Last Update : 05-October-2012, Friday

 

મુદ્દો પકડવો એ જો આર્ટ છે તો સમય અને લોકમિજાજ પારખીને પકડેલો મુદ્દો છોડી દેવો એ માર્શલ આર્ટ છે
કેજરીવાલ એન્ડ પાર્ટીઃ મુખ મેં અણ્ણા, બગલ મેં ખુરસી

દરેક ભીંડાએ એ સમજવું પડે કે ક્યારેક તો ભાદરવો પૂરો થવાનો જ છેઃ આખી દુનિયા 'ના' કહેતી હોય ત્યારે પોતાની 'હા'ને વળગી રહેવું એ દૃઢ નિર્ણાયત્મકતાની નિશાની છે પરંતુ નજર સામે દેખાતું ય ન ઓળખવું તેને તો અંધાપો જ કહેવાય

કેટલીક વાર બહુ ભણેલા માણસે ઉથલાવેલા શાસ્ત્રોના થોથાં કરતાં ય અબૂધ માણસો વચ્ચે કહેવાતી લોકવાર્તાઓ વધુ સટિક સંદેશો આપી જતી હોય છે. એવી જ એક મજેદાર વાર્તા છે.
એકવાર બે ગોવાળિયા નદી કાંઠે ઢોર ચરાવી રહ્યા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને લીધે નદીમાં પૂર આવ્યું હતું અને નદીના ધસમસતા પ્રવાહમાં એક રિંછ તણાઈ રહ્યું હતું. એક ગોવાળિયાએ જોયું તો એને લાગ્યું કે કોઈકનો મસ્ત મજાનો ધાબળો પાણીમાં વહી રહ્યો છે. ધાબળાની લાલચમાં તેણે તો ધસમસતાં વહેણમાં પડતું મૂકી દીધું અને સપાટાભેર તરતો તરતો એ જેવો રિંછની નજીક પહોંચ્યો એટલે બચવા માટે હવાતિયાં મારતું રિંછ તરત તેના ખભા પર ચડી ગયું અને બેય તણાવા માંડયા.
દૂર કાંઠેથી તાલ જોઈ રહેલાં બીજા ગોવાળિયાએ પોતાના સાથીને તણાતો જોયો એટલે બૂમ પાડી, 'એલાં મેપા, મેલી દે ધાબળો... ધાબળો મેલી દે' જવાબમાં તણાઈ રહેલો મેપો બોલ્યો, 'હું તો મેલુ છું પણ હવે આ ધાબળો મને નથી મેલતો!!'
વહીવટીતંત્રીમાં પારદર્શિતા લાવવાના પ્રયાસોથી જાણીતા બનેલા અને પછી રાજકીય ભ્રષ્ટાચાર નાબુદ કરવાના જેહાદી તરીકે દેશ-દુનિયામાં વિખ્યાત બની ગયેલા અરવિંદ કેજરીવાલને આ લોકવાર્તા બરાબર લાગુ પડે છે. મુદ્દો પકડવો એ જો જાહેરજીવનની અનિવાર્ય આર્ટ ગણાતી હોય તો વખત અને લોકમિજાજ ઓળખીને પકડેલો મુદ્દો ધરાર ફરજ પડે એ પહેલાં પડતો મૂકવો એ માર્શલ આર્ટ છે. અણ્ણા અને કેજરીવાલે જનતાની નાડ તો બરાબર પારખી હતી. ભારતીય મધ્યમવર્ગને કનડતી બાબતો તેમણે એટલી બખૂબી પકડી હતી કે તેમનું આંદોલન કશોક નીવેડો લાવશે જ તેવી આશા બળવત્તર બની હતી. હજુ એક વર્ષ પહેલાં સોશિયલ મીડિયા પર છલકતા તિરંગા અને 'મૈં ભી અણ્ણા' ચીતરેલી ગાંધીટોપીનો માહોલ એવો બળકટ હતો કે કેજરીવાલને હજુ ય સપનામાં એ જયજયકાર સંભળાતો હશે.
જોકે વાસ્તવિક માહોલ તદ્દન અલગ છે. સોશિયલ મીડિયા એ લોકઅવાજ માટે ઉપયોગી અને આવકાર્ય માધ્યમ હોવા છતાં શિસ્ત અને વ્યાપક સમજણના અભાવે એ માધ્યમ અનેક વખત ચડાઉ ધનેડા જેવું પણ સાબિત થઈ ચૂક્યું છે. દેખાદેખીમાં અહીં તિરંગાના ફોટોગ્રાફ અપલોડ પણ થઈ જાય અને 'વિના લોકપાલ નહિ ઉદ્ધાર' જેવા સૂત્રોય વહેતા થવા માંડે. થોડા સમય પછી દેખાદેખીનો વાયરો ધીમો પડે એટલે ફરી સોશિયલ મીડિયા પર સલમાનથી માંડીને સની લિયોનના ગમતીલા વાજાં વાગવા માંડે અને લહેરાવેલા તિરંગા ક્યાંય સમેટાઈ જાય.
અણ્ણાના આંદોલન અને કેજરીવાલના સુવર્ણકાળ વખતે રેલવે પ્લેટફોર્મ પર કેજરીવાલ (અથવા એમના જેવો દેખાતો માણસ) બિસ્તરાના ટેકે ઊંઘતો હોય એવી તસવીરો વ્યાપક પ્રમાણમાં મૂકાતી હતી. 'દેશ કા પીએમ કૈસા હો' એવા સવાલ સાથે અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીની શૈક્ષણિક યોગ્યતા સહિતની સરખામણીઓ ય ખૂબ થતી હતી. હવે જ્યારે એ જ કેજરીવાલ રાજકીય પક્ષ સ્થાપી રહ્યા છે ત્યારે દિલ્હી સ્થિત કોન્સ્ટિટયૂશન ક્લબ ખાતે તેમની પત્રકાર પરિષદમાં ગણીને પચાસ પત્રકાર પણ હાજર ન હતા અને સોશિયલ મીડિયા પર કોઈને પરવા સુદ્ધાં ન હતી.
'ભ્રષ્ટાચાર હટાવો' બોલવું જેટલું મજેદાર લાગે છે એટલું જ કડવું જ્યારે 'ભ્રષ્ટાચાર કઈ રીતે હટાવશો?' એમ પૂછાય છે ત્યારે લાગે છે. અણ્ણાના આંદોલનની નિષ્ફળતા, ટીમ અણ્ણાનું વિભાજન અને હવે કેજરીવાલે અણ્ણાથી અલગ થઈને સ્થાપેલા રાજકીય પક્ષ સુધીના સમગ્ર ઘટનાક્રમમાં કેજરીવાલની ભાવનાત્મક જીદ કારણભૂત હોવાનું સ્પષ્ટ વર્તાય છે. આખી દુનિયા ના કહેતી હોય ત્યારે પોતાની હાને વળગી રહેવું એ જરૃર દૃઢ નિર્ણાયત્મકતાની નિશાની છે પરંતુ નજર સામે દેખાતું ય ન ઓળખવું તેને તો અંધાપો જ કહેવાય.
દરેક રાજકારણીની માફક અણ્ણા, કેજરીવાલને પણ ગાંધીજી સાથે સંકળાઈ જવું અથવા તો પોતાની વાતને યેનકેન પ્રકારે ગાંધીજી સાથે જોડી દેવી બહુ ગમે છે. જનલોકપાલ આંદોલનને ગાંધીસ્મરણ સાથે સાંકળવા માટે તેમણે ગાંધીટોપી પસંદ કરી હતી તો તાજેતરમાં નવા રાજકીય પક્ષની રચના માટે પણ ગાંધીજયંતીનો દિવસ પસંદ કર્યો. આ રીતે ગાંધીવિચારનો સ્થૂળ ઉપયોગ કરવાને બદલે તેમણે ગાંધીજીની રાજનીતિનો ગહન અભ્યાસ કર્યો હોત તો આ દિવસો જોવાના ન આવ્યા હોત. ગાંધીજી મહાત્મા હોવા ઉપરાંત મહામુત્સદ્દી પણ હતા. તેમનું પ્રાયોરિટી લિસ્ટ હંમેશાં જડબેસલાક રહેતું.
ચૌરીચૌરા જેવા ટબૂકડા ગામમાં હત્યાકાંડ થાય ત્યારે આખા દેશનો રોષ વ્હોરીને પણ તેઓ પોતાનું આંદોલન એમ કહીને સ્થગિત કરી શક્યા હતા કે, 'લોકોને સત્યાગ્રહ માટે કેળવવામાં હું હજુ કાચો પડયો છું.' લોર્ડ ઈરવિન સાથેના કરાર વખતે પણ આખા દેશની લાગણી હતી કે ગાંધીજી ઈરવિન સમક્ષ ભગતસિંહને ફાંસીની સજામાંથી માફીનો મુદ્દો મજબૂતીથી પકડી રાખે પરંતુ ગાંધીજીનો અગ્રતાક્રમ નિશ્ચિત હતો. એ વખતે પણ ગાંધીજી જેવા મુત્સદ્દીને ખબર હોય જ કે આ અંગે મર્યા પછી ય તેમની કટુ આલોચના થવાની જ છે તેમ છતાં ય તેમણે પોતાના અગ્રતાક્રમનું પાલ કર્યું હતું. (અહીં માત્ર ગાંધીજીના અગ્રતાક્રમના આગ્રહને સ્પષ્ટ કરવાનો જ હેતુ છે. ભગતસિંહની માફી અલગ ચર્ચાનો વિષય બને છે.)
અણ્ણા અને કેજરીવાલનો આરંભિક અગ્રતાક્રમ વહીવટી પારદર્શિતા અને સ્વચ્છ રાજનીતિ સંબંધિત હોવાનું જણાતું હતું. બાદમાં તેમાં પડદા પાછળ ભળેલા રાજકારણના સ્પષ્ટ અણસાર વર્તાવા લાગ્યા. લોકપાલ ખરડો સંસદને બદલે શેરીઓમાં નક્કી કરવાનો તેમનો આગ્રહ વ્યક્ત કરતી વખતે તેમણે રાજકારણીઓને અને રાજકીય પક્ષોને ભરચક ભાંડયા. રામલીલા મેદાનના સ્ટેજ પર રાજકીય આગેવાનોને અસ્પૃશ્ય જાહેર કર્યા અને છેવટે તેઓ પોતે જ લાંબા ગાળાના સુધારા માટે રાજકીય પક્ષ અનિવાર્ય હોવાનું કહીને એ જ પાટલે બેસી ગયા જે પાટલાને અત્યાર સુધી તેઓ વખોડતા રહ્યા હતા.
કેજરીવાલ માટે રાજકીય પક્ષ એ હાલ તો સંપૂર્ણપણે આત્મઘાતી નિર્ણય હોવાનું વર્તાય છે. સક્રિય રાજનીતિમાં પ્રવેશીને તેમના માટે 'ગધેડી ય ગઈ ને ફાળિયું ય ગયું' જેવો ઘાટ સર્જાય તેવી પૂરી શક્યતા છે. રાજકારણી તરીકે તેઓ સ્થાન જમાવી ન શકે અને સામાજિક ચળવળકાર તરીકેની વિશ્વસનિયતા ગુમાવી દે તો એ પછી ભારતીય જાહેરજીવનના મંચ પર અરવિંદ કેજરીવાલનું અન્ય કોઈ વજુદ બચતું નથી.
કેજરીવાલ પૂર્વે આવા ભાવનાત્મક આદર્શના નામે પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર ટી.એન.શેષન, સાંઠ-સિત્તેરના દાયકામાં સ્વામિનાથન, ચિપકો આંદોલનના પ્રણેતા સુંદરલાલ બહુગુણા જેવા સમાજસેવીઓ અથવા ચર્ચિત બ્યુરોક્રેટ્સ રાજકીય પાર્ટી રચી ચૂક્યા છે અને રચ્યા પછી ઊંધેકાંધ પટકાઈ પણ ચૂક્યા છે. ઉમાભારતી, કલ્યાણસિંહ જેવા રાજકીય ધૂરંધરો અને જાનકી રામચંદ્રન, લલિતા રામારાવ જેવા રાજકીય ધૂરંધરના પત્નીઓ પણ રાજકીય પક્ષ રચીને ક્યાંય ખોવાઈ ગયા છે એ જોતાં કેજરીવાલના પ્રયાસો માટે લાખ શુભકામના છતાં ઉજ્જવળ ભાવિ ભાખી શકાય તેમ નથી.

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

ગુજરાતની વન્યસૃષ્ટિમાં લટાર

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved