Last Update : 08-October-2012, Monday

 

અલાસ્કા ટુ અલંગઃ વિનાશકારી વહાણની અંતિમ સફર

'એકઝોન વાલ્ડેઝ'ની આ દુર્ઘટના બાદ કંપનીએ ૧૬ હજાર કરોડ રૃપિયા ચૂકવવા પડયા હતા. જેમાં બે અબજ ડોલર (રૃા. ૧૧ હજાર કરોડ) સમુદ્રની સાફસફાઈ માટે, ૫.૫૦ ડોલર આ ઘટનાની અસર પામેલી જુદી જુદી પાર્ટીઓને ચૂકવવા પડયા હતા

સાગરકથાના કોઇ શ્રાપિત વહાણ જેવું 'એક્ઝોન વાલ્ડેઝ' અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં ઉભું છે. ૧૯૮૯માં આ જહાજમાંથી અલાસ્કાના દરિયામાં ઢોળાયેલા અઢી લાખ બેરલ ક્રુડથી લાખ્ખો જળચર જીવોનો ખાત્મો બોલી ગયો હતો. ૮૦ કરોડમાં ખરીદાયેલું કલંકિત જહાજ હવે ભાંગીને ભૂક્કો થઇ જશે પરંતુ તેની સાથે જોડાયેલી બિહામણી દુર્ઘટના કદી નહીં ભૂલાય.

 

ભાવનગર નજીક એશિયાના સૌથી મોટા શીપ બ્રેકિંગ યાર્ડમાં બરાબર છ વર્ષ અગાઉ ફ્રાન્સનું ૧૧ માળનું એક જહાજ આવા જ સમયે આવેલું... ૩૧૫ મીટરનું 'બ્લ્યૂ લેડી' જહાજ ફ્રેન્ચ શિપીંગ ઈન્ડસ્ટ્રીઝનું નાક ગણાતું હતું. કલાકાર સાલ્વાડોર ડાલી અને પોપ સ્ટાર ડેવિડ બોવી જેવી સેલીબ્રીટીના માનીતા આ વૈભવી ઓસન લાઈનરનું આયુષ્ય પૂર્ણ થતા તેને અલંગમાં તોડી નાખવા માટે લવાયું ત્યારે જહાજમાં ૧૨૦૦ ટન ઝેરી કચરો અને એસ્બેસ્ટોસ હોવાના મુદ્દે પર્યાવરણવાદીઓએ તીવ્ર વિરોધ દર્શાવેલો. આજે એક અમેરિકન જહાજ અલંગના કાંઠે આવીને ઊભુ છે. તેની લંબાઈ ૨૨૮ મીટરની છે અને નામ છે ઓરિએન્ટલ નાઈસીટી!- આ જહાજ પહેલી નજરે તો અન્ય વિશાળ કાર્ગો શીપ જેવું જ લાગે પરંતુ તેનો ઇતિહાસ જોઈએ તો એ સાગરકથાના કોઈ શ્રાપિત વહાણ જેવું છે... જેના શિરે લાખ્ખો સામૂદ્રિક જીવોના વિનાશનું પાપ છે... તેનું જૂનું નામ છે એકઝોન વાલ્ડેઝ... કેલિફોર્નિયાની નેશનલ સ્ટીલ અને શીપ બિલ્ડીંગ કંપનીએ તેને ૧૯૮૪માં તૈયાર કર્યું ત્યારે તે ઓઈલ ટેન્કર હતું. ૧૪ લાખ બેરલની ક્ષમતા સાથે તે અલાસ્કામાં લાખ્ખો ગેલન ક્રૂડ ઓઈલની હેરફેર કરતું હતું. ક્ષમતા અને બનાવટને જોતા તે અજોડ હતું. પણ એક દિવસ ન બનવાનું બન્યું.
૨૪ માર્ચ, ૧૯૮૯
અંધારૃ ધીમે ધીમે ઘેરૃ બની રહ્યું હતું. અલાસ્કાના અખાતમાં દરિયો શાંત અને આકાશ સાફ હતું, મધરાતે ચંદ્રના પ્રકાશમાં ૫૫૦ લાખ ગેલન ક્રૂડને ટેન્કોમાં ભરીને સરકી રહેલુ વાલ્ડેઝ અલાસ્કાના પ્રિન્સ વિલિયમ સાઉન્ડ વિસ્તારમાં પહોંચ્યુ ત્યારે પણ તેનામાં કોઈ અસામાન્ય ક્ષતિ કે અવરોધ ન હતા, પ્રિન્સ વિલિયમ સાઉન્ડ અમેરિકામાં સમુદ્ર જીવ સૃષ્ટિ માટે વિખ્યાત છે.
આ જળમાર્ગે અગાઉ અનેકવાર પસાર થઈ ચૂકેલ વાલ્ડેઝ માટે આ સફરમાં કોઈ પડકાર ન હતો કે ન તો યાંત્રિક ક્ષતિ છતા માનવીય બેદરકારીએ રાત્રીના ૧૨ વાગે આ જહાજ ખડક સાથે અથડાઈ ગયું. કેપ્ટન જોસેફ હેઝલવુડ તરફથી યુ.એસ. કોસ્ટ ગાર્ડને રેડિયો મેસેજ મળે છે કે ઓઈલ ટેન્કર આગળ વધી શકે તેમ નથી. ટેન્કરમાંથી ઓઈલ ઢોળાઈ રહ્યું છે. અંદાજે અઢી લાખ બેરલ ક્રૂડ ઓઈલ દરિયામાં પ્રસરી ગયું હતું. રાત્રીના જંપી ગયેલા સામૂદ્રિક જીવો માટે કોઈ જળચર દૈત્યના આક્રમણ જેવી આ દુર્ઘટના હતી, ૨૬૦૦૦ ચોરસ કિ.મી.ના દરિયામાં અને ૨૪૧૪ કિ.મી.ના એટલે કે પુરા ગુજરાતના દરિયાકાંઠાથી પણ વધુ વિસ્તારમાં ઓઈલ ફેલાયુ હતું.
જહાજમાં રહેલી ૧૧માંથી ૮ ટેન્કો તૂટી ગઈ. અમેરિકાના ઈતિહાસમાં ઓઈલ સ્પીલની આ સૌથી વિનાશક દુર્ઘટના હતી. આ દરિયાઈ સ્થળ એટલી હદે પ્રદૂષિત થઈ ગયેલું કે મત્સ્યોદ્યોગને અબજોનું નુકસાન પહોંચ્યું.
અમેરિકામાં આ દુર્ઘટના બાદ સાફ સફાઈ માટે ૧૦ હજાર સભ્યોની ટીમ કામે લગાડાઈ. વોટર બોટસના કાફલા ઉપરાંત સોથી વધુ પ્લેન સાથે દરિયાની સફાઈ કરવામાં આવી. એકઝોન વોલ્ડેઝ ખૂબ બદનામ થયું અને તમામ તપાસ પંચોએ કંપનીની બેદરકારીની ઘોર આલોચના કરી. હમણા જ એટલે કે આ દુર્ઘટનાના ૨૦ વર્ષ પછી યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલીનાએ ઓઈલ સ્પીલવાળી જગ્યા ઉપર રિસર્ચ કરતા જાણવા મળ્યું કે ધારણા કરતા સમુદ્ર જીવસૃષ્ટિને ઘણું વધારે નુકસાન થયું છે. કેટલી આર્કટીક પ્રજાતિઓ ૩૦ વર્ષ સુધી ફરી દેખા ન દે તેવું તારણ નીકળ્યું છે. બતકોના મૃત્યુની સંખ્યામાં વર્ષો પછી પણ વધારો જોવા મળ્યો હતો.
પોતાની ઉપર લાગેલા દાગને ધોવા માટે એકઝોન કંપનીએ આ તોતિંગ ઓઈલ ટેન્કરને બલ્ક કેરિયરમાં રૃપાંતરિત કરી નાખ્યું. એકઝોનના મેનેજમેન્ટે છેક સુધી એક જ ગીત ગાયું કે ક્રૂડ ઢોળાવાની દુર્ઘટના એક અકસ્માત હતો પરંતુ તમામ તપાસોમાં ઘોર બેદરકારીને જ કારણ ગણાવાઈ હતી, ભારત જેવા દેશમાં તપાસ પંચો પણ તરકટ કરતા હોય છે, હોબાળો શાંત પડે એટલે ફીંડલુ વાળી દેવામાં આપણા પોલીટીશ્યનો ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ જીતી આવે એવા છે. પરંતુ અમેરિકામાં આ દુર્ઘટના માટે ૭૯૪૫ ડોલરની નુકસાની વસુલવામાં આવી હતી.
કપાળે લાગેલી કાળી ટીલી ભૂસવા ટેન્કરમાંથી કાર્ગો શીપ બનેલા વાલ્ડેઝની કરમની કઠણાઈ પૂરી થઈ ન હતી. અંદાજે ૩૫ હજાર ટનનું વજન ધરાવતા આ જહાજને ૨૦૧૦માં ચીનમાં વધુ એક ઠોકર લાગી હતી. કાળમુખી દુર્ઘટનાથી કૂખ્યાત વાલ્ડેઝ માટે કાળની ગર્તામાં વિલીન થઈ જવાના સમયે પણ જબરી આંટીઘૂટી સર્જાઈ જેના કારણે એકઝોનને અલંગમાં ભાંગવા સામે જબ્બર વિરોધ ઉઠયો હતો, ચાર માસથી અંતિમ સફરે નીકળેલા આ જહાજમાં રહેલા ૧૫ ક્રૂ મેમ્બર દરિયામાં જ અટવાઈ ગયા હતા. હવે આ જહાજ ઓરિએન્ટ નાઈસીટીના નામે એશિયાના સૌથી મોટા શીપ બ્રેકિંગ યાર્ડમાં નાશ પામવા આવી ગયું છે.
થોડા દિવસોમાં તેનું અસ્તિત્વ ભૂંસાઈ જશે પરંતુ તેણે નોતરેલી બિહામણી દુર્ઘટના કદિ નહી ભૂલાય.

 

દુર્ઘટના વખતે કેપ્ટન જો હેઝલવૂડ
દારૃ પી ઊંઘી ગયો હતો
એકઝોન વાલ્દેઝ દુર્ઘટનાના આગળના દિવસે રાત્રે ૯ઃ૧૨ વાગે ટ્રાન્સ અલાસ્કા પાઈપલાઈન ટર્મિનલથી નીકળ્યું ત્યારે તેને વિલીયમ મર્ફીએ વાલ્દેઝ નેરોમાંથી તેને સલામત રીતે બહાર કાઢી દીધુ હતું. ગ્રેગરી કુઝીન અને હેલ્મ્સમેન રોબર્ટ કગાન કેપ્ટન જો હેઝલવુડના માર્ગદર્શન હેઠળ જહાજનું સૂકાન સંભાળતા હતા. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડની તપાસ કહે છે કે દુર્ઘટના વખતે કેપ્ટન હેઝલવુડ પોતાના ક્વાર્ટરમાં દારૃ પીને ઊંઘતા હતા. જહાજમાં આધુનિક રડાર હતું પરંતુ તે તૂટી ગયું હતું, એકઝોનના મેનેજમેન્ટને એક વર્ષથી આ વાતની ખબર હતી પરંતુ ધ્યાન અપાયું નહીં.

સામુદ્રિક જીવસૃષ્ટિનો સૌથી મોટો વિનાશ
- ૨૪ માર્ચ, ૧૯૮૯ના અલાસ્કાના અખાતમાં વાલ્દેઝમાંથી ઓઈલ ઢોળાયુ.
- દરિયામાં ઢોળાયેલુ ઓઈલઃ ૨.૫૦ લાખ બેરલ
- ક્રૂડ ઓઈલનો દરિયામાં ફેલાવોઃ ૨૬૦૦૦ ચોરસ કિ.મી.
- દરિયાકાંઠા ઉપર અસરઃ ૨૪૧૪ કિ.મી.
- પર્યાવરણથી સમૃધ્ધ ૧૮ વિસ્તારોમાં જીવસૃષ્ટિની તબાહી.
- ૨.૫૦ લાખ સાગરપંખીઓના મોત
- સીઓટર્સ, પરવાળા, બતક અને બાજ પ્રજાતિઓને લાંબા ગાળા સુધીની નુકશાની.
- મત્સ્યોદ્યોગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો.
- દરિયામાં ક્રૂડની સફાઈ માટે ૧૦ હજાર લોકો, સો વિમાનો અને બોટો વડે ઓપરેશન.
- ૨૩ વર્ષ પછી પણ હજૂ ખડકોમાંથી મળી રહેલું ક્રૂડ ઓઈલ.

 

Share |
 

Gujarat Samachar Plus

શોપિંગ કરવામાં અવ્વલ અને સફાઇ કરવામાં આળસ
હોસ્ટેલની ગર્લ્સ એકલતાની ભારે કિંમત ચૂકવે છે
ડ્રેપ કરીને બ્લેક સાડીને બનાવો બેસ્ટ પાર્ટીવેર
શરીરની બોડી પ્રમાણે પાણી પીવું જરૃરી છે
'સેકસી ફિગર' માટે ખાઓ ચોકલેટ
 

Gujarat Samachar glamour

ફરાહ ખાનનો પિતૃપ્રેમ ઘરની દિવાલ પર અંકિત થશે
કેટરીના કૈફના ગીતો હવેથી હર્ષદીપ કૌર ગાશે
નરગીસ પાસે ૭ બ્રાન્ડ-જાહેરાતો, ફિલ્મ એકપણ નહીં
અમિતાભની વિરૃધ્ધ અમરસિંહનો આક્રોશ
એક મેરેજમાં પ્રિયંકા ચોપરાએ પર્ફોર્મ કર્યું
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved