Last Update : 26-September-2012, Wednesday

 

ઈરાનનાં પરમાણુ સંયત્રો માટેના પૂર્જાઓમાંથી નીકળેલા વિસ્ફોટકો સૂચવે છે કે મોસાદના જાસુસો કામે લાગી ગયા છે
ઈરાનની મનમાની સામે ઈઝરાયેલનો ફૂંફાડો યુદ્ધ નોંતરશે?

કોઈ પણ હિસાબે અણુબોમ્બ બનાવીને અમેરિકાનું નાક કાપવા ઈરાન તત્પર છે પરંતુ ઈરાનનો બોમ્બ છેવટે તો પોતાના પર જ ઝિંકાશે એવું જાણતા ઈઝરાયેલના ખેપાની જાસુસોએ ભાંગફોડ આદરી દીધી છે ત્યારે વધુ એક ભીષણ યુદ્ધની શક્યતા નકારી શકાય નહિ

આ વિવાદમાં વૈશ્વિક સ્તરે ફેલાયેલા ચોરબજારના ભેદભરમ છે, ખેપાની જાસૂસોના હેરતઅંગેજ કારનામા પણ છે. ઘટના એવી છે કે બધું જ થઈ રહ્યું છે છતાં કશું દેખાતું નથી અને કોણ કરે છે એ ખબર પડતી નથી છતાં જે થાય છે એ થાય તો છે જ. સમગ્ર મામલામાં દેખીતી રીતે ભારત ક્યાંય નથી એટલે 'આપણે કેટલાં ટકા?' એવો સવાલ થાય. પરંતુ સમગ્ર મામલો જ્યાં છેડાઈ રહ્યો છે એ ધરતી એશિયાઈ ઉપખંડની છે એટલે સીધી જ્વાળા ન અડે તોય તેનો ઝગારો તો અડી શકે છે. વધારે ગંભીરતા એ છે કે, હાલ ભારતને કાચા ખનીજતેલનો સૌથી વધુ સપ્લાય આપનારો દેશ ઈરાન તેમાં સીધી રીતે સંડોવાયેલો છે. ખનીજતેલ જેવું ચાલકબળ જો અટવાય તો સીધી સંડોવણી વગર પણ ભારતની હાલત કફોડી બની શકે. આ બંને પરિબળોને લીધે આપણે પણ સતત ગરમાઈ-ગરમાઈને હવે ઉકળવા આવેલા આ તપેલા પર નજર રાખવી જરૃરી છે.
આટલી લાંબી પૂર્વભૂમિકા પછી હવે મૂળ વાત.
ઈરાનના પ્રમુખપદે દાઢીયાળા અહેમદીનિજાદના આગમન પછી અમેરિકાવિરોધી માનસિકતાને અને ચરમપંથીઓને દોડવા માટે છેલ્લા એક દાયકાથી ઢાળ મળી રહ્યો છે. ખનીજતેલના ભંડારોના ખીલે કૂદતું ઈરાન અમેરિકા સામે ભૂરાયા થયેલા આખલાની માફક છીંકાટા નાંખતું અણુબોમ્બ બનાવવાનો દૃઢ નિર્ધાર જાહેર કરી ચૂક્યું છે. ઈરાન જેવા માતેલા સાંઢના મોંએ પરમાણુ હથિયારનું લાલ કપડું વિંટાય તો એ આખલો કેવા ભાંભરાટા નાંખીને સૌની ઊંઘ હરામ કરી શકે એ બરાબર જાણતા અમેરિકાએ ઈરાનનો પરમાણુ કાર્યક્રમ રોકવા શક્ય તમામ પગલાંઓ ભર્યા હતા.
ઈરાનને પરમાણુ ટેક્નોલોજીને લગતી એકપણ મશીનરી, પૂર્જા, યુરેનિયમ વગેરે ન મળે તે માટે અમેરિકાએ વિશ્વભરમાં પ્રતિબંધનો ફતવો ફેરવી દીધો હતો. આમ છતાં ઈરાને જગતના ચોરબજારમાંથી એટલે કે કમ્પ્યૂટર હેકર્સના મદદથી પરમાણુ ટેક્નોલોજી હાંસલ કરી લીધી છે અને લગભગ અઢી વર્ષથી ખોરબાદ ખાતે તેનો ન્યુક્લિયર પ્લાન્ટ ધમધમાટ ચાલી રહ્યો હોવાનું કહેવાય છે. અમેરિકાએ આકરા પ્રતિબંધો દ્વારા ઈરાનનું નાક દબાવ્યા પછી નાછૂટકે ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA)ના અધ્યક્ષ યુકિયા અમાનો સહિતના પ્રતિનિધિમંડળને પોતાના પરમાણુ કાર્યક્રમના નિરીક્ષણ માટે મંજૂરી આપવી પડી હતી.
IAEAના પ્રતિનિધિમંડળે સત્તર દિવસ સુધી ઈરાનના પરમાણુ મથકોની મુલાકાત લીધી પરંતુ તેમને પ્લાન્ટના પ્રાથમિક સ્તરથી આગળ જવા ન દેવાયા. અધ્યક્ષ યુકિયા અમાનોએ ગત ફેબુ્રઆરીમાં આ અંગે ઈરાને સ્હેજપણ સહકાર આપ્યો ન હોવાનું અને તેમનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શંકાસ્પદ હોવાનું સત્તાવાર નિવેદન આપીને જગતને આંચકો આપ્યો હતો. આમ છતાં ઈરાને એ વખતે પણ ઉર્જા એજન્સી અમેરિકાના ઈશારે કામ કરતી હોવાનું કહીને પોતાનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હોવાનું ગાણું ગાયું હતું. હવે ચોરની માને કોઠીમાં મોં ઘાલીને રોવાનો વારો આવ્યો છે.
બન્યું છે એવું કે, ગત ઓગસ્ટ મહિનાના આખરી સપ્તાહમાં ઈરાનના હૈફા બંદરે જર્મન કંપની સિમન્સ દ્વારા મોકલાયેલા પરમાણુ પ્લાન્ટ માટેના કેટલાંક પૂર્જાઓના કન્સાઈનમેન્ટ ઉતર્યા. વૈશ્વિક પ્રતિબંધ હોવા છતાં સિમન્સ જેવી નામાંકિત કંપની ઈરાનને છાની રીતે પૂર્જા મોકલે એ મુદ્દો જ વૈશ્વિક સ્તરે પ્રતિબંધના નામે ચાલતી પોલમપોલ સૂચવે છે. એક અઠવાડિયા પછી ટ્રાન્સપોર્ટેશન દ્વારા ખોરબાદ પરમાણુ મથકે એ કન્સાઈનમેન્ટ પહોંચ્યા. અહીં ૧૫ સપ્ટેમ્બર પછી એ દરેક પૂર્જાઓ મશીનરીમાં ઈન્સ્ટોલ કરવાનો કાર્યક્રમ નિયત થયેલો હતો પરંતુ ભારે વરસાદના કારણે પ્લાન્ટ સુધી જતાં કેટલાંક રસ્તાઓ પર ભેખડો ધસી પડી. તેની સાફ-સફાઈમાં એક અઠવાડિયુ લાગી ગયું. દરમિયાન, પ્લાન્ટમાં ગોડાઉનમાં રાખેલા એ કન્સાઈન્મેન્ટમાં ભેદી ધડાકો થયો. સુરક્ષા કર્મીઓ એ ધડાકાનું કારણ હજુ ચકાસી રહ્યા હતા ત્યાં કન્સાઈન્મેન્ટમાં બીજા બે પ્રચંડ ધડાકા થયા અને ગોડાઉનની છત સહિતના કેટલાંક સરંજામને નુકસાન થયું.
એ પછી સઘન ચકાસણીના અંતે ખબર પડી કે જર્મનીની સિમન્સ કંપની દ્વારા મોકલવામાં આવેલા પૂર્જાઓની મૂળ રચના સાથે ચેડાં કરીને કેટલાંક પૂર્જાઓમાં વિસ્ફોટકો ભરી દેવામાં આવ્યા હતા. હાલ તો ઈરાનની હાલત ચોરની મા જેવી થઈ છે. સત્તાવાર રીતે તો ઈરાને સિમન્સ કંપની સામે પૂર્જાઓની જગ્યાએ વિસ્ફોટકો મોકલવાની ફરિયાદ કરીને ૧ લાખ ૩૫ હજાર ડોલરનું તેનું બિલ અટકાવી દીધું છે. સામા પક્ષે સિમન્સ પણ પોતે આ પાર્સલ મોકલ્યા હોવાનું સ્વીકારી શકે તેમ નથી. કારણ કે જો એ સ્વીકારે તો પ્રતિબંધ છતાં સોદો કરવા માટે સિમન્સે તગડો દંડ ચૂકવવો પડે અથવા તો કાયમી ધોરણે તેનું લાયસન્સ પણ જપ્ત થઈ શકે. આ હાલતમાં ૧ લાખ ૩૨ હજાર ડોલરના બિલ પર પૂળો મૂકીને 'સબ સે ભલી ચૂપ' સેવવાનું હાલ સિમન્સ માટે વધુ હિતાવહ છે.
વાસ્તવમાં ઈરાન પણ જાણે છે કે સિમન્સ જેવી નામના ધરાવતી કંપની આવું કરી શકે નહિ પરંતુ આ આખાય કારસ્તાન પાછળ ઈઝરાયેલના ખતરનાક મોસાદનો હાથ હોવો જોઈએ. આજે ઈરાન મૂછે તાવ દઈ રહ્યું છે એ જ રીતે સાંઠના દાયકામાં ઈજિપ્તે ખોંખારો ખાધો હતો અને પરમાણુ કાર્યક્રમ આદર્યો હતો ત્યારે મોસાદના ઈઝરાયેલી જાસુસોએ જ વારંવાર ભાંગફોડ કરીને ઈજિપ્તના પરમાણુ કાર્યક્રમનો ઘડો-લાડવો કરી નાંખ્યો હતો. આરબ-મુસ્લિમ દેશો પરમાણુ હથિયાર ધરાવતા થાય તો તેમનું પહેલું નિશાન ઈઝરાયેલ બને તે સ્વાભાવિક છે.
પેલેસ્ટાઈનની ભૂમિ કાપીને તેના ટૂકડા પર વસેલો યહુદી દેશ ઈઝરાયેલ દાયકાઓથી આરબ-મુસ્લિમ દેશોની આંખમાં કણાની જેમ ખૂંચે છે અને આ મુદ્દે છેલ્લા ચાલીસ વર્ષમાં ત્રણ વખત વિખ્યાત 'સિક્સ ડે વોર' સહિતના યુદ્ધો લડાઈ ચૂક્યા છે.
ઈજિપ્ત પછી ઈરાકના સદ્દામ હુસૈન એંશીના દાયકામાં અણુબોમ્બના ચાળે ચડયા ત્યારે ઈઝરાયેલી જાસુસોએ ઈરાકના પરમાણુ મથક પર વિમાની હુમલો કરીને પ્લાન્ટ જમીનદોસ્ત કરી દીધો હતો. મોસાદ અને તેના મરજીવા જાસુસોની ધાક અને પરાક્રમોની હાક જોતાં ઈરાન ફૂંકી ફૂંકીને તેનો પરમાણુ કાર્યક્રમ આગળ વધારી રહ્યું છે. આટલી ભારે ચૂપકીદી છતાં ઈરાન માટે હવે મોટો આઘત એ વાતનો છે કે, ઈઝરાયેલી જાસુસોને કેવી રીતે ખબર પડી કે પરમાણુ પ્લાન્ટમાં હાલ મશીનરી ઈન્સ્ટોલ કરવાનો ક્યો તબક્કો ચાલી રહ્યો છે અને તેમાં કઈ કંપનીના ક્યા પૂર્જાઓ જોડવાના બાકી છે, એ પૂર્જા કોણ સપ્લાય કરી રહ્યું છે અને તે ઈન્સ્ટોલ કરવાની તારીખ સુદ્ધાં કેવી રીતે જાણ થઈ હોય?
ઈરાનની ધારણા એવી છે ગત ફેબુ્રઆરીમાં ઈરાને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના પ્રતિનિધિમંડળ તેમણે નિરીક્ષણ કરવા માટે તેડાવ્યું હતું તેમાં ચોક્કસપણે ઈઝરાયેલી જાસુસો ઘૂસી ગયા હોવા જોઈએ અને પરમાણુ પ્લાન્ટની મુલાકાત વખતે ઈરાને તેમને એક હદથી આગળ જવા ન દીધા તેમ છતાં તેમણે કોઈક કિમિયો અજમાવીને કે સ્થાનિક સ્તરે કોઈ ચાવીરૃપ વ્યક્તિને ફોડીને પરમાણુ કાર્યક્રમની વિગતો હાંસલ કરી લીધી હશે. એ પછી સિમન્સ કંપનીએ રવાના કરેલા કન્સાઈન્મેન્ટને મધદરિયે કે અન્યત્ર ક્યાંક આંતરીને તેમાં વિસ્ફોટકો ફીટ કરી દીધા હોય તેવી ઈરાનની ધારણા છે.
લુચ્ચુ ઈઝરાયેલ સ્વાભાવિક રીતે જ આ કારસ્તાનથી પોતાના હાથ છેટા રાખે છે પરંતુ તે એક પછી એક એવી વિગતો જાહેર કરે છે જેથી ઈરાનને ઈઝરાયેલના ભાંગફોડિયાપણાની ખાતરી તો થાય જ. તાજેતરમાં ઈઝરાયેલી સુરક્ષામંત્રી એહુદ બરાકે ઈરાન હવે અણુબોમ્બથી ફક્ત દસ કદમ દૂર હોવાનું જાહેર કર્યું હતું. એ પૂર્વે ચીન ખાતેના ઈઝરાયેલી રાજદૂત મતાન વિલનાઈએ તો ઈરાનના પરમાણુ મથકનો કાચો નકશો ય દોરી બતાવ્યો હતો.
ગિન્નાયેલુ ઈરાન હવે ધુંવાપુંવા થઈ રહ્યું છે અને ઈઝરાયેલ જો ઈરાનનો પરમાણુ કાર્યક્રમ રોકવામાં અમેરિકા નિષ્ફળ નીવડે તો ત્રીશ દિવસનું યુદ્ધ લડીને સમગ્ર ઈરાનનું અસ્તિત્વ મીટાવી દેવાના ફૂંફાડા નાંખવા માંગ્યું છે.
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી લડી રહેલા રિપબ્લિકન ઉમેદવાર મીટ રોમની ઈઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સાથે અંગત દોસ્તી ધરાવે છે એ જોતાં ઈઝરાયેલ પ્રમુખપદની ચૂંટણી પતે તેની જ ફિરાકમાં હોઈ શકે.
આ સંજોગોમાં વર્ષની આખર અથવા તો આવતા વર્ષનો આરંભ એશિયાઈ આકાશમાં આફતના વાદળ ગોરંભાશે એ નક્કી છે.

Share |
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved