Last Update : 24-October-2012, Wednesday

 

વિશ્વસનિયતાના ઘોડા નાસી છૂટયા પછી ખિતાબ પાછા ખેંચવા એ તો ખાલી તબેલાને ઠાલું તાળુ મારવા જેવી સજા છે
આર્મસ્ટ્રોંગઃ સફળતા અને શોર્ટકટ વચ્ચેનો વરવો તફાવત

સાઈકલિસ્ટ આર્મસ્ટ્રોંગની ટીમના સાથી ટેલર હેમિલ્ટને લખેલાં પુસ્તક 'ધ સિક્રેટ રેસ'માં ડ્રગ્ઝનું સેવન કરવાના આર્મસ્ટ્રોંગ ફંડાના ચોંકાવનારા ખુલાસા છે ઃ ડ્રગ્ઝ લીધા પછી બ્લડ ટેસ્ટમાં ન પકડાવા માટે તે દોઢસો ગ્રામ તીખાં મરચાં ચાવીને ખાવાની ફરજ પાડતો હતો

 

પ્રયત્નનો મહિમા ગાતી યાદગાર હિન્દી કવિતા છે, 'કોશિશ કરનેવાલોં કી કભી હાર નહિ હોતી'. સાયકલિસ્ટ લાન્સ આર્મસ્ટ્રોંગે જોકે એ કવિતાના મર્મને કંઈક અલગ રીતે પચાવ્યો હતો. એન્ટી ડોપિંગ ટેસ્ટનું વિજ્ઞાાન ગમે તેટલી તરક્કી કરે પણ જો આપણે મક્કમતાપૂર્વક ડ્રગ લેતાં રહીએ અને લીધેલા ડ્રગ્સને છૂપાવવાના તોર-તરિકા શોધવાની કોશિશ કરતા રહીએ તો કેટલાંક વર્ષ સુધી તો ન જ પકડાઈએ. આર્મસ્ટ્રોંગની આ ટ્રિક લગભગ એક દાયકા સુધી સફળતાપૂર્વક ચાલતી રહી. તેને પાંચ-સાત વર્ષનો જ સમય જોઈતો હતો, જે તેણે ચબરાકીથી મેળવી લીધો.
દરમિયાન એ સાત વાર ટૂર ડી ફ્રાન્સ જેવી કઠીનતમ સાયકલ સ્પર્ધા જીતીને વૈશ્વિક સેલિબ્રિટી પણ બની ગયો. હવે જ્યારે નશીલી દવાઓના સેવનના મામલે તે દોષિત સાબિત થઈ ચૂક્યો છે ત્યારે તેના તમામ ખિતાબ અને રેકોર્ડ્સ પરત ખેંચવાની, તબેલાને તાળુ મારવા જેવી સ્થૂળ સજા થઈ રહી છે, જે આટલા ગંભીર ગુનાના આરોપી માટે ગલીપચીની ગમ્મતથી વિશેષ કોઈ જ મહત્વ ધરાવતી નથી. ખિતાબ અને રેકોર્ડબુકમાંથી તેનું નામ અને કામ હટાવી દેવાય તો પણ અત્યાર સુધીમાં તેણે એટલું ધન મેળવી લીધું છે કે જિંદગીભર એ એશ કરી શકે. ભલે ખોટા રસ્તે આવી હોય, પણ કામચલાઉ સફળતા ય જો જિંદગીના તમામ સુખચેન નિશ્ચિત કરી આપતી હોય તો ખોટુ કરી લેવામાં વાંધો નથી એવો બદલાયેલા નૈતિક મૂલ્યોનો વરવો ઘસારો લાન્સ આર્મસ્ટ્રોંગના કિસ્સામાં ફલિત થાય છે.
અત્યાર સુધીમાં વર્લ્ડ ચેમ્પિયન સાયકલિસ્ટ તરીકે લાન્સ આર્મસ્ટ્રોંગને કુલ ૧ કરોડ ૮૨ લાખ ડોલરના રોકડ ઈનામ મળ્યા છે. એ સિવાય અનેક ખાનગી કંપનીઓએ એક વિશ્વવિજેતા સાથે પોતાની બ્રાન્ડને સાંકળવા માટે લગભગ એક દાયકા સુધી તેણે પહેરેલા અન્ડરવેરથી માંડીને તેના બાથરૃમના ફૂવારા સહિતનો તમામ ખર્ચ સ્પોન્સર કર્યો છે. તે નાઈકી, આઈબીએમ, મોટોરોલા જેવી ૨૧ કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યો છે. અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, જર્મની અને ઈંગ્લેન્ડમાં લાન્સ આર્મસ્ટ્રોંગના નામના પાર્ક, માર્ગ અને ઈમારતો છે. ટૂર ડી ફ્રાન્સના એક અતિશય જોખમી ઢોળાવને પણ આર્મસ્ટ્રોંગ સ્ક્વેર નામ અપાયેલું છે. એ બધેથી કંઈ અફીણિયા આર્મસ્ટ્રેંગને હટાવી શકાય તેમ નથી.
ટૂર ડી ફ્રાન્સના વિજેતા તરીકેની પ્રચંડ લોકપ્રિયતા વટાવીને તેણે શરૃ કરેલી એલ.એ. સ્પોર્ટ્સ એકેડેમી ૫૦ લાખ ડોલરની અસ્ક્યામત ધરાવે છે જ્યારે કેન્સરવિરોધી તેની સંસ્થા લિવસ્ટ્રોંગને વિશ્વભરમાંથી મળેલું સ્વૈચ્છિક અનુદાન ૮ કરોડ ડોલર જેટલું છે. અત્યાર સુધી દુનિયા એવું માનતી હતી કે આ દરેક સુખસાહ્યબી, લોકપ્રિયતા, પ્રતિષ્ઠા પાછળ તેનું એક સાયકલિસ્ટ તરીકેનું પરાક્રમ કારણભૂત છે પરંતુ હવે જ્યારે ખબર પડે છે કે એ પરાક્રમ પાછળ ગેરકાનૂની ડ્રગ સેવન જવાબદાર હતું ત્યારે પ્રતિષ્ઠાના ઘસારા સિવાય આર્મસ્ટ્રોંગનું રૃંવાડું પણ ફરકે તેમ નથી.
આર્મસ્ટ્રોંગનો ગુનો ફક્ત ડ્રગ્ઝ લેવા પૂરતો જ હોત તો તેની પૂરતી ગંભીરતા છતાંય દરેક સ્પોર્ટ્સની માફક વધુ એક ડોપિંગ કૌભાંડ તરીકે જોઈ શકાયું હોત. પરંતુ આર્મસ્ટ્રોંગે પોતાની આખી ટીમને દસ-દસ વર્ષ સુધી નશીલા દ્રવ્યોની ફરજ પાડી અને તેમાં એટલી હદે અત્યાધુનિક તરકીબો અજમાવી કે એન્ટી ડોપિંગ એજન્સી એ પકડી જ ન શકે. સાતેક વર્ષ માટે આર્મસ્ટ્રોંગની યુએસ પોસ્ટલ સર્વિસ ટીમમાં તેના સાથી રહી ચૂકેલા ટેલર હેમિલ્ટને સાઈકલિંગ સ્પોર્ટ્સ, આર્મસ્ટ્રોંગ અને નશીલા દ્રવ્યોના સેવન અંગે પોતાના પુસ્તક 'ધ સિક્રેટ રેસ'માં અનેક ચોંકવાનારા ખુલાસા કર્યા છે.
હેમિલ્ટનના કહેવા મુજબ, સાઈકલિંગની રેસ જીતવા માટે તેમના કોચ અને સ્પોર્ટ્સ મેડિસિનના તબીબો ખેલાડીની મહત્તમ ક્ષમતામાં પાંચથી સાત ટકાનો વધારો કરવા ઈચ્છતા હતા. એ વખતે તેમને અર્થરોપોયટિન (ઈપીઓ) તરીકે ઓળખાતું પ્રવાહી ડ્રગ લેવાનું કહેવામાં આવ્યું હતું. ખેલાડીઓને એ ડ્રગ લેવા માટે મનાવવાની જવાબદારી આર્મસ્ટ્રોંગે ઊઠાવી હતી. એ વખતે આર્મસ્ટ્રોંગનું વર્ચસ્વ એટલું હતું કે ડ્રગ લેવાનો ઈન્કાર કરનાર ખેલાડીની કારકિર્દી સમેટાઈ જાય. આર્મસ્ટ્રોંગે દાદાગીરી અને જોહુકમીથી પોતાની ટીમમાં સામેલ થવું હોય તો ઈપીઓનું સેવન કરવું જ પડશે એવી ફરજ પાડયાની કબૂલાત તો હેમિલ્ટન ઉપરાંત ગ્રેગ હેનકેપી અને ફ્લોયડ લેન્ડિસ નામના તેની ટીમના સાથીદારોએ પણ કરી છે.
'ધ સિક્રેટ રેસ' પુસ્તકમાં થયેલા ઉલ્લેખો મુજબ, ડ્રગ્ઝની અસર પકડાઈ ન જાય તે માટે આર્મસ્ટ્રોંગે ડોક્ટરોની મદદથી અનેક તરકીબો અજમાવી હતી. મોટાભાગે તેઓ સાઈકલિંગ રેસ દરમિયાન સાંજના સમયે ડ્રગ્ઝ લેવાનું પસંદ કરતાં કારણ કે રાત્રે ડોપિંગ એજન્સીના અધિકારીઓ ચેકિંગ કરતા હોતા નથી અને આઠ-નવ કલાક પછી લેવાયેલા બ્લડ સેમ્પલમાં ઈપીઓ પકડાવાની શક્યતા ઓછામાં ઓછી હોય છે. સાઈકલ સ્પોર્ટ્સમાં ખેલાડીની સાથે કેટલાંક માન્ય એનર્જી ડ્રિંક્સ લઈ જવાની છૂટ હોય છે.
આર્મસ્ટ્રોંગે તેમની ટીમ માટેના કોકાકોલાના ટીનનું ઢાંકણ તોડીને તેમાં ઈપીઓના ઈંજેક્શન છૂપાવવાનો અને પછી એલ્યુમિનિયમ નીબ વડે ફરીથી ટીનનું સિલ પેક કરી દેવાનો કિમિયો અજમાવીને વરસો સુધી ડોપિંગ એજન્સીને થાપ આપી હતી. કેટલીક વાર આર્મસ્ટ્રોંગે રેસના અગત્યના રાઉન્ડમાં હરીફોથી મહત્તમ અંતર પાડી દેવા માટે સવારના સમયે જ ડ્રગ્ઝ લેવાનું જોખમ પણ ઊઠાવ્યું હતું. ટેલર હેમિલ્ટને કરેલી કબૂલાત મુજબ, જ્યારે સવારે ડ્રગ્ઝ લેવાનો એ હુકમ કરે ત્યારે સાથી ખેલાડીઓની હાલત ખરાબ થઈ જતી હતી કારણ કે, ડ્રગ્ઝ લીધા પછી પણ ડોપિંગ ટેસ્ટમાં ન પકડાઈ જવાય એ માટે આર્મસ્ટ્રોંગ પોતાની હાજરીમાં જ બધાને ફરજિયાતપણે ૧૦૦-૧૫૦ ગ્રામ જેટલાં તીખાં-તમતમતા મરચા ધીમે-ધીમે ચાવીને ખાવાની ફરજ પાડતો હતો. મરચાંમાં રહેલા કેપ્સિનોઈડ અને અન્ય રસાયણોને લીધે બ્લડ સેમ્પલ લેવાય ત્યારે ઈપીઓના લક્ષણો બદલાઈ જતાં હોવાનું ડોક્ટરે કહ્યું હતું.
કેટલીક વખત તાત્કાલિક અને વધુ તેજ એનર્જી ડોઝની જરૃર હોય ત્યારે તેમના તબીબો બહુ મોટું જોખમ લઈને બીજો કિમિયો અજમાવતા હતા. દરેક ખેલાડીના શરીરમાંથી ૩૦૦ સીસી જેટલું લોહી મેળવીને લેબોરેટરીમાં તેના પર પ્રોસેસ કરીને તેમાં ચિક્કાર માત્રામાં રક્તકણો ઉમેરવામાં આવતાં અને એ પાઉચમાં જ અર્થરોપોયટિન (ઈપીઓ) ડ્રગ ભેળવી દેવામાં આવતું હતું. પછી ખેલાડીઓ વહેલી સવારે હોટેલના પોતાના કમરામાં દિવાલ પર એડહેસિવ ટેપ વડે પાઉચ લટકાવીને જાતે જ રક્તદાન મેળવી લેતા હતા. આ પધ્ધતિમાં ખેલાડીને તાકાત, સ્ફૂર્તિ અને ઝનૂનનો બૂસ્ટર ડોઝ વાગતો અને તેની ક્ષમતામાં સીધો જ ૨૦થી ૨૬ ટકાનો વધારો જોવા મળતો હોવાનું ટેલર હેમિલ્ટને કબૂલ્યું છે.
આટલી ખોટી રીતે મેળવેલી તાકાત અને જુસ્સા વડે લાન્સ આર્મસ્ટ્રોંગ ટૂર ડી ફ્રાન્સની આકરી પહાડીઓનું ચઢાણ સાઈકલ પર સડસડાટ પસાર કરતો ત્યારે આપણે તાળીઓ પાડીને તેની ક્ષમતા અને મક્કમતાને બિરદાવતા હતા પરંતુ હવે ખબર પડે છે કે એ આકરી પહાડીઓનું ચઢાણ પસાર કરવા માટે તેણે કેવો વરવો શોર્ટકટ પસંદ કર્યો હતો. તેણે પોતે તો ડ્રગ્ઝ સેવન કરીને નિયમનો ભંગ કર્યો જ, સમગ્ર સ્પોર્ટ્સને પણ તેનો ચેપ લગાડીને અવનવાં કિમિયા શીખવ્યા. આટલા ગંભીર ગુનાની સજા ફક્ત ખિતાબ પાછા ખેંચવાથી ન થઈ ગણાય. તેની મિલકત ટાંચમાં લઈને જેલમાં ધકેલવામાં આવે તો જ ઉદાહરણરૃપ સજા કરી કહેવાય.

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved