Last Update : 16-October-2012, Tuesday

 

૩૯ કિલોમીટરની ઊંચાઈએથી કૂદકો મારનારા ફેલિક્સનું પરાક્રમ માનવજાત માટે કેટલું આશીર્વાદરૃપ?
ફેલિક્સ બોમગાર્ટનરઃ પતનના માર્ગે પ્રસિદ્ધિની ઊડાન

જ્યાં જિંદગી અને મોત શેવિંગ બ્લેડની ધાર જેટલી પાતળી ભેદરેખા ધરાવે છે ત્યાં સામે ચાલીને પડતું મૂકવા પાછળ ફેલિક્સનો હેતુ માત્ર પ્રસિદ્ધિનો ન હતોઃ ઈતિહાસ હંમેશાં ચક્રમોએ જ સર્જ્યો છે એ વધુ એકવાર સાબિત થયું

 

લોકકથા કહે છે, 'નામ રહંતા ઠક્કરા, નાણાં નવ રહંત... કીર્તિ કેરાં કોટડાં પાડયા નવ પડંત'. જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ નામ રાખવા માટે, નામને કાયમ માટે અમર કરી દેવા માટેના ગતકડાં વધુને વધુ અઘરા થતા જાય છે. અત્યાર સુધીમાં હજારો લોકો એવરેસ્ટ ચડી આવ્યા. હવે તો અપંગ અને વૃદ્ધો પણ એવરેસ્ટ ચડી જાય છે અને તોય આપણને એમના નામ પણ ખબર નથી પરંતુ પહેલાં આરોહક તરીકે આપણે તેનસિંગ અને હિલેરીને જાણીએ છીએ.
તો પછી નામ રાખવા માટે, નવો કિર્તિમાન ઊભો કરવા માટે આખરે કરવું શું? નામ અમર કરી દેવા માટે શું કરવું તેનું લિસ્ટ પ્રતિ દિન વધુ અઘરું બનતું જાય છે. કિર્તિના કોટ કદી ન પડે એ માટે કેટલી ઊંચાઈ રાખવી તેનો આંકડો પણ દિવસે ને દિવસે વધુ ને વધુ ઊંચો જઈ રહ્યો છે. લેટેસ્ટ ફિગર છે ૩૯,૫૭૬ મીટર અથવા ૧,૩૦,૦૦૦ ફૂટ અથવા ૩૯.૫ કિલોમીટર પાક્કા અને પૂરાં!
યસ, ફેલિક્સ બોમગાર્ટનર નામના ઓસ્ટ્રિયન સાહસવીરે પૃથ્વીના વાતાવરણની સીમાને પાર જઈને ૩૯ કિલોમીટરની ઊંચાઈએથી કૂદકો માર્યો અને અવાજની ગતિ કરતાં પણ વધુ (સુપરસોનિક) સ્પિડમાં તે પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો. મુક્ત પતનના આખરી પોણા બે કિલોમીટરમાં તેનું પેરાશૂટ ખુલ્યું અને તેણે સહીસલામત ઉતરાણ કર્યું. ત્યાં સુધી તે હવામાં નિરંકૂશપણે ફંગોળાતો રહ્યો. પહેલી નજરે સંપૂર્ણપણે આત્મઘાતી લાગતું આ સાહસ આમ જુઓ તો માનવ તવારિખનું અનોખું, બેનમૂન અને પ્રચંડ પરાક્રમ છે.
કોઈકે ધક્કો માર્યો હોય તો ઠીક છે બાકી ભૂલથી ય ક્યાંય ન પડવું એવી ફૂંકી ફૂંકીને ચાલવાની રીતરસમને વ્યવહારૃ ભાષામાં શાણપણ કહેવાય છે. એ હિસાબે ફેલિક્સ બોમગાર્ટનર નામનો એ માણસ જે કરે છે તેને ગાંડપણ જ કહી શકાય. ૩૯ કિલોમીટરની ઊંચાઈએથી નિર્જીવ પથ્થરની માફક પોતાના શરીરને અપરંપાર જોખમો વચ્ચે અકારણ, ફક્ત એક રેકોર્ડ રચવા માટે જ ફેંકી દેવું એ વ્યવહારની એકપણ ભાષામાં ડહાપણ ન હોઈ શકે. પરંતુ સાથોસાથ એ પણ હકિકત છે ઈતિહાસ આવા પાગલપનથી, આવા ઝનૂનથી જ રચાતો હોય છે. ઈતિહાસ રચી ચૂકેલો ફેલિક્સ બોમગાર્ટનર પણ એવો જ પાગલ છે.
પહેલી વાત તો એ કે, ફેલિક્સ બોમગાર્ટનરનું આ આંધળું સાહસ માનવ તવારિખમાં શા માટે બેમિસાલ છે તે સમજીએ. અત્યાર સુધીમાં અવાજ કરતાં પણ વધુ ગતિએ પૃથ્વીના વાતવરણમાં પ્રવેશ કરીને મુક્ત પતન પામવાનો સદેહ અનુભવ માનવીએ ક્યારેય કર્યો નથી. ધ્વનિપટલને ચીરીને વિમાન જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે પ્રચંડ કડાકો થાય છે એ આપણને ખબર છે પરંતુ જીવતોજાગતો માણસ એટલી જ ગતિથી ઝિંકાય ત્યારે ધ્વનિપટલમાં શું થાય, એ માણસનું શું થાય, તેનું શરીર કેવી પ્રતિક્રિયા કરે, શરીર પર ગતિની કેવી અસર થાય, હવાનું દબાણ કેવું હોય, ઓક્સિજન કેવી રીતે મેળવી શકાય, હવા સાથેના ઘર્ષણથી કેટલી ગરમી પેદા થાય, એ ગરમી સામે કેમ રક્ષણ મેળવી શકાય એ દરેક પ્રશ્નોના જવાબ આપણને ખબર નથી.
નવી દવાની શોધ થાય ત્યારે તેની અસરકારકતા લેબોરેટરીમાં ઉંદર અને સસલાં જેવા જીવો ઉપર અજમાવી જોવામાં આવે છે એવા મોડેલ એક્સ્પેરિમેન્ટ દરેક કિસ્સામાં શક્ય ન પણ હોય. પાંચ દાયકા પહેલાં જ્યારે અમેરિકા અને રશિયા વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ હતું અને અવકાશમાં પ્રભુત્વ સ્થાપવાની એ બે દેશો વચ્ચે હોડ જામી હતી ત્યારે સ-માનવ અવકાશયાત્રા પૂર્વે રશિયાએ ચકાસણી ખાતર લાઈકા નામની કૂતરીને અવકાશમાં મોકલી હતી. એ પ્રયોગ જોકે સરિયામ નિષ્ફળ નીવડયો અને છેવટે એ સ્વીકારાયું કે આવા કિસ્સામાં શબ્દશઃ આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય.
ફેલિક્સ બોમગાર્ટનર જન્મજાત સાહસવીર છે અને પૂર્વે પણ આવા અનેક પરાક્રમો દાખવી ચૂક્યો છે પરંતુ આ વખતનો ફેલિક્સનો કૂદકો સાવ અકારણ ફક્ત રેકોર્ડ સ્થાપવા માટેનો જ ન હતો. રેડ બુલ નામની વ્યવસાયી સંસ્થાને પોતાના આ ડેથ જમ્પને લગતું તમામ પ્રચારકાર્ય સોંપ્યા પછી ફેલિક્સને ડેથ જમ્પ પહેલાં જ વ્યાપક પ્રસિદ્ધિ મળી ગઈ હતી, જેનો એ ખરા અર્થમાં હકદાર પણ હતો. એક ફિલ્મમાં કામ કરીને પોતાના જ હાથે પોતાની પીઠ થાબડી લેતાં બેશર્મ ફિલ્મસ્ટાર્સની સરખામણીએ આ કિસ્સામાં તો ફેલિક્સ જો નિષ્ફળ જાય તો સાહસની કિંમત તરીકે તેણે જીવ ગુમાવવાના હતો એટલે રેડ બુલના માધ્યમથી ફેલિક્સને મળતી તમામ પ્રસિદ્ધિ લેખે હતી જ.
એ સિવાય પણ ફેલિક્સના કૂદકાનું વૈજ્ઞાાનિક મહત્વ પણ હતું. નાસાએ અવકાશ કાર્યક્રમો અટકાવી દેવાની જાહેરાત કર્યા પછી હવે અનેક ખાનગી કંપનીઓ અવકાશ ક્ષેત્રે પ્રવેશી ચૂકી છે ત્યારે ગૂગલ, માઈક્રોસોફ્ટ, વર્જિન ગેલેક્ટિક જેવી ખાનગી કંપનીઓ પણ ફેલિક્સના આ અભિયાનમાં સહર્ષ અને વિના મૂલ્યે જોડાઈ હતી. ફેલિક્સની હેલમેટથી માંડીને તેના સમદાબ ડ્રેસની બનાવટમાં આ દરેક કંપનીએ આર્થિક અથવા તો તાંત્રિક યોગદાન આપ્યું છે. કારણ કે, ફેલિક્સના અનુભવના આધારે અવકાશ ક્ષેત્રે પ્રવેશવા માંગતી આ કંપનીઓ પોતાના કાર્યક્રમો ઘડી શકે છે. પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષા (લો ઓરબિટ) સુધીના અવકાશ પ્રવાસો તો હવે ગણતરીના દિવસોમાં ખાનગી કંપનીઓ હાથ ધરવાની છે. એ સંજોગોમાં આકસ્મિક સંજોગોમાં કોઈ જોખમ ખડું થાય તો પ્રવાસીને સુપરસોનિક સ્પિડે કઈ રીતે પૃથ્વી પર સલામત ઉતરાણ કરાવવું તેના અભ્યાસ માટે પણ ફેલિક્સનો કૂદકો એક એવો પદાર્થપાઠ શીખવાડી શક્યો છે જે ક્લાસરૃમમાં કે લેબોરેટરીમાં બેસીને શીખી શકાય તેમ ન હતો.
૩૬ કિલોમીટરની ઊંચાઈએથી પડતું મૂક્યા પછી ફેલિક્સ મહત્તમ ૧૧૨૦ કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે નીચે ફેંકાયો ત્યારે તેના શરીરમાં થતી પ્રક્રિયાઓ, શરીરના કોષો પર થતી અસર, હૃદયની ગતિમાં થતો બદલાવ અને પ્રચંડ દબાણ હેઠળ સમદાબ ડ્રેસ છતાં ચામડીના પહેલા સ્તરના કોષોની પ્રતિક્રિયા જાણવા તેના ડ્રેસ સાથે કુલ ૨૬,૦૦૦થી વધારે સેન્સર જડી લેવાયા હતા. ફેલિક્સના સફળ ઉતરાણને લીધે હવે તેના ડેટાનો અભ્યાસ કર્યા પછી માનવજાત માટે વધુ એક ક્ષેત્ર સફળ અને સરળ બની રહેશે એ નિશ્ચિત છે.
બલૂનમાં ઉપર જઈ રહેલો ફેલિક્સ છેક સુધી વીડિયો કેમેરામાં જાણે ઝાડની ડાળીમાં ફસાયેલો પતંગ કાઢવા ધાબા પરથી છલાંગ મારવાનો હોય એટલી સહજતાથી વાતો કરી રહ્યો હતો અને ચોક્કસ ઊંચાઈ હાંસલ થયા પછી, 'ઓકે... સી યુ સૂન...' એટલું જ બોલીને તેણે છલાંગ મારી દીધી. ફેલિક્સ બોમગાર્ટનરની માતાએ તેના પરાક્રમી અને અવળચંડા દીકરાના આ ડેથ જમ્પને આંખનું મટકું પણ માર્યા વિના જોયો હતો. જ્યાં મોત અને જિંદગી શેવિંગ બ્લેડની ધાર જેટલી પાતળી ભેદરેખા પર ઊભા હતા ત્યાંથી દીકરાએ છલાંગ મારી ત્યારે પણ મટકું માર્યા વગર તેના પરાક્રમને તેની માતાએ જોયું અને તે સજળ આંખે ફક્ત એટલું જ બોલી, ઈડિયટ...!
ઈતિહાસ આવા ચક્રમોથી જ સર્જાય છે એ વધુ એક વાર પૂરવાર થયું.
બ્રેવો ફેલિક્સ.

Share |
 

Gujarat Samachar Plus

૮૮ વર્ષીય અમુ ભગત કહે છે કે, ગરબાની ગરિમા, સાતત્ય અને ઉમળકો રહ્યો નથી
નવરાત્રિમાં તમારી દરેક ગતિવિધિ પર જાસૂસી બાજનજર
ભરાવદાર શરીરને સ્લીમ-દેખાડતી જિન્સ
નવરાત્રીમાં ઢોલના વેચાણમાં ૪૦ ટકાનો ઘટાડો
નવરાત્રિમાં મલ્લામાતા બાળકોને ક્રિએટીવ બનાવે છે
 

Gujarat Samachar glamour

કરીનાના લગ્નમાં હાજરી અંગે કરિશ્માના સાસરીયામાં ધમાલ
ઈટાલીના ફિલ્મોત્સવમાં અમિતાભ મહેમાન બની જશે
અનુષ્કાનું ભાવિ ઉજળુ
'બુસાન ફિલ્મોત્સવ'માં 'બર્ફી'ની ભારે વાહવાહી થઈ
કિંગખાન-કેટરીના કૈફના કિસિંગ સીન જોઈ સલમાન ભડક્યો
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

આઇ ફેસ્ટ-૨૦૧૨નો પ્રારંભ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved