Last Update : 27-September-2012, Thursday

 

મહંમદઅલી ઝિણા હોય કે ઝુલ્ફિકાર ભુત્તો, પ્રેમમાં ઊંધેકાંધ પડવું એ પાકિસ્તાની સિયાસતની ફિતરત રહી છે
બિલાવલ-હિનાઃ ઈશ્ક કે પરવાને જલને સે નહિ ડરતે!

ગત વર્ષે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા હિના રબ્બાની ખારે એવું ઘેલું લગાડયું હતું કે સોશિયલ મીડિયા પર 'હિના દે દો, કાશ્મીર લે લો' જેવી ચબરાક મજાકો પણ વહેતી થઈ હતીઃ વિદેશમંત્રી ક્રિષ્ના પણ હસ્તધૂનન કર્યા પછી ક્યાંય સુધી હિનાનો હાથ છોડી શક્યા ન હતા

એમાં બિલાવલ ઝરદારીનો વાંક નથી. હિના રબ્બાનીનું સૌંદર્ય જ એવું કાતિલ છે કે બિલાવલને ૧૧ વર્ષનો ઉંમરનો તફાવત પણ ભૂલાઈ જાય અને પોતાનો રાજકીય દરજ્જો કે હિનાનું પરિણિત હોવું એ કશાનો તેને છોછ ન નડે. ભારતીય ઉપખંડમાં હાલ બડી લિજ્જતથી ચર્ચાઈ રહેલી પાક. વિદેશમંત્રી હિના રબ્બાની અને બેનઝીર-આસિફ પુત્ર બિલાવલની પ્રેમકહાનીમાં આમ જુઓ તો આઘાતજનક કશું જ નથી. ૨૪ વર્ષનો બિલાવલ અને ૩૫ વર્ષની પરિણિત હિના રબ્બાની વચ્ચે લાંબા સમયથી ચાલતી આંખમિચૌલી છેક હવે મીડિયાની આંખમાં ઉત્સુકતાનું મરચું આંજી રહી છે અન્યથા, અમેરિકી અખબારોએ બે વર્ષ પૂર્વે આ અંગે આંગળી ચિંધવાનું પૂણ્ય કમાઈ લીધું છે.
પાકિસ્તાનની સત્તાધારી પિપલ્સ પાર્ટીના નવયુવાન અધ્યક્ષ તરીકે બિલાવલ ભુત્તોએ શું તીર મારી લીધા એ તો ભાગ્યે જ કોઈને ખબર છે પરંતુ પૂર્વ વડાપ્રધાન બેનઝિર ભુત્તો અને હાલના રાષ્ટ્રપ્રમુખ આસિફઅલી ઝરદારીના પુત્ર તરીકે નોનસ્ટોપ પ્રેમમાં પડવાનો કારોબાર ધીકતો ચલાવ્યો છે. પિપલ્સ પાર્ટીના અધ્યક્ષ તરીકે વરણી થયાના છ જ મહિનામાં તેમનું અને સિંધ પ્રાંતના પાર્ટીના અગ્રણી રસૂલ દિન્યારની પુત્રી સાથે તેમનું પ્રેમ પ્રકરણ ચર્ચાવા લાગ્યું હતું. દિન્યાર કરાંચીના બહુ મોટા બિઝનેસમેન અને પિપલ્સ પાર્ટીના આગેવાન હોવાના નાતે ભુત્તો પરિવાર સાથે દાયકાઓનો ઘરોબો ધરાવે છે. એ જોતાં તેમની દીકરી સાથેનો બિલાવલનો સંબંધ શાદીમાં પરિણમશે એવી ધારણાઓ દૃઢ મનાતી હતી પરંતુ બિલાવલ ત્યાં સુધીમાં પાક. સ્થિત ઈરાનિયન એમ્બેસીની એક યુવાન ઓફિસરના પ્રેમમાં પડી ગયા.
બિલાવલની નાની (એટલે કે બેનઝિરની માતા) નુસરત ભુત્તો પણ ઈરાની કૂળના હતા એ જોતાં બિલાવલનો આ પ્રણય પણ રંગ લાવે તેવી શક્યતા મનાતી હતી. પરંતુ એ સંબંધ પણ શાદીમાં પરિણમે એ પહેલાં જ બિલાવલના દિલ પર હિના નામની મહેંદીનો રંગ બરાબર લાગી ગયો. રાજકીય પારીવારિક બેકગ્રાઉન્ડ ધરાવતા હિના રબ્બાની ભારતીય ઉપખંડમાં ભૂતકાળમાં ચર્ચાયેલ ઈન્દિરા ગાંધી કે બેનઝિર ભુત્તોની માફક બેહદ કરિશ્માઈ વ્યક્તિત્વ ધરાવે છે. અઢળક સંપત્તિ અને અપાર સત્તાનો વારસો ધરાવતા હિના ફક્ત ૩૩ વર્ષની ઉંમરે પાકિસ્તાન જેવા રૃઢિચુસ્ત દેશમાં વિદેશમંત્રી જેવો હોદ્દો મેળવી શકે એ બાબતથી જ જાણકારોની આંખના ભવાં તણાઈ ગયા હતા.
ગત વર્ષે ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા હિના રબ્બાની ખારે ભારતીય માધ્યમોને એવું ઘેલું લગાડયું હતું કે સોશિયલ મીડિયા પર 'હિના દે દો, કાશ્મીર લે લો' જેવી ચબરાક મજાકો પણ વહેતી થઈ હતી. બાળપણથી જ શાહી દોરોદમામમાં ઉછરેલા હિના દુનિયાની સર્વશ્રેષ્ઠ ચીજો વાપરવાના શોખીન છે. ભારતની મુલાકાત વખતે તેમની ૧૦ લાખની કિંમતની હેન્ડબેગ, કાનમાં પહેરેલા ૬૦ લાખના ઈયરરિંગ્ઝ વગેરે બાબતોએ વિદેશમંત્રી તરીકેની તેમની કુશળતા કરતાં વધુ ચર્ચા જગાવી હતી. સ્વયં ભારતીય વિદેશમંત્રી એસ.એમ.ક્રિષ્ના પણ હિનાના માદક સૌંદર્યની ભૂરકીથી એવા અંજાઈ ગયા હતા કે હસ્તધૂનન કર્યા પછી હિનાનો સુંવાળો હાથ છોડવાનું ય ભૂલી ગયા હોય તેમ ક્યાંય સુધી તેમણે નર્મ, ગુદાઝ પંજો પકડી રાખ્યો હતો. ક્રિષ્ના જેવા જૈફવયના રીઢા રાજકારણી પણ કાનૂડો બનવા થનગની ઊઠતા હોય તો બિલાવલ જેવો ૨૪ વર્ષનો વછેરો હિનાની ભૂરકીમાંથી છટકી ન શકે તે સ્વાભાવિક છે.
હિના અને બિલાવલમાં કેટલુંક સામ્ય પણ છે. હિનાના પતિ ફિરોઝશાહ ગુલઝાર અત્યંત ધનિક જમીનદાર છે પરંતુ તેમનું ભણતર ખાસ કંઈ નથી. જ્યારે હિના પોતે અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરી ચૂક્યા છે. એટલે પતિ સાથે વૈચારિક સ્તરે તેમને ખાસ મનમેળ ન હોય તે સમજી શકાય તેમ છે. સામા પક્ષે, બિલાવલને નાની ઉંમરમાં જ પિપલ્સ પાર્ટી જેવા રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ તરીકેની જવાબદારી વારસામાં મળી ગઈ છે. બાપ દેશનો પ્રમુખ હોય, પોતે આવો હોદ્દો ધરાવતો હોય ત્યારે સ્વાભાવિક ક્રમમાં જ તેમની આસપાસ જીહજુરિયાની ભરમાર હોય પરંતુ અંગત કહી શકાય તેવો કોઈ દોસ્ત ન હોય. આ હાલતમાં હિના અને બિલાવલ વચ્ચે નજદીકી વધી હોવાની ધારણા છે.
ગત વર્ષે હિનાએ લાહોર ખાતે પોતાની માલિકીની ફાઈવસ્ટાર હોટેલ પોલો લાઉન્જમાં બર્થ-ડે પાર્ટી યોજી હતી ત્યારે અનેક ટોચના રાજકારણીઓ સાથે બિલાવલે પણ હાજરી આપી હતી. પરંતુ એ પાર્ટી પૂરી થયા પછી ફક્ત બિલાવલ જ મોડે સુધી રોકાયા હતા. ત્યાં સુધી કે, ખુદ હિનાના પતિ ફિરોઝ ગુલઝાર અને તેમની બંને દીકરીઓ પણ ઘરે જતા રહ્યા તોય બિલાવલ અને હિના એક અલાયદા ખૂણામાં મોડી રાત સુધી બેઠા રહ્યા. એ વખતની તેમની તસવીરો કોઈ અમેરિકન ટુરિસ્ટે અમેરિકી માધ્યમોમાં પ્રસિદ્ધ કરી ત્યારે પહેલીવાર પાકિસ્તાનના આ સૌથી ખુબસુરત અને શક્તિશાળી, ધનાઢ્યો વચ્ચે કશુંક રંધાઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
ગત શુક્રવારે બિલાવલનો જન્મદિવસ હતો અને એ જ દિવસે ચીનના એક પ્રતિનિધિમંડળ સાથે હિનાની મિટિંગ હતી પરંતુ હિનાએ નાદુરસ્ત તબિયતનું કારણ આપીને એ મિટિંગ કેન્સલ કરી નાંખી અને બિલાવલ સાથે આખો દિવસ વિતાવવાનો ખાનગી કાર્યક્રમ ઘડી કાઢ્યો. આસિફઅલી ઝરદારીના ધ્યાનમાં આ વાત આવતાં તેમણે બિલાવલને આ સંબંધમાં આગળ વધતાં વાર્યો હોવાના અહેવાલો છે. જોકે આસિફઅલી ઘણાં સમયથી આ સંબંધ અંગે માહિતગાર છે અને તેમણે બિલાવલને વખતોવખત ચેતવણી પણ આપી હોવા છતાં બિલાવલ હિના સાથેના સંબંધને શાદી સુધી પહોંચાડવા મક્કમ હોવાનું કહેવાય છે.
બિલાવલની આ પ્રેમપરસ્તી જોકે પાકિસ્તાની રાજકારણીઓની તાસિર જોતાં જરાય નવાઈની વાત નથી. ચહેરે-મહોરે માતા બેનઝિર પર ગયેલો બિલાવલ લક્ષણની દૃષ્ટિએ નાનાજી ઝુલ્ફિકારનો વારસો આગળ ધપાવી રહ્યો છે. આમ જુઓ તો પ્રેમમાં પડવાના મામલે બિલાવલ કોઈ પરાક્રમ પણ નથી કરી રહ્યો. કારણ કે, પાકિસ્તાનના અનેક રાજકારણીઓ સત્તા સ્થાને હોય ત્યારે જ આવા એક-બે કે યથાશક્તિ પરાક્રમો દાખવી ચૂક્યા છે. પાકિસ્તાનના સ્થાપક કાઈદ-એ-આઝમ મહંમદઅલી ઝિણા અને પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન લિયાકત અલીખાનની સ્વરૃપવાન પત્ની રાના વચ્ચેના સંબંધો એ જમાનામાં ભારે ચર્ચાસ્પદ બન્યા હતા અને રાના કાઈદ-એ-આઝમ સાથે સંબંધો કેળવીને પતિ માટે રાજકીય ફાયદો ઊઠાવે છે એવી દૃઢ માન્યતાને લીધે ઝીણાના બહેન ફાતિમા અને રાના વચ્ચે જાહેરમાં ચડભડ પણ થઈ હતી.
પાક.ના લશ્કરી પ્રમુખ અયુબખાન તેમના જ પ્રધાનમંડળમાં સામેલ શૌકત નવાઝની બેહદ સુંદર બહેન મોહસિનાના મોહપાશમાં જકડાયેલા હતા અને તેમને કોઈ લાયકાત વગર સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે પાકિસ્તાનના પ્રતિનિધિ તરીકેનો હોદ્દો આપી દેવાયો હતો. એ વખતે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલા વિજયાલક્ષ્મી પંડિતે તેમના સંસ્મરણોમાં મોહસીનાબાનુ માટે 'અયુબ્સ ફેવરિટ' એવો શબ્દપ્રયોગ વાપર્યો છે. અયુબ પછી સત્તા પર આવેલા યાહ્યાખાન તો રોજ સવારે નવી મહેબુબા શોધવા નીકળે એટલા કામુક અને દિલફેંક હતા. પૂર્વ પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)ની મુલાકાત વખતે તેમને ત્યાંના સચિવાલયમાં કામ કરતી એક અત્યંત સ્વરૃપવાન મહિલા એટલી ગમી ગઈ કે તાત્કાલિકપણે તેઓ એ મહિલાને પોતાના અંગત સ્ટાફમાં નિમણૂંક આપીને ઢાકાથી ઈસ્લામાબાદ લઈ આવ્યા હતા. બાંગ્લાદેશની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલાં મુજીબુર રહેમાને આ મુદ્દો બાંગ્લા જનતામાં જોરશોરથી ઉછાળીને યાહ્યાની રેવડી દાણ-દાણ કરી નાંખી હતી.
ખુદ બિલાવલ ભુત્તોના નાના ઝુલ્ફીકાર પણ આ મામલે બિલાવલને ય બે વાત શીખવે એવા ફ્લર્ટ અને દિલફેંક હતા. જવાનીના દિવસોમાં ભારતીય અભિનેત્રી મધુબાલાના પ્રેમમાં પડેલા ઝુલ્ફીકાર ત્યારે ફિલ્મ 'મુઘલ-એ-આઝમ'નું શુટિંગ જોવાના બહાને કલાકો સુધી મધુબાલાને મુગ્ધ નજરે તાક્યા કરતાં એવો ઉલ્લેખ સંગીતકાર નૌશાદે તેમના સંસ્મરણોમાં કર્યો છે. સત્તાનશીન બન્યા પછી તો ઝુલ્ફીકારની સૌંદર્યદૃષ્ટિ બરાબર નીખરી હતી. સિંધ પ્રાંતના ગવર્નરે એકવાર તેમને ઘરે જમવા નોંતર્યા તો ઝુલ્ફીકાર જમતાં આવ્યાને ગવર્નરની દીકરીના પ્રેમમાં ય પડતા આવ્યા.
એ હિસાબે, બિલાવલ-હિનાની પ્રેમકથા જરાય આઘાતજનક નથી. જોવાનું હવે એ જ રહે છે કે હિનાના કામણગારા સૌંદર્યનો રંગ બિલાવલને પિતા સામે બગાવત કરવા પ્રેરે છે કે પછી અગાઉના રાજકારણીઓની માફક સત્તાના શાણપણ સામે ફિક્કો પડી જાય છે.

Share |
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

દુનિયાના પ્રખ્યાત હીરાઓ

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved