Last Update : 17-October-2012, Wednesday

 

પબ્લિસિટીની શેરડીને બરાબર પીલી લીધા પછી હવે શાદીના નામે સમાચારનો છેલ્લો કસ નીકળી રહ્યો છે
કરીના-સૈફઅલી ખાનની શાદી ઃ ક્યા ફરક પડતા હૈ યાર?

પ્રેમ પણ કેવી રીતે વેચી શકાય તેનું વરવું ઉદાહરણ સૈફ-કરીનાએ આપ્યું છે. ફિલ્મની રિલિઝ ટાણે જ સૈફ બાવડા પર કરીનાના નામનું ટેટૂ ચિતરાવે. કરીના આછકલાં વિધાનો કરતી રહે. પ્રણયના નામે પબ્લિસિટીની આ મોડસ ઓપરેન્ડી (આપણા કમનસીબે) સફળ રહી છે

 

આખરે ઢોલ વાગ્યા ખરા.
લાંબા સમયથી જેમનું અફેર ચર્ચામાં હતું, લગભગ એક વરસથી તો જેઓ જોડે રહેતાં હતાં એ કરિના કપુર અને સૈફ અલી ખાનનો સંબંધ આખરે શાદીમાં પરિણમ્યો. કરિના જેવી અત્યંત સોહામણી કપૂરકૂડી અને સૈફ જેવો નવાબ હોય ત્યારે આ પ્રણયકથા હજુ ય સામંતશાહી ઝાકઝમાળમાં રાચતા ભારતીય જનમાનસને 'અહો-અહો' કરાવે તેમાં નવાઈ નથી. સૈફ-કરિનાનો પરસ્પર માટેનો પ્રેમ કેવો છે એ તો એ બે જાણે (અને એ એમનો જ વિષય છે) પરંતુ અફેરના જોરે કારકિર્દીના અસ્તાચળે ચર્ચામાં રહેવાનો તેમનો કિમિયો તો કારગત નીવડયો જ ગણાય.
કરિના કપુર અને સૈફઅલી ખાન વચ્ચે ઉંમરનો, ધર્મનો અને વૈવાહિક દરજ્જાનો ય તફાવત હતો પરંતુ 'પ્રેમ ન દેખે જાત-કજાત' અને 'રાજાને ગમી તે રાણી'નો કાયદો આ કિસ્સામાં પણ ચાલી ગયો છે. સૈફઅલી ખાન જેટલો ચાર્મિંગ તેની યુવાવસ્થામાં હતો એટલી જ તેની કારકિર્દી પણ હાલકડોલક રહી છે. ફિલ્મો કરતાં ય વધારે તો તે તેના લફરાં અને ભારતીય માહોલમાં બોલ્ડ કહી શકાય તેવી વર્તણૂંક માટે ચર્ચામાં રહ્યો છે. સામા પક્ષે કરિના પણ, દાદા રાજકપુર જો જીવતા હોત તો તેમને પોતાની ફિલ્મની નાયિકાઓ ઘરમાં જ હરતી-ફરતી દેખાય એવી આછકલાઈ કરતી રહી હતી.
સૈફઅલી નવાબજાદો છે અને સામંતશાહી વખતના નવાબોના તમામ અવગુણ પૂરતી માત્રામાં ધરાવે છે. પહેલી શાદી વખતે તો સૈફની હજુ તો માંડ ત્રણ ફિલ્મ રિલિઝ થઈ હતી. માતા સાથે દેખાવના અનહદ સામ્યને લીધે 'પેન્ટ-શર્ટ પહેરેલી શર્મિલા ટાગોર' જેવી કડવી આલોચના સિવાય તેની બીજી કોઈ ઓળખ પણ ન હતી ત્યાં એ પોતાનાથી ખાસ્સી મોટી અને કરિયરની ગાડી ક્યારની પાટા પરથી ઉતારી ચૂકેલી અમૃતા સિંઘ સાથે પરિવારના વિરોધ છતાં ય લગ્ન કરી બેઠો. આખાબોલા સ્વભાવ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાં ક્યાંય સંબંધ ન બનાવી શકેલી અમૃતા અને સૈફ જેવા દિલ હથેળીમાં લઈને ફરતા છેલબટાઉનો રિશ્તો ક્યાં સુધી નભશે એવો સવાલ લગ્નની કંકોત્રી ભેગો જ લખાયો હતો. છતાં બે બાળકોના જન્મ સુધી જેમતેમ એમનો સંસાર નભી ગયો અને છેવટે એ જ થયું, જે આવા કિસ્સામાં થવા નિર્માયું હોય છે.
અમૃતાથી છૂટા પડયા પછી સૈફનું રેઢિયાળપણું વધ્યું સાથોસાથ કરિયર પણ ખાસ્સી સ્થિર થઈ. એક તરફ રોઝાલિની નામની વિદેશી ગર્લફ્રેન્ડ જોડે લિવ-ઈન રિલેશનશીપ જારી હતી, બીજી તરફ અભિનેતા તરીકે પણ તેની નોંધ લેવાઈ રહી હતી. દિલ ચાહતા હૈ, કલ હો ન હો જેવી ફિલ્મોમાં બબૂચક, દિલફેંક છતાં ભોળા યુવાનના પાત્રમાં જમાવટ કર્યા પછી ઈમ્તિયાઝ અલી જેવા પ્રયોગશીલ દિગ્દર્શક જોડે લવ આજ કલ, વિશાલ ભારદ્વાજ જેવા ઓફબીટ સર્જક જોડે ઓમકારા જેવી ફિલ્મો વડે સૈફે યાદગાર ભૂમિકાઓ પણ આપી. ઓમકારાનો લંગડા ત્યાગી તો સૈફ માટે લાઈફટાઈમ અચિવમેન્ટ ગણાશે. પરંતુ આ દરેક તબક્કે સૈફ કારકિર્દી કરતાં ય વધારે તો કન્યાઓ માટે સમાચારોમાં રહ્યો હતો.
સામા પક્ષે કરિના પણ તેના અભિનય કરતાં ય વધુ તો તેના અત્યંત સોહામણા ચહેરા માટે ચર્ચાતી રહી છે. કરિના એ આમ જુઓ તો તેની માતા બબિતાની જ બીજી આવૃત્તિ રહી છે. કમ્પ્યૂટર યુગની ભાષામાં કહીએ તો કરિના એ બબિતાનું મોડિફાઈડ વર્ઝન છે. બબિતા તેના જમાનામાં ભારે જીદ્દી, જક્કી અને ધાર્યું કરનારી ગણાતી હતી. રણધિર કપુર સાથેના લગ્ન પછી પણ તેને ફિલ્મ કારકિર્દી ચાલુ રાખવી હતી પરંતુ પુત્રવધુ અને પુત્રીઓ માટે ફિલ્મોમાં પ્રવેશબંધીનો કાયદો ધરાવતા કપૂર ખાનદાનમાં બબિતાને ગૂંગળામણ થવા લાગી અને રાજ કપૂર, રણધિર કપૂરની જોહુકમી સામે બંડ પોકારી તે અલગ થઈ ગઈ.
આરંભે કરિશ્મા અને પછી કરિના એ બબિતાએ કપૂર ખાનદાનના દંભ સામે ઊઠાવેલો અવાજ છે. રાજ કપૂરની ફિલ્મોમાં હિરોઈન પાતળી, ઝીણી, સફેદ સાડી પહેરીને ધોધ નીચે ન્હાય નહિ ત્યાં સુધી ફિલ્મ પૂરી થઈ ન ગણાય પરંતુ અંગત જિંદગીમાં તો વહુઓ, દીકરીઓએ માથા પર ઘૂમટો તાણેલો જ રાખવાનો એવો દંભી કાયદો બબિતાએ દીકરીઓને પ્રોત્સાહન આપીને બહુ જ બૂરી રીતે તોડી નાંખ્યો. કરિશ્માએ તો 'સરકાઈ લો ખટિયા' જેવા ગીતોમાં અંગ પ્રદર્શન અને ભદ્દા, બિભત્સ ચેનચાળાની તમામ હદ વટાવી હતી. કરિશ્માના દેખાવથી માંડીને અભિનયમાં ખાસ દમ ન હતો એટલે તેની કારકિર્દી કવેળાએ સમેટાઈ ગઈ.
પરિણિત સંજય કપુર (એક્સ વાઈફ નંદિતા મહેતાણી) સાથે કરિશ્માનું અફેર ખાસ્સું ચાલ્યું અને પછી વાજતેગાજતે તેમના લગ્ન થયા. એ વખતે જાણકારોએ, કારકિર્દીની માફક અંગત જિંદગીમાં પણ બબિતાની દરમિયાનગીરી ચાલુ રહેશે તો આ સંબંધ લાંબો નહિ નભે એવી ભવિષ્યવાણી કરી જ હતી, જે કમનસીબે સાચી પડી છે. ગામડા-ગામની અનપઢ નવોઢા સાસરિયે ઝગડીને પિયર રિસામણે આવતી રહે તેમ બે-ત્રણ વાર પતિને છોડીને માતા જોડે આવી ચૂકેલી કરિશ્મા હવે સંજય કપુર સાથેના સંબંધમાં કાયમી પૂર્ણવિરામ મૂકી ચૂકી છે. મોટીબહેન પછી હવે કરિના પણ પરિણિત પુરુષને પરણીને ઈતિહાસનું પુનરાવર્તન કરી રહી છે. બજારવાદના આ જમાનામાં સબ કુછ બિકતા હૈનો મંત્ર પ્રબળ હોય ત્યારે પ્રેમ પણ કેવી રીતે વેચી શકાય તેનું ખોટી રીતે યાદગાર ઉદાહરણ સૈફ અને કરિનાએ આપ્યું છે. પ્રણયને તેમણે જાહેર મામલો બનાવીને સતત રોકડી કરવાનું વલણ દાખવ્યું. નવી ફિલ્મની રિલિઝ ટાણે સૈફ હાથ પર કરિનાના નામનું ટેટૂ ચિતરાવે અને એ રીતે સમાચારોમાં ચમકતો રહે. કરિના વળી 'સૈફને મારી કમર ફરતો હાથ વિંટાળવો ગમે છે' એવા છાકટા અને આછકલા વિધાન વડે પોતાના ઝિરો ફિગરને પબ્લિસિટી આપતી રહે.
લેટેસ્ટ ફિલ્મ 'હિરોઈન'ની રિલિઝ ટાણે 'હું અને સૈફ તો અઢીસો વખત હનીમૂન મનાવી ચૂક્યા છીએ' એવું બોલ્ડ વિધાન કરવા પાછળ પણ કરિનાનો હેતુ પબ્લિસિટીનો જ હતો. બેઉની કારકિર્દીમાં હવે ખાસ કસ રહ્યો નથી અને નવા ફાલના ઘોડાપુરમાં બંનેને હવે લાંબી તક મળે તેમ નથી એવું જાણતાં સૈફ અને કરિનાએ લગભગ દોઢ વર્ષ સુધી પ્રસાર માધ્યમોમાં પ્રણયના નામે સિફતપૂર્વક જગ્યા મેળવી રાખી હતી.
હવે પબ્લિસિટીની શેરડીના કૂચામાંથી શાદીનો છેલ્લો કસ નીકળી રહ્યો છે ત્યારે કરિનાએ મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો કે નહિ એવો નાહકનો વિવાદ પણ ખડો થઈ રહ્યો છે. કરિના મુસ્લિમ બને કે શાદી હિન્દુ રીતિ-રિવાજથી થાય, આ બે એવા પાત્રો છે જેમને કદી કોઈ ધર્મ હતો નહિ અને તેમની તકવાદી પ્રકૃતિ જોતાં તેમનો કોઈ ધર્મ હોઈ પણ ન શકે. આ એક એવી બેગાની શાદી છે, જેમાં ભારતીય માધ્યમો વગર કારણે ફક્ત આદતવશ દિવાના થઈ રહ્યા છે.
આ પ્રસંગે સળંગ બે દિવસથી માધ્યમોમાં ચાલી રહેલી ધામધૂમ જોતાં પ્રેસ કાઉન્સિલના ચેરમેન માર્કંડેય કાત્જુનું યાદગાર વિધાન બહુ સચોટ જણાય છે. જસ્ટિસ કાત્જુ અને કેન્દ્રિય મંત્રી જયરામ રમેશમાં સામ્ય એ છે કે, બંને લમણે પથ્થરની માફક વાગે તેવા વિધાનો કરવા માટે જાણીતા છે. બેયના વિધાનોમાં કડવાશ ભારોભાર હોય છે પણ એ કડવાશ લીમડાના દાતણ જેવી કે સુદર્શન ચૂર્ણ જેવી હોય છે, સમાજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક. ફિલ્મી ચટર-પટરને ભારતીય માધ્યમો બેહદ ચગાવે છે પરંતુ રાષ્ટ્રીય સમસ્યાઓ પ્રત્યે ભારોભાર ઉદાસિન રહે છે એવી ફરિયાદ સાથે જસ્ટિસ કાત્જુએ રાજેશ ખન્નાના અવસાન પ્રસંગે કહ્યું હતું કે, રાજેશ ખન્ના મર હી ગયા હૈ તો અબ ક્યા ફરક પડતા હૈ?
સૈફ-કરિનાની શાદી એ બિલકુલ તેમનો અંગત મામલો છે, તમને અને અમને શું ફરક પડાવનો ભલાં? કરિના મુસ્લિમ બને કે નહિ એ પણ તેનો અંગત પ્રશ્ન છે. તેને આપણે રાષ્ટ્રીય સમસ્યા ન બનાવીએ. આમે ય, આપણી પાસે સમસ્યાઓનો કોઈ પાર નથી.
બહોત હો ગયા યાર.. અબ છોડો ઉન્હેં.
લેટ ધેમ લિવ હેપીલી એન્ડ ફરગેટ ધેમ વિથ ઓલ પોસિબલ વિશિઝ.

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved