Last Update : 28-September-2012, Friday

 

સર્વોચ્ચ અદાલતના ચૂકાદા પછી આશા રાખીએ સરકારી સ્તરે નીતિઓના ઘડતરમાં ભાવિ પેઢીનો ખ્યાલ રખાય
કુદરતી સંપત્તિ પર હક કોનો, વર્તમાનનો કે ભાવિનો?

આજે ઊભી થતી સગવડ માટે જો ભાવિ પેઢીએ તેમના સુખચેન અને શાંતિની કિંમત ચૂકવવાની થતી હોય તો એ વિકાસ ન હોઈ શકેઃ આપણે ત્યાં છેલ્લાં એક દાયકાના કૌભાંડો યાદ કરી જુઓ, દરેક તગડાં કૌભાંડ કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલા જ છે

સંસદ, સરકાર અને સર્વોચ્ચ અદાલતને ભારતીય બંધારણે સમાન મહત્ત્વ આપીને લોકશાહીના પાયા ગણાવ્યા છે પરંતુ ક્યારેક બે પાયા પરસ્પર સાથે આખડી પડે ત્યારે લોકશાહીનું સમૂળગુ માળખું જ હચમચી જાય તેમ બને. સંવિધાનની જોગવાઈ અનુસાર રાજ્ય ચલાવવાનો, પ્રજાની સંપત્તિનો બંધારણની મર્યાદામાં રહીને વહીવટ કરવાનો અને એ વહીવટ માટે નીતિઓ ઘડવાનો અધિકાર સરકારનો છે અને સરકાર એ અધિકાર વાપરવામાં બંધારણ અને કાયદાને કોરાણે મૂકે તો કાન આમળવાનો હક અદાલતનો છે. પ્રાથમિક શાળામાં નાગરિકશાસ્ત્રમાં ભણેલા પાઠ હવે ફરીથી ભણવા પડે એવી સ્થિતિ હાલ સર્જાઈ રહી છે. વિવાદના મૂળમાં ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ છે પરંતુ ગુરુવારે સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદાની અસર દૂરોગામી છે એ જોતાં વર્તમાનના પગથિયે આવતાં પહેલાં થોડો ફ્લેશબેક.
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ સામે આવ્યા પછી સર્વોચ્ચ અદાલતના આદેશથી સ્પેક્ટ્રમ ફાળવણી રદ કરવાની સરકારને ફરજ પડી હતી. એ વખતે સર્વોચ્ચ અદાલતે 'વહેલો તે પહેલો'ના ધોરણે થયેલી ફાળવણીને ગેરબંધારણિય ગણાવતા સરકાર રાષ્ટ્રની સંપત્તિનો અણઘડ, આપખુદ અને મનમાનીભર્યો વહીવટ કરી રહી હોવાની ટિપ્પણી કરી હતી. એ પછી (ભૂતપૂર્વ) ટીમ અણ્ણા ફેઈમ વકીલ પ્રશાંત ભૂષણ અને ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર લાવવામાં રાઈટ ટૂ ઈન્ફોર્મેશનનો બ્રહ્માસ્ત્રની માફક ઉપયોગ કરનાર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કુદરતી સંપત્તિના વહીવટમાં પારદર્શિતા લાવવાની સરકારને ફરજ પાડવા માટે જાહેરહિતની અરજીઓ કરી હતી.
આ અરજી કરવાની જરૃર કેમ પડી તેનું કારણ એ છે કે, સરકારના પક્ષે (હાલ કોંગ્રેસ કે ભાજપ એવા રાજકીય ફટાણા ગાવાની જરૃર નથી. સરકાર એટલે સરકાર એવો સીધો અર્થ સમજવામાં વધુ અનુકૂળ રહેશે) રાષ્ટ્ર (કે રાજ્ય), રાષ્ટ્રીય સંપત્તિની વ્યાખ્યા અલગ છે અને બંધારણની જોગવાઈ કંઈક અલગ અર્થઘટન કરે છે. બંધારણે રાષ્ટ્ર શબ્દ અંતર્ગત જળ, જમીન, આકાશ, હવા અને ભૂગર્ભ સહિતની દરેક કુદરતી સીમાઓને આવરી લીધી છે. સ્વાભાવિક રીતે જ જો સમગ્ર રાષ્ટ્રની માલિકી પ્રજાની છે તો આ દરેક કુદરતી સંપત્તિ પણ પ્રજાની જ માલિકીની થઈ ગણાય. ૨-જી સ્પેક્ટ્રમના વિવાદ વખતે સરકારની દલીલ એ પ્રકારની હતી કે, માલિકી પ્રજાની હોય તો પણ વહીવટ માટે નીતિ ઘડવાની સત્તા સરકારને હોય છે. પ્રશાંતભૂષણ અને સ્વામીની અરજીએ સરકારની આ દલીલને પડકારતા એવો સવાલ ખડો કર્યો હતો કે, નીતિ ઘડવાનો સરકારનો અધિકાર હોય તો પણ એ નીતિ બંધારણિય દાયરાની બહાર તો ન જ હોવી જોઈએ ને? ગુરુવારે સર્વોચ્ચ અદાલતે આ અંગે આપેલો ચૂકાદો રસપ્રદ પણ છે અને તેના અર્થઘટનની અસર હાલના કોલસાકૌભાંડથી માંડીને ભવિષ્યની અનેક ફાળવણીઓ પર પડી શકે છે. ૨-જી સ્પેક્ટ્રમની ફાળવણી સુપ્રીમ કોર્ટે એમ કહીને રદ કરી હતી કે તેમાં ફર્સ્ટ કમ-ફર્સ્ટ સર્વની નીતિ લાગુ કરવામાં આવી હતી, જે રાષ્ટ્રને આર્થિક રીતે નુકસાનકારક નીવડી શકે. આવી નીતિને બદલે જાહેર સ્થાવર સંપત્તિના વેચાણમાં વપરાતી હરાજીની નીતિ પારદર્શક ગણાય એવો અદાલતનો અભિપ્રાય હતો. સરકારે આ ચૂકાદો અને હરાજીની આ નીતિ દરેક પ્રકારની કુદરતી સંપત્તિને લાગુ પડે કે કેમ એ અંગે અદાલતનું માર્ગદર્શન માંગ્યું હતું. જેના જવાબમાં ગુરુવારે સર્વોચ્ચ અદાલતે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે દરેક કુદરતી સંપત્તિની ફાળવણી વખતે લિલામી કરવી ફરજિયાત નથી.
આ ચૂકાદાના અર્થઘટન વિશે હજુ કંઈપણ કહેવું વહેલું ગણાશે પરંતુ અદાલતનો ચૂકાદો નીતિ ઘડવાના સરકારના અધિકારને બંધારણિય દાયરામાં મૂકે છે એ તો સ્પષ્ટ જ છે. વાસ્તવિકતા એ છે કે, વીસમી સદીથી દુનિયાભરમાં નૈસર્ગિક સંપત્તિની જે રીતે ઊઘાડી લૂંટાલૂટ ચાલુ થઈ છે તે જોતાં આ અંગે કોઈ નિયત માર્ગદર્શિકા તૈયાર થાય એ હવે, ભારે મોડું થયું હોવા છતાં હજુ ય, અત્યંત આવશ્યક છે.
બહુ બારીકાઈથી જોઈએ તો, છેલ્લાં એક દાયકાથી ભારતમાં થયેલા દરેક મોટા કૌભાંડો એક યા બીજી રીતે નૈસર્ગિક સંપત્તિની લૂંટમાંથી જ સર્જાયા છે. જળ, જમીન અને જંગલ એ નવી સદીના ધાડપાડુઓના પહેલાં ટાર્ગેટ છે, જેના પર ખરેખર તો સમગ્ર રાષ્ટ્રની માલિકી છે. અવકાશમાં સંદેશા વ્યવહારના સ્પેક્ટ્રમ હોય કે ધરતીના પેટાળમાંથી નીકળતી ખનીજ સંપત્તિ, દરેક લોકશાહી સરકારની પહેલી ફરજ આમ નાગરિકની સુખાકારીના સંદર્ભમાં રાષ્ટ્રીય સંપત્તિના સુચારુ વહીવટની ગણાય. પરંતુ આફ્રિકાના કેટલાંક દેશોની માફક ભારતમાં પણ હવે નૈસર્ગિક સંપત્તિની લૂંટ એટલી સહજ થઈ ગઈ છે તેનું કારણ એક જ છે કે આપણે વિકાસ નામના છેતરામણા શબ્દના લપસણા ઢાળ પર આસાનીથી ગબડી જઈએ છીએ.
આજનો વિકાસ જો આવતીકાલની પેઢી માટે સજા હોય તો એ વિકાસ કઈ રીતે ગણાય? આજે ઊભી થતી સગવડ માટે જો ભાવિ પેઢીએ તેમના સુખચેન અને શાંતિની કિંમત ચૂકવવાની થતી હોય તો એ વિકાસ ન હોઈ શકે. આફ્રિકન દેશ કોંગોમાં હીરાની ખાણો મળી આવ્યા પછી ત્યાં ફેલાયેલી અરાજકતા તેનું સૌથી વધુ દારુણ ઉદાહરણ છે. નાઈજિરિયા હાલ ખનીજતેલથી તરબતર ગણાય છે પરંતુ ત્યાં ખનીજતેલ ઉલેચવાનું પ્રમાણ એટલું અરાજકપણે ચાલી રહ્યું છે તેલના કૂવા તો વહેલી તકે ખાલી થવાના જ છે પરંતુ એ પછી ધરતીનો સમૂળો કસ ઉલેચાઈ જાય અને આખો દેશ નપાણિયો બની જાય એવી ચિંતા પણ ભૂગર્ભશાસ્ત્રીઓ વખતોવખત કરતાં રહ્યા છે. આમ છતાં ત્યાં કુદરતી સંપત્તિની બેફામ લૂંટ ચાલે છે કારણ કે એ લૂંટ રોકી શકે તેવું કોઈ તંત્ર નથી. વેનેઝુએલા તેનું સૌથી વધુ અસરકારક ઉદાહરણ છે. ઓપેકના સભ્ય દેશ તરીકે ખનીજતેલ જેવી ચિક્કાર કુદરતી સંપત્તિના ખીલે કૂદતું વેનેઝુએલા બેફામ રીતે તેલભંડારો ઉલેચાઈ ગયા પછી ભૂગર્ભની જાળવણીમાં નિષ્ફળ જતાં ત્યાં પ્રતિવર્ષ ૮ ટકાના દરથી ખેતીલાયક જમીન બંજર થતી જાય છે અને આવનારા ત્રણ દાયકામાં આખો દેશ રણ બની જશે એવી ધારણા છે. કુદરતી સંપત્તિના રેઢિયાળ વહીવટનું આ પરિણામ છે. આવતીકાલ કોણે જોઈએ છે એવી ધારણા હેઠળ આજને ઉજળી બનાવવાની લાલસા સરવાળે ભાવિ પેઢીનો ભોગ લે છે.
ભારતમાં હજુ ય એ તક છે. આપણે ત્યાં છેલ્લાં એક દાયકાના કૌભાંડો યાદ કરી જુઓ, દરેક તગડાં કૌભાંડ કુદરતી સંપત્તિ સાથે સંકળાયેલા જ છે. કર્ણાટકનું ખાણખનીજ કૌભાંડ, ઝારખંડમાં મધુ કોડાનું કૌભાંડ, આસામમાં શહેરી આવાસના નામે હજારો હેક્ટર જંગલોનો સોથ વાળીને લાકડા બારોબાર સગેવગે કરી દેવાનું કૌભાંડ વગેરે તેના તાજેતરના ઉદાહરણો છે.
કાવેરીના તટપ્રદેશમાં ખનીજતેલ મેળવવા માટે સદીઓથી એ વિસ્તારમાં રહેતાં હજારો આદિવાસીઓના રહેણાંકનો ભોગ લેવાયો છે અને હવે એ આખો વિસ્તાર નક્સલવાદની એવી નાગચૂડમાં ફસાઈ ચૂક્યો છે કે ત્યાં ખનીજતેલનું શારકામ કરવા કોઈ કંપની તૈયાર નથી. કુદરતી સંપત્તિથી પ્રચૂર એવા છત્તીસગઢ, ઝારખંડ જેવા પછાત રાજ્યોમાં બેફામ લૂંટાલૂંટ ચાલી રહી છે. કોલસાની ખાણોની ફાળવણીએ તો નસીબજોગે વિવાદ જગાવ્યો એટલે થોડીક વાતો બહાર આવી પરંતુ જે લૂંટ હજુય અંધારામાં છે તેનો હિસાબ તો શી ખબર ક્યારે જડશે?

Share |
 

Gujarat Samachar Plus

એજને અનુરૃપ કરો ઝ્વેલરીની પસંદગી
સ્લિમ ટ્રીમ બનતા પહેલા સો વાર વિચારજો
'ઇડિયટ'નો 'સ્માર્ટ' અવતાર
બનો સ્ટાર જેવા સ્ટાઈલીશ
સ્ટોરીને એક્ટિંગથી રજુ કરો તો ઈમ્પેક્ટ વધુ પડેઃ જોએન
 

Gujarat Samachar glamour

રાનીએ 'એપ્યા'માં અમિતાભ-રેખાની જોડીની મજાક ઉડાડી છે
સોનાક્ષીની રિયલ સિસોટી, ફિલ્મની એક 'અદા' બની ગઈ
શરતોવાળી ફિલ્મો નહીં કરું- કરીના
કરીનાને પછાડી રણબીરે મેદાન માર્યું
'લતા મંગેશકર જુઠ્ઠુ બોલે છે' શાહિદ રફી
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સુપર-સ્પીડ સિનેસ્ટાર સ્લાઈડ-શો

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved