Last Update : 18-October-2012, Thursday

 

લોકશાહીમાં સમાંતર સરકાર અને સમાંતર ન્યાયતંત્ર બનતી ખાપ પંચાયતો પ્રતિબંધિત થવી જોઈએ
ખાપ પંચાયતઃ કહેતા ભી દિવાના, સૂનતા ભી દિવાના

સામાજિક સંપ એ બેધારી તલવાર જેવો છે. ક્રિકેટરોની ટીમ અને અંધારીઆલમની ગેંગ વચ્ચે દેખીતો ફરક છે. બેય એકસંપ છે પરંતુ એ સંપીલાપણાના હેતુ, લક્ષ્ય, શિસ્ત અને મૂલ્યોમાં ફરક છે

 

 

હજુ હમણાં સુધી ફતવા ફક્ત દેવબંદથી નીકળતા હતા અને આપણે તેના પર હસી લેતાં હતાં. હવે ફતવાઓ યાને સામાજિક આદેશોનો એ ચેપ ખાપ પંચાયતોને પણ લાગ્યો છે. તદ્દન બેવકૂફીભર્યા આદેશો કરતી અને સામાજિક બહિષ્કારનું અમોઘ શસ્ત્ર બતાવીને એ દરેક બેવકૂફીનો અમલ પણ કરાવી જાણતી ખાપ પંચાયતોએ છેલ્લા કેટલાક મહિનાઓથી તાલિબાની ઢંગનો ત્રાસ વર્તાવવા માંડયો છે. એક ખાપ પંચાયત છોકરીઓને જીન્સ પહેરવા પર પાબંદી મૂકે છે તો વળી બીજી પંચાયત મોબાઈલને પ્રતિબંધિત જાહેર કરે છે. ક્યાંક તો બેશરમી અને આપખુદીની એવી હદ વળોટી જવાય છે કે રજઃસ્વલા તરુણીઓ માટે ય જુગુપ્સાપ્રેરક કાનૂન બનાવી નાંખવામાં આવે છે.
ખાપ પંચાયતોની આ સમાંતર સરકાર અને સમાંતર ન્યાયતંત્રનો ઉપાડો ભલે આજકાલનો હોય પરંતુ ઈતિહાસ તો ૨૦૦૦ વર્ષ જૂનો છે. ગ્રામ્યકેન્દ્રિત ભારતીય સામાજિક જીવનરીતિમાં ખાપ પંચાયત હજારો વર્ષથી એક મહત્ત્વના સંગઠન તરીકે સ્વીકૃત થયેલું હતું. ગુપ્તયુગમાં ગામડાઓના સમૂહ મંડલ તરીકે ઓળખાતા અને મંડલના પ્રતિનિધિઓ શાસન સુધી છેવાડાનો અવાજ પહોંચાડતા. મૌર્યકાળમાં પણ જનપદ તરીકે ઓળખાતી આવી વ્યવસ્થા ચલણી હતી તેવું ઈતિહાસ કહે છે. આઠ-દસ ગામડાંઓનો સમૂહ જનપદ અને એવા સઘળા જનપદનો સમૂહ સર્વ જનપદ તરીકે રાજ દરબારમાં પણ પ્રતિનિધિત્વ કરે એવી વ્યવસ્થાથી લિચ્છવી ગણરાજ્યોનો તો પાયો જ આવા નાના એકમના સંગઠનો હતા. સમયના બદલાવ સાથે આવા સ્વઘોષિત સામાજિક મંચના નામો બદલાતા રહ્યા પરંતુ ઓળખ અને સામાજિક વર્ચસ્વ યથાવત રહ્યા.
હાલ મુખ્યત્વે ઉત્તરભારતના પાંચ-સાત રાજ્યોમાં ખાપના આ વર્ચસ્વના મૂળમાં અંગ્રેજી શાસન જવાબદાર છે. અઢારમી સદીમાં પિંઢારા અને ઠગના ત્રાસ સામે અંગ્રેજી શાસન નબળું પૂરવાર થતું હતું ત્યારે ઠગ-પિંઢારાને નશ્યત કરવા વિલિયમ બેન્ટિક નામના અંગ્રેજે લોકોના સૈન્યને પ્રોત્સાહન આપ્યું. સોસાયટીમાં ઉપરાછાપરી ચોરીના બનાવ બને અને દરેક પરિવાર સામૂહિક નાઈટ પેટ્રોલિંગ ચાલુ કરી દે તેના જેવી આ વ્યવસ્થામાં ગામડાઓના દળ બનાવાયા. રાજસ્થાની દેહાતી ભાષામાં ખેતરમાં એક હારમાં આવતાં ક્યારાને ખાપ કહેવાય. એમ એક હારમાં ઊભા રહેતાં આ હોમગાર્ડ્સ માટે પણ ખાપ શબ્દ ચલણમાં આવ્યો. ઠગ-પિંઢારાનું પગેરું દબાવતા આ હોમગાર્ડ્સ પછી તો ગામના વહીવટમાં પણ અગ્રેસર બન્યા અને એમ ખાપ પંચાયત અને સર્વ ખાપ અસ્તિત્વમાં આવ્યા.
રાજાશાહી કે દિલ્હી સલ્તનતના એ કાળમાં, જ્યારે પ્રજાને શાસકિય કે વહીવટી પ્રતિનિધત્વ ન હતું ત્યારે આ પ્રકારની સામાજિક વ્યવસ્થા આવકાર્ય હતી. પરંતુ લોકશાહીમાં તો સંસદ કે વિધાનસભાનો પાયો જ આવી વ્યવસ્થા પર નંખાયેલો હોય ત્યારે ખાપ પંચાયતોનું અસ્તિત્વ સમાંતર સરકાર સાબિત થઈ રહ્યું છે. આ ખાપ પંચાયતો હવે માત્ર ગામડાઓનું જ સંગઠન ન રહેતાં તેમાં વિવિધ જાતિ અને જ્ઞાાતિપંચ પણ ઉમેરાયા છે. ચૂંટણીના રાજકારણમાં મતનું મહત્વ વધતાં વધુમાં વધુ સમુદાયના મત મેળવવા માટે દરેક રાજકીય પક્ષોએ પણ ખાપ પંચાયતોની પીઠ થાબડવામાં કશું બાકી રાખ્યું નથી. હાલ ખાપ પંચાયતો ઔકાત ભૂલીને પોતાને સર્વોચ્ચ અદાલતની ય ઉપર માનતી થઈ ગઈ છે તેનું કારણ રાજકારણીઓના થાબડભાણાં જ છે.
હાલ જે સૌથી મોટી ખાપ પંચાયત છે તે અહલાવત ખાપ તરીકે ઓળખાય છે. હરિયાણાના ૧૧૨ અને ઉત્તરપ્રદેશના ૫૫૪ ગામડામાં વસતાં અહલાવત શાખના જાટના સંગઠન તરીકે આ ખાપનું એવું વર્ચસ્વ છે કે ખુદ મુખ્યમંત્રી પણ ખાપના અભિપ્રાયની સામે હરફ ઉચ્ચારવાનું ટાળે છે. તાજેતરમાં ઓમપ્રકાશ ચૌટાલાએ ખાપના તઘલખી ફરમાનનું સમર્થન કર્યું તેનું કારણ પણ એ જ છે કે ચૂંટણીમાં વિજયનો રસ્તો ખાપની શેરીઓમાંથી પસાર થાય છે એટલે તેમને નારાજ કરવાનું કોઈનું ગજું નથી. અહલાવત ખાપના વડા ગજેન્દ્રસિંઘનો દબદબો મુખ્યપ્રધાનથી જરાય ઓછો ઉતરતો નથી હોતો. એક જમાનામાં બોટ ક્લબની કિસાન રેલી વડે દિલ્હીની ખુરસી હલબલાવી નાંખતા મહેન્દ્રસિંઘ ટિકૈત પણ બાગપત ખાપના વડા તરીકે જ જાહેરજીવનમાં પ્રવેશ્યા હતા.
તાજેતરમાં એક પછી એક ફેંકાઈ રહેલાં ભેજાંગેપ ફતવાની ભરમાર પાછળ સર્વોપરિતાનો આ ભ્રમ જવાબદાર છે. પહેલાં સોનેપતથી શરૃઆત થઈ. અહીં કોલેજ જતી છોકરીઓને મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવાયો. બર્દવાન જિલ્લાની કેટલીક ખાપ પંચાયતો ય તેના ચાળે ચડી. એ પછી મુઝફ્ફરપુરની કેટલીક ખાપ પંચાયતો તો એથીય એક ડગલું આગળ વધી. તેમણે કોલેજ જતી છોકરીઓ માટે મોબાઈલ ઉપરાંત જીન્સ પહેરવા પર પણ પ્રતિબંધ લાગુ કરી દીધો અને પોતાનો લોકશાહીવાદી અભિગમ દર્શાવવા માટે આઠ-દસ જવાન છોકરીઓના મોંએ જ તેની જાહેરાત કરાવી.
સ્વાભાવિક રીતે જ, ખાપ પંચાયતોની મનસ્વી જોહુકમીનું જ એ પરિણામ હતું પરંતુ ચોરાના ઓટલા પર ચારપાઈ ઢાળીને હુક્કો ગગડાવતા ચૈનસિંહ નામના ખાપ પંચાયતના બુઝુર્ગ દોંગાઈથી કહી રહ્યા હતા, 'ઉ હમકા કા પૂછત હો? હમ કા જાને? ઉ તો બિટિયાલોગ કા ફૈંસલા હૈ. ઉન્હેં લગતા હૈ કે યે અચ્છા નહિ હૈ તો ના પહેને. હમ ઉન્હેં ઉ પહનને થોડી જબરજસ્તી કરેંગે?' જીન્સ 'ન પહેરવા દેવાની' જોહુકમીને એ દાદા ખંધી લૂચ્ચાઈથી 'પરાણે ન પહેરાવવા'ની આઝાદી સુધી સિફતભેર તાણી જતા હતા.
લોકશાહી, વ્યક્તિ સ્વાતંત્ર્ય, અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય જેવા બંધારણિય અધિકારોના ધજિયા ઊડાવતું વધુ એક ઉદાહરણ. હરિયાણાના સોનેપત જિલ્લાના મોગરવા ગામની ખાપ પંચાયતે રજઃસ્વલા તરુણીઓને તેમના માટે નિયત કરેલી કોઠરીમાં ત્રણ દિવસ રાખવા આદેશ કર્યો હતો. એક પરિવારે ખાપ પંચાયતના આવા તરંગી અને વાહિયાત આદેશને ન માન્યો તો તેમનો એવો સજ્જડ બહિષ્કાર કરાયો કે આઠ મહિના પછી એ પરિવારે માફી માંગવી પડી.
માફી આપવાની રીત પણ કેવી? પરિવારના બધા જ પુરુષ સભ્યો ઘરેથી જમીન સરસા ઢસડાતા ગામના ચોરા સુધી આવો અને પંચાયતના પગ ધોઈને એ પાણી માથે ચડાવો ત્યારે માફી મળે! દાદાગીરીની હદ તો ત્યારે થઈ, જ્યારે આ ઘટનાની તપાસ કરવા માટે ખુદ સોનેપત જિલ્લાના કલેક્ટર તપાસ માટે ત્યાં ગયા ત્યારે એ વિસ્તારના ધારાસભ્યએ પણ 'આવું કશું બન્યું જ નથી' એવું નિવેદન આપ્યું અને એ અસરગ્રસ્ત પરિવારે પણ એવું કહ્યું કે અમારો કોઈ બહિષ્કાર થયો નથી. કલેક્ટરે અખબારોમાં છપાયેલા તેમના જમીન પર ઢસડાતા ફોટા બતાવ્યા તો પરિવારના મુખિયાએ કહ્યું કે એ તો અમે સ્વેચ્છાએ પંચાયતદેવડી પ્રત્યેનો આદર વ્યક્ત કરવા કર્યું હતું!
ગાળને ય ઘીની નાળ ગણવા મજબૂર કરી દેતી આ સ્થિતિ પરસ્પર ઘનિષ્ઠ રીતે ગૂંથાયેલા આપણા સામાજિક તાણાવાણાનું પરિણામ છે. પંચતંત્રથી માંડીને દરેક બાળબોધ વાતોમાં સંપનો બહુ મહિમા ગવાયો છે પણ સામાજિક સંપ એ બેધારી તલવાર જેવો છે. દરેક વખતે 'સંપ ત્યાં જંપ' નથી હોતો.
ક્યારેક સંપ પોતાની મર્યાદા ચૂકીને જોહુકમીપણાના રવાડે ચડે ત્યારે અજંપ પણ આવી જાય છે. ક્રિકેટરોની ટીમ અને અંધારીઆલમની ગેંગ વચ્ચે દેખીતો ફરક છે. બેય એકસંપ છે પરંતુ એ સંપીલાપણાના હેતુ, લક્ષ્ય, શિસ્ત અને મૂલ્યોમાં ફરક છે. તાલિબાની ખાપ પંચાયતોનો સંપ વિધ્વંસાત્મક અને પ્રગતિશીલ માનસિકતા માટે નકારાત્મક હોવાથી તેનો વ્યાપક, બોલકો અને આક્રમક વિરોધ થવો જ રહ્યો.

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved