Last Update : 25-September-2012, Tuesday

 

ઈસ્લામ વિરોધી ફિલ્મના દિગ્દર્શકને મારી નાખવાના ફતવાની ભીતરમાં અમેરિકાનું નિરીક્ષણ
પાકિસ્તાનમાં ચરમપંથીઓ ફરીથી જોરમાં આવી રહ્યા છે

લાદેનના મૃત્યુ પછી તિતરબિતર થઈ ગયેલા નધણિયાતા આતંકી સંગઠનો ફરીથી એકત્રિત થઈ રહ્યા હોવા અંગેની અમેરિકી આશંકા જો સાચી હોય તો ભારત માટે એ જોખમી ગણાયઃ ગુલામ મહંમદ બિલૌરે ૧ લાખ ડોલરનું ઈનામ જાહેર કરીને પોતાનું બદલાતું વલણ દર્શાવ્યું છે

કિશોરકુમાર અને મહેમૂદની લાજવાબ કોમેડી વડે યાદગાર બની ગયેલી ફિલ્મ 'પડોસન'ના એક દૃશ્યમાં ગુરુ કિશોરકુમાર ચેલા સુનિલ દત્તને સંગીત શીખવાડતી વખતે કહે છે, 'ભોલે, જરા નીચે સે... ઓર ભી નીચે સે' અને એ આદેશને સ્થૂળ અર્થમાં સમજતો બાઘો ભોલો ભોંય પર બેસીને 'વધુ નીચેથી' બરાડા તાણે છે. પાડોશી દેશ પાકિસ્તાનના રેલમંત્રી ગુલામ મહમ્મદ બિલૌરે કંઈક અંશે 'પડોસન'ના ભોલા જેવી બાઘાઈ કરી નાંખી છે અને હવે પેટ ભરીને પસ્તાઈ રહ્યા છે.
નેશનલ અવામી પાર્ટીના અગ્રણી બિલૌર પોતે અને તેમની પાર્ટી અત્યાર સુધી ઈસ્લામિક ઉગ્રવાદીઓના કટ્ટર વિરોધી ગણાતા રહ્યા છે. ભૂતકાળમાં તેમની પાર્ટી અને ખુદ બિલૌર પણ તેમના મોળા વલણ માટે ઉગ્રવાદીઓના હુમલા સહન કરી ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં અચાનક બિલૌરે મારેલી ગુલાંટ સમગ્ર પાક. રાજકારણને અચરજમાં મૂકી રહી છે. તાજેતરમાં પયગંબર સાહેબના અપમાન અંગે ઈસ્લામિક દેશોમાં ફૂંકાયેલા વિરોધના વંટોળમાં તેમણે અવામી પાર્ટીના પ્રચલિત વલણથી તદ્દન સામા છેડાનું વલણ દાખવ્યું છે. પક્ષના સત્તાવાર પ્રવક્તા તરીકે તેમને પાર્ટી હાઈકમાન્ડ દ્વારા 'જરા નીચે' એટલે કે વિરોધના મોળા સૂરમાં ગાવાનું કહેવામાં આવ્યું હતું તેને બદલે બિલૌરે આ ફિલ્મ બનાવનારા દિગ્દર્શકની જે હત્યા કરશે તેને પોતે ૧ લાખ અમેરિકી ડોલર આપશે એવો ફતવો જાહેર કરીને સૌને ચોંકાવી દીધા છે.
ગુલામ મહમ્મદ બિલૌરે ફિલ્મમાં ઈસ્લામના કથિતપણે અપમાનજનક ચિત્રણ અને પયગંબરસાહેબના નિંદાત્મક ઉલ્લેખ માટે શનિવારે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં તેમની પ્રકૃતિથી વિપરિત ઉગ્રતા દર્શાવી હતી. તેમણે આ ફિલ્મની નિંદા કરી ત્યાં સુધી બધુ ઠીકઠાક હતું પરંતુ પછી તેમણે ઈરાનના આયાતોલ્લાહ ખોમૈની હાલ જીવિત નથી નહિ તો આ ફિલ્મકાર અત્યાર સુધીમાં દફન થઈ ગયો હોય એવું આત્યંતિક વિધાન કરી નાંખ્યું અને પછી તરત ઉમેર્યું કે, ખોમૈની ભલે જન્નતનશીન થઈ ચૂક્યા હોય પરંતુ ઈસ્લામના રખવાળા કરવાની ફરજ તો સૌ કોઈ મુસલમાનની છે. એમ કહીને તેમણે પોતે જ પહેલ કરશે એવા હુંકાર સાથે ફિલ્મકારની હત્યા કરનારને પોતાની અંગત મિલકતમાંથી ૧ લાખ ડોલરનું ઈનામ આપવાની જાહેરાત કરી દીધી. આટલું ઓછું હોય તેમ બિલૌરે અલકાયદા, જૈશ-એ-મુહમ્મદ કે તાલિબાન જેવા ઉગ્રપંથીઓને પણ આ ફતવાનું પાલન કરીને દાખલો બેસાડવા આહ્વાન કરી દીધું. હવે અમેરિકાની નજરમાં બિલૌર રાતોરાત વિલન ચિતરાઈ ગયા છે અને અમેરિકાના તણાયેલા ભવાં પારખીને પાકિસ્તાન સરકાર ઉપરાંત નેશનલ અવામી પાર્ટીએ પણ બિલૌરના ફતવાને તેમનો અંગત અભિપ્રાય ગણાવીને તેમનાથી સલામત અંતર રાખી દીધું છે. આમ છતાં ચારેબાજુથી ભીંસાયા પછી પણ પોતાના વલણમાં બિલૌર અડગ રહ્યા છે તેના કારણોમાં દરેક પાકિસ્તાની રાજકારણીની કઠણાઈનું પ્રતિબિંબ વર્તાય છે, જે લાંબા ગાળે ભારતને પણ અસર કરે છે.
ગુલામ મહમ્મદ બિલૌર પેશાવરના છે. આપણે ત્યાં આઝાદી પછી જેમ રાજકારણીઓના ખિસ્સા તગડાં થઈ ગયા અને ગઈકાલ સુધી ખાવાના ય ફાંફા હોય તેવા લોકો રાતોરાત માલેતુજાર થઈ ગયા, પાકિસ્તાનની હાલત પણ બિલકુલ એવી જ, કહો કે, વધારે વકરેલી છે. આઝાદી પૂર્વે બિલૌરના વડવા પેશાવરની ઉત્તરે અફઘાનિસ્તાનની સરહદ પર ખેતરોમાં રખવાયાનું કામ કરતા હતા. જુનૈદી જમાત તરીકે ઓળખાતી સરહદી જાતિનું પ્રતિનિધિત્વ કરતાં બિલૌરે સાંઠના દાયકાથી રાજનીતિમાં હાથ અજમાવ્યો અને પછી રાજકારણમાં અને રાજકારણના સહારે અંગત અર્થકારણમાં સડસડાટ પ્રગતિ સાધવા માંડી. આજે પેશાવરમાં તેમની છ જેટલી સ્ટિલ રોલિંગ મિલ્સ છે. રાવલપીંડી, કરાંચી અને મુલતાનમાં તેમના શોપિંગ મોલ્સ છે. પાકિસ્તાનમાં શરૃ થયેલી રમઝા નામની સૌ પ્રથમ મલ્ટિપ્લેક્સ ચેઈન તેમની માલિકીની છે. આ ઉપરાંત લંડન, મસ્કત, અબુધાબીમાં પણ તેમનો કારોબાર બહુ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે.
બિલૌર જે પાર્ટીના અગ્રણી ગણાય છે એ નેશનલ અવામી પાર્ટીનું વલણ પાકિસ્તાનમાં નરમપંથી તરીકેનું રહ્યું છે. પાકિસ્તાનના બુદ્ધિજીવીઓ અને ઉદ્યોગપતિઓનું સમર્થન ધરાવતી અવામી પાર્ટી છેલ્લા કેટલાંક સમયથી ઉગ્રપંથીઓના હુમલાનો ભોગ પણ બનતી રહી છે. ગત વર્ષે બિલૌરના ફાર્મહાઉસ પર ભેદી આગ લાગી હતી અને એ વખતે બિલૌરે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. એ પછી તેમના મુલાતન સ્થિત મલ્ટિપ્લેક્સમાં બોમ્બ વિસ્ફોટ થયો. પેશાવરની તેમની બે રોલિંગ મિલમાં કામદારોમાં ભેદી કારણોસર (એટલે કે ઉગ્રવાદીઓની ધમકીને લીધે) નોકરી છોડવાનો ચેપ લાગ્યો. એ પછી બિલૌરના જાહેરમાં થતાં હુંકારા બંધ થવા લાગ્યા હતા અને હવે તેમણે અચાનક જ સવાઈ ઉગ્ર વલણ અપનાવીને પોતાના બદલાતા તેવર જાહેર કરી દીધા છે.
પાકિસ્તાન ભલે હંમેશની માફક પોતે આતંકવાદની સામે લડી રહ્યું હોવાના ખોંખારા ખાય પરંતુ વાસ્તવિક સ્થિતિ કેવી છે એ કોઈથી, ખાસ તો અમેરિકાથી જરાય અજાણ્યું નથી. વજીરીસ્તાન, ખોર્ક, ઝફરાલ જેવા સરહદી વિસ્તારમાં તાલિબાન અને અલકાયદાના આતંકવાદીઓના કેમ્પ મોટા પાયે ચાલે છે. લાદેનના મૃત્યુ પછી અહીં જૈશ-એ-મહમ્મદના વડપણ હેઠળ અઝહર મસૂદના જૂથે ભારે પેશકદમી કરી છે અને આઈએસઆઈની રહેમનજર હેઠળ છેક કાશ્મીર સુધીના સરહદી ઈલાકામાં જાણે સરકારનું કે વ્યવસ્થાતંત્રનું અસ્તિત્વ જ ન હોય તેવી હાલત પ્રવર્તે છે. બિલૌરના વ્યવસાયોને નિશાન બનાવીને તેમના પર વધતું દબાણ ઉગ્રપંથીઓની સાઝિશ હોવાનું અમેરિકાની પાકિસ્તાન ખાતેની એમ્બેસીએ ઘણા સમય પહેલાં રિપોર્ટ કર્યું હતું. એ વખતે અમેરિકન એમ્બેસીએ આતંકી સંગઠનોની સાંઠગાંઠ હવે ઉદ્યોગ ઘરાણા સુધી પહોંચતી હોવાનું અને એ રીતે વધુ જોખમી તેમજ ઘાતક બનતી હોવાનો મત પણ વ્યક્ત થયો હતો.
હવે જ્યારે બિલૌરે સરેઆમ ઉગ્રપંથીઓને માફક આવે એવું વલણ વ્યક્ત કર્યું છે ત્યારે એ પાકિસ્તાનના બદલાતા સમીકરણોનો સંકેત આપે છે. બિલૌર જેવા ખંધા અને પીઢ રાજકારણી પોતાના પક્ષના પ્રમુખ થવાની તૈયારીમાં હોય ત્યારે પક્ષની ખફગી વ્હોરીને પણ આવું નિવેદન કરે અને તેને વળગી પણ રહે એ બાબત પાકિસ્તાનમાં ચરમપંથીઓના વધતા વર્ચસ્વની સાહેદી પૂરે છે.
અમેરિકાએ સોમવારે બિલૌરના નિવેદનને કમનસીબ ગણાવતાં જે વિધાન કર્યું છે એ ભારતની આંખો પણ સતર્ક કરવા માટે પૂરતું ગણાય. અમેરિકી સુરક્ષા સચિવ લિયોન પેનેટ્ટાએ સોમવારે પાકિસ્તાનમાં ચરમપંથીઓના વધતા વર્ચસ્વને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં વધી રહેલી આતંકી ગતિવિધિઓ સાથે સાંકળ્યું છે. કાશ્મીરમાં હાલ ઉગ્રવાદીઓ નબળા પડયા છે ત્યારે નવેસરથી કશોક પરચો બતાવીને પોતાનું અસ્તિત્વ સાબિત કરવા માટે જૈશ-એ-મહમ્મદના હાથ સળવળી રહ્યા છે. લાદેનના મૃત્યુ પછી તિતરબિતર થઈ ગયેલા નધણિયાતા આતંકી સંગઠનો ફરીથી એકત્રિત થઈ રહ્યા હોવા અંગેની અમેરિકી આશંકા જો સાચી હોય તો ભારત માટે એ જોખમી ગણાય.
કમનસીબે, બિલૌરનું વિધાન અમેરિકાની શંકાને ખરી ઠરાવી રહ્યું છે.

Share |
 

Gujarat Samachar Plus

પાર્ટીઓની શાન ડિઝાઇનર લેબલ
ખાદીની ઘટતી લોકપ્રિયતા ચિંતાજનક
હવે ચોકલેટ પણ ચરબી ઘટાડશે
દરિયાઇ માટીના લેપ વડે શરીરને સ્લિમ બનાવો
ગુજરાતના ગામડાં ઓળખ ગુમાવી રહ્યા છે ઃપરેશ રાવલ
એન્જિનિયરિંગ સ્ટુડન્ટસને ન્યુક્લિયર સેફ્ટીના પાઠ
 

Gujarat Samachar glamour

પ્રીતિ-શિલ્પા ઉપર 'હિરોઈન'માં ભારે કટાક્ષ
અક્ષયકુમાર ૮૦ થિયેટરોમાં 'દાન-પેટી'મુકાવશે
શર્લિન મીડિયાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે
રણદીપ હુડા 'લિપ-સિંક' કરવાનું ટાળતો જ રહે છે
શત્રુધ્ન સિન્હા 'અવતાર'માં ડોન તરીકે ચમકશે
સેટેલાઈટ રાઈટ્સ ફિલ્મની રીલીઝ થયા પછી જ વેચાશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

સ્પેસ શટલ એન્ડેવરની આખરી વિદાય...

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved