થતું નુકસાન રોકવું જરૃરી છે. આ ઉપરાંત અલગ તેલંગણાની માગણીને લીધે કોંગ્રેસની પ્રતિષ્ઠાને લાગેલો ઘસારો પણ રોકવો હોય તો રાજ્યને વ્યાપક પ્રતિનિધિત્વ આપવું જ પડે.
સૌથી વધુ આતુરતાપૂર્વક જેની રાહ જોવાતી હતી એ યુવરાજ રાહુલ હજુ પણ સરકારમાં જોડાવાથી દૂર રહે છે એ વધુ એકવાર સ્પષ્ટ થયું. ખુદ વડાપ્રધાન પણ પોતે રાહુલને મંત્રીમંડળમાં સમાવવા આતુર હોવાનું અનેક વખત કહી ચૂક્યા છે ત્યારે ફરીએક વાર રાહુલે જવાબદારી લેવાનું ટાળ્યું છે. હવે એવી ધારણા મૂકાઈ રહી છે કે રાહુલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકેની જવાદારી સંભાળશે. જો આવું થશે તો એ પણ રાહુલ માટે હિંમતપૂર્વકનું કદમ ગણાશે. કોંગ્રેસનું કાર્યકારી અધ્યક્ષપદ પણ રાહુલ માટે અગ્નિપરિક્ષા બની રહેવાનું છે. ઉત્તરપ્રદેશમાં માયા-મુલાયમ સામે પછડાયા પછી હવે તેમણે આગામી ડિસેમ્બરમાં ગુજરાતમાં મોદીમેજિકનો સામનો કરવાનો થશે. આમ છતાં રાહુલ માટે રાષ્ટ્રીય સ્તરની જવાબદારી સંભાળીને પોતાની જાતને પૂરવાર કર્યા વિના આરો નથી.

Share |
 

Gujarat Samachar Plus

દિવાળીની મઝા માણી લો...
મોબાઇલ ફોનનું વળગણ જીવલેણ નીવડી શકે
લગ્નમાં બોલિવૂડ થીમ ગુજરાતીઓમાં ફેવરિટ
'જાદુ કી ઝપ્પી'ના પાશ્ચાત્ય અવતાર સમી પાર્ટી
અમૃતા રાવનું મનપસંદ ફૂડ ફંડા....
 

Gujarat Samachar glamour

'ખિલાડી ૭૮૬'માં આઈટમ ડાન્સ કરે છે
ઐશ્વર્યા 'બેમિસાલ'ની રીમેકથી મોટા પરદે ચમકશે
સુભાષ ઘાઈ 'ઈશ્ક દે મારે' અને 'અપના સપના...' લઈને આવે છે
સોનમ શુટીંગમાં હરીયાણા જશે
રાની 'ચોથા'માં 'ઘરની વહુ'ની માફક કામ કરતી દેખાઈ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

જસપાલ ભટ્ટી

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved