Last Update : 30-September-2012, Sunday

 

અધિકારયાત્રામાં વિરોધ કરી રહેલાં શિક્ષકોને નીતિશ 'કચૂમર નિકાલ દુંગા' જેવી ટપોરીછાપ ધમકી આપે છે
લોકપ્રિયતાનો મદ ઃ નીતિશકુમાર કો ગુસ્સા ક્યૂં આતા હૈ?

જનતાની ભાવના એક એવો વાઘ છે જેના પર સવારી કરવાની મજા તો આવે છે પણ એ જ વાઘ જ્યારે મોં ફેરવીને ઘૂરકાટો કરે છે ત્યારે ભલભલા ચમરબંધી બેશુધ થઈ જાય છે. નીતિશનો હાલનો વાણીવિલાસ એ બેહોશીની નિશાની છે.

નીતિશકુમાર એન્જિનિયરિંગના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને રૃઢિ-રિવાજ કે પરંપરાગત માન્યતાઓનો ખાસ આદર કરતા નથી પરંતુ તાજેતરમાં તેમણે કાઢેલી અધિકાર યાત્રા ક્યા ચોઘડિયે નીકળી એ જોવડાવવાનું મન તો કદાચ તેમને થતું હશે. બિહારને વિશેષ દરજ્જાની માગણી માટે તેમણે રાજ્યભરમાં લોકમત કેળવવા (અને આગામી લોકસભાની ચૂંટણીમાં પોતાનું રાજકીય કદ વધારવા) માટે બિહાર અધિકાર યાત્રા વડે સમગ્ર રાજ્યનો પ્રવાસ યોજ્યો ત્યારે તેમના મનમાં એક ચાલથી અનેક સોગઠીઓ મારવાના ગણિત ગણાતા હતા પરંતુ યાત્રાના આરંભિક દૌરમાં જ તેમના રાજકીય ગણિતનો બહુ બૂરી રીતે છેદ ઊડી રહ્યો છે.
લોકસભામાં બિહાર ૪૦ બેઠકો ધરાવે છે પરંતુ તેમ છતાં ય કેન્દ્રના રાજકારણમાં બિહારને જોઈએ તેટલું મહત્વ મળતું નથી એ બાબત નીતિશને ખૂંચે છે. લાલુપ્રસાદ યાદવ, રામવિલાસ પાસવાન જેવા તકસાધુ રાજકારણીઓ કેન્દ્રમાં સરકાર રચતા દળને પોતાનું સમર્થન આપીને બદલામાં અંગત ફાયદો મેળવી લે છે પરંતુ રાજ્યને તેનાંથી ૫ ટકા પણ ફાયદો થતો નથી એ નીતિશનો કાયમી આક્ષેપ છે. બિહાર અધિકાર યાત્રાના માધ્યમથી તેઓ રાજ્યની જનતામાં આ મુદ્દો સ્પષ્ટ કરીને પોતાનું કદ વધારવાનો આશય ધરાવતા હતા. અધિકાર યાત્રાના આરંભ પૂર્વે તેમણે લાલુ અને પાસવાન ઉપરાંત રાજ્યમાં તેમના સાથીપક્ષ ભાજપને પણ બિહારના હિતોનો દિલ્હીમાં સોદો કરી નાંખતા શોષણખોરો ગણાવ્યા હતા. એ વખતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુશીલકુમાર મોદી એક જ મંચ પર હતા તો ય વિરોધ કરી શક્યા ન હતા.
નીતિશે પોતાની ભાવિ વ્યૂહરચનાનું બરાબર હોમવર્ક કર્યું છે. તેઓ જાણે છે કે, બિહાર જેવું રાજ્ય પોતાની પાસે હોય ત્યારે એનડીએમાં તેમની તૂતી વાગવાની જ છે. ભાજપ એક એવી ગાય છે જે ગમે તેવા ડફણા ખાઈને છેવટે ચૂંટણીની સાંજે તો આપણા આંગણે જ ઊભી રહેવાની છે એવી નીતિશને બરાબર ખબર છે. ભાજપના ટેકામાં જ સરકાર ચલાવતા રહીને પોતાનો બિનસાંપ્રદાયિ ચહેરો ઉજાળતા જવાનું અને એ માટે લાગ મળ્યે ભાજપને ય ભાંડી લેવામાં છોછ નહિ રાખવાનો કારણ કે આપણને ભાજપની ગરજ છે તેના કરતાં ભાજપને આપણી ગરજ વધુ છે એવી નીતિશનીતિ આરંભથી જ રહી છે.
પોતાને કોમવાદી પરિબળોના કટ્ટર વિરોધી અને વિકાસલક્ષી બિનસાંપ્રદાયિક ચિતરવાના બે ફાયદા તેમણે બરાબર પારખી લીધા છે. એક તો આવી ઓળખ મજબૂત કરવાથી લોકસભાની આગામી ચૂંટણીમાં ધારો કે એનડીએને બહુમતિ મળે તો પોતે વડાપ્રધાનપદ માટે સાથી પક્ષોનું સમર્થન મેળવી શકે.
વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીનો તીવ્રતમ વિરોધ, ગુજરાતની ચૂંટણીમાં જ.દ. (યુ)ના ઉમેદવારોના પ્રચાર માટે આવવાની જાહેરાત વગેરે બાબતો પાછળનો તેમનો હેતુ સ્પષ્ટ છે. બીજો ફાયદો એ છે કે, આગામી ચૂંટણીમાં જો યુપીએનું પલડું નમતું જણાય અને જો ત્યાં વધુ લાભ મળતો હોય તો બિનસાંપ્રદાયિક છબીના સહારે યુપીએમાં પણ પોતે અસ્પૃશ્ય ન રહે. હાલમાં મમતા સર્જિત કટોકટીના દિવસે જ 'જે બિહારને વિશેષ દરજ્જો આપે તેને હું સમર્થન આપું' એવું નિવેદન કરવા પાછળનો તેમનો હેતુ કોંગ્રેસને પોતાના ખુલ્લા દરવાજા ભણી આકર્ષવાનો જ હતો.
અધિકાર યાત્રાના માધ્યમથી બિહારને વિશેષ દરજ્જો મળવો જોઈએ એ અવાજ પ્રલંબ બનાવવો અને એવો દરજ્જો ફક્ત પોતે જ અપાવી શકે તેમ છે એવી છાપ લોકનજરમાં દૃઢ કરવી એવા નીતિશના પ્રાથમિક એજન્ડાનો જોકે યાત્રાના પ્રથમ ચરણમાં જ ફિયાસ્કો થઈ ગયો. યાત્રાના આરંભિક ચરણમાં જ બિહારમાં તેમની સામે થઈ રહેલો વિરોધ અને તેની તીવ્રતા હવે નીતિશ માટે 'લેને ગઈ પૂત ઔર ખો આઈ ખસમ' જેવો ઘાટ સર્જી રહી છે.
આમ જુઓ તો નીતિશ અને નરેન્દ્ર, એ બંને જો કટ્ટર પ્રતિસ્પર્ધી છે તો તેમની સામેની સમસ્યા પણ એટલી જ સમાન છે. ગુજરાતમાં શિક્ષણ સહાયકોને સમાન કામ-સમાન વેતન આપવા હાઈકોર્ટનો હુકમ છતાં એ અંગે સરકારે કોઈ શુભનિષ્ઠા દાખવી નથી અને હજુ ય મામલો અદાલતમાં જ અટવાયેલો રાખ્યો છે. પરંતુ બિહાર એ ગુજરાત નથી. બિહારમાં શિક્ષણ સહાયકોને, ગુજરાતના સહાયકોને સળંગ પાંચ વર્ષ સુધી ફરજિયાત માસિક રૃ. ૪૦૦૦ના વેતનમાં બાંધી રાખવામાં આવે છે તેની સામે બિહારના શિક્ષણ સહાયકોને પ્રતિમાસ રૃ. ૭૦૦૦નું ફિક્સ વેતન આપવામાં આવે છે. આ શિક્ષકોની સમાન વેતનની માંગણી હવે ઉગ્ર બનીને નીતિશના ખોળામાં જૂતાંના ઘા તરીકે વ્યક્ત થઈ રહી છે.
સાત વર્ષના શાસનમાં પાંચ વખત રાજ્યવ્યાપી યાત્રા કાઢી ચૂકેલા નીતિશની આ છઠ્ઠી યાત્રા છે અને તેમાં એમને જનતાના મિજાજનો ધારણાથી તદ્દન વિપરિત પરચો મળી રહ્યો છે. મધેપુરામાં તેમની સામે જૂતાં ફેંકાયા. ખગડિયામાં તો નીતિશની યાત્રાના વાહનો પહોંચ્યા ત્યારે આ વિસ્તારમાં લોકોનો રોષ એટલો ઉગ્ર હતો કે અગાઉથી જાહેર થયેલી સભા પણ નીતિશે રદ કરી એથી લોકોનો રોષ બેવડાયો અને એવો ભારે પથ્થરમારો થયો કે ખુદ મુખ્યપ્રધાનના કાફલાને પોલીસ રક્ષણ હેઠળ ત્યાંથી બહાર કાઢવો પડયો. સરકારી વાહનોને આગ ચાંપવામાં આવી અને શાસક જનતાદળના ધારસભ્યે વળી પોલીસની ગન ઝૂંટવીને લોકોના ટોળા પર ફાયરિંગ કરીને બહાદુરીનો પરચો ય આપી દીધો.
જે ખભા પર ઊંચકીને નાચે છે એ જ જનતા નારાજગી વખતે ગાલ પર થપ્પડ પણ મારી દે છે. પરંતુ લોકપ્રિયતાના ગુમાનમાં એ વાત યાદ નથી રહેતી. જનતાના આક્રોશ સામે નીતિશની પ્રતિક્રિયા પણ કંઈક આવી જ છે. ખગડિયામાં લોકોના આક્રોશથી સાધારણ સંજોગોમાં નીતિશ જેવો રીઢો રાજકારણી ગમ ખાઈને પણ જનતાનો રોષ ઠંડો પાડવા પ્રયાસ કરે. તેને બદલે નીતિશે મધુબનીની સભામાં વિરોધના દેખાવો કરી રહેલા લોકોને રીતસર ધમકી આપી દીધી. 'કાલે ઝંડે વાલોં કો ચૂન ચૂન કે ફેંક દેંગે... એક-એક કા કચૂમર નિકાલ દેંગે... જિન્હોંને હમારે સામને પથ્થર ફેંકા હૈ ઉન્હેં કરારા જવાબ મિલેગા' જેવી ભાષામાં વ્યક્ત થયેલા નીતિશ વાસ્તવમાં તેમની હતાશા દર્શાવે છે.
દરભંગામાં પણ નીતિશની વર્તણૂંકમાં એ જ પુનરાવર્તન જોવા મળ્યું. તેમની સભામાં વિરોધસૂચક દેખાવો કરી રહેલા શિક્ષકોને સંબોધીને તેમણે કહ્યું કે, 'એક-એક ચહેરા કેમેરે મેં લેલો. મૈં દેખુંગા કિ આફિસલ છુટ્ટી લેકર આયે હૈ યા નહિ. અગર બિના છુટ્ટી આયે હૈ તો યાદ રખના, ઈનકો તો ક્યા, પૂરે પરિવાર કો નૌકરી કે લાયક નહિ રખુંગા'.
- અને આવી ભાષા બોલનાર માણસ એ રાજ્યનો મુખ્યમંત્રી છે.
સ્વાભાવિક રીતે જ નીતિશ આ વિરોધ પાછળ રાજનૈતિક ષડયંત્રને જવાબદાર ગણાવે છે પરંતુ ધારો કે શિક્ષકોની પાછળ પ્રેરક પરિબળ હરીફ રાજકીય પક્ષો હોય તો પણ સત્તાધારી મુખ્યપ્રધાન પોતાના જ રાજ્યની જનતા માટે આવા શબ્દો વાપરી શકે? ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે નીતિશે પોતાની ટીકા પ્રત્યે સહિષ્ણુ થવાને બદલે અત્યંત તોછડાઈથી પ્રતિક્રિયા આપી હોય.
કેગના રિપોર્ટમાં રાજ્યની જળસંચય યોજનામાં ભ્રષ્ટાચાર જાહેર થયો ત્યારે તેમણે એવું વિધાન કર્યું હતું કે, તો ક્યા મેં કેગ કી જેબ કાટકે પૈસા લાઉં? કેગ કો સમજાઓ કિ અપની ઔકાત મેં રહે.
જનતાની ભાવના એક એવો વાઘ છે જેના પર સવારી કરવાની મજા તો આવે છે પણ એ જ વાઘ જ્યારે મોં ફેરવીને ઘૂરકાટો કરે છે ત્યારે ભલભલા ચમરબંધી બેશુધ થઈ જાય છે. નીતિશનો હાલનો વાણીવિલાસ એ બેહોશીની નિશાની છે. એમને કદાચ ખ્યાલ હોવો જોઈએ કે, આ બેહોશી સત્તા ગુમાવ્યા પછી જ હોશમાં પરિણમે છે.
ગેટવેલ સૂન, નીતિશ!

Share |
 

Gujarat Samachar Plus

ઇયરફોનનો વધુ ઉપયોગ હેલ્થ પ્રોબ્લેમ વધારે છે
ડાન્સિંગ છે ઇશા શરવણીનો ફિટનેસ મંત્ર
ગોરી ત્વચાને 'બાય' ઘઉંવર્ણી-તામ્રવર્ણી ચામડીને 'હાય'
ગર્લ્સમાં ઓલ ટાઇમ ફેવરિટ છે સ્ટ્રેચેબલ જિન્સ
ગણેશજીની ૧૦ હજાર મૂર્તિઓ સાથે વિસર્જન
શહેરની કોલેજોમાં સ્ટુડન્ટસ માટે કોર્પોરેટ કલ્ચરનું સ્ટેજ
 

Gujarat Samachar glamour

અત્યારે લગ્નનો કોઈ ઈરાદો નથીઃ મલ્લિકા
શાહરૃખ ખાનનો એક ઓર એરપોર્ટ ડ્રામા
'તલાશ એક તામિલ તથા હોલીવુડ ફિલ્મો પરથી પ્રેરિત
શ્રીદેવીની જીદ સામે આર.બાલ્કીએ નમતું જોખ્યું
અમે રડીએ ત્યારે પણ લોકો તો હસે જ છે
ફિલ્મ બનાવવા માટે ડિગ્રીની કોઇ જરૃર નથીઃશુજીત સિરકર
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved