Last Update : 04-October-2012, Thursday

 

બગલમાં બાંમલાઈ થઈ હોય તેમ પહોળા-પહોળા ચાલતા ક્રિકેટરો કોઈ સ્ટ્રેટેજી વિના જ શ્રીલંકા ગયા હતા?
ટીમ ઈન્ડિયાઃ ક્લિન બોલ્ડ બાય ઓવર કોન્ફિડન્સ

હાર અને જીત એક સિક્કાની બે બાજુ છે એવી સૂફિયાણી વાતો ધોનીના ધૂરંધરોને લાગુ પાડી શકાય તેમ નથી. શ્રીલંકા ખાતે ટી-૨૦ વર્લ્ડકપમાં ભૂંડે હાલ હારીને ઘરભેગી થનારી ટીમ ઈન્ડિયામાં આપણે કાગળ પર ગરજતા વાઘ મોકલ્યા હતા જે મેદાન પર મિયાંઉ કરીને આવી ગયા

ઈશ્વરને ગમ્યું તે ખરૃં.
આ એક એવું વાક્ય છે જે ગમે તેવી આફત કે આપત્તિના સમયે પણ હૃદયના કલ્પાંતને હૈયાધારણા આપી શકે છે પરંતુ ટીમ ઈન્ડિયા હારે ત્યારે આ વાક્ય પણ આપણને સાંત્વના આપવામાં નિષ્ફળ નીવડે છે. કારણ કે આપણે માનવા જ તૈયાર નથી કે એકાદ-બે ત્રાડ સાંભળીને જેને આપણે ધૂરંધર ધારી લીધા છે એ ગમે ત્યારે માટીના વાઘ સાબિત થઈ જાય છે.
આ લોકો, જેને આપણે ધોની બ્રિગેડ, ધોનીના ધૂરંધરો, મેન ઈન બ્લ્યુ જેવા સર્વનામોથી નવાજીએ છીએ એ લોકો ટી-૨૦ વર્લ્ડકપ રમવા કોલંબો ઉતર્યા ત્યારે આખા દેશને ૧૦૪ ડિગ્રીનો બુખાર ચઢી ગયો હતો. સવા અબજ હૈયાનું બ્લડપ્રેશર વધી જતું હતું. ચેનલ્સ પર મેન ઈન બ્લ્યૂની જાહેરાતોનું પ્રમાણ દોઢસો ટકા વધી ગયું હતું. કોઈકમાં ધોનીએ બાઈકની તારીફ કરી નાંખી તો બીજી જાહેરાતમાં કોહલી ગાડી ફેરવીને સ્ટાઈલ મારી ગયો અને આપણે તેમને અહોભાવભરી આંખે ટીવીના સ્ક્રિન પર તાકીને ફેસબુક પર સ્ટેટસ અપડેટ કર્યું હતું... જીતેગા ઈન્ડિયા!
- અને હવે એ ધૂરંધરો સુપર-૮માં જ પરાસ્ત થઈને સેમી ફાઈનલના ડેલે હાથ દઈને પાછા ઘરભેગા થઈ રહ્યા છે. સવા અબજના બ્લડપ્રેશરનો પારો સ્તબ્ધતાના કાંટા પર અટકી ગયો છે અને ૧૦૪ ડિગ્રીનો બુખાર મગજ વાટે આઘાત બનીને જીભ પરથી ફેંકાઈ રહ્યો છે. આપણો કેપ્ટન કૂલ (હાહાહાહા), આપણો મુલતાન કા સુલતાન (જરા જોરથી હાહાહાહા), ટ્વિટર પર જેના નામે ચાંપલાશમાં ગેઈટી લખાય છે એ ગૌતમ ગંભીર, બોલિંગનો સચિન ઝહિરખાન, ઈરફાન પઠાણ યાને (મેમુ ટ્રેનના પાછળના ડબ્બા જેવી) બરોડા એક્સ્પ્રેસ, બગલમાં બાંબલાઈ થઈ હોય તેમ બે હાથ પહોળા રાખીને વટ મારતો બાલાજી... સબ કે સબ વાપસ પેવેલિયન મેં!
હાર અને જીત એ રમતનો હિસ્સો છે. બિલકુલ સંમત, પણ શ્રીલંકામાં યોજાયેલા ટી-૨૦ વર્લ્ડકપમાં જે થયું એ ન તો જીતનો ઉન્માદ છે કે ન તો હારનું ગૌરવ છે. એ સરાસર શરણાગતિ જ છે. એને આત્મવિશ્વાસનો અતિરેક કહી શકો. મહાભારતકાળમાં સત્યવાદીપણાને લીધે યુધિષ્ઠિરનો રથ જમીનથી 'દશાંગુલઉર્ધ્વ' દસ આંગળ અધ્ધર ચાલતો એવું કહેવાય છે. ના, યુધિષ્ઠિરની તરફેણમાં કોઈ જ પૂરાવાની જરૃર નથી. કારણ કે, આપણે આ ધૂરંધરોના પગને જમીનથી દસ-દસ વેંત અધ્ધર પડતાં જોયા જ છે. કોલંબો જતા પહેલાં, ટીમ સ્પિનર પર મદાર રાખશે કે પેસને મહત્વ આપશે એવું બીબીસીના પત્રકારે ધોનીને પૂછ્યું ત્યારે તેનો જવાબ હતો, 'સેમિ ફાઈનલ અને ફાઈનલમાં અમે કોઈ રિસ્ક નહિ લઈએ'
ઓહ્હો... યે હુઆ ન કોન્ફિડન્સ.. ! માય ડિઅર કેપ્ટન કૂલ, સેમિ ફાઈનલ અને ફાઈનલ તો બહુ દૂરની વાત હતી. એ બેની પહેલાં સુપર-૮નો લિગ રાઉન્ડ પણ આવતો હતો. અર્જુનને ફક્ત પક્ષીની આંખ જ દેખાતી હતી તેમ કેપ્ટન કૂલને ફક્ત સેમી અને ફાઈનલ જ દેખાવા માંડી હતી. દરેક વખતે અર્જુન સાચો ન પણ હોય એમ સેમી અને ફાઈનલ તરફ ઊંચું જોઈને ચાલતા કેપ્ટન કૂલ એ પહેલાં જ પટકાઈ પડયા. આવા એટિટયુડને આપણે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી જોઈ શકીએ ખરાં? આવા ઓવર કોન્ફિડન્સ માટે 'હાર અને જીત તો એક સિક્કાની બે બાજુ છે' જેવું સી.કે.નાયડુના જમાનાથી બોલાતું સુફિયાણું વાક્ય ફેંકી શકીશું ખરાં?
કેટલાંક ડાઈ હાર્ડ ક્રિકેટ લવર્સ હજુ ય ટી-૨૦માંથી ભારતીય ટીમની ધોયેલા મૂળાની માફક થયેલી વાપસીને બદકિસ્મતી સાથે જોડી શકે છે. ફેસબુક-ટ્વિટર પર ફેંકાતી દલીલોના કેટલાંક સેમ્પલ... આપણે શું કરીએ, યાર! નિયમ જ તો એવો છે. બાકી તમે જુઓ, વેસ્ટ ઈન્ડિઝ હાર્યા પછી ય સેમિ ફાઈનલમાં પહોંચી જ ગયું ને? સાઉથ આફ્રિકા બધી મેચ હારીને ય હજુ આશા રાખી શકે છે. આપણે પાકિસ્તાનને તો હરાવ્યું ને? બસ, હવે સેમિ ફાઈનલમાં ન પહોંચ્યા તોય વાંધો નથી. આપણા ગુ્રપમાં તો ટીમ પણ કેવી જોરદાર હતી અને તોય આપણે તો ખાલી એક જ મેચ હાર્યા. ઈટ્સ ઓલ એબાઉટ હાર્ડ લક.
દલીલોની આ વણઝાર સાંભળવામાં સહાનુભૂતિ જગાવી શકે અને નવો-સવો થર્ડ અમ્પાયર હોય તો આ સ્માર્ટ રિપ્લેથી ભરમાઈને બેનિફિટ ઓફ ડાઉટ આપી દે. પરંતુ રિપ્લેના વિઝનને જરા ઝૂમ કરો. આ નિયમ કંઈ આપણા માટે અલગ તો ન હતા ને? વેસ્ટ ઈન્ડિઝ હોય કે પાકિસ્તાન, નિયમ તો દરેકને સરખા જ લાગુ પડયા છે. વળી, ગુ્રપની દરેક ટીમો મજબૂત હતી તો ભાઈ, તમે શું એમ ધારીને કોલંબો આવ્યા હતા કે અહીં તો શેરીના છોકરાઓ સામે રમવાનું છે? વર્લ્ડ કપ કંઈ એમ ને એમ મળી જવાનો હતો? અને પાકિસ્તાનને હરાવવા પૂરતો જ સંતોષ રાખવો હોય તો ફક્ત પાકિસ્તાન સામે રમવાનું જ રાખવું જોઈએ. વાસ્તવિકતા એ છે કે, ઓવર કોન્ફિડન્સના ડોઝ ટીમ ઈન્ડિયા અને કેપ્ટન કૂલના મગજમાં એટલાં ચઢી ગયા હતા કે તેમણે ટીમ મિટિંગમાં કોઈ સ્ટ્રેટેજી જ બનાવી ન હોવાનું અનુભવાય છે અને જો બનાવી હોય તો મેદાનમાં તેનું ૧ ટકો ય પાલન ન થયાનું તો આપણે નરી આંખે જોયું જ છે.
પહેલેથી જ ખબર હતી કે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન જેવા ચમરબંધીઓ હોય એ ગુ્રપમાં એક-એક રનની કિંમત લાખેણી અંકાવાની છે. રનરેટનો એક-એક પોઈન્ટ સોનાનો ગણાવાનો છે. એમ છતાં આપણે પાકિસ્તાનને હરાવવા પૂરતું જ લક્ષ્ય રાખ્યું પરંતુ જીત્યા પછી ય આપણો રનરેટ તો પાકિસ્તાન કરતાં ઓછો જ રહ્યો. મિ. નટવરલાલ ફિલ્મના પેલા જાણીતા ગીતમાં અમિતાભ ગાય છે તેમ, યે જીતના ભી કોઈ જીતના હૈ લલ્લુ? કેપ્ટન કૂલે સ્ટ્રેટેજીમાં તો ધોબીપછાડ ખાધી જ, આખરી ઈલેવનની પસંદગીમાં ય તેમના ગતકડાં ન ચાલ્યા. કોલંબો જવા નીકળ્યા ત્યારે જ ક્રિકેટ નિષ્ણાતો કહેતા હતા કે ટીમ સંતુલિત નથી. પાંચ રેગ્યુલર બોલર્સ નહિ હોય તો મજબૂત ટીમ સામે યુવરાજ, રૈના અને સહેવાગ પાસે સ્પેલ નંખાવવો ભારે પડી જશે. એ વખતે ધોનીએ કહ્યું કે ટી-૨૦ બોલિંગથી નહિ, બેટિંગથી જીતાય છે. વેલ, કેવી બેટિંગથી જીતવાનો ધોનીને અભરખો હતો?
ટીમ ઈન્ડિયાની કાગળ પરના રેકોર્ડના આધારે ધૂરંધર લાગતી બેટિંગ ઓપન કરતાં દિલ્હી નિવાસી બેય બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ અને ગૌતમ ગંભીરનો રેકોર્ડ જુઓ. સહેવાગ તો છેલ્લા કેટલાંક સમયથી કેવી રીતે આઉટ થવું એ વિચારવા પૂરતો જ ક્રિઝ પર આવતો હોવાનું લાગે છે. સહેવાગની આઉટ થવાની ઉતાવળ અંગે ભૂતકાળમાં ટોની ગ્રેગે તમતમતી કમેન્ટ કરતાં કહ્યું હતું કે, 'હી યુઝ્ડ ટૂ પ્લે ઈન ટીમ ઈન્ડિયા બટ સિમ્સ ટૂ પ્લે ફોર અધર'. સહેવાગે સાઉથ આફ્રિકા સામે આટલી કટોકટીભરી મેચમાં બબ્બે વિકેટ ઝડપથી પડી જવા છતાં એક સિક્સ મારી અને બીજો દડો ય એવો જ પડશે એમ એડવાન્સમાં જ ધારી લીધું. પરિણામ ક્લિન બોલ્ડ.
યુવરાજના બહુ ગુણગાન ગવાયા. તેની માંદગી અંગે ભારેભાર સહાનુભૂતિ અને એ પછી મેદાન પર પાછા ફરવા માટે તેણે બતાવેલ કમિટમેન્ટને ય સલામ. પણ તેમ છતાં ય છાતી પર હાથ મૂકીને કહો, યુવરાજ એકપણ મેચમાં પૂરતો ફિટ લાગ્યો? એકાદ સિક્સર મારી દે એટલા પૂરતો તેને ટીમમાં રાખવો જોઈએ કે ફિટનેસ માટે વધુ સજ્જ થવાની તેને તક આપવી જોઈએ? બેટિંગમાં ભોપાળુ હતું તો બોલિંગમાં તો કંઈ લડી લેવાનું નથી એ પહેલેથી જ ખબર હતી.
બાલાજીની બોલિંગમાં લાઈન સરખી જળવાય તો લેંથના ફાંફા પડે અને બેયનો મેળ ખાય તો પેસ ઢીલો થઈ જાય. ટી-૨૦માં કેટલી વિકેટ ઝડપી તેનાં કરતાં પ્રત્યેક વિકેટ રનની કોસ્ટ કેટલી રહી એ વધારે મહત્વનું છે અને બાલાજી તેમાં તબિયતથી માર ખાઈ જાય છે. ઝહિરખાન, ભલે બોલિંગનો સચિન કહેવાતો હોય પણ એ હવે ચાર ઓવરનો સ્પેલ પૂરો કરવામાં ય હાંફી જાય છે. એ જોતાં બેટિંગના સચિનની માફક બોલિંગના સચિનની નિવૃત્તિની વાતો હવે ચગવી જોઈએ.
અગેઈન, ઈટ્સ સ્પોર્ટ્સ. હાર અને જીત તો એક જ સિક્કાની બે બાજુ છે એવું સી.કે.નાયડુ અને લાલા અમરનાથના જમાનાથી કહેવાયું છે.
- પણ કમનસીબે ધોનીના આજકાલના જમાના માટે એવું કહી શકાય તેમ નથી.

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved