Last Update : 02-October-2012, Tuesday

 

પહેલાં ભૌગોલિક સીમાડા ભૂંસીને ભાષાવાર પ્રાંતની રચના કરી, હવે ભૌગોલિક સ્થિતિ મુજબ પ્રાંતો રચવા પડે છે
તેલંગણાઃ સહેલા સવાલને આપણે અઘરો બનાવીએ છીએ?

આંધ્રપ્રદેશમાં તેલંગણાને માન્યતા આપવાની માગણી અંગેનું આંદોલન ક્રમશઃ ઉગ્ર બનતું જાય છે. ગોરખાલેન્ડ, વિદર્ભ, મિથિલાંચલ વગેરે રાજ્યોની માંગણીઓ હજુ ય ઊભી જ છે. આજની તારીખે સ્થિતિ એવી છે કે જો કેન્દ્ર સરકાર બધી જ માંગણીઓને સ્વીકારી લે તો દેશમાં નવાં ૨૦ રાજ્યોનો ઉમેરો થાય

તેલંગણાની માંગણી અને આંદોલન હવે કાબુ બહાર જઈ ચૂક્યું છે. કોદંડા રામની આગેવાની હેઠળ હવે રાજકીય ફલક પરથી વિસ્તરીને સ્વયંભૂ બની ચૂકેલું આ આંદોલન આંધ્રપ્રદેશની સંવેદનશીલ માનસિકતા જોતાં લોહીયાળ બને તેવી શક્યતા જરાય અસ્થાને નથી. આમ જુઓ તો કોંગ્રેસ, ભાજપ, તેલુગુ દેશમ જેવા રાજકીય પક્ષોને લીધે જ આ મામલો ગૂંચવાયો છે. આ દરેક પક્ષોએ વખતે વખતે પોતાના વાજાંનો સૂર બદલતા રહીને સરવાળે એક સરળ અને લોકલાગણી પ્રેરિત મુદ્દાને અકારણ લંબાવીને હવે એ હદે પહોંચાડી દીધો છે કે ન તો ઉકેલ મળે છે કે ન તો ગૂંચ ક્યાં છે તેની ગતાગમ પડે છે.
૧૯૪૭માં ૫૬૨ રજવાડામાં પથરાયેલા દેશને એકસૂત્રે બાંધીને સરદાર પટેલે આજના ભારતનું ભૌગોલિક ઘડતર કર્યું એ પછી વ્યવસ્થાના ભાગરૃપે રાજ્યોની રચનાનો સવાલ ઊભો થયો. એ માટે વડાપ્રધાન નહેરુના વડપણ હેઠળ રાજ્ય પુનર્ગઠન સમિતિ (સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન કમિટી)ની રચના કરવામાં આવી. આ સમિતિએ નોંખા રાજ્યોની માગણીઓ અને વગર માગણીએ પણ નોંખા કરવા જોઈએ એવા રાજ્યો વિશે કવાયત આદરી ત્યારે સમિતિના એક સભ્ય બાબુ જગજીવનરામે એવું વિધાન કર્યું હતું કે, 'દર પાંચ વરસે જેમ સંસદની ચૂંટણી થાય છે એમ આ કમિટિની પણ નિયત સમયે ચૂંટણી રાખો. કારણ કે, રાજ્યોના પુનર્ગઠનનું કામ કદી પૂરું થવાનું નથી.'
એ જ જગજીવનરામના સુપુત્રી આજે સંસદના અધ્યક્ષપદે બિરાજે છે ત્યારે બાબુની ઉક્તિ તદ્દન યથાર્થ સાબિત થઈ રહી છે. સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન કમિટી તો ૧૯૫૬માં સ્ટેટ રિઓર્ગેનાઈઝેશન એક્ટ તરીકે બંધારણમાં સાતમો સુધારો કરીને સત્તાવાર રીતે બરખાસ્ત થઈ ગઈ પરંતુ રાજ્યોની પુનઃરચનાનું કાર્ય હજુ ય જારી જ છે અને એ ચાલુ પણ રહેવાનું જ છે. રાજ્યોની રચનાને સ્વાભાવિક રીતે જ સુચારુ વહિવટ સાથે સંબંધ છે પરંતુ તેમાં લોકલાગણીનું પરિબળ પણ નજરઅંદાજ થઈ શકે તેમ નથી. એક બાપના ત્રણ દીકરા હોય અને એ ત્રણેય નોંખું ઘર માંડવાની માંગણી મૂકે ત્યારે જે પ્રકારની લાગણી કારણભૂત હોય છે એવી જ લાગણી અલગ રાજ્યોની માગણી માટે પણ જવાબદાર છે. પહેલી લાગણી હોય છે અન્યાયની. જમવામાં જગલો અને કૂટવામાં ભગલો જેવી આ લાગણી વકરે ત્યારે નોંખા પડવું એ જ શ્રેષ્ઠ રસ્તો રહે છે એવું કોઠાસૂઝ ધરાવતો દરેક બાપ જાણતો હોય છે. એ સિવાયની બીજી લાગણી પોતાની રીતે વધુ સારી રીતે વિકસી શકવાનો આશાવાદ હોય છે. જે દરેક બાપે પોતાની જુવાનીમાં પોતાના બાપથી અલગ થતી વખતે અનુભવ્યો હોય છે.
૧૯૫૬માં જ્યારે રાજ્યોની રચનાનો મુદ્દો વિચારાધિન હતો ત્યારે ભૌગોલિક જરૃરિયાત ઉપરાંત ભાષાવાર પ્રાંતોની રચના પણ માત્ર લોકલાગણીના મુદ્દે જ ઉમેરવામાં આવી હતી અને છેવટે ભાષાના આધારે રાજ્યોનું વિભાજન કરવાની લાગણી જ મુખ્ય રહી. એ વખતે ભાષાએ ભૌગોલિક જરૃરિયાત ઉપર સરસાઈ મેળવી હતી, આજે સ્થિતિ એવી છે કે ભૌગોલિક લાગણી હવે ભાષા ઉપર હાવી થઈ રહી છે. તેલંગણાની માંગણી લોહિયાળ બને તેવી તમામ શક્યતાઓ વર્તાતી હોવાનું મુખ્ય કારણ છે ભાષાવાદ. ભાષાવાદ એ દક્ષિણ ભારતમાં બહુ જ સંવેદનશીલ મુદ્દો ગણાય છે. આંધ્રપ્રદેશની ભાષા મુખ્યત્વે તેલુગુ છે અને આ મુદ્દે તેલુગુ-કન્નડ ભાષીઓ વચ્ચે સાંઠના દાયકામાં ભારે તોફાનો થઈ ચૂક્યા છે. એમ છતાં આજે તેલંગણાને આંધ્રના મૂળ સાથે છેડો કાપીને અલગ થવું છે કારણ કે સૂચિત તેલંગણા વિસ્તાર ભાષા ઉપરાંત ભૌગોલિક રીતે પણ પરસ્પર ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાંક હિસ્સામાં વહેંચાયેલા બુંદેલખંડની માંગણી પાછળ પણ ભાષા કરતાં ય વધારે તો ભૌગોલિક અનુકૂળતા વધુ કારણભૂત પરિબળ છે. એ હિસાબે જોઈએ તો, ભૌગોલિક સિમાડાને આપણે ભાષાના આધારે નવેસરથી આંક્યા પછી હવે આપણે ફરીથી વર્તુળ પૂરું કરી રહ્યા છીએ.
સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે, ભારત નાના-નાના ટૂકડાઓમાં વહેંચાયેલું હોય એ વધુ યોગ્ય કે મોટા રાજ્યો વધુ સુગ્રથિત રીતે સામુહિક વિકાસ કરે એ તર્ક યોગ્ય? આ સવાલ એવો છે કે તેનો જવાબ નક્કર આંકડાઓ થકી જ આપી શકાય. વળી, આ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ છે પણ નહિ. નાના-નાના રાજ્યો વહીવટી રીતે સરળ પડે એ કબૂલ. વહીવટી સરળતા હોય તો સ્વાભાવિક રીતે જ નિર્ણયો પણ ઝડપથી લેવાય, સ્થાનિક જરૃરિયાતોનું વધુ ચોક્સાઈથી ધ્યાન રાખી શકાય એ પણ સ્વીકારવું જ રહ્યું. અમેરિકાએ ૧૯૨૩, ૧૯૫૨ અને ૧૯૭૮માં ત્રણ વખત રાજ્યોની રચના અંગે સુધારા કર્યા એ દરેક વખતે નાના રાજ્યો માટેના આ માપદંડને જ ધ્યાનમાં રાખ્યો હતો અને દરેક વખતે અમેરિકાએ ધાર્યું પરિણામ મેળવ્યું પણ ખરું. પરંતુ ભારતના કિસ્સામાં એ શક્ય નથી. આપણી સંસદિય લોકશાહી વ્યવસ્થા અમેરિકાની પ્રમુખગત લોકશાહી જેટલી શિસ્તબદ્ધ નથી એટલે આપણે ત્યાં પરિસ્થિતિ એ સર્જાય છે કે જેટલાં રાજ્યો વધારે એટલી જફા પણ વધારે.
રાજ્યોની સંખ્યાને ઉપાધિની સંખ્યામાં ફેરવી નાંખતું પરિબળ છે ભારતીય રાજકારણ. વિચાર કરો, ગુજરાતને બાદ કરતાં એવાં કેટલાં રાજ્યો છે જ્યાં પ્રાદેશિક પક્ષોનું વર્ચસ્વ ન હોય? દક્ષિણમાં કેરળથી માંડીને ઉત્તરે છેક જમ્મુ-કાશ્મીર અને પૂર્વમાં મહારાષ્ટ્રથી લઈને પશ્ચિમે આસામ સુધી પ્રાદેશિક પક્ષો મહત્ત્વપૂર્ણ જનાધાર ધરાવે છે. પ્રાદેશિક પક્ષો બંધારણની સમવાય તંત્રની (સોવરેઈન સ્ટેટ)ની વિભાવના માટે ચોક્કસ ઉપયોગી પરિબળ છે પરંતુ આર્થિક વિકાસ માટે જરૃરી શિસ્ત પ્રાદેશિક પક્ષોના શેખચલ્લી શાસનોમાં બંધ બેસતી નથી.
ઉદાહરણ તરીકે, માયાવતી પોતાની વોટબેંક જાળવી રાખવા માટે હાથીના ય પૂતળા મૂકે અને જીવતેજીવ પોતાના ય પૂતળાનું પોતે જ ઉદ્ઘાટન કરે. આટલો બેફામ વ્યય સરવાળે વિકાસના ભોગે જ થયો છે છતાં ઉત્તરપ્રદેશમાં માયાવતીને અવગણવાનું કોઈ રાજકીય પક્ષ માટે શક્ય નથી.
બીજું ઉદાહરણ ગોવા અને ઝારખંડનું છે. ગોવા તદ્દન ટચૂકડું રાજ્ય છે અને માથાદીઠ આવકમાં તેનો ક્રમ પણ ઘણો ઊંચો છે આમ છતાં કદની દૃષ્ટિએ છેવાડાનો નંબર ધરાવતું ગોવા ગુનાખોરીના પ્રમાણ અંગે ટોચના ક્રમમાં આવે છે. ઝારખંડ ખનીજસંપત્તિની દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ રાજ્ય છે પરંતુ ત્યાં શિબુ સોરેનથી માંડીને મધુ કોડા સુધીના ખાણ-ખનીજ કૌભાંડો એટલા ગંજાવર છે કે જેનો આંકડો આંકવા માટે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનું કેલક્યુલેટર પણ ટૂંકું પડે. નાના રાજ્યો હોવાથી પ્રાદેશિક પક્ષોનું જોર વધારે હોય, તેમના મૂળિયા ઊંડા હોય, પ્રસાર માધ્યમોની નજર ઓછી પહોંચે અને સ્થાનિક પ્રસાર માધ્યમો તેમજ પોલીસ તંત્ર મેનેજ થઈ શકતું હોય ત્યારે સરવાળે તો એ ભારતની જ ખનીજસંપત્તિની લૂંટ થાય છે. પ્રાદેશિક પક્ષોની મજબૂતી એ રાજકીય અને બંધારણિય અભિગમથી વિશેષતા છે, તો આર્થિક દૃષ્ટિકોણથી એ મર્યાદા પણ છે. એટલે રાજ્યોની સંખ્યા વધારવાથી સરવાળે સમગ્ર દેશની વિકાસકૂચ અવરોધાવાની શક્યતા બળવત્તર છે.
અલગ રાજ્યની વિભિન્ન માંગણીઓના મૂળમાં પોતાના પ્રદેશના વિકાસની લાગણી મુખ્ય મુદ્દો છે. ઓકે, જો લોકલાગણી જ એવી હોય તો ભલે એ પણ થાય. પરંતુ પાયાનો સવાલ એ છે કે, રાજ્યોના કદ અને વિકાસ વચ્ચેનો તથાકથિત સંબંધ સાચો છે ખરો? સરદાર પટેલે ૫૬૨ રજવાડાંઓનું વિલિનકરણ કરીને આજના ભારતનું ઘડતર કર્યું ત્યારે આ પ્રકારે આઝાદીના છ દાયકા પછી ફરીથી ઊભો થઈ રહેલો પ્રાંતવાદ અયોગ્ય છે કે બદલાતા સમયની જરૃરિયાત?
જવાબ સાચે જ બહુ અઘરો છે કે આપણે જાણી જોઈને અઘરો બનાવી રહ્યા છીએ?

Share |
 

Gujarat Samachar Plus

લાઇફ સ્ટાઇલમાં ચેન્જ જરૃરી છે...
ફેશનમાં છે ગુલાબી, પીળા રંગના કિંમતી હીરા
'યુવાન' બનાવતી ટ્રીટમેન્ટઃ શિલહટ ફેસલિફટ
ગાંધીજીના સ્વાવલંબી જીવનનો માર્ગ અપનાવતાં સ્ટુડન્ટસ
ગાંધીજીના જીવન મૂલ્યો અમારા બાંધકામનો પાયો છે
ગાંધીજીના ૧૪૪ પેઇિંન્ટગ્સ નખથી બનાવાયા
 

Gujarat Samachar glamour

વિદ્યા 'નિર્મલ ભારતયાત્રા' સમાપન માટે બિહાર જશે
સની લિયોને વેબસાઇટ લોન્ચ કરી સરપ્રાઇઝ આપી
સોફિયા 'એમી એવોર્ડ્સ' સમારંભમાં ફાટેલા ડ્રેસે ફરી
જાવેદના શરીરમાં રોમાન્સનું હાડકુ જ નથીઃ શબાના
નિક્કી મિનાજ 'રિઆલીટી-શો'ની જજ
હોલિવૂડ હલચલ
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved