Last Update : 13-October-2012, Saturday

 

કોહલીનું કદ વધુ ને વધુ 'વિરાટ' બની રહ્યું છે

યુવા ખેલાડીઓમાં કોહલી અત્યારે અનન્ય નામ સ્થાપિત કરવામાં સફળ થયો છે અને વન-ડે તથા ટેસ્ટમાં વર્ષોથી ભારતીય ટીમની જીવાદોરી સમાન પ્લેયરોની ખોટ પૂરી કરી રહ્યો છે

 

૨૦૧૧માં બીજી એપ્રિલે શ્રીલંકાને હરાવી ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીતી હતી ત્યારે સચિન તેન્ડુલકરને ટીમના અન્ય સભ્યોએ ખભા પર બેસાડી આખા વાનખેડે સ્ટેડિયમનો રાઉન્ડ માર્યો હતો. જ્યારે વિરાટ કોહલીને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે 'જે ખેલાડી છેલ્લા બાવીસ વર્ષથી ટીમનો ભાર સંભાળી રહ્યો છે એનો અમે થોડા સમય માટે તો ભાર ઉઠાવી શકીએ જ ને!'. તેના આ જવાબે લગભગ આખા દેશના ક્રિકેટરસિકોને જીતી લીધા હતા, પણ ખુદ કોહલીને જ નહીં ખબર હોય કે જે વાક્ય તેણે સચિન તેન્ડુલકર માટે કહ્યું હતું એ દોઢ વર્ષના સમયમાં તેના માટે પણ સાચું બનશે. ઇજા અને આરામને ધ્યાનમાં રાખી સચિન તો હવે ટીમમાંથી આવ-જા કરી રહ્યો છે ત્યારે વિરાટ કોહલી (વન-ડેમાં તો ખાસ) એવો ખેલાડી સાબિત થયો છે કે જ્યાં સુધી એ ક્રીઝ પર હોય ત્યાં સુધી ટીમનું પલડું ભારે જ ગણી શકાય. આ વર્ષે જ આઇસીસી વન-ડે ક્રિકેટર ઓફ ધી યરનો અવોર્ડ જીતનારા કોહલીએ હમણાં જ પૂરા થયેલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત તરફથી સૌથી સારી બેટિંગ કરી શ્રુંખલાની ટીમમાં ભારતના એકમાત્ર ખેલાડી તરીકે સ્થાન મેળવ્યું હતું.
અત્યારે યુવા બેટ્સમેનમાં ભારત પાસે પ્રતિભાશાળી ખેલાડીઓની ફોજ છે. સુરેશ રૈના, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, એસ. બદ્રિનાથ, અજિંક્ય રહાણે, મનોજ તિવારી અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની હાજરીમાં જો કોઈ એક ખેલાડીએ પોતાનું નામ ઘણું આગળપડતું કરી નાખ્યું હોય તો એ વિરાટ કોહલી છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં ભારતીય ટીમનું ઉપ સુકાનીપદ મેળવ્યા પછી કોહલીને નજીકના ભવિષ્યમાં મહેન્દ્ર સિંહ ધોનીના સ્થાને જોવામાં આવી રહ્યો છે.
હોય પણ કેમ નહીં? કેટલાય કારણો છે જે અત્યારે કોહલીને 'કેપ્ટન કૂલ'ની ઇનિંગ્સ પૂરી થાય પછી નવી મંજિલ સુધી પહોંચાડવા માટેના સારથિ તરીકે સાબિત કરી રહ્યા છે. પહેલું અને સૌથી મહત્ત્વનું કારણ તો કોહલીનું ક્રિકેટર તરીકે પ્રભાવશાળી યોગદાન છે. વન-ડે, ટેસ્ટ કે ટી-૨૦માંથી કોઈ પણ પ્રકારમાં વિરાટ કોહલીએ છેલ્લા એક વર્ષમાં ભારતીય ક્રિકેટરોમાં સૌથી સારો દેખાવ કર્યો છે.
પર્ફોર્મન્સ ઉપરાંત કોહલીએ ખુદ ભારતને અન્ડર-૧૯ વર્લ્ડ કપ જીતાડયો છે. કપ્તાનીનો અનુભવ તેનો સિનિયર ખેલાડી તરીકે પણ રહ્યો છે અને આઇપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેન્લોરનું તેણે નેતૃત્વ કર્યું છે. આ ઉપરાંત અત્યારે તે ટીમનો ઉપકપ્તાન છે અને મોટા ભાગે એમ થતું હોય છે કે ઉપકપ્તાનને કેપ્ટન્સી માટે સૌથી મોટો દાવેદાર ગણવામાં આવતો હોય છે. કોહલી અને ધોનીની જોડી પણ અત્યારે કેપ્ટન-વાઇસ કેપ્ટન તરીકે ઘણી સક્રિય છે અને ભારતીય ક્રિકેટમાં ધોનીનું નામ તો સૌથી સફળ કેપ્ટનોમાં ગણવામાં આવે જ છે ત્યારે એની પાસેથી ઘણી બાબતો કોહલીને શીખવા મળતી હશે એ ચોક્કસ છે. આ ઉપરાંત એક કેપ્ટન તરીકેની આક્રમકતા કોહલી પાસે છે. આક્રમક હોવા ઉપરાંત કોહલી મેદાન પર સામેની ટીમ માટે અભિમાની અને પોતાની ટીમ માટે ઘણો લાગણીશીલ છે. (વિકેટ પડે પછી કે સદી મારે ત્યારે થતા ગાળોના વણઝારને તો અવગણી જ શકાય).
ક્રિકેટ પ્રત્યે વિરાટ કોહલી કેટલો સમર્પિત રહ્યો છે એનો કિસ્સો તો ઘણો પ્રચલિત છે જ. પિતાના અવસાનની જાણ થયા પછી પણ તેણે રણજી ટ્રોફીની મેચમાં ટીમની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બેટિંગ ચાલુ રાખી હતી અને ૯૩ રન મારી ટીમને સલામત કરીને જ તેણે પોતાના જીવનના સૌથી મોટા આઘાતનો સામનો કરવા ગયો હતો. વિરાટ કોહલીની નજીકના માણસો માને છે કે એ દિવસથી એક વાત તો સાબિત થઈ જ ગઈ હતી કે કોહલી તમામ બાબતોમાં ક્રિકેટને તે પહેલું સ્થાન આપે છે. એ કારણે જ ક્રિકેટ પ્રત્યે આટલો સંવેદનશીલ છે અને મેદાન પર આટલા આક્રમક અંદાજ સાથે જોવા મળતો હોય છે. જોકે એમાં આંધળુકિયા નથી કરતો એ પણ ચોક્કસ છે. તે આ રમતને પૂરેપૂરી સમજે છે અને એ કારણે જ ફિલ્ડિંગમાં હોય ત્યારે કે બેટિંગ કરતો હોય, કોહલીની પરિપક્વતા અને પોતાની ભૂલને સુધારવાની ઝંખના દેખાય આવતી જ હોય છે.
ક્રિકેટના ખરા ચાહકો તો અત્યારથી વિરાટ કોહલીને ૨૦૧૫ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના સુકાનને સંભાળનારા તરીકે સ્વીકારીને બેઠા છે. બીજી બાજુ ક્રિકેટ સાથે સંકળાયેલા જાણકારો અને વિશેષજ્ઞાો હજી થોડો સમય રાહ જોઈ કોહલીના પર્ફોર્મન્સ તરફ નજર કરવા માગે છે અને અત્યારથી બહુ આશાવાદ બતાવવા નથી માગતા. જોકે એક વાત તો સંપૂર્ણપણે સાચી છે કે ભારતીય ક્રિકેટમાં જો અત્યારે કોઈ ઉગતો સૂરજ હોય તો એ વિરાટ કોહલી જ છે.
અમુક લોકો માટે વિરાટની જો એકમાત્ર વાત ગંભીર અને ચિંતાજનક લાગતી હોય તો એ તેનો ગુસ્સો છે. અમ્પાયર, હરીફ ટીમના ખેલાડી કે ચાહકો સાથેના તેના વિખવાદો બહુચર્ચિત રહ્યા છે. એમાં ઓસ્ટ્રેલિયા સામેની સિડનીની ટેસ્ટમેચમાં ચાહકોને વચ્ચેની આંગળી બતાવીને તેણે વિવાદ સર્જ્યો હતો. જોકે પોતાના બચાવમાં વિરાટે કહ્યું હતું કે તેણે એ દિવસ સુધીમાં માતા કે બહેન વિશેની એનાથી ખરાબ વાતો નહોતી સાંભળી અને તે પોતાને રોકી નહોતો શક્યો. આ કારણે જ ચાહકોમાં તેણે પોતાનું અલગ સ્થાન બનાવ્યું હતું કારણ કે ૪-૦થી વાઇટવોશ પામેલી ભારતીય ટીમમાં એકમાત્ર કોહલી એવો ખેલાડી હતો જેણે સદી મારી હતી અને બેટિંગથી પ્રભાવિત કર્યા હતા અને સાથે-સાથે પોતાનો આક્રમક અંદાજ પણ બતાવી દીધો હતો. આ સિરીઝ પછી વિરાટે કહ્યું હતું કે 'ઓસ્ટ્રેલિયાની ટેસ્ટસિરીઝે મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધાર્યો હતો. ટિકાકારોએ ટેસ્ટમાં મારી તકનીક અને ધીરજ માટે પ્રશ્નાર્થો કર્યા હતા. જોકે પર્થ અને એડેલેડ (અનુક્રમે ૭૫ અને ૧૧૬ રન)ની ઇનિંગ્સથી ઘણો સંતોષ મળ્યો હતો. વન-ડે સિરીઝમાં હોબાર્ટમાં મારેલી સદીએ એમાં ઉમેરો જ કર્યો હતો.' ઘણા લોકોનો મત છે કે રાહુલ દ્રવિડ અને વી.વી.એસ. લક્ષ્મણે આ સિરીઝને કારણે જ નિવૃત્તિ જાહેર કરવી પડી છે, પણ એ પહેલાં રાહુલ દ્રવિડે જાણે પોતાનું સર્ટિફિકેટ આપ્યું હોય એમ કહ્યું હતું કે 'મને લાગે છે કે અત્યારે ત્રણેય ફોર્મેટમાં વિરાટ સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે.'
૨૪ વર્ષની ઉંમરે સચિન તેન્ડુલકર પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે બાવન ટેસ્ટ રમી લીધી હતી અને એમાં ૧૧ સદીઓા મારી હતી. વિરાટ 'ચીકુ' કોહલી આવતા મહિને ૨૪ વર્ષ પૂરા કરશે અને તેણે હજી ફક્ત ૧૦ ટેસ્ટ રમી છે અને બે સદી મારી છે. રનની દ્રષ્ટિએ જોઈએ તો ૧૦ ટેસ્ટ પછી દ્રવિડના ૭૭૩ રન હતા અને કોહલીના ૭૦૩ રન છે. આ કારણે જ ઘણાનો મત છે કે આવનારા સમયમાં વિરાટ પહેલા ક્રમે હશે અને ભારતીય ક્રિકેટમાં જે સ્થાન દ્રવિડ, લક્ષ્મણ, ગાંગુલી કે કપિલ દેવનું હતું એ તો તે નજીકના ભવિષ્યમાં મેળવી લેશે.
ઘણા તેને સચિનના સ્થાને પણ જુએ છે, પણ સંજય માંજરેકર જેવા ભૂતપૂર્વ ખેલાડીના કહેવા મુજબ બે કે ત્રણ વર્ષ સતત સારા પર્ફોર્મન્સ બાદ સચિનના સ્થાને કોહલી નહીં પહોંચી શકે, પણ આવતા પંદર વર્ષ સુધી જો તે નિયમિત પોતાના દેખાવથી લોકોને પ્રભાવિત કરતો રહેશે તો તે અવશ્ય ક્રિકેટના ઇતિહાસના મહાનતમ ખેલાડીઓમાંનો એક ગણાશે.
કોહલી લાંબા સમય સુધી પ્રભાવશાળી બેટિંગ કરી શકશે એમ માનનારા ઘણા હોય તો એ ખોટું નથી. કોહલીની ટેક્નિક એ પ્રકારની છે કે તે ઇનિંગ્સના બે છેડા ભેગા કરવામાં પણ મદદરૃપ થઈ શકે અને જ્યારે જરૃર હોય ત્યારે રનનો ખડકલો પણ કરી શકે. આ કારણે જ તો કોહલી અને સેહવાગની સરખામણીમાં કહેવામાં આવે છે કે સેહવાગની આક્રમકતામાં જો ટેક્નિક ઉમેરી દેવામાં આવે તો એ ખેલાડી વિરાટ કોહલી ગણાય. લસિથ મલિંગાથી માંડી સ્ટુઅર્ટ બ્રોડ સુધીના બોલર આજે વિરાટ કોહલીના અભેદ્ય બેટિંગ કવચને તોડવા માટે ગમે તેટલા વલખાં મારે તો પણ સફળતાથી નજીક પહોંચી નથી શક્યા.
કોહલીના શરૃઆતના કેરિયર પર નજર કરીએ તો ભલે એ જાણ થાય કે સચિન, સેહવાગ કે ગંભીર ઇજાગ્રસ્ત હોય અથવા આરામ ફરમાવતા હોય ત્યારે કોહલીને સ્થાન મળ્યું હતું, પણ તકને ઝડપીને તેણે ધીમે-ધીમે પોતાને ટીમનો અનન્ય હિસ્સો બનાવી લીધો છે.
હવે બધું વિરાટ કોહલી પર જ નિર્ભર કરે છે કે ક્રિકેટજગતમાં યાદગાર રહી જાય એવા ખેલાડી તરીકે તો તેનું નામ થઈ ગયું છે, પણ ક્રિકેટની રમતનો ઉલ્લેખ થાય ત્યારે આપોઆપ મોઢે આવી જતા નામો સુધી તે પહોંચી શકે છે કે નહીં. અત્યારના તેના અંદાજ અને ક્ષમતા પરથી તો આ પડકારને કોહલી 'વિરાટ' નહીં, પણ 'વામન' જ ગણતો હશે.

Share |
 

Gujarat Samachar Plus

પૈસા માટે પેરેન્ટસ સામે ક્યારેય હાથ ફેલાવ્યો નથી
૧૨ વર્ષથી ૨૦૦ કાગડાને જમાડું છું
મેનેજમેન્ટ સ્ટુડન્ટસની ફૂટબોલ કોમ્પિટીશનમાં IIM છવાયું
પ્રસંગ સચવાયા પછી મેકઅપ દૂર કેવી રીતે કરશો?
ઘરને મહેકાવો પ્રાકૃતિક સુગંધથી
 

Gujarat Samachar glamour

સોનમને ફિલ્મોમાં 'શો-પીસ' નથી બનવું
સલમાન ખાન નિર્દયી નહીં પણ દયાવાન છે
સૈફિના જે હોટલમાં ઝઘડો કર્યો ત્યાં જ લગ્નનો જશ્ન
અમિતાભ નામની શાળામાં કોઇને બર્થ-ડે જાણ નહોતી
જેનિફર એનિસ્ટન અને જસ્ટિન થેરોક્સ હવે પરણી જશે
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved