Last Update : 09-October-2012, Tuesday

 

ઓપરેશન બ્લ્યુ સ્ટારના હીરો બ્રાર પર હુમલાની ભીતરમાં ઘણાં ભેદ ઘૂંટાઈ રહ્યા છે
સૂઈ ગયેલા ખાલિસ્તાન તરફીઓને કોણ ઢંઢોળી રહ્યું છે?

કેનેડાના હવાલા કૌભાંડમાં સંડોવાયેલા તત્ત્વો ખાલિસ્તાન લિબરેશન આર્મી અને આઈએસઆઈના એજન્ટ હોવાના આઈબીના અહેવાલ પછી પણ રક્ષા મંત્રાલયે 'જા બિલાડી મોભામોભ' જેવું વલણ દાખવ્યું, જે છેવટે લેફ્ટેનન્ટ જનરલ બ્રાર પરના હુમલામાં પરિણમ્યું

બે અજબ યોગાનુયોગ ધ્યાનમાં લેવા જેવા છે.
સિત્તેરના દાયકામાં અમેરિકી પ્રમુખ રિચાર્ડ નિક્સનના સુરક્ષા સલાહકાર રહી ચૂકેલા હેન્રી કિસિન્જર હાલ નેવુ વર્ષના થવા આવ્યા છે ત્યારે તેમની મુલાકાતોની શૃંખલા વધુ એક પુસ્તક તરીકે આવી રહી છે. આ પુસ્તકમાં કિસિન્જરે જિંદગીમાં પહેલી વાર ભારતની તરફેણ કરી છે અને પાકિસ્તાનને માથાભારે ગણાવ્યું છે. કિસિન્જર તેમના કાર્યકાળ દરમિયાન (અને એ પછી પણ બે દાયકા સુધી) હળાહળ ભારતદ્વેષી હતા. ભારત પ્રત્યે તેમનો કિન્નો એટલો પ્રબળ હતો કે પ્રમુખના સુરક્ષા સલાહકારની હેસિયત છતાં તેઓ પોતાને ભારતના વડાપ્રધાનથી ય ઉપર માનતાં હતા.
ભારતને કફોડી હાલતમાં મૂકવા માટે અમેરિકા પાકિસ્તાનની પીઠ થપથપાવતું રહે એ કાયમી અમેરિકી નીતિના ઘડવૈયા જ કિસિન્જર હતા. એ જ કિસિન્જરે પાછલી અવસ્થામાં લગભગ આઠેક વર્ષ પહેલાં તેમની પ્રકૃતિ અને અણગમાથી વિપરિત વિધાન કર્યું હતું કે, ભારત તો ગરીબ ગાય જેવું છે, ખરા અડપલાં તો પાકિસ્તાન કરે છે. પાકિસ્તાન જેવો પાડોશી દેશ જેના નસીબમાં હોય એ ચેનથી ઊંઘી જ ન શકે. (સંદર્ભઃ Nixon and Kissinger: Partners in Power, by Robert Dallek)
કિસિન્જરે ભલે ત્રણ દાયકા પછી પોતાનું અંગત સત્ય ઉજાગર કર્યું હોય પરંતુ લેખક રોબર્ટ ડલેક સાથેના તેમના પુસ્તકનો બીજો ભાગ માર્કેટમાં આવી રહ્યો છે બરાબર ત્યારે જ તેમના વિધાનને યથાર્થ સાબિત કરતા પાકિસ્તાનના વધુ એક અટકચાળાના ચિહ્નો પણ જોવા મળી રહ્યા છે. છેલ્લા છ મહિનાથી કાશ્મીરમાં આતંકવાદ સુસ્ત થઈ ચૂક્યો છે. ઉલ્ફા, મિઝો અને મણિપુર લિબરેશન ફ્રન્ટ જેવા પાક.પ્રેરિત અલગતાવાદીઓ પણ ઠંડા પડી ચૂક્યા જણાય છે. હજુ હમણાં જ આસામની ઘટનાને ચગાવીને બોડો ઉગ્રવાદીઓને ઝનૂને ચડાવવાનો ચાળો પણ પાકિસ્તાને કરી જોયો પરંતુ તેમાં પણ ખાસ ભલી વાર વળી નથી. આથી પાકિસ્તાને હવે એ જ જૂના અને જાણીતા ખાલિસ્તાન તરફીઓનો દાણો દબાવ્યો હોવાનું જણાય છે.
ગત અઠવાડિયે ઓપરેશન બ્લ્યુ સ્ટારની આગેવાની લઈ ચૂકેલા લેફ્ટેનન્ટ જનરલ (નિવૃત્ત) કુલદીપસિંઘ બ્રાર પર લંડનમાં હુમલો થયો ત્યારે ભારતીય માધ્યમોની માફક રક્ષા મંત્રાલયે પણ પ્રારંભે મોળી પ્રતિક્રિયા આપી હતી. અંગત કારણોસર લંડન ગયેલા કે.એસ.બ્રાર આ પૂર્વે પણ પોતાને ખાલિસ્તાન તરફી સંગઠનો દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી મળી રહી હોવાનું જણાવી ચૂક્યા છે. સુરક્ષાના કારણોસર જ તેમણે દિલ્હી, લુધિયાણા અને કાનપુરમાં તેમના મકાનો હોવા છતાં નિવૃત્તિ પછી ખાલિસ્તાન તરફીઓની પહોંચથી દૂર મુંબઈમાં વસવાટ કરવાનું પસંદ કર્યું છે.
લેફ્ટેનન્ટ બ્રારે તેમના પર હુમલો થયા પછી તરત જ ખાલિસ્તાની તરફીઓનો જ એ પ્રયાસ હોવાનું સ્પષ્ટ કરવા છતાં લંડન સ્થિત ભારતીય એમ્બેસીએ એવું સત્તાવાર નિવેદન કર્યું કે, 'બેટર વી વેઈટ ટીલ ધ ઈન્વેસ્ટિગેશન વિધાઉટ ક્લેઈમિંગ એનીબડી.' બીજા દિવસે બ્રારે ભારતીય એલચી કચેરીના આ વલણ સામે ઉગ્ર રોષ ઠાલવ્યો અને ગાર્ડિયન સહિતના અખબારોએ તેને બહોળી પ્રસિદ્ધિ આપી એ પછી ભારતીય માધ્યમોને પણ ઘટનાની ગંભીરતા જણાઈ અને ભારતીય માધ્યમોમાં બ્રાર પર થયેલા હુમલાનું ખાલિસ્તાન કનેક્શન ચમક્યા પછી રક્ષા મંત્રાલયે વિદેશ વિભાગની મદદ વડે તાત્કાલિક બ્રારને સુરક્ષા આપી અને લંડન પોલીસને આ મામલાની તપાસ ઈન્ટરપોલને સોંપવાની સત્તાવાર હિમાયત કરી.
હવે સોમવારે ઈન્ટરપોલે જાહેર કરેલા તપાસના પ્રાથમિક તારણો મુજબ, બ્રાર પર થયેલા હુમલામાં કેનેડા સ્થિત ખાલિસ્તાની સંગઠનો સંડોવાયેલા છે અને લંડનમાં તેમને આશરો આપવામાં, વાહનો તેમજ નાણાકિય મદદગારીમાં પાકિસ્તાનની કુખ્યાત આઈએસઆઈનો હાથ હોવાનું કહેવાય છે. બ્રિટિશ જાસૂસી સંસ્થા એમઆઈ-૬ દ્વારા અપાયેલા રિપોર્ટને લીધે લંડન પોલીસે ગત મહિને, જ્યાં ગુજરાતીઓની ખાસ્સી વસ્તી છે એ વેમ્બલી વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓની શંકાસ્પદ હિલચાલને લીધે અટકાયત કરી હતી. બાદમાં એ ત્રણેય બનાવટી પાસપોર્ટના સહારે બ્રિટનમાં ઘૂસેલા સાઉદી અરેબિયન નાગરિકો હોવાનું જણાતાં તેમના પર કેસ દાખલ કરી સ્થાનિક જામીનગીરી મેળવીને તેમને છોડી મૂકાયા હતા. બ્રાર પરના હુમલા પછી એમઆઈ-૬ દ્વારા આ ત્રણેયની પુનઃ પુછપરછ હાથ ધરાઈ ત્યારે હુમલાના છેડા સીધા આઈએસઆઈ સાથે જોડાતા હોવાનું પ્રથમદર્શી રિપોર્ટમાં જાણવા મળે છે.
ભારત માટે આ સમગ્ર ઘટના, આઈએસઆઈની સંડોવણી કે ખાલિસ્તાની ઉગ્રપંથીઓની પુનઃસક્રિયતા ન હોય તો પણ પોતાના એક ટોચના લશ્કરી અફસર પરના હુમલા સાથે સંકળાયેલો છે એટલે એ ગંભીરતમ હોવો જ ઘટે. આમ છતાં રાબેતા મુજબ 'હોતા હૈ, ચલતા હૈ'ની ઉદાત્ત ભાવનાથી ચાલવા ટેવાયેલું ભારતીય તંત્ર મોડે મોડેથી જાગ્યું અને એ પછી ય જ્યાં સતર્ક પગલા લેવાની આવશ્યકતા છે ત્યાં આપણે હજુ આંખો ચોળી રહ્યા છીએ. ઈન્ટરપોલના પ્રાથમિક અહેવાલ પછી ભારતે તાત્કાલિક પાકિસ્તાન સામે કાગારોળ કરવો જોઈએ તેને બદલે આપણે હજુ ય એ અહેવાલની સત્તાવાર કોપી મળે તેની રાહ જોઈએ છીએ. (જે ખરેખર તો બ્રિટન સ્થિત ભારતીય એમ્બેસીને મળી જ ચૂકી છે.)
આઘાત અને આશ્ચર્યની બાબત એ છે કે, છેક ૧૯૮૪માં ઓપરેશન બ્લ્યુ સ્ટારની કાર્યવાહી થઈ હોય અને હાલ પંજાબ સહિત ભારતમાં સર્વત્ર શીખ સમુદાય સુદ્ધાં અલગતાવાદની એ માન્યતા વિસરીને મુખ્ય પ્રવાહમાં વહી રહ્યો હોય ત્યારે ખાલિસ્તાની અલગતાવાદીઓને અચાનક જ સક્રિય થવાની કેમ જરૃર પડી? એવા ક્યા પરિબળો છે જે ભૂલાઈ ગયેલા ઉગ્રવાદને ફરીથી પલિતો ચાંપી રહ્યા છે? એંશીના દાયકામાં જ્યારે ખાલિસ્તાની ચળવળ વિદેશોમાં સક્રિય હતી ત્યારે બ્રિટન અને કેનેડા તેમના મુખ્ય મથકો હતા. ટોરન્ટોથી ઉપડેલા ભારતીય વિમાનને બોમ્બ વિસ્ફોટથી ઊડાડી દેનાર ખાલિસ્તાની લિબરેશન આર્મીને નાણાકિય સહાય પૂરી પાડવામાં પણ બ્રિટન અને કેનેડા સ્થિત સંગઠનોની મુખ્ય ભૂમિકા હતી. આ સંજોગોમાં ત્રણ દાયકા પછી ખાલિસ્તાની તત્વો ફરીથી બ્રિટનની ભૂમિ પર જ પોતાના પુનઃ જન્મના એંધાણ આપે તે શું સૂચવે છે?
લશ્કરી નિષ્ણાતોના મતે આ દરેક સવાલની આંગળી પાકિસ્તાન ભણી ચિંધાઈ રહી છે. એંશીના દાયકામાં સક્રિય જગજીતસિંહ તલવંડી, બાબા હરનામ કાસ્લીવાલ, તલવિન્દરસિંઘ સહિતના નામો પછી હવે નવી પેઢી મેદાનમાં ઉતરી રહી હોવા અંગે ઈન્ટેલિજન્સ બ્યુરોએ ગત વર્ષની આખરમાં સરકારને રિપોર્ટ કર્યો હતો. એ તબક્કે કેનેડામાં પકડાયેલા હવાલા કૌભાંડમાં કેટલાંક ભારતીય નામો હતા, જે પૈકી કેટલાંક ભૂતકાળમાં ખાલિસ્તાન તરફી ચળવળ સાથે સંકળાયેલા હતા. હવાલા કૌભાંડની લાંબી કડીનો એક મણકો દુબઈ, મસ્કત અને કાઠમંડુમાં ખૂલતો હતો અને એ દરેક વ્યક્તિઓ આઈએસઆઈની એજન્ટ હોવાનું મીલિટરી ઈન્ટેલિજન્સ અને ઈન્ટેલિજન્સ બ્યુરોના રેકોર્ડ પર નોંધાયેલું છે. જેનો સીધો અર્થ એ થયો કે, હવાલાના માધ્યમથી આઈએસઆઈ ફરીથી ખાલિસ્તાન તરફી તત્વોને ઢંઢોળીને તરોતાજા કરી રહ્યું છે.
એ વખતે આઈબીના રિપોર્ટને સરકારી તંત્રે ગંભીરતાથી ન લીધો અને હવાલા કૌભાંડના મૂળમાં જવાનો પ્રયાસ કરવાને બદલે રાબેતા મુજબ 'સબ સલામત'ના રૃક્કા સાથે રિપોર્ટ ફાઈલ કરી દીધો. હવે એ નિંભર ઉદાસિનતા લેફ્ટેનન્ટ જનરલ બ્રાર પરના હુમલા તરીકે સામે આવી છે. હજુ ય જો આવી જ નિંભરતા દાખવવામાં આવશે તો પંજાબ અને ક્રમશઃ સમગ્ર દેશમાં અલગતાવાદી ચળવળને નવું મેદાન મળી શકે છે.

 

Share |
 

Gujarat Samachar Plus

ટેણિયાઓની ફેશન વેગન...
ઝેબ્રા પ્રિન્ટ કા હૈ જમાના
નયનોની નજાકત નિખારે આઇ ટાઈટ લાઈન
તમારા નવા સેલફોન માટે ક્યું નેટવર્ક પસંદ કરશો
બપોરની ઉંઘને પૂર્ણવિરામ આપવાના અવનવા નુસખાઓ
વિવિધ કલ્ચરમાં પણ વિચારોની સામ્યતા છે
સ્લિમ થવાના શોર્ટકટ અપનાવતી ગર્લ્સ
 

Gujarat Samachar glamour

શાહરૃખ-જેકી શ્રોફ દસ વર્ષ બાદ એક સાથે ચમકશે
અમિતાભને પોતાની બર્થ-ડે સરપ્રાઈઝનો અણસાર આવી ગયો
'બિગ-બોસ'ના ઘરમાં વાસ્તુશાસ્ત્ર અને ફેંગશુઈનો ઉપયોગ કરાયો
સોફિયા વેગારા ''કિલર વુમન''થી ટીવી-નિર્માત્રી બનશે
સલમાન હવેથી 'થમ્સ અપ'નો પ્રચાર કરતો દેખાશે
અમિતાભ પોતાની ફ્રેન્ચ-કટ દાઢી કઢાવી નાંખશે
ઐસા ભી હોતા હૈ...!
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved