Last Update : 20-October-2012, Saturday

 

પાંચ દાયકા પહેલાં અક્સાઈ ચીન ગુમાવ્યા પછી હવે અરુણાચલ પ્રદેશ ગુમાવવાનો વારો છે?
૧૯૬૨-૨૦૧૨ઃ ઈતિહાસમાંથી આપણે શીખવાનું કે...

ભારતીય લશ્કર ચીનના અટકચાળાનો સામનો કરવા માટે પહાડી મોરચા પર લડી શકે તેવા ૬૦,૦૦૦ જવાનોનું સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ખડું કરવા માંગે છે ત્યારે સરકારે બજેટનું કારણ આગળ ધરીને એ પ્રસ્તાવ નકારી કાઢ્યો છે

'બીત ગઈ સો બીત ગઈ' એ બોલવું જેટલું સહેલું છે એટલું ગઈ ગુજરી ખરેખર ભૂલી જવું સહેલું નથી. એમાં પણ જ્યારે એ વીતેલી ગઈ કાલ સાથે ગુમાવેલો ૩૭,૩૫૫ ચોરસ કિલોમીટર પ્રદેશ અને એથીય વધુ તો મૃત અથવા તો કાયમ માટે લાપતા ૩૦૦૦થી વધુ જવાનોનું સ્મરણ સંકળાયેલું હોય ત્યારે ગઈ ગુજરી આસાનીથી વિસરી શકાય નહિ. ચીન સાથેના યુદ્ધમાં ભારતની નાલેશીજનક હારને પાંચ દાયકા થયા છે ત્યારે એ યુદ્ધમાં મેળવેલા પરાજયની શરમ કરતાં ય વિશેષ તો એ યુદ્ધમાં ભારતીય નેતૃત્વે દાખવેલી તદ્દન રેઢિયાળ બેદરકારી વધુ લાંછનભરી લાગે છે.
એ યુદ્ધ ભારતે નોંતર્યું ન હતું. એ યુદ્ધ સંપૂર્ણપણે ચીનની સામ્રાજ્યવાદી માનસિકતાનું જ પરિણામ હતું એને તેમ છતાં ભારતે ખાસ્સુ સહન કરવાનું આવ્યું. એ પરાજય ફક્ત ૧૯૬૨ના એ યુદ્ધ પૂરતો જ હોત તો પણ ગુમાવેલી પ્રદેશને રડીને અને શહીદોની શહાદતને સ્મરીને ગઈ કાલ ભૂલી શકાઈ હોત. પરંતુ એ યુદ્ધમાં જે શરમજનક રીતે આપણે ચીન સામે ઘૂંટણિયા ટેકવવા પડયા તેનાંથી ઉપજેલી લઘુતાગ્રંથિ આજે પાંચ દાયકાથી ભારતીય માનસને કનડી રહી છે.
વિશ્વશાંતિના મસિહા થવા નીકળેલા તત્કાલિન વડાપ્રધાન નહેરુ, આડકતરી રીતે ચીનના એજન્ટ હોય તેમ સરેઆમ આંખ આડા કાન કરનાર તત્કાલિન સંરક્ષણ મંત્રી કૃષ્ણ મેનન અને નહેરુના વાક્યને બ્રહ્મવાક્ય માનીને મૂંડી હલાવ્યા કરતી સંસદ એ આ પાંચ દાયકાથી ભૂલી ન ભૂલાતી નાલેશીના ખલનાયક છે. નહેરુ સમાર્ટ અશોકની માફક આખી દુનિયામાં શાંતિના સફેદ કબૂતર ઊડાડતા ફર્યા એમાં પાડોશી ચીને લપડાક મારી લીધી. કૃષ્ણ મેનન ભારતીય સંસદ કે પ્રજા કરતાં ય વધારે ચીનને વફાદાર હોય તેમ સવાઈ સામ્યવાદીની માફક વર્ત્યા. અપલખણા ચીનના અટકચાળાના તમામ અહેવાલો તેમણે શક્ય બન્યું ત્યાં સુધી દબાવ્યા કર્યા. લશ્કરી વ્યૂહમાં પણ પોતે જાણે નેપોલિયનના વંશજ હોય તેમ ચંચૂપાત કર્યો.
સંરક્ષણ પ્રધાન લશ્કરી દળો પર લોકતાંત્રિક અંકૂશ ધરાવે છે પણ તેનો અર્થ એવો નથી થતો કે લશ્કરને તેમણે જાતે જ દોરવણી આપવાની હોય. કઈ ઈન્ફન્ટ્રી ક્યાં મોકલવી અને તેને કેવા શસ્ત્રો આપવા (કે ન આપવા) એ નિર્ણય કરવા માટે સેનાપતિઓ હોય જ છે. એમ છતાં મેનને એ બધું જ કર્યું, જેની તેમને પૈસાભાર ગતાગમ ન હતી. છેવટે બહુ જ બૂરી રીતે આપણે અક્સાઈ ચીન તરીકે ઓળખાતો લદ્દાખનો ઉત્તરિય વિસ્તાર કાયમ માટે ગુમાવ્યો અને પ્રજાસત્તાક પર્વે લતા મંગેશકરને 'અય મેરે વતન કે લોગો' ગાવાનો વારો આવ્યો, જેના પર નહેરુએ જાહેરમાં મગરના આંસુ વહાવીને પસ્તાવાનું પૂર્ણવિરામ મૂકી દીધું.
કદી જ યાદ કરવો ન ગમે એવો આ સમગ્ર ઘટનાક્રમ પાંચ દાયકા પછી ય યાદ કરવો પડે, માંડ રૃઝાયેલા ઘાવ ફરીથી ખોતરવા પડે તેનું કારણ એ છે કે ૧૯૬૨ની આ ધોબીપછાડ પછી હજુ ય ૨૦૧૨માં પણ પરિસ્થિતિમાં જરાક પણ ફરક વર્તાતો નથી. માનવામાં ન આવતું હોય તો જુઓ કેટલીક ઘાતક, નિંભર અને ત્રાસદાયક સરખામણીઓ.
લાન્કા લા (ઘાટ) અને સિકિયાંગ વચ્ચે ભારતીય સરહદમાંથી પસાર થાય તેવો ધોરી માર્ગ ચીન બાંધી રહ્યું છે એવી પૂરાવા સાથેની બાતમી આપણને ૧૯૫૫માં જ મળી ગઈ હતી. તેમ છતાં ય સંરક્ષણ મંત્રાલયે ધોકો મારીને ઘૂસણખોરને ખદેડી મૂકવાનું તો દૂર, એકપણ વખત ચીનનું બાવડું ઝાલીને આ પેશકદમીનું કારણ સુદ્ધાં પૂછ્યું ન હતું. એ ધોરી માર્ગ પૂરેપૂરો બંધાઈ ગયો પછી તેના દ્વારા જ લશ્કરી કૂમકને મોકલીને ચીને અક્સાઈ ચીનના વિસ્તારને ભારતથી વિખૂટો પાડી દીધો.
૨૦૧૨માં હાલત એવી છે કે અરુણાચલ પ્રદેશના મુખ્ય વ્યાપારી શહેર તવાંગથી ઉત્તરે ૧૮૦ કિલોમીટર દૂર ભારતીય વિસ્તારમાં જ ચીને ૧૧ લશ્કરી ચોકીઓ ખડી કરી દીધી છે અને હજુ પણ આપણે 'એ તો અમસ્તા હવાફેર કરવા આવ્યા હશે' પ્રકારની જાડી ચામડીની મીઠી ભ્રમણામાં રાચીએ છીએ. ૧૯૫૮માં ચીનના અટકચાળા પારખીને તાત્કાલિક ધોરણે પહાડી મોરચે લડી શકે તેવી ખાસ પ્રકારની સેના તૈયાર કરવા સૂચન કર્યું ત્યારે લશ્કરના એ પ્રસ્તાવને શાંતિદૂત નહેરુએ પારેવાની માફક ઊડાડી દીધો. સરવાળે, પહાડી મોરચે લડવા માટે આપણે સપાટ મેદાનમાં લડવા ટેવાયેલી ઈન્ફન્ટ્રીને મોકલવી પડી અને ભૂંડી હાર ખમવાનો વારો આવ્યો.
એ અનુભવ પછી આજે પાંચ દાયકે ય આપણી ઘોર બેદરકારીમાં જરાક પણ સુધારો થયો નથી. પાકિસ્તાન અને ચીનને જોડતા વિસ્તારમાં ચીન ધોરી માર્ગ બનાવી રહ્યું છે.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચીન પોતના લશ્કરી મથકો સ્થાપી રહ્યું છે અને છાશવારે અરુણાચલ પ્રદેશમાં છમકલાના ડાકલા વગાડી જાય છે એથી ચિંતિત ભારતીય લશ્કરે માઉન્ટેન ડિવિઝનનું નવેસરથી ગઠન કરીને ૨૦,૦૦૦ સૈનિકોની એક એવી ત્રણ સ્ટ્રાઈક ફોર્સ રચવા માટે ૨૦૦૮માં સૂચન કર્યું હતું. એ વર્ષ ચૂંટણીનું વર્ષ હતું એટલે એ પ્રસ્તાવ નવી સરકાર માટે લટકતો રખાયો.
૨૦૦૯માં યુપીએ ગઠબંધન ફરીથી સત્તા પર આવ્યું અને મનમોહન સિંહ બીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા ત્યારે સ્પેશ્યિલ માઉન્ટેન સ્ટ્રાઈક ફોર્સના ગઠનમાં રૃ. ૬૦,૦૦૦ કરોડ જેટલો ખર્ચ થતો હોઈ વિકાસના કામોને પ્રાધાન્ય આપવાના નામે લશ્કરના આ પ્રસ્તાવને ટાળી દેવાયો.
છેલ્લાં ત્રણ વર્ષમાં આપણે ૨-જી સ્પેક્ટ્રમથી માંડીને કોલસા કૌભાંડમાં દોઢ-બે લાખ કરોડ રૃપિયાના ધપલા થતાં સાંભળીએ છીએ ત્યારે સવાલ એ થાય કે આટલા મસમોટા કૌભાંડ આચરીને ખિસ્સા ભરતી વખતે વિકાસના કામો યાદ ન્હોતા આવ્યાં? કે પછી આ રૃપિયા, વડાપ્રધાને શીખવાડયું હતું તેમ, ઝાડ પર ઊગતાં હતાં?
૧૯૫૦માં ચીને તિબેટ હડપ કરીને ભારત અને ચીન વચ્ચેની નૈસર્ગિક દિવાલ તોડી પાડી ત્યારે આપણે તિબેટનું રક્ષણ કરવામાં તો નિષ્ફળ ગયા જ, ચીનના એ લશ્કરી પગલાંને વિશ્વ સમક્ષ સાચી રીતે મૂકવામાં ય આપણે મુત્સદ્દીગીરીના નામની મૂંછ મૂંડાવી નાંખી હતી. એ વખતે આપણે ગલગોટા જેવું મોં ફૂલાવીને 'હિન્દી-ચીની ભાઈ ભાઈ'ના સૂત્રો પોકારતા હતા. હવે એ જ મોડસ ઓપરેન્ડી ચીન પાંચ દાયકા પછી અરુણાચલ પ્રદેશના મુદ્દે અપનાવી રહ્યું છે ત્યારે આપણે ચીન અને ભારતના વ્યાપારીક સંબંધોની નવી સર્જેલી ભ્રમણામાં રાચીએ છીએ.
ચીન સાથેના વ્યવસાયિક સંબંધો મજબૂત કરવાના આશયથી ભારતે છૂટછાટ મૂકી એ પછી છેલ્લા એક દાયકાથી ભારત અને ચીન વચ્ચેનો આર્થિક વ્યવહાર વાર્ષિક ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચી ચૂક્યો છે. ચીન માટે ભારતનું બજાર સાતમા ક્રમનું નિકાસ ક્ષેત્ર છે અને હજુ ય એવા અનેક ચીની ઉત્પાદનો પર જો ભારત પ્રતિબંધ હટાવી લે તો ભારતનું બજાર ચીની માલની ખપત કરતું વિશ્વનું ત્રીજા ક્રમનું બજાર બની શકે તેમ છે. ચીન સાથેના આ વ્યવસાયિક જોડાણમાં જોકે ભારતીય ઉદ્યોગોને જેટલો ફાયદો છે તેના કરતાં ચીની ઉત્પાદકોને હજાર ગણો વધારે ફાયદો છે.
આમ છતાં આપણે 'દયા પ્રભુની, ધરમનો જય' કરતાં ભિક્ષુકની માફક ભારતીય બજારના ભોગે સરહદ સાચવવા કાકલૂદી કરતાં રહીએ છીએ.
ઈતિહાસ હંમેશાં જો અને તોની વચ્ચે ઘટેલી ઘટનાઓથી રચાય છે પરંતુ ક્યારેક જો અને તોની વચ્ચે શીખેલા પદાર્થપાઠ વડે અવકાશ ન ભરાય તો એ જ ઈતિહાસ દોહરાય પણ છે. એ જોતાં, ૧૯૬૨ના ઇતિહાસમાંથી ૨૦૧૨માં આપણે એટલું જ શીખવાનું રહે છે કે, ઈતિહાસમાંથી આપણે કશું જ શીખ્યા નથી.

Share |
 

Gujarat Samachar Plus

ગુજરાતી ગરબાનો શ્વાસ એટલે વ્રજવાણી ઢોલ
વજનદાર એસેસરીઝ અને ગરબાની રમઝટ
પારંપરિક માંડવીને મોર્ડન ટચ
ગરબાની રમઝટ ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં
પાઘલડીના ફૂમતામાં ઝબકતી લાઇટો મને ચૂભે રે
 

Gujarat Samachar glamour

'ઇંગ્લિશ- વિંગ્લિશ'થી છોકરીઓને પ્રેરણા મળે છે
કરીનાનું સાચું નામ 'ખેલકુમારી' હતું
દિવ્યા દત્તાને યશ ચોપરા સાથે વારંવાર કામ કરવું છે
સલમાને ફરીથી અજય માટે 'પો પો' કર્યું
કપૂર ખાનદાનની રોમેન્ટિક જોડીઓ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved