Last Update : 23-September-2012, Sunday

 

વીજળી બચાવવા એક રૃમમાં એક પંખા તળે બેસતાં આમઆદમીને તમે અર્થશાસ્ત્ર શીખવવા નીકળ્યા છો?
સાચી વાત છે પીએમ, રૃપિયા ઝાડ પર નથી જ ઊગતાં!

વડાપ્રધાનનું વાક્ય ભારતીય પ્રજાને ફ્રાન્સની રાણી મેરી એન્તોઈનેતના ઐતિહાસિક વિધાન 'બ્રેડ નથી તો કેક ખાવ'ની માફક બરાબર મર્મસ્થાન પર વાગ્યું છે. ઃ રૃપિયા ક્યાં ઊગે છે અને તેમાં કેમ બચત થાય એ તો સરકારના તોછડા પ્રધાનોએ શીખવાની જરૃર છે.

સંપર્કક્રાંતિના આ ઝડપભેર બદલાતા દૌરમાં સમગ્ર દેશની નાડ પારખવા માટે સોશિયલ મીડિયા બહુ ઉપયોગી માધ્યમ સાબિત થાય છે. એ રીતે જોઈએ તો ફેસબુક, ટ્વિટર કે ગુગલ પ્લસ... કોઈપણ સોશિયલ નેટવર્કિંગ વેબ પર શનિવારનો દિવસ મનમોહનને સમર્પિત રહ્યો. યુપીએ સરકારને સોશિયલ મીડિયા પર વ્યક્ત થતાં બેફામ અભિપ્રાયો, ઔચિત્યભાનવિહોણા કટાક્ષો, આરપાર ઉતરી જાય તેવા ઉગ્ર કાર્ટૂનો વગેરે કારણોસર સોશિયલ મીડિયા સામે સૂગ છે એ જાણીતી બાબત છે. શનિવારે આ દરેક કારણો ભરચક માત્રામાં છલકાતાં રહ્યાં. દરેકના નિશાન પર મનમોહનનું એ વિધાન જ રહ્યું, રૃપિયા કંઈ ઝાડ પર નથી ઊગતાં!
સોશિયલ મીડિયા પર મનમોહનને આડે હાથે લેતી કેટલીક વક્રોક્તિની એક ઝલક...
* ના પી.એમ.સાહેબ, આપ કદાચ નવા અર્થશાસ્ત્રથી માહિતગાર નથી લાગતાં. રૃપિયા ઝાડ પર જ ઊગે છે. તકલીફ એ છે કે એ ઝાડને ડીઝલ પીવડાવવું પડે છે.
* રૃપિયા બે પ્રકારના છે. એક આમઆદમીના, જે ઝાડ પર નથી ઊગતાં. બીજા ખાસઆદમીના, જે જંગલમાં, ખાણમાં, અવકાશના સ્પેક્ટ્રમમાં, શસ્ત્રોના સોદામાં બધે જ ઊગે છે.
* અચ્છા હુઆ મનમોહનજી, આપને બતા દીયા. વર્ના હમ તો યૂં હિ સમજતે થે કે પોલિટિશયન્સ કે ઘર તો રૃપિયે આસમાઁ સે બરસતે હૈ
વડાપ્રધાનના નિવેદન સામેની આ પ્રકારની દરેક પ્રતિક્રિયામાં સ્વાભવિક રીતે જ ખાસ કોઈ ગંભીરતા કે તટસ્થ છણાવટ નથી પરંતુ આવા પ્રતિભાવો જનઆક્રોશનું ગહેરૃ પ્રતિબિંબ તો પાડે જ છે. દેશ-વિદેશના માધ્યમોમાં પી.એમ. સ્પિચ સામે વ્યક્ત થયેલી પ્રતિક્રિયા જોતાં વડાપ્રધાને બોલીને બાફ્યુ હોવાનું સાફ પ્રતીત થાય છે. મનમોહને તેમના રાષ્ટ્રજોગ પ્રવચનને નક્કર વાસ્તવિકતાઓ સાથે જોડીને આક્રમક છતાં સંવેદનશીલ બનાવવાની કોશિષ કરી. એ માટે તેમણે વૈશ્વિક મંદી ઉપરાંત અમેરિકા, યુરોપ અને ચીનની સ્થિતિ પણ દર્શાવી. પોતાની સરકારની પ્રામાણિક છાપ મજબૂત કરવા માટે તેમણે સબસીડીની દુહાઈ પણ દઈ દીધી. જે દરેક પ્રયાસ છેવટે બૂમરેંગ થયા તેના ત્રણ કારણો છે.
સૌ પહેલાં તો, મનમોહને એવા સમયે આ ભાવવધારો કર્યો છે જ્યારે સરકાર કોલસાકૌભાંડમાં બહુ બૂરી રીતે સંસદમાં ઘેરાયેલી રહી અને હવે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલનો રિપોર્ટ સંસદ સ્વીકારે એ પહેલાં અદાલતમાં થયેલી જાહેરહિતની અરજીને લીધે સરકારને નાછૂટકે શંકાસ્પદ કિસ્સાઓમાં ખાણોની ફાળવણી રદ કરવી પડે છે. સરકાર ખાણો રદ કરે, બેન્ક ગેરંટીમાં વધારો કરે એ દરેક પગલાં જનતાની નજરમાં આપોઆપ સરકારની મથરાવટી મેલી હોવાનું સાબિત કરી દે છે. કારણ કે, જો સરકારે બધુ પ્રમાણિકપણે જ કર્યું હોત તો હવે આટલી કાગારોળ થયા પછી કેમ રદ કરવું પડયું એ સવાલ ઊભો થવો સહજ છે.
બીજો મુદ્દો સરકારની ખોરી દાનત અને વિશ્વસનિયતા સામે સવાલ ખડો કરે છે. મનમોહને તેમના પ્રવચનમાં પેટ્રોલિયમ પ્રોડક્ટસના વૈશ્વિક સ્તરે વધતા ભાવોને કારણભૂત ગણાવ્યા છે. ખનીજતેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં થતો વધારે દેશની જનતા માટે સહ્ય બને તે માટે સરકાર દ્વારા અપાતી સબસીડી અને સરકારી તિજોરી પર વધતી ખાધને વડાપ્રધાને કારણભૂત ગણાવી છે.
વર્ષ ૨૦૧૧માં સરકારે પેટ્રોલિયમ પેદાશો માટે આપેલી સબસીડી રૃ. ૧ લાખ ૪૦ હજાર કરોડ હતી, જે ચાલુ વર્ષે વધીને રૃ. ૨ લાખ કરોડને પાર કરી જાય તેમ છે. આ આંકડાઓ મનમોહને મૂક્યા એ સાથે રિફ્લેક્ટ એક્શન તરીકે તરત જ કોલસાકૌભાંડમાં સરકારી તિજોરીને થયેલું કહેવાતું રૃ. ૧ લાખ ૮૬ હજાર કરોડનું નુકસાન અને એ પૂર્વે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં થયેલું મનાતું રૃ. ૧ લાખ ૭૬ હજાર કરોડનું કૌભાંડ યાદ આવે તે સ્વાભાવિક છે.
ટેલિકમ્યુનિકેશન માટેના સ્પેક્ટ્રમની ફાળવણી જો નિયમ અનુસાર થાય તો સરકારી તિજોરીને થવી જોઈતી આવક વાસ્તવમાં થયેલી આવક કરતાં રૃ. ૧ લાખ ૭૬ હજાર કરોડ જેટલી ઓછી હતી તેવું કેગનો રિપોર્ટ કહે છે. તાજેતરના કોલસા કૌભાંડમાં સરકારે હરાજી કરવાનું ટાળીને ફર્સ્ટ કમ, ફર્સ્ટ સર્વ જેવો હોટેલ-રેસ્ટોરન્ટનો ધારો અપનાવીને જે પહેલી પંદર કંપની આવી તેમને કોલસાની ખાણો ખૈરાત કરી દીધી. જેને લીધે સરકારી તિજોરીને બીજા રૃ. ૧ લાખ ૮૬ હજાર કરોડનો ચૂનો લાગ્યો એવું ફરીથી કેગના રિપોર્ટમાં સ્પષ્ટ થયું.
આ બે સિવાયના બીજા લશ્કરી ટ્રક ખરીદી કૌભાંડ, આર્મી કાર્બાઈન ખરીદી કૌભાંડ જેવા (આ બે કૌભાંડની સરખામણીએ) પરચૂરણ લાગતા કૌભાંડને બાજુ પર મૂકો તો ય કોલસાકૌભાંડ અને ૨-જી સ્પેક્ટ્રમમાં સરકારી તિજોરીને થયેલા નુકસાનનો આંકડો રૃ. ૩ લાખ ૬૬ હજાર કરોડ પર પહોંચે છે. જો સરકારે આ બંને સોદાઓમાં નિયમોનું પાલન કર્યું હોત અને ખરેખર પ્રામાણિકતા દર્શાવી હોત તો ડિઝલ કે પેટ્રોલ કે રાંધણગેસના ભાવમાં આગામી ત્રણ વર્ષ સુધી એક પૈસો પણ વધારવાની જરૃર પડી ન હોત.
રૃપિયા ઝાડ પર નથી ઊગતાં અને એ માટે કેટલી મહેનત કરવી પડે છે એ આમઆદમી બરાબર જાણે છે. શહેરી વિસ્તારોમાં રોજ એકથી બે કલાકના હેવી ટ્રાફિક વચ્ચે આવ-જા કરીને, ઓફિસમાં સત્તાવાર આઠ કલાક અને બિનસત્તાવાર નવથી દસ કલાકનું વૈતરૃ કરીને સવારે ૮ વાગ્યે ઘરેથી ટિફિન લઈને નીકળેલો સરેરાશ ભારતીય રાત્રે દસ વાગ્યે ઘરે પહોંચે ત્યારે માંડ ઘરખર્ચ કાઢવાનો જોગ થાય છે. વિકાસના નામે જમીન અને મકાનના ભાવો આસમાને આંબે છે. શહેરની નજીકના વિસ્તારોમાં ઘર ખરીદવાની તો ત્રેવડ હવે લોન મળે તોય રહી નથી અને પોતાની ખરીદશક્તિમાં જ્યાં ઘર લેવું સુલભ બને છે એ વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી, ગટર જેવી પાયાની સુવિધાના નામે મીંડું છે. આ હાલતમાં ઢસરડો કરતાં આમઆદમીને માનનીય વડાપ્રધાનસાહેબ, તમે ક્યા મોંએ શીખવાડો છો કે રૃપિયા ક્યાં ઊગે છે ને કેમ કમાવાય છે?
પતિના ટૂંકા પગારમાં ચાર જણના પરિવારનું ગુજરાન ચલાવતી ગૃહિણીને પૂછો, બચત કરવાના હજાર નુસ્ખાં તે શીખવશે. એક ચીજનો મહત્તમ ઉપયોગ કેમ કરવો એ તેને આવડે છે. ક્યાંથી આખા મહિનાનું શાકભાજી-કરિયાણું એકસાથે ખરીદીએ તો કેટલાં રૃપિયા બચે અને એ બચેલા રૃપિયાનો ક્યાં કેવો ઉપયોગ થઈ શકે એ તેના મગજમાં બરાબર કોતરાયેલું હોય છે. ઉનાળાના દિવસોમાં દીકરો-દીકરી અને પતિ-પત્ની રાત્રે ૮થી ૧૨ ચાર કલાક એક જ રૃમમાં બેસીને ટીવી જોવે છે, સ્કૂલ-કોલેજનું હોમવર્ક કરે છે અને ઓફિસનું કામ કરે છે અને પછી અગાઉથી જ ઠંડી કરવા માટે ધાબે પાથરી રાખેલી પથારી પર સૂવા જાય છે. કારણ કે આમ કરવાથી વીજળીના બીલમાં ખાસ્સી બચત થાય છે અને આખો ઉનાળો એ રીતે બચત કરી હશે તો દીવાળીમાં બે મીઠાઈ લઈ શકાશે. આ રીતે કરકસર કરતાં ભારતીયને તમે એ શીખવાડશો કે પૈસા ક્યાંથી આવે છે?
માનનીય વડાપ્રધાન મહોદય, રૃપિયા ક્યાં ઊગે છે અને તેમાં કેમ બચત થાય અને તેનો વહીવટ કેમ થાય એ તો તમારે અને તમારા તોછડા પ્રધાનોએ શીખવાની જરૃર છે. સવા અબજ ભારતીયના સેવકનો સ્વાંગ ધરીને સત્તા પર બેઠા પછી સવા અબજ ભારતીયના ધણી થઈ ગયા હોય એવું વર્તન કરતાં તમારા પ્રધાનો, સાંસદોને કહો કે જે સરકારી ગ્રાન્ટનો તેઓ બેફામ દુરુપયોગ કરે છે, કૌભાંડો આચરે છે અને પછી કાયદાની આંટીઘૂંટીમાં કૌભાંડને ફસાવીને લીલાં-લહેર કરતાં રહે છે એ રૃપિયા ઝાડ પર નથી ઊગતા. સવા અબજ ભારતીયની કાળી મહેનત અને લોહી-પસીનો વહાવ્યા પછી એ રૃપિયા આવે છે.
પી.એમ. સાહેબ, તમારૃં વાક્ય ભારતીય પ્રજાને પેલી ફ્રાન્સની રાણી મેરી એન્તોઈનેતના ઐતિહાસિક વિધાન 'બ્રેડ નથી તો કેક ખાવ'ની પેઠે વાગ્યું છે. અને હજુ ય ન સમજવું હોય તો આપના પ્રધાનમંડળના વિદ્વાન ગણાતા મંત્રીઓને મેરી એન્તોઈનેતનું પછી શું થયું એ પૂછી લેજો.

Share |
 

Gujarat Samachar Plus

વીજળી બચાવવાના સહેલા ઉપાય
સ્વાસ્થ્યનું દર્પણ નખ...
મધ્યમ વર્ગ માટે ડિઝાઈનર વસ્ત્રો બનશે સુલભ
સુંદર 'લૂક' માટે પ્લાસ્ટિક સર્જરીનો સહારો
તન-મનને તાજગી આપતી ચા-કોફી નિખારે છે સૌંદર્યને
ગ્રામજનોની બચતના પૈસાથી બાળકોને મળી 'સ્માર્ટ સ્કૂલ'
યુથ ફેસ્ટિવલ પરવાઝનું ટ્રેડિશનલ ગરબા સાથે સમાપન
 

Gujarat Samachar glamour

વિદ્યાના લગ્ન ડિસેમ્બરમાં લેવાશે
કરીનાએ જ્યોતિષીને નોટિસ ફટકારી
અનુરાગ હાથ જોડીને બેસી રહે તેવો નિર્માતા નથી
સોહાઅલી લગ્નમાં અમ્મીના કપડાં પહેરશે
જ્હોન અને બિપાશાના બ્રેકઅપની અસર જોવા મળતી નથી
રામગોપાલ વર્મા થ્રી-ડી ''ભૂત રિટર્ન્સ''થી દર્શકોને ડરાવશે
શગુફતા રફીક- ભટ્ટ કેમ્પની સૌથી વફાદાર લેખિકા
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved