Last Update : 22-September-2012, Saturday

 

કૈસી મશાલેં લેકે ચલે તિરગી મેં આપ, જો ભી થી રોશની વો સલામત નહિ રહી
અણુવીજળીઃ આખરે સરકારને સુપ્રીમનો કરંટ લાગ્યો

અણુવીજળી સસ્તી પડે છે અને પર્યાવરણ માટે ઓછી હાનિકારક છે એવી વ્યાપક દલીલો સાચી પરંતુ ભારતમાં અણુવીજમથકમાં થઈ શકતા અકસ્માત સામેના કાયદા જ જાણીજોઈને એટલા ઢીલા રાખવામાં આવ્યા છે કે દોષિતોને સજા કરવી મુશ્કેલ બની જાય

 

ગાંધીજી જો પુનઃ અવતાર લે તો તેમને દુઃખી થવા માટે પૂરતાં કારણો આપણે ઊભા કરી દીધા છે પરંતુ જે કેટલીક બાબતો જોઈને ગાંધીજી ખુશ પણ થઈ શકે તેમાંની એક બાબત છે સત્યાગ્રહ. ગાંધીચિંધ્યા રાહે છાશવારે દેશમાં થતાં સત્યાગ્રહો જોકે ગાંધી ગયા પછી દુરાગ્રહથી ખાસ અલગ રહ્યા નથી પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી સત્યાગ્રહની નવી તરાહની અજમાયેશ થઈ રહી છે એ મુજબ મધ્યપ્રદેશના કેટલાંક ગ્રામજનોએ જળ સત્યાગ્રહ આદર્યા પછી તાજેતરમાં તામિલનાડુ સ્થિત કુડાનકુલમ એટોમિક પાવર પ્લાન્ટ સામે ભરચક વિરોધ કરી રહેલાં સ્થાનિકોએ પણ ૨૭ કલાક સુધી દરિયામાં ઊભા રહીને છેવટે સરકારને તેમની માગણીઓ પર વિચારણા કરવા મજબૂર કરી હતી.
કોલસાકૌભાંડ પછી કેન્દ્ર સરકારના આર્થિક નિર્ણયો અને તેનાં પગલે સર્જાયેલી રાજકીય ઉથલપાથલની હવામાં કુડાનકુલમ પાવર પ્લાન્ટ સંબંધિત કેટલાંક સમાચારો દબાઈ ગયા. તામિલનાડુના છેક છેવાડાના દરિયાકાંઠાના કુડાનકુલમ ગામે અણુવીજમથક નંખાઈ રહ્યું છે. ભૌગોલિક અને સાંસ્કૃતિક રીતે તામિલનાડુ સાથે ગુજરાતનો નાતો ખાસ્સો દૂરનો હોવાથી આપણને કુડાનકુલમમાં રસ ન પડે તે સ્વાભાવિક છે પરંતુ અણુવીજમથક એક એવી સમસ્યા છે જે આજે કુડાનકુલમમાં છે તો આવતીકાલે કુતિયાણા કે કરજણમાં ય આવી શકે.
વીજળી એ આધુનિક પરિભાષામાં પ્રગતિની વાહક ગણાય છે અને પરંપરાગત રીતે વીજમથકોમાં વપરાતો કોલસો ક્રમશઃ ઘટતો જાય છે ત્યારે ભવિષ્યને ઉજાળવા માટે અણુવીજમથકો આવશ્યક બનવાના છે. હાલ ભારતમાં ૧ લાખ ૮૨ હજાર મેગાવોટ જેટલું વીજઉત્પાદન થાય છે તે પૈકી ન્યુક્લિયર બેઈઝ્ડ પાવર સ્ટેશનનો હિસ્સો ફક્ત ૪,૧૭૮ મેગાવોટ જેટલો એટલે કે કુલ ઉત્પાદનના ફક્ત ૧૧ ટકા જેટલો જ છે. પરંતુ આગામી ૨૦૨૦ સુધીમાં ભારતને વીજ જરૃરિયાતને પહોંચી વળવા માટે વધુ ૬૦ હજાર મેગાવોટ જેટલી વીજળીનું ઉત્પાદન કરવું જરૃરી બનશે.
થર્મલ પાવર સ્ટેશનની ટેક્નોલોજી પ્રતિદિન અત્યંત મોંઘી અને કડાકૂટભરી બનતી જાય છે. કોલસાની ખાણોના તળ ઊંડાને ઊંડા જઈ રહ્યા છે એટલે સ્વાભાવિક રીતે જ કોલસાની કિંમતમાં પણ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની માફક ક્રમશઃ વધારો જ થતો જવાનો. હાઈડ્રો પાવર પ્લાન્ટ દરેક સ્થળે સ્થાપી શકાતાં નથી. આ સંજોગોમાં અણુવીજળી એ હાલના તબક્કે સસ્તો અને સરળ વિકલ્પ જણાય છે. વિશ્વના અન્ય દેશોમાં પણ અણુવીજળીને પ્રાધાન્ય આપવાનો દૌર એક દાયકાથી ચાલી રહ્યો છે. ભારતમાં હાલ છ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ (જેમાંનો એક પ્લાન્ટ કાકરાપારા, ગુજરાત ખાતે) કાર્યરત છે. બે વર્ષમાં અન્ય ત્રણ પાવર પ્લાન્ટ કાર્યરત થઈ જશે એ પછી ૨૦૨૦ સુધીમાં નવા સાત પ્લાન્ટ માટે સાઈટ શોધાઈ રહી છે.
અણુવીજળીની તરફેણમાં થતી દલીલો પૈકી મુખ્ય દલીલ ગ્લોબલ વોર્મિંગને લગતી છે. ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વીજ ઉત્પાદનનો ફાળો ૪૩ ટકા જેટલો છે. એ સંજોગોમાં વીજ ઉત્પાદનનો એવો વિકલ્પ શોધવો આવશ્યક છે જેમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ન્યુનતમ થતું હોય. અણુવિભાજન વડે વીજ ઉત્પાદનની પ્રક્રિયામાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનની સંભાવના ન હોવાથી અણુવીજળી આદર્શ વિકલ્પ ગણાય છે.
સામા પક્ષે અણુવીજળીને ન્યુક્લિયર બોમ્બનું જ બીજું સ્વરુપ ગણાવીને તેનો સઘન વિરોધ કરનારાઓની દલીલ પણ સંપૂર્ણપણે વજૂદભરી છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વડે જો ગ્લોબલ વોર્મિંગ ટાળી શકાય છે તો સિક્કાની બીજી બાજુએ કિરણોત્સર્ગનો એટલો જ મોટો ભય છપાયેલો પડયો છે. ૧૯૮૬ની રશિયાની ચર્નોબિલ દુર્ઘટનાથી માંડીને હાલમાં ગત વર્ષે જાપાનની ફુકુશિમા દુર્ઘટના સહિતના ઉદાહરણો નજર સામે છે. અણુવીજળી પ્રમાણમાં ઘણી જ સસ્તી પડે છે એ સ્વીકાર્ય હોય તો પણ અણુવીજમથકમાં એક જ અકસ્માત થાય તો થઈ શકતું નુકસાન એ વીજમથકને લીધે થયેલા ફાયદાની સરખામણીએ અનેકગણું નુકસાન સર્જી શકે છે એ ચર્નોબિલ અને ફુકુશીમા અકસ્માતમાં સાબિત થઈ ચૂક્યું છે.
હાલ અણુવીજમથકો સ્થાપવાની બાબતમાં અમેરિકા અને યુરોપિય દેશો મોખરે છે પરંતુ છેલ્લા એક દાયકાથી અમેરિકામાં અણુવીજળી વિરોધી ચળવળ વ્યાપક અને બોલકી બન્યા પછી અમેરિકાએ ૨૦૩૫ સુધીમાં કુલ ૧૯ નવા પ્લાન્ટનું આયોજન કર્યું હતું તેમાંથી ૬ પ્લાન્ટ રદ કરી દીધા છે. ભારતમાં હજુ અણુવીજળીથી થઈ શકતાં નુકસાન વિશે ખાસ જાગૃતિ નથી આમ છતાં કુડાનકુલમ વીજમથકે દેશભરમાં ચર્ચા જગાવી છે એ આવકાર્ય બાબત છે. અણુવીજમથકોની હાનિકારકતા જોતાં ભારતમાં તેના પ્રસાર પર પ્રતિબંધ હોવો જોઈએ એ અંગે ૨૦૦૮માં જાહેરહિતની અરજી થયા પછી સર્વોચ્ચ અદાલતે પણ એ અરજીને ગંભીરતાથી લીધી છે અને ગુરુવારે સુપ્રીમ કોર્ટની ખાસ બેન્ચે સરકારને કુડાનકુલમ વીજમથકમાં કિરણોત્સર્ગ થવાની ટકાવારી, ભયસ્થાનો અને સલામતીના આવશ્યક પગલાંઓ અંગે સંપૂર્ણ વિગતો પૂરી પાડવા આદેશ કર્યો છે.
કુડાનકુલમ જેવા સાવ છેવાડાના ગામે નંખાઈ રહેલો પ્લાન્ટ દેશભરમાં ચર્ચા જગાવી શક્યો તેનું મુખ્ય કારણ એ છે કે આ પ્લાન્ટ સહિત દેશભરમાં અણુવીજળી મથકોનો વિરોધ કરનારાઓ પૈકી કેટલાંક નામો એવા છે જેમની નિષ્ઠા, વિષયનો અભ્યાસ અને સતર્કતા અંગે શંકા થઈ શકે તેમ નથી. કેન્દ્ર સરકારમાં કેબિનેટ સેક્રેટરી રહી ચૂકેલા ટી.એસ.સુબ્રહ્મણ્યમની આગેવાની હેઠળ ચાલી રહેલી 'નો ન્યુક્લિયર' મૂવમેન્ટમાં ભારતીય નૌકાદળના પૂર્વ સેનાપતિ રામદાસ, ચૂંટણીપંચના પૂર્વ મુખ્ય કમિશનર ગોપાલાસ્વામી, વડાપ્રધાનના પૂર્વ મુખ્ય સચિવ વેણુગોપાલ ઉપરાંત અણુશક્તિ પંચના પૂર્વ અધ્યક્ષ પી.એમ.ભાર્ગવ સુદ્ધાં સામેલ છે.
આ દરેક મહાનુભાવોએ સર્વોચ્ચ અદાલત સમક્ષ કરેલી દલીલો મુજબ, ભારતમાં અન્ય દરેક ક્ષેત્રોની માફક અણુવીજ સંબંધિત કાયદાઓમાં જ જબરી પોલંપોલ ચાલે છે. ભારતીય પરમાણુ દાયિત્વ કાનૂન ૨૦૧૦ મુજબ, દુર્ઘટના થાય ત્યારે અસરગ્રસ્તોને સહાય પેટે ચૂકવવાની થતી રકમની મર્યાદા રૃ. ૧૫૦૦ કરોડ નક્કી થઈ છે. નો ન્યુક્લિયર મૂવમેન્ટની દલીલ એવી છે કે દુર્ઘટના થયા પહેલાં જ સરકાર નુકસાની પેટે ચૂકવવાની થતી રકમની ટોચ મર્યાદા કેવી રીતે આંકી શકે? જાનહાનિ ન થઈ હોય તેવા કિસ્સાઓમાં પણ જમીન, પાણી, હવામાં પ્રસરતા કિરણોત્સર્ગને લીધે થતું કુદરતી સંપત્તિનું નુકસાન કોણ ચૂકવશે? અમેરિકાના મોંપેલિઅર વીજમથક ખાતે ૧૯૯૬માં દુર્ઘટના સર્જાઈ ત્યારે જાનહાનિ થઈ ન હતી પરંતુ કુદરતી સંપત્તિને થયેલું નુકસાન કાયમી હતું જેનો કાચો અંદાજ પણ ૩૫ અબજ ડોલરને પહોંચતો હતો.
કાયદાની બીજી છટકબારી તો વધુ ગંભીર છે. કાનૂની જોગવાઈ મુજબ દુર્ઘટના વખતે અણુભઠ્ઠીની ટેક્નોલોજી પૂરી પાડનાર કે મેઈન્ટેનન્સ કરનાર કંપની (જે મોટાભાગે અમેરિકન, ફ્રેન્ચ અથવા જાપાનીઝ હોય છે)ને અકસ્માતના વખતે વળતર ચૂકવવામાંથી સદંતર બાકાત કરવામાં આવી છે.
વિશ્વભરમાં અન્યત્ર ક્યાંય આવી છટકબારી નથી. આ સંજોગોમાં ભારતમાં તો એવી હાલત થઈ શકે કે જેમ અણુઅકસ્માત વધુ થાય તેમ અણુભઠ્ઠીની સપ્લાયર કંપનીઓને વધુ બિઝનેસ મળવાના સંજોગો દેખાય.
આ દરેક દલીલોને ગ્રાહ્ય રાખીને ગુરુવારે સર્વોચ્ચ અદાલતે કરેલી ટકોર બહુ વાજબી છે. અદાલતે સરકારને પારદર્શી બનવા અને દરેક વિગતો આપવા સાથે ઉમેર્યું હતું કે, માત્ર કાયદાથી જ પ્રજાનું હિત જળવાય તે જરૃરી નથી, એ માટે મક્કમ ઈરાદો પણ જોઈએ. જે આ સરકારમાં કમનસીબે વર્તાતો નથી.

Share |
 

Gujarat Samachar Plus

દાગીના ગિરવે મૂકીને મૂર્તિઓ બનાવી પણ વેચાણ થયું નહીં
હિટ ફિલ્મી સોંગના તાલે ગણેશજીની ભક્તિનો ક્રેઝ
ભારતના રંગબેરંગી વસ્ત્રાભૂષણો
હકારાત્મક અભિગમ થકી નકારાત્મક્તાને દુર કરો
જો જો હીલવાળા જોડાથી પગને હાનિ ન પહોંચે
સ્માર્ટ, સેક્સી ફિગર માટે કેટલાક ઇઝી સ્ટેપ્સ
 

Gujarat Samachar glamour

પ્રીતિ ઝિન્ટાની બુરાઈમાં ભલાઈનો અણસાર હતો
કંગના કેસીનોમાંથી ત્રણ લાખ રૃપિયા જીતી
પોપ સિંગર શકીરા માતા બનશે
ખાન ત્રિપુટના પગલે કરીના
શાહરૃખ માટે કોની ઝુલ્ફોની ખુશ્બુ અણમોલ છે ?
રણબીર ફિલ્મના નફામાં ભાગ માંગવા માંડયો
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus
arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved