Last Update : 23-October-2012, Tuesday

 

બીજી ડિબેટમાં લશ્કરી નીતિ અંગે ઓબામાએ મક્કમ વલણ દાખવીને સરસાઈ મેળવી એ ભારત માટે સૂચક છે
રોમ્ની વિ. ઓબામાઃ વિજયની ચાવી મધ્યએશિયામાં છે

ઓબામા પાકિસ્તાન પ્રત્યે કડક બનશે તો પાકિસ્તાન ચીનની સોડમાં વધુ તીવ્રતાથી ભરાશે તેવી અમેરિકી મીડિયાની ધારણા છે. જો આવું થયું તો છંછેડાયેલું પાકિસ્તાન ભારતમાં ત્રાસવાદ વધુ ઉગ્ર બનાવવા પ્રેરાશે

 

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી જેમજેમ નજીક આવતી જાય છે તેમ તેમ બંને મુખ્ય ઉમેદવારોના રંગઢંગ પણ યા તો ઝડપભેર બદલાઈ રહ્યા છે અથવા તો જે રંગ જળવાય છે તે વધુ ઘેરા બનતા જાય છે. ડિબેટના પ્રથમ રાઉન્ડમાં રિપબ્લિકન ઉમેદવાર મીટ રોમની સામે મ્હાત ખાઈ ગયેલા બરાક ઓબામા બીજા રાઉન્ડમાં મક્કમ વલણ દાખવીને ઓપિનિયન પોલમાં આગળ નીકળી ગયા તેમાં લશ્કરી નીતિઓ અંગે તેમણે વ્યક્ત કરેલી આક્રમકતા કારણભૂત મનાય છે. આ એક એવો મામલો છે જેના પર ભારત સહિત સમગ્ર વિશ્વની નજર હોય છે. એ સંજોગોમાં જો લશ્કરી નીતિઓના વલણને લીધે ઓબામાને સરસાઈ મળશે તો આવતીકાલે જગતનો દૃષ્ટિપટ (સિનારિયો) અલગ હોઈ શકે છે.
બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તા તરીકેનું સ્થાન પાકું કરી ચૂકેલું અમેરિકા, સોવિયેત સંઘના વિઘટન પછી જગફોજદાર તરીકેનો એકાધિકાર વગર પડકારે ભોગવતું હતું. પરંતુ હવે જે રીતે ઝડપભેર વૈશ્વિક સંજોગો બદલાઈ રહ્યા છે એ જોતાં જગફોજદારના હાથમાં રહેલો પ્રભાવશાળી અને દમામદાર દંડો ક્રમશઃ સાવરણાની સળી બનવાની દિશામાં આગેકૂચ કરી રહ્યો છે. ઓબામા આ વિશે કેટલાં ચિંતિત છે તેની પ્રતીતિ ગત વર્ષના અંતભાગમાં તેમણે જાહેર કરેલી નવી સુરક્ષાનીતિમાં પડઘાતી હતી. ગત અઠવાડિયાની ડિબેટમાં પણ બરાક ઓબામાએ તેમની સુરક્ષાનીતિને વધુ ચુસ્ત રીતે વળગી રહેવાની અને દુનિયાભરમાં પથરાયેલા અમેરિકી લશ્કરી હિતોને આંચ ન આવે એ રીતે લશ્કરી દળો પરત ખેંચવાની વાત ખોંખારીને કહી છે.
અમેરિકન ડિબેટનું સાવ ભારતના ચૂંટણીવચનો જેવું નથી. ચૂંટણી વખતે 'વચનેષુ કિમ્ દરિદ્રતા'નું પાલન કરીને લ્હાણી કર્યે રાખવાની અને ચૂંટાયા પછી 'દે દામોદર દાળમાં પાણી'ની માફક વર્તવાનું અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ભાગ્યે જ બને છે. ડિબેટમાં જે-તે ઉમેદવાર જે-તે મુદ્દા પર જે વલણ દાખવે તેનો ઝોક મતદાનમાં અને છેવટે પ્રમુખની નીતિમાં વર્તાય છે. એ હિસાબે, ઓબામા જો જીતે તો આગામી વર્ષે ભારતીય ઉપખંડ સહિતના એશિયામાં અમેરિકાની નીતિમાં ખાસ્સો બદલાવ આવી શકે છે. ડિબેટમાં ઓબામાએ એશિયા અને ખાસ કરીને મીડલ-ઈસ્ટને અમેરિકાના સામરિક હિતો માટેનો 'ક્રુસીઅલ પોઈન્ટ' ગણાવ્યો હતો.
અત્યારે સ્થિતિ એવી છે કે અમેરિકા માટે પહેલી નજરે ઈરાનનો પડકાર વધુ મોટો હોવાનું જણાય છે પરંતુ વાસ્તવિક પડકાર ખરેખર સિરિયાનો છે. સિરિયાની બશર અલ અસદ સરકારને ઉથલાવવાનું અમેરિકા માટે દિવસે દિવસે વધુને વધુ મુશ્કેલ બનતું જાય છે. સિરિયા સામેની લશ્કરી કાર્યવાહી અંગેનો અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં મૂકેલો ઠરાવ રશિયા અને ચીને વિટો વાપરીને અટકાવી દીધો એ સાથે અમેરિકા માટે આકરાં ચઢાણ શરૃ થયા છે.
અમેરિકાની ધારણા કરતાં સિરિયાના પ્રમુખ અસદને આંતરિક રીતે ઘણું મજબૂત સમર્થન છે. બહુમતિ સુન્ની સિરિયનો સામે અલવાઈત જાતિ લઘુમતિમાં હોવા છતાં અસદને પોતાની જાતિનો મજબૂત ટેકો મળી રહ્યો છે. અમેરિકાની ધારણા હતી કે લિબિયામાં જેમ ગદ્દાફીની વિરોધી જાતિને વિદ્રોહની આગેવાની લેવડાવી એમ સિરિયામાં પણ સુન્નીઓના ખભે બંદૂક ફોડી શકાશે. પરંતુ આ મામલે બશર અલ અસદ વધુ ચાલાક પૂરવાર થયા છે. તેમણે સુન્નીઓ સામે નમતું જોખવાને બદલે અલવાઈત ઉપરાંત કુર્દ, દુર્જ, અશિરિયન્સ અને ખ્રિસ્તીઓને સુન્નીનો ભય બતાવીને પોતાના પક્ષે લઈ લીધા છે.
અમેરિકા હજુ લિબિયામાં અટવાયું હતું ત્યાં જ હવેનો વારો પોતાનો છે એવું પારખી ગયેલા અસદે સમર્થક જાતિઓના ૨ લાખથી વધુ જવાનિયાઓને સૈન્યમાં ભરતી કરાવીને તેમના હાથમાં શસ્ત્રો પકડાવી દીધા છે. પરિણામે, આજે હાલત એવી છે કે, લશ્કરી સમર્થનની દૃષ્ટિએ અસદ આ પહેલાં કદી ન હતા એટલા મજબૂત જણાય છે.
આ છે સિરિયાની આંતરિક સ્થિતિ. હવે બાહ્ય રાજકારણ જોઈએ. ઈરાને સિરિયાને મજબૂત સમર્થન જાહેર કર્યું અને ચીનને પણ સલામતી સમિતિમાં સિરિયાનું રક્ષણ કરવા માટે મનાવી લીધું. રશિયા માટે આમ તો આ આખો મામલો કાંઠે બેસીને તાલ જોવાથી વિશેષ નથી પરંતુ એક સમયના દુશ્મનને ભીડવવાની તક તો રશિયા પણ જતી નહિ કરે. એટલે, વિટો પાવર વાપરવામાં તેણે પણ ચીનની પડખે બેસવું પસંદ કર્યું. હવે અમેરિકા માટે લિબિયામાં કર્યું હતું તેમ, નાટો દળોના નામે પોતાનું લશ્કર મોકલીને અસદનો ઘડો-લાડવો કરવાનું શક્ય નથી અને આંતરિક સ્તરે વિદ્રોહીઓની તાકાત નબળી પડે છે. આમ, સિરિયાની છછૂંદર ગળવા નીકળેલો અંકલ સામ નામનો સાપ હવે બહાર ઓકી પણ નથી શકતો અને હજમ પણ નથી કરી શકતો.
સિરિયા પછી અમેરિકા માટે બીજો પડકાર ઈરાનનો હોવાનું જણાવીને બરાક ઓબામાએ પોતે સત્તા પર આવશે તો કોઈપણ રીતે ઈરાનની સાન ઠેકાણે લાવશે એવું કહ્યું હતું. જવાબમાં મીટ રોમ્નીએ તેમના વાક્યને વચ્ચેથી કાપીને પૂછ્યું કે, કઈ રીતેનો અર્થ શું કરવો? શું તમે ઈરાન પર અણુબોમ્બ ફેંકવાનું સમર્થન કરો છો? સવાલ ભયાનક અણિયાળો હતો પરંતુ ઓબામાએ બહુ સિફતપૂર્વક તોડ કાઢી લીધો. તેમણે કહ્યું, 'ઈટ વૂડ બી અ રિએક્શન. અધરવાઈસ આઈ વૂડ લાઈક ટૂ યુઝ ડિપ્લોમેટિક ટેક્ટિક્સ.' ઓબામાની એ ડિપ્લોમેટિક ટેક્ટિક્સ શું હોઈ શકે એ વિશે અમેરિકન મીડિયા ઈઝરાયલ ભણી આંગળી ચિંધે છે, જે આ વખતે મીટ રોમ્નીના સમર્થનમાં હોવાનું મનાય છે.
યહુદી લોબીનું સમર્થન ધરાવતા રોમ્ની ઈઝરાયેલ પ્રત્યે ખાસ્સા કુણાં હોવાનું વખતોવખત જણાવી ચૂક્યા છે. એ સંજોગોમાં બરાક ઓબામા ઈઝરાયેલ પ્રત્યે કેવું વલણ દાખવશે એ મુદ્દો પણ મહત્વનો બની રહે છે. ઈરાનને અણુબોમ્બ ધારણ કરતું જો અમેરિકા ન રોકી શકે તો ઈઝરાયેલ યુદ્ધે ચડવા તૈયાર છે કારણ કે તેના માટે આ અસ્તિત્વનો પ્રશ્ન છે. ઈઝરાયલ હવે ધીરજ ગુમાવી ચૂક્યું છે તેનું છેલ્લું ઉદાહરણ એ છે કે, ઓબામાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર થોમસ ડોનિલો ચારેક મહિના પૂર્વે ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા ત્યારે દરેક ટોચના ઈઝરાયેલી નેતાઓએ તેમને મળવાનું ટાળ્યું હતું.
ડોનિલોએ છેવટે તેલઅવીવમાં બેઠા ઈ-મેઈલ વડે બરાક ઓબામાની શાંતિ જાળવવાની લાગણી ઈઝરાયેલી નેતાઓ સુધી પહોંચાડવી પડી હતી. આ ઘટનાનો સંકેત સાફ છે. જો અમેરિકા ઈરાનને પરમાણુબોમ્બ ધારણ કરતું રોકી ન શકતું હોય તો ઈઝરાયેલ તેને જે આવડે છે એ, ખુફિયા હુમલા વડે ઈરાનના પરમાણુ મથકનો સફાયો કરવા હવે તત્પર છે. ભૂતકાળ ગવાહ છે, સિત્તેરના દાયકામાં ઈરાકમાં જઈને તેના અણુમથકોને ઈઝરાયેલે આવી જ રીતે નષ્ટ કર્યા હતા.
ઈઝરાયેલનું આવું આત્યંતિક પગલું મીડલ-ઈસ્ટમાં શાંતિ જોખમાવી શકે છે અને જો એવું થાય તો અમેરિકાએ ઓઈલ સપ્લાયથી માંડીને આરબ-મુસ્લિમ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ ગુમાવવાનો વારો આવે. અત્યારે અમેરિકા રાજકારણ રમીને સાઉદી અરેબિયા, ઈજિપ્ત, ઈરાકને આ વિવાદથી છેટા રાખી શક્યું છે. પરંતુ જો ઈઝરાયેલ જેવો કાયમી દુશ્મન મેદાનમાં ઉતરે તો અમેરિકાની શેહ ભર્યા વગર તમામ આરબ-મુસ્લિમ દેશો એક થઈ જાય અને તો અમેરિકા ફરીથી ચાર દાયકા પહેલાંના સંઘર્ષમાં ફસાઈ જાય.
વિશ્વ રાજકારણની શતરંજ બહુ અજીબ છે એ જોતાં ઓબામાને હાલ મળેલી સરસાઈ જો તેમને બીજી ઈનિંગ સુધી દોરી જાય તો અફઘાનિસ્તાનના મુદ્દે પાકિસ્તાન પ્રત્યે અમેરિકા વધુ કડક બનશે અને તો પાકિસ્તાન ચીનના પડખામાં વધુ તીવ્રતાથી ભરાશે એવી અમેરિકી મીડિયાની ધારણા છે. એ સંજોગોમાં ભારત શું કરશે?
હાલ તુરત તો ફાઈનલ ડિબેટની રાહ જોશે!
સિરિયા અને ઈરાન પછી ત્રીજો પડકાર ઊભો થયો છે અફઘાનિસ્તાનમાંથી. અમેરિકાએ શક્ય તેટલી ઝડપે લશ્કરી દળો ખસેડીને અફઘાનોને લશ્કરી વહીવટ સોંપવાની ઉતાવળ દર્શાવી ત્યારે અફઘાનોનો વિશ્વાસ જીતવાની ગણતરી હતી. પરંતુ અફઘાનિસ્તાનમાં ઘટી રહેલી દરેક ઘટના અવળા સંકેતો આપી રહી છે. અફઘાન કબીલાઓના સંગઠનો સાથેની બેઠકમાં અમેરિકા વિરોધી સૂત્રોચ્ચાર થયા, એ પછી બરાક ઓબામાના પૂતળાને બાળવામાં આવ્યું અને એ જ દિવસે અમેરિકન લશ્કરી મથકો પર હુમલા થયા. આટલું ઓછું હોય તેમ ગત સપ્તાહે કેટલાંક અમેરિકન સૈનિકો દ્વારા પવિત્ર કુરાનેશરિફ બાળવાની ઘટના સામે સમગ્ર અફઘાનિસ્તાનમાં વ્યાપક વિરોધ થયો અને અમેરિકી મથકથી અડધો કિલોમીટર છેટે ત્રણ બોમ્બ વિસ્ફોટ પણ થઈ ગયા. આ દરેક ઘટનાનો સ્પષ્ટ સંકેત એ છે કે, અફઘાનિસ્તાનમાંથી અમેરિકા હરખભેર બહાર નીકળી ન શકે અને તેનો એક પગ અહીં ખૂંપેલો રહે તેમાં કોઈકને રસ છે.
એ રસ કોને હોઈ શકે તેનો જવાબ બહુ જ સહેલો છે. ચીન સિવાય એવું બિગ પ્લેયર બીજું કોઈ ન હોઈ શકે. ત્રણ-ચાર કે પાંચ દાયકા પહેલાં અમેરિકાએ રશિયા સામે અજમાવેલી તરકિબ હવે ચીન તેની જ સામે વાપરી રહ્યું છે. હરીફને કશીક નગણ્ય બાબતમાં એટલો વ્યસ્ત રાખો કે તે તમારી સાથેનું હરિફાઈનું મૂળ ક્ષેત્ર વિસરી જાય. અમેરિકાએ રશિયાને અવકાશ હરિફાઈમાં જોતરેલું રાખીને આર્થિક વિકાસ મબલખ વેગે સાધી લીધો અને એટલી વારમાં રશિયા ખુવાર થઈ ગયું. ચીન અત્યારે અમેરિકાને જ્યાં-ત્યાં પથારો કરવાની તેની આદતમાં જ સપડાવી રહ્યું છે. પાકિસ્તાન નાટોને સેઈફ પેસેજ આપવાનો ઈન્કાર કરી દે અને ભાડું વસૂલવાનો ય ડારો દે તેમાં પણ ચીનનો દોરીસંચાર હોવાનું અજાણ્યું નથી. આ દરેક ઘટનાક્રમ અને તેની પછવાડે રહેલાં સંકેતો જગફોજદારની મૂછે લટકતા લીંબુ ખેરવી રહ્યા છે. જ્યોર્જ વોશિંગ્ટને અમેરિકાને ઘડયું, લિંકને બેઠું કર્યું, આઈઝનહોવર, નિક્સન, રેગને દોડતું કર્યું. હવે બરાક ઓબામાને ચિંતા એ વાતની હશે કે અમેરિકાની વૈશ્વિક હાક, ધાક અને હિતને સૂવડાવી દેવાનું 'શ્રેય' ક્યાંક એમના નામ સાથે જોડાઈ ન જાય.
ડભોઈના હિરા શિલ્પી વિશે સમર્થ કથાકાર ધૂમકેતુએ બહુ સુંદર વાર્તા લખી હતી- વિનિપાત. એ વાર્તાનું એક વાક્ય હવે ગુજરાતી ભાષાનો રૃઢિપ્રયોગ બની ચૂક્યું છે. પડે છે ત્યારે સઘળું પડે છે. હાલના સંજોગોમાં અમેરિકાને આ વાક્ય બરાબર બંધબેસતું ફિટ થાય છે. આ લખાઈ રહ્યું છે ત્યારે અમેરિકાએ આગામી બુધવારે તેના વિદેશ અને સંરક્ષણ ખાતાના ધૂરંધરોની મીડલ-ઈસ્ટ એશિયા વિભાગ સંદર્ભે તાકિદની બેઠક બોલાવી છે. આ લેખ છપાશે ત્યારે પ્રમુખ બરાક ઓબામા અને વિદેશસચિવ હિલેરી ક્લિન્ટન સહિતના ગુમાની ચહેરાઓ ચિંતા લપેટીને એ બેઠકમાં બેઠાં હશે.

Share |
 

Gujarat Samachar Plus

ડ્રેસ ચેન્જની સાથે જ્વેલરી પણ ચેન્જ
લ્હાણીની પરંપરા આજે પણ શેરીઓમાં જળવાઇ રહી છે
'રાઉડી ગબ્બર' સાથે 'કેવી રીતે જઇશ અંબાજી'
આઠમ-નોમના નૈવેધમાં અટવાતા મુસાફરો
૧૫૦ ગોલ્ડ પ્લેટથી તૈયાર થયું ૧૯ ફૂટનું મંદિર
 

Gujarat Samachar glamour

જેકલિન - સાજીદ ખાનની લવસ્ટોરી મજબૂત બને છે
શ્વેતા તિવારી છુટાછેડાથી ખૂશખૂશાલ-અભિનવ કોહલી સાથે લગ્ન કરશે
આલિયા ભટ્ટ માટે કરણનો પત્ર, અમૂલ્ય-ભેટ છે
રાષ્ટ્રગીત માટે 'બિગબોસ-૬' ફસાયું!
સેફીના 'પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ'માં લગ્ન બાદ પ્રથમવાર દેખાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved