Last Update : 21-September-2012, Friday

 

તૃણમૂલની ઘટ પૂરી કરવા કોંગ્રેસ નવી શક્યતા ચકાસે છે ત્યારે એડવાન્ટેજ કોને?
મમતા આઉટ તો નીતિશ ઈન?ઃ તુ નહિં તો ઓર સહી

દાયકાઓ પહેલાં નાતનો જમણવાર હોય ત્યારે ભૂદેવો ઘરેથી પતરાળા-પડિયા લઈને નાતની વાડીએ વહેલાં-વહેલાં પહોંચીને પહેલી જ પંગતમાં આસન જમાવી દેતાં. મમતાના ત્રાગાએ રાજકીય નાતમાં પહેલી પંગતનો ફાયદો જમી લેવા રાજકીય પક્ષોને દોડતા કરી દીધા છે

કહેવાય છે કે કૂકડો બોલે તો જ સવાર પડે એવું ન હોય. પરંતુ રાજનીતિનો દબદબો અને ગરજની ગાંઠ એવી સજ્જડ હોય છે કે ક્યારેક કૂકડાને ય પોતાના થકી જ સુરજ ઊગતો હોવાનો વ્હેમ જાગી જાય. તાજેતરમાં યુપીએ સરકારને ટેકો પાછી ખેંચીને પોતાની માગણીઓ પર મક્કમ રહેનાર મમતા બેનર્જીને આ કૂકડા કહેવતનો ગર્ભિતાર્થ સમજાવવા સોનિયા આતુર જણાય છે. મમતાના ત્રાગા અને ટેકો પાછો ખેંચવાના આ નાટક યુપીએ કે એનડીએ, કોંગ્રેસ કે ભાજપ બંનેમાંથી કોઈના માટે નવા નથી. કોંગ્રેસી તરીકે પ. બંગાળનું પ્રદેશ એકમના નેતા તરીકે પણ મમતાએ સિધ્ધાર્થશંકર રાય જેવા હરીફને પછાડવા અનેક વખત તત્કાલિન કોંગ્રેસ પ્રમુખ રાજીવ ગાંધીનું નાક દબાવ્યું હતું. એ પછી બંગાળમાં પ્રણવ મુખર્જી સાથેની રાજકીય દુશ્મનાવટને પણ તેમણે અંગત સ્તર સુધી પહોંચાડી દીધી અને તાજેતરમાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી વખતે ય એ દુશ્મની યાદ રાખીને પ્રણવનો રાયસિના હિલ તરફનો માર્ગ મુશ્કેલ બનાવવાની કોશિશ કરી લીધી. જોકે રિટેઈલમાં એફડીઆઈ અને રાંધણગેસના બાટલામાં ક્વોટાનો ધરખમ વિરોધ કર્યા પછી સરકારને ટેકો પાછો ખેંચી ચૂકેલા મમતા માટે હવે કફોડી હાલત સર્જાઈ રહી છે. યુપીએ સાથે છેડો ફાડી નાંખ્યો છે, એનડીએ સાથે ઘરઘરણું (પુનઃવિવાહ) કરવામાં ભૂતકાળની અનેક ભૂલો નડે છે. રાજ્યમાં મુસ્લિમ વોટબેન્ક પણ ભાજપના પડખામાં બેસતાં રોકે છે. તો પછી જાયે તો જાયે કહાં?
ત્રીજા મોરચાનો વિકલ્પ મમતાના મનમાં કદાચ રમી રહ્યો હોય તો પણ ત્યાં તેમણે મુલાયમ સાથે હરીફાઈ અને ડાબેરીઓ સાથે બેસવાનું થાય. આ બંને વિકલ્પ પૈકી મુલાયમ સાથેની હરીફાઈ મમતા માટે અઘરી અને ડાબેરીઓનો સંગ મમતા માટે અશક્ય છે. હાલમાં મમતા માટે પ. બંગાળમાં સત્તા પર ખૂંપાવેલો ખીલો વધુ મજબૂત કરવાનો મુદ્દો અગ્રેસર છે અને ત્યાં ડાબેરીઓ તેમનાં મુખ્ય અને પરંપરાગત પ્રતિસ્પર્ધીઓ છે. આ સંજોગોમાં ત્રીજા મોરચામાં ડાબેરીઓની હાજરી હોય ત્યારે એ મોરચાના દરવાજે લાલચટ્ટાક જાજમ બિછાવેલી હોય તો પણ મમતા માટે પૂનિત પગલાં માંડવાનું રાજકીય આત્મઘાત બરાબર છે.
મમતાને મનાવવા માટે 'નાદાન પરિન્દે ઘર આજા' પ્રકારના કોંગ્રેસના પ્રયાસો પૂરજોશમાં જારી છે. ગુરુવારના ભારતબંધના એલાનના પગલે કોલકાતામાં મમતા, તેમના વરિષ્ઠ પ્રધાનો અને તૃણમૂલ કાર્યકરોએ જે ઉગ્રતાથી વિરોધ પ્રદર્શનો કર્યા એ પણ કોંગ્રેસને પોતાની તાકાત દર્શાવવાનો જ પ્રયાસ હતો અને એ પ્રયાસ કોંગ્રેસને બરાબર ગળે ઉતર્યો પણ છે. ગુરુવારે સાંજે સલમાન ખુર્શિદ, કપિલ સિબ્બલ અને જનાર્દન દ્વિવેદીની બેઠકમાં રિટેઈલમાં એફડીઆઈ અને રાંધણગેસ-ડિઝલમાં ભાવવધારાના કારણો મમતા પાસે મૂકવા અંગે ખાસ્સી મંત્રણા થઈ.
અગાઉ શુક્રવારે સોનિયા તૃણમૂલના વરિષ્ઠોને મુલાકાત આપવા સંમત હતા તેને બદલે સુદીપ બંદોપાધ્યાય, સુગતરાય સહિતના મમતાના પ્રતિનિધિઓને ગુરુવારે રાત્રે જ સોનિયા સાથે મુલાકાતની ચિદમ્બરમે ઓફર કરી દીધી છે. જોકે મમતા રાંધણગેસના છને બદલે ૨૪ સિલિન્ડર, ડિઝલના ભાવવધારા અને એફડીઆઈના નિર્ણયને રદબાતલ વગેરે માગણીઓ પર મક્કમ છે એ જોતાં કોંગ્રેસ કેટલુંક જતું કરે તો પણ મમતા તેમની પ્રકૃતિ મુજબ નમતું મૂકે તેમ નથી. એ સંજોગોમાં 'દો કદમ તુમ ચલો, દો કદમ હમ ચલે' પ્રકારનું સમાધાન થાય તેવી શક્યતા હાલ પાતળી છે. મમતાની જીદ એટલી નક્કર હોય છે કે એક બાર બોલ દિયા સો બોલ દિયા. એ સંજોગોમાં ચતુર કોંગ્રેસીઓ એક બાજુ મમતાને મનાવવાના ખેલ જારી રાખે છે તો બીજી તરફ મમતા જેટલું જ સંસદમાં સંખ્યાબળ ધરાવતા સાથીદારોની તલાશ પણ પૂરજોશમાં કરી રહ્યું છે. હાલ કોંગ્રેસની પહેલી નજર એનડીએમાં વાડ પર બેઠેલા અને જરાક લાગ મળે તો કૂદી પડવા તત્પર સાથીપક્ષો ભણી મીટ મંડાયેલી છે. મમતા આડા ફાટે તો યુપીએ સરકારનું ભાવિ હાલ મુલાયમ અને માયાવતીના ભરોસે લટકી રહ્યું છે અને આ બેય ભરોસા પોતે સુતરના તાંતણે લટકી રહ્યા છે. એ જોતાં કોંગ્રેસે મમતાના વિકલ્પ તરીકે જયલલિતા અને જનતાદળ (બીજુ)ના નવીન પટનાયકને સાધવાની કોશિશ ક્યારની આરંભી દીધી છે.
લોકસભામાં જયલલિતાના એઆઈએડીએમકેના ૯ અને બીજુ જનતાદળના ૧૪ સાંસદો છે. જો એ બંને એનડીએ સાથે છૂટાછેડા લઈને યુપીએ સાથે નાતરું કરે તો તૃણમૂલના ૧૯ સભ્યોની ખોટ સરભર કરીને સંખ્યાબળમાં બીજા ૪નો ઈજાફો કરી શકે છે. જયલલિતા સામે હાલમાં એન્ફોર્સમેન્ટ, આયકરના અગિયાર કેસની તપાસ નિર્ણાયક સ્તરે છે. વળી, તેમની સામેના રાજકીય હત્યામાં સંડોવણી, ચૂંટણીમાં ભ્રષ્ટાચાર વગેરેના ત્રણ કેસ ડિસેમ્બરમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પર આવશે. કેન્દ્ર સરકાર હાલમાં એ કેસના ભયનું ગાજર બતાવીને જયલલિતાને લલચાવી રહ્યું છે. નવીન પટનાયકને તોતિંગ સહાયનો લોભ છે. ઓરિસ્સા માટે વિશેષ આર્થિક સહાયતા માટે આ વર્ષના પ્રારંભે તેમણે તત્કાલિન નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે બેઠકોનો દોર ચલાવ્યો હતો. તેમની રૃ. ૧૦,૦૦૦ કરોડના પેકેજની માંગ હજુ ય સરકાર અટકાવી રહી છે એ જોતાં જો એ માંગ છૂટી કરાય તો નવીનને પણ પાટલી બદલતા વાર લાગે તેમ નથી.
નવીન પટનાયક કે જયલલિતાનો દાણો જરાક પલળે એ પહેલાં તો નીતિશકુમારે સૌથી પહેલાં પતરાળા-પડિયા સાથે હાજરી આપીને સૌને ચોંકાવી દીધા છે. મંગળવારે સાંજે તૃણમૂલ કોંગ્રેસે ટેકો પાછો ખેંચ્યાનો નિર્ણય જાહેર થયો કે તરત જ નીતિશકુમારે બિહારને વિશેષ દરજ્જો આપવામાં આવે તો પોતે સરકારને સમર્થન આપવા તૈયાર હોવાનું કહી દીધું. જનતાદળ (યુ)ના અધ્યક્ષ શરદ યાદવ અને પક્ષના શાસન હેઠળના બિહારના મુખ્યમંત્રી નીતિશ એનડીએના ધરખમ ઘટક ગણાય છે. શરદ યાદવ અડવાણી, સુષ્મા અને અરુણ જેટલી સાથે અંગત ઘરોબો ધરાવે છે. આમ છતાં નીતિશની આ જાહેરાત આવનારા દિવસોમાં બદલાઈ રહેલા રાજકીય સમીકરણોની સૂચક છે.
સંસદમાં ૨૦ બેઠકોનું જનતાદળ (યુ)નું સંખ્યાબળ જોતાં તે તૃણમૂલની ઘટ આસાનીથી પૂરી કરી શકે તેમ છે. પરંતુ શું નીતિશ કહે છે એવું ખરેખર કરે ખરા? બિહારમાં તેમની વોટબેન્ક અને પરંપરાગત હરીફ લાલુ તેમજ કોંગ્રેસની વોટબેન્કમાં ખાસ ફરક નથી. આ સંજોગોમાં કેન્દ્ર સરકાર ટકાવવા કોંગ્રેસ કદાચ લાલુને નારાજ કરીને પણ નીતિશનો હાથ ઝાલે પરંતુ કોંગ્રેસનો હાથ ઝાલીને નીતિશને ખાસ ચૂંટણીલક્ષી ફાયદો થાય તે શક્યતા નથી. શુક્રવારે દિવસભર રાજકીય નિરિક્ષકોમાં ચર્ચાયેલા નીતિશના બયાનના વિવિધ અર્થઘટનો મુજબ, હાલ નીતિશ પોતાનું આવું હાલકડોલક સ્ટેટસ અપડેટ કરીને છેવટે તો ભાજપ પર દબાણ લાવી રહ્યા છે. વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ભાજપમાં નરેન્દ્ર મોદીનું નામ વારંવાર ઉછળે છે અને સ્વયં નીતિશ પણ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે આગામી ચૂંટણીમાં પોંખાવા આતુર છે. મોદી પ્રત્યેનો તેમનો વિરોધ વારંવાર બહુ બોલકી રીતે વ્યક્ત થતો રહ્યો છે. સામા પક્ષે મોદી પણ ક્યારેક ઉદ્યોગપતિઓના મોંએ તો ક્યારેક ટાઈમ મેગેઝિનના માધ્યમથી સતત પોતાની જાતને ચર્ચામાં રાખવામાં માહેર છે. એ જોતાં નીતિશે સામ, દામ અને ભેદ અજમાવી લીધા પછી હવે છેડો ફાડવાનો દંડ ઉગામીને મોદીનું નામ ઉછાળવા સામે ભાજપને આડકતરી રીતે કડક સંદેશો પાઠવી દીધો હોય તેમ પણ બની શકે.

Share |
 

Gujarat Samachar Plus

નિરમાનું સ્ટુડન્ટસ ગુ્રપ આસામના વિસ્થાપિતોના વહારે
ગર્લ્સને એડલ્ટ ફિલ્મોમાં પડયો રસ
ગર્લ્સ કેન્ટિનમાં હોમમેડ નાસ્તો પસંદ કરે છે
પુરુષની ટાઈ ગર્લ્સના નાજુક ગરદનની શોભા
રેસ્ટોરાંના સંગીત અને લાઇટિંગની અસર પડે છે તમારા ખોરાક પર
ચાય ગરમ, કોફી નરમ
 

Gujarat Samachar glamour

આશા ભોંસલે ગીત સાથે ડાન્સ પણ કરશે
સોનાક્ષી 'બુલેટ રાજા'માં પણ આઈટમ-ગીત કરશે
અમીષા હવે 'સ્વીટ'માંથી 'સેક્સી-ગર્લ' બનવા માંડી
ડિટા વોન ટીજએ પોતાની ખુબસુરતીનું રહસ્ય ખોલ્યું
સલમાનને સાથ આપશે એક પોપટ 'રાધે'
સલમાન હવે કમાલ અમરોહીના પૌત્ર બિલાલને લોન્ચ કરશે
 
 
 
 
 
 
 

Gujarat Samachar POLL

 

The Milk-Man Of India Passed Away

 
webad3 lagnavisha
 

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
plus

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved