Last Update : 29-September-2012, Saturday

 

આ કોરિયન વીડિયો સોંગમાં આખરે એવું શું છે કે રોજના ૧ કરોડ લોકો એ નિહાળી રહ્યા છે?
ઈટ્સ ગંગનમ સ્ટાઈલઃ અર્થહિન ઉન્માદનું નવું સરનામું

૨૮ કરોડ લોકો નિહાળી ચૂક્યા છે એ સોંગમાં સંગીતનું માધુર્ય નથી, શબ્દાર્થની સંવેદના નથી કે નૃત્યનો કરંટ નથી ઃ એકધારી શિસ્તમાં રહેલા વિદ્યાર્થીને રિસેસ પડે ત્યારે જરાક પગ છૂટો કરવા મળે તેનાં જેવું જ આ કઢંગી સફળતાનું હોય છે

યુ-ટયૂબ પર અત્યાર સુધીમાં ૨૮ કરોડ લોકો એ વીડિયો જોઈ ચૂક્યા છે અને છેલ્લાં દસ દિવસથી તો દર્શકોનો રોજનો આંકડો એક કરોડને પાર કરતો જાય છે. બ્રિટની સ્પિઅર્સ જેવી ટોચની ગાયિકા, ટોમ ક્રુઝ જેવો ટોચનો અભિનેતા અને ક્વેન્ટિન ટેરેન્ટિનો જેવો નામાંકિત દિગ્દર્શક સુદ્ધાં તેની ફેન ક્લબમાં હરખભેર સામેલ થયા છે. અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના રિપબ્લિકન ઉમેદવાર મીટ રોમનીએ એક ચૂંટણીસભામાં મતદાતાઓને રિઝવવા એ વીડિયોની નકલ જેવા ઠુમકા મારી લીધા છે અને તમે આટલી લાઈન વાંચી હશે એટલી વારમાં ૩૫ હજાર નવા દર્શકોએ એ વીડિયો જોઈ લીધો હશે.
યસ, ઈટ્સ ગંગનમ સ્ટાઈલ!
સંગીત તદ્દન સાધારણ, ડાન્સ સાવ ઢંગધડા વગરનો, ગીતની ભાષા કોરિયન અને અર્થના નામે મીંડું અને તેમ છતાં ગંગનમ સ્ટાઈલ આખી દુનિયાને ઘેલું લગાડી ચૂકી છે. વાતમાં આમ જુઓ તો કંઈ દમ નથી પણ એમ તો ગયા વર્ષે દેશભરમાં તહેલકો મચાવનાર ગીત વ્હાય ધીસ કોલાવરી ડીમાં ય ક્યાં કશું હતું? તેમ છતાં ય તેના વીડિયોને ૬ કરોડથી ય વધુ દર્શકો મળ્યા જ હતા. રમતિયાળ શબ્દો અને સરળ ધૂન ધરાવતા તમિલ ફિલ્મ 'મૂંદરુ'ના એ ગીતમાં ધુ્રવ પંક્તિને બાદ કરતાં આખું ગીત તમિલ ભાષામાં હતું તેમ છતાં ભાષાના સીમાડા તોડીને તેને દેશભરમાં લોકપ્રિયતા મળી અને તેનો ગાયક ધનુષ, સંગીતકાર અનિરુદ્ધ રવિચંદ્ર રાતોરાત સુપરસ્ટાર બની ગયા. તેની સરખામણીએ ગંગનમ સ્ટાઈલની સક્સેસ સ્ટોરી થોડી અલગ છે અને તેનો ચેપ વૈશ્વિક છે. ખાસ તો, ઢંગધડા વગરના શબ્દો અને ડાન્સને જ એક નવીન સ્ટાઈલમાં ખપાવવાનો કિમિયો એટલે કારગત નીવડયો છે કે આવનારા દિવસોમાં આ ચેપ ભારતમાં ય આવે તો નવાઈ ન લાગવી જોઈએ.
એ ગીતના સર્જકનું નામ છે પાર્ક જે સંગ, પણ સંગીતકાર તરીકે તેણે પોતાનું તખલ્લુસ રાખ્યું છે સાય (Psy). ૩૪ વર્ષિય સાય દક્ષિણ કોરિયાનો સુપરસ્ટાર સિંગર ગણાય છે. હિપ-હોપ સ્ટાઈલના ડાન્સમાં કોરિયન લોકનૃત્યના સ્ટેપ્સને જાણી-જોઈને તદ્દન કઢંગી રીતે ઉમેરીને તેણે કોરિયન હિપ નામની નવી સ્ટાઈલને જન્મ આપ્યો છે અને કોરિયા ઉપરાંત ચીનમાં પણ તે ભારે લોકપ્રિય છે. સાયના સોન્ગ્સની ભૂરકી એવી છે કે દ. કોરિયાના જાની દુશ્મન ઉ.કોરિયામાં પણ સાય એકમાત્ર એવો કલાકાર છે જેના પોસ્ટર સત્તાવાર રીતે જાહેરમાં મૂકી શકાય છે કારણ કે, ઉ.કોરિયાના યુવાન શાસક કિમ જોંગ ઉલ પણ સાયના સોન્ગ્સ પર ઝૂમે છે.
પરંપરાને તોડી-મરોડીને, સાધારણ સંગીતરસિયાને કઢંગુ લાગે એવું સતત કરતાં રહેવું એ સાયને લાધી ગયેલી સક્સેસ ફોર્મ્યુલા છે. ૨૦૦૧માં તેણે સૌ પ્રથમ આલ્બમ આપ્યું હતું, જેનું શીર્ષક હતું 'સાય ફ્રોમ ધ સાયકો વર્લ્ડ'. સાયની બીજી વિશેષતા એ છે કે તે જેને ટાર્ગેટ ઓડિયન્સ ધારીને ગીત બનાવે છે તેમની જ બેરહેમ ફિલ્મ ઉતારતો જાય છે. સાયકો વર્લ્ડમાં તેણે કોરિયન જવાનિયાઓના ફાસ્ટ ડ્રાઈવિંગના ક્રેઝ, કોલેજ કેમ્પસની બહાર મારામારી કરવામાં બહાદુરી સમજવાના ઉન્માદની લિજ્જતભરી મજાક ઊડાવી હતી. ગીતના શબ્દોમાં તેણે કેટલાંક જાણીતા કોરિયન સોન્ગ્સની પેરોડી કરી અને ડાન્સમાં ઠેકાણા વગરના ઠુમકા માર્યા અને એમ તૈયાર કરી નાંખ્યું આલ્બમ.
તેના ગીતના શબ્દોથી આલ્બમના પ્રોડયુસર બરાબર ભડક્યા હતા. પ્રોડયુસરે એમ કહીને પોતાનું ફાયનાન્સ પાછું ખેંચી લીધું હતું કે, તું તો યાર જેને આપણે આલ્બમ વેચવાનું છે એમને જ કરડવા જાય છે. પરંતુ સાય પોતાની જીદ પર અડગ રહ્યો અને છેવટે જાતે જ ફાયનાન્સની વેતરણ કરીને આલ્બમ પ્રસિદ્ધ કર્યું. આજે હાલત એવી છે કે, કોરિયાની વાત છોડો, અબજો ડોલરના બજેટની ફિલ્મો બનાવતા હોલિવૂડના આલા દરજ્જાના સ્ટુડિયો સાયના ચંદ મીનિટના વીડીયો પ્રોડયુસ કરવા લાઈનમાં ઊભા રહે છે.
ફૂંક મારીને કરડવાની સાયની આ સ્ટાઈલ તેના લેટેસ્ટ અને ઓલટાઈમ હીટ ગંગનમ સ્ટાઈલમાં પણ પૂરબહારમાં ખીલી છે. ગંગનમ એ દ. કોરિયાના પાટનગર સિઉલનો નદી પારનો ધનાઢ્ય વિસ્તાર છે. ન્યુયોર્કમાં જેમ મેનહટ્ટન, લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સ, અમદાવાદમાં સીજી, એસજી રોડ છે એવો જ એ સમૃદ્ધ વિસ્તાર દ. કોરિયાના ફેશન એન્ડ સ્ટાઈલ વર્લ્ડનો હાર્ટ થ્રોબ કહેવાય છે. ગંગનમ સ્ટાઈલમાં સાયે એ વિસ્તારના દંભ, ફેશન પરસ્તી, અમેરિકન-યુરોપિયન લાઈફ સ્ટાઈલનું આંધળું અનુકરણ વગેરે બાબતોની ભદ્દી મજાક ઊડાવી છે. એ મજાક ઊડવવામાં પણ તેણે રચનાત્મકતા વાપરી હોત તો પણ એ ડાબેરી વિચારધારાને ગમતી વાત બની જાત અને સર્જનાત્મકતાના આગ્રહીઓને તેમાં પ્રતીકો અને કલ્પનો શોધવાનો ઉદ્યમ મળી જાત. પરંતુ સાયે તો એમાં ય કોઈ નવીનતા કે તાજગી કે કટાક્ષનો ઉપયોગ કર્યો નથી અને નકરી ઠોકમઠોક જ કરી છે.
સફળતા મેળવવાનો શોર્ટેસ્ટ કટ એ છે કે સફળતાનું બેઠું અનુકરણ કરો. કોલાવરી ડીને પ્રચંડ અને કારણ વગરની સફળતા મળી ગઈ એટલે તેના ગાયક ધનુષને ઉપરાછાપરી એવા જ ગીતોના ઓર્ડર મળવા લાગ્યા. ધનુષે સચિન પર પણ ગીત ગાયું અને રણબીર કપુરની આગામી ફિલ્મમાં પણ ગાવાનો છે. એવો જ ઘાટ હવે ગંગનમ સ્ટાઈલનો થવાનો છે. વળી, ગંગનમ સ્ટાઈલની નકલ કરવી આસાન પણ છે. પીળા પેન્ટ ઉપર બદામી રંગનો શર્ટ પહેરો, નીચે વાદળી રંગનું ગંજી બતાય તેમ લોફર સ્ટાઈલમાં શર્ટના બટન ખુલ્લા રાખો. ગીતના શબ્દોને ગોળી મારો, ડાન્સ સ્ટેપ્સની ય ઐસીતૈસી. બસ, કશુંક અળવીતરું કરો એટલે સફળતા મળવાની શક્યતા વધી જાય. જે ચાલે છે એ ચલણી છે એવા સફળતાના આધુનિક મંત્ર મુજબ ગંગનમ સ્ટાઈલ ઈઝ સુપરડુપર હિટ બાય ઓલ મીન. તેની અર્થહિનતાને વખોડવામાં માલ નથી. તેની વિચારશૂન્યતાને ભાંડવાનો કોઈ અર્થ નથી. આવી સફળતા જવલ્લે આવી પણ જાય તો ય નવી પેઢીના રસરૃચિને ભાંડવાની ય જરૃર નથી. દરેક યુગમાં, દરેક દેશની દરેક પેઢી આવા ગતકડાંની દિવાની બનતી જ રહી છે. ભારતીય ફિલ્મ સંગીતમાં ય ઈના-મીના-ડિકા હતા, કૂક કૂક કૂના તાલે આપણે ત્યાં હજુ હમણાં સુધી ગોવિંદાઓ નાચ્યા છે અને તેની તર્જ પર જે-તે પેઢીના જવાનિયાઓ ઝૂમ્યા પણ છે. વર્તમાન પેઢી ગઈકાલની પેઢીના ક્રેઝને વાહિયાત ગણાવતી હોય પરંતુ તેમનો આજનો ક્રેઝ આવતીકાલની પેઢીને વાહિયાત જ લાગવાનો હોય એ સનાતન ક્રમ રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, એકધારી શિસ્તમાં રહેલાં વિદ્યાર્થીને રિસેસ પડે ત્યારે જરાક પગ છૂટો કરવા મળે તેનાં જેવું જ આ કઢંગી સફળતાનું હોય છે. સુમધૂર ધૂન હોય, ગીતનો વાચ્યાર્થ, ગૂઢાર્થ કંઈક અનોખા સ્પંદનો જગાડતો હોય અને ડાન્સમાં કલાત્મકતા હોય એવું સતત જોયા પછી ક્યારેક જરાક ધમાલ-મસ્તી કરીને શિસ્તના ચિંથરા ઊડાડી દેતું કશુંક આવે તો એ પણ પ્રાયમરી સ્કૂલની રિસેસની માફક જરાક ગમી જાય. પરંતુ એ ગમાડતી વખતે એ ખ્યાલ પણ રાખવો પડે કે આવી સફળતાનું આયુષ્ય સ્કૂલની રિસેસ જેટલું જ હોય છે અને રિસેસનો હેતુ એકધારી શિસ્તના વિરામ પૂરતો જ હોય છે. ફક્ત રિસેસ માણવા માટે ક્યાંય શાળાઓ ચાલતી હોય તેવું બનતું નથી. એ મુજબ, આવા કઢંગા ગીતો એકાદ વાર સફળ થઈ જાય એટલે તેની પાછળ દોડવામાં ય સાર નથી અને દોડવાના એ ચાલને વખોડવામાં ય સાર નથી.
જસ્ટ કિપ એન્જોયિંગ, ઈટ્સ ગંગનમ સ્ટાઈલ!

Share |
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved