Last Update : 03-October-2012, Wednesday

 

દેશના સર્વોચ્ચ પદ માટે 'મહામહિમ' સંબોધન પડતું મૂકવાનું સૂચન કરીને રાષ્ટ્રપતિએ આવકાર્ય પહેલ કરી છે
પ્રોટોકોલ્સઃ 'બહોત નમે નાદાન' જેવી આદતો છોડી શકાશે?

આપણે ત્યાં તો સરપંચને ય 'માનનીય શ્રી ફલાણા ઢીંકણા સાહેબ'ના સંબોધન સાથે મહારાજા ખુરશીમાં પહોળા થઈને બેસવામાં શહેનશાહ હોવાનો કેફ ચઢે છે એ જોતાં રાષ્ટ્રપતિની પહેલ હવે નીચેના સ્તરે તો સખ્તાઈથી લાગુ થવી જોઈએ

આ લખાઈ રહ્યું છે એ ગાંધીજયંતીનો સપરમો દિવસ છે અને આપણે વાત કરવી છે ઊંચ-નીચના એક એવા ભેદભાવની, જે હટાવવા માટે સ્વયં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આવકાર્ય પહેલ કરી છે. ના, આ ભેદભાવ જાતિ કે વર્ણલક્ષી નથી પરંતુ સરકાર દ્વારા સ્વીકારાયેલા અને સરકારી પ્રોટોકોલમાં ઈશ્વરિય આદેશની શ્રદ્ધાથી અમલમાં મૂકાતાં ભેદભાવની છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિએ તેમને મળેલા એક આમંત્રણમાં દેશના આ સર્વોચ્ચ હોદ્દા માટે પરંપરાગત રીતે વપરાતો માનવાચક શબ્દ 'મહામહિમ' હટાવીને સપાટ સંબોધન તરીકે 'પ્રણવ મુખર્જી' લખવા સૂચન કર્યું. કોઈ પૂંછડા, શિંગડા વગરનું નામ અધકચરૃં લાગતું હોય તો 'શ્રી પ્રણવ મુખર્જી' લખવું પણ એથી ઊંચા સંબોધન કરીને સર્વોચ્ચ પદનો ભાર વ્યક્તિના શિરે નાંખવા અંગે રાષ્ટ્રપતિએ સ્પષ્ટ નારાજગી દર્શાવી છે. રાષ્ટ્રપતિ માટેના અલાયદા અને વિશિષ્ટ સંબોધન ઉપરાંત રાષ્ટ્રપતિની હાજરી હોય તેવા કાર્યક્રમોમાં તેમને અપાતી શાહી પરોણાગતને પણ તેમણે અનાવશ્યક અને ભેદભાવભરી ગણાવી છે.
રાષ્ટ્રપતિના સૂચનને કેટલું હકારાત્મક રીતે લેવામાં આવે છે એ તો સરકારી પ્રોટોકોલ વિભાગે જોવાનું રહે છે પરંતુ તેમના સૂચનમાં રહેલો, સદીઓથી ચાલી આવતી બંધિયાર માનસિકતા સામેનો સમજદારીભર્યો વિરોધ જરૃર આવકાર્ય છે. રાષ્ટ્રપતિ, રાજ્યપાલ તો ખેર બંધારણિય હોદ્દા છે પરંતુ વડાપ્રધાન, મુખ્યપ્રધાન અને એ જ ક્રમમાં છેક સરપંચ સુધીના હોદ્દેદારોને ભાટાઈની તમામ સીમા વટાવીને સંબોધનોની પગચંપી કરવાની ભારતીય માનસિકતા અંગ્રેજિયતની દેણ હોવાનું કહેવાય છે, જે સંપૂર્ણ સત્ય નથી. રાષ્ટ્રપતિનો હોદ્દો આપણે બ્રિટિશ શાહી પરંપરાને અનુરુપ રાજા કે રાણીની સમકક્ષ ગણીને તેને સર્વોચ્ચ હોદ્દાનું સન્માન આપ્યું છે. ૨૧ તોપોની સલામી, ચાર ઘોડાવાળી બગી, કોઈપણ કાર્યક્રમમાં સૌથી ઊંચી ખુરસી, કોઈપણ સ્થળે પ્રાયોરિટી પેસેજ સહિતના વિશેષાધિકારો સીધા બ્રિટિશ પરંપરામાંથી ઊઠાવ્યા છે એ સાચુ પરંતુ લળી લળીને કુરનિશ બજાવવા જેવી આ માનસિકતા તો અંગ્રેજોના આગમન પૂર્વે મુઘલ સલ્તનતમાં અને દેશી રજવાડાઓ વખતે ય હતી.
રાષ્ટ્રપતિએ 'મહામહિમ' સંબોધન હટાવવા સૂચન કર્યું છે એ જોતાં સૌથી પહેલાં આપણે નામની આગળના શિંગડા અને પાછળના પૂંછડાની જ વાત કરીએ. નામને સીધું, સરળ, સપાટ ફક્ત નામ જ રાખવામાં જાણે તોછડાઈ લાગતી હોય તેમ નામની આગળ જાતભાતના સર્વોપરિતાસૂચક શાહી સંબોધનો ચોંટાડવામાં આપણે ભારતીયો, કહો કે સમગ્ર ભારતીય ઉપખંડ અવ્વલ છીએ. રાજાશાહીમાં મહારાજાધિરાજ હતા, સલ્તનત-એ-મુઘલિયામાં જહાંપનાહ હતા, સુબાશાહીમાં નેકનામદાર હતા. બ્રિટિશ શાસનના રાજાઓ, નવાબો તો વળી બેભાન થઈ જવાય એવા સત્તાવાર સંબોધનો ધરાવતા હતા. હૈદરાબાદના નિઝામને સંબોધન કરવું હોય તો ફેફસાંમાં કેટલો શ્વાસ ભરવો પડે? ચાલો બોલવા માંડો, 'હિઝ એક્ઝેલ્ટેડ હાઈનેસ લેફ્ટનન્ટ જનરલ અસાફજાહ મુઝફ્ફર ઉલ મુલ્ક વલ મુલિક નિઝામ ઉદ્ દૌલા નવાબ સર મીર ઓસમાનઅલીખાન બહાદુર ફતેહજંગ ફેઈથફૂલ એલાય ઓફ બ્રિટિશ ગવર્નમેન્ટ નિઝામ ઓફ હૈદરાબાદ'
લોકશાહી ભારતમાં જહાંપનાહો અને નેકનામદારો અને સેનાસમશેરખાસખેલો સદ્નસીબે ઈતિહાસના પાઠયપુસ્તકોમાં કેદ થઈ ગયા પણ આપણી સામંતશાહી તાબેદારીની માનસિકતા ન બદલાઈ એટલે આપણે નવા જહાંપનાહો ખડા કરી દીધા. ચાલો, ફટાફટ આવા નામોની એક સૂચિ બનાવી નાંખીએ... 'મહાત્મા' ગાંધી, 'પંડિત' જવાહરલાલ નહેરુ, 'સરદાર' વલ્લભભાઈ પટેલ, 'મૌલાના' અબુલકલામ આઝાદ, 'બાબુ' જગજીવનરામ, 'ચૌધરી' ચરણસિંઘ, 'બંગબંધુ' મુજીબુર રહેમાન, 'કાઈદ-એ-આઝમ' મહંમદઅલી ઝિણા, 'આચાર્ય' વિનોબા ભાવે. આ દરેક નામની આગળનું અવતરણ ચિહ્નવાળુ લટકણિયું હટાવી દઈએ તો જાણે એ બીજા કોઈકનું નામ હોય તેવું લાગે એટલી હદે આપણે આ દરેક નામોને સર્વનામ બનાવી દીધા છે.
દુનિયામાં બીજે ક્યાંય નામોને આટલી ચાંપલૂશીથી સંબોધવાનો રિવાજ નથી. નેપોલિયનને ફ્રેન્ચ લોકો 'ગ્રેટ વોરિયર' નેપોલિયન નથી કહેતાં. આપણા ગુજરાતી સાહિત્યકાર ઉમાશંકર જોશીના નામ આગળ 'મુર્ધન્ય' જેટલી વાર ફરજિયાતપણે આપણે ચોંટાડયું છે એટલું સન્માન દોસ્તોએવસ્કી કે શેક્સપિયર કે શેલી, કિટ્સ, મિલ્ટન અને સ્વયં ઉમાશંકરના માનસ-ગુરુ વર્ડ્ઝવર્થના નામને ય નથી મળ્યું. વિનોબા ભાવે કે જીવતરામ કૃપલાણીના નામ આગળ 'આચાર્ય'નું વજનિયું ન મૂકીએ તો આપણને એ અધૂરું લાગે છે પણ આલ્બર્ટ આઈન્સ્ટાઈન કે ન્યૂટન કે ડાર્વિન જેવા મહાઆચાર્યોના નામને દુનિયામાં ક્યાંય કોઈ એવા વજનિયાં લટકાવતું નથી. અહીં ઉલ્લેખાયેલા દરેક મહાનુભાવો પોતે પણ આવા શાહી, ચાંપલુસીભર્યા કે વિદ્વતાસૂચક સંબોધનના મોહતાજ નહિ જ હોય પરંતુ આપણે ધરાર તેમના નામને સર્વનામ બનાવી દીધા છે.
રાષ્ટ્રપતિએ બીજો વાંધો જાહેર કાર્યક્રમોમાં તેમને હોદ્દાની રૃએ અપાતા સર્વોચ્ચ આસન સામે ઊઠાવ્યો છે. પ્રોટોકોલ મુજબ, રાષ્ટ્રપતિ જે કાર્યક્રમમાં હાજર રહેવાના હોય તેમાં અન્ય દરેકે રાષ્ટ્રપતિના આગમન પહેલાં ઉપસ્થિત થઈ જવું પડે. રાષ્ટ્રપતિ આવે એટલે દરેકે પોતાના સ્થાનેથી ઊભા રહેવાનું અને રાષ્ટ્રપતિ ચાલવાના હોય એ જગ્યાથી ઓછામાં ઓછા પાંચ ફૂટ દૂર અદબભેર ઊભા રહેવાનું. મંચ પર સૌથી પહેલાં રાષ્ટ્રપતિ જ પગ મૂકે.
રાષ્ટ્રપતિની સાથે મંચ પર બેસનાર અન્ય મહાનુભાવો પૈકી ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને વડાપ્રધાન સિવાયના હોદ્દેદારોએ રાષ્ટ્રપતિના આસનથી બંને બાજુ ત્રણ-ત્રણ ફૂટ દૂર મૂકાયેલી ખુરસીમાં બેસવાનું હોય. સિનેમા હોલ કે એસ.ટી. બસની માફક રાષ્ટ્રપતિની લગોલગ કોઈ બેસી શકે નહિ. આ ઉપરાંત, રાષ્ટ્રપતિ આસન ગ્રહણ કરે પછી જ અન્યે બેસવું અને રાષ્ટ્રપતિની ખુરસી મંચસ્થ અન્ય ખુરસીઓ કરતાં દેખીતી રીતે ઊંચી અને વધુ દમામદાર હોવી જોઈએ. પ્રણવ મુખર્જીએ આવા ફરજિયાત વિધિ-વિધાનને નિરર્થક ગણાવતાં પ્રોટોકોલ વિભાગને આ વિશે ફેરવિચારણા કરવા સૂચિત કર્યું છે.
લગ્ન માટે મંડપ ભાડે આપતાં ફરાસખાના વાળા વરરાજા માટે જે મહારાજા ખુરસીઓ બનાવડાવે એવી લાલ અતલસ અને ચાંદીના પતરાં મઢેલી ખાસ્સી ઊંચી, પહોળી ખુરસીઓ મૂકવી એ હોદ્દાના નામે નર્યું ફારસ અને મિથ્યા ઘમંડ જ છે. સ્વયં રાષ્ટ્રપતિ એવા નાહકના ઘમંડથી મુક્ત રહીને વ્યક્તિગત સરળતા જાળવી રાખવાના આગ્રહી હોય ત્યારે પ્રોટોકોલના નામે 'આગે સે ચલી આતી હૈ' જેવા નિયમોમાં બાંધછોડ કરવાથી કંઈ રાષ્ટ્રપતિનો હોદ્દો ઘટી નથી જવાનો. આદર એ મેળવવાની બાબત છે, પરાણે લઈ લેવાની નહિ. રાજા-રજવાડામાં દરબારીઓએ લળી-લળીને કુરનિશ બજાવ્યા પછી જે સંબોધનો અને કદમબોસી કરવા પડતા એ ફરજિયાત હતા પરંતુ 'ફોર ધ પીપલ, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ'ના ધ્યેયને વરેલા લોકશાહી રાષ્ટ્રમાં પ્રોટોકોલના અનાવશ્યક વિધિ-વિધાન જતા કરી શકાય એ સર્વથા ઉચિત છે.
રાષ્ટ્રપતિનો હોદ્દો બંધારણિય વડા તરીકે દેશમાં સર્વોચ્ચ છે એ જોતાં અન્ય હોદ્દાથી તેની ઊંચાઈ વધુ હોવી જોઈએ એવી દલીલ સાવ બેવજૂદ નથી પરંતુ હાલ રાષ્ટ્રપતિએ પોતે જ કરેલું સૂચન સર્વોચ્ચ હોદ્દાને ધરાર સર્વોચ્ચ બતાડવા માટેના દેખાડા સામે છે. તેમણે પોતે રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી આવા નિયમો, સંબોધનોથી દૂર રહેવાનું જાહેર કરીને આવાકાર્ય પહેલ કરી છે. તેમની આ પહેલ ભવિષ્યમાં પ્રોટોકોલ બુકમાં કાયમી સુધારા તરીકે દાખલ થાય એવું ઈચ્છીએ. બંધારણિય વડાની વાત તો ઠીક છે પણ આપણે ત્યાં તો સરપંચને ય 'માનનીય શ્રી ફલાણા ઢીંકણા સાહેબ'ના સંબોધન સાથે મહારાજા ખુરસીમા પહોળા થઈને બેસવામાં મજા આવે છે અને ચહેરા પર જાણે જિલ્લેઈલાહી મહંમદ જલાલુદ્દિન અકબરના સીધા વારસદાર હોવાનો કેફ છલકાઈ જાય છે એ જોતાં રાષ્ટ્રપતિની પહેલ હવે નીચેના સ્તરે તો સખ્તાઈથી લાગુ થવી જોઈએ.
અન્યથા, આ કહેવાતા લોકસેવકોનો દોરોદમામ જો બારીકીથી જોઈએ તો લોકશાહીના હોદ્દેદારો અને મૌર્ય વંશના સમ્રાટો કે મુઘલ વંશના બાદશાહો વચ્ચે ફક્ત સમયનો જ તફાવત હોવાનું લાગે છે.

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved